bahadur aaryna majedar kissa - 14 books and stories free download online pdf in Gujarati

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 14 - એક અજનબી - 3

આપણે આગળના ભાગમાં જોયું કે, આર્ય અને એની સુપર ગેંગને સોસાયટીમાં ભાડે રહેવા આવેલ આજનબી માણસ શંકાસ્પદ બાબતમાં સંડોવાયેલો લાગ્યો, પણ એની વિરુદ્ધ કોઈપણ જાતના સબૂત વગર કંઈ કરી શકે એમ નહોતા, માટે બધાએ વારાફરથી તે માણસના ઘર પર નજર રાખવાનું નક્કી કર્યું હતું, હવે આગળ..

થોડા દિવસ સુધી કોઈ ખાસ હિલચાલ જોવા ના મળી, પરંતુ એક દિવસ રાહુલને પેલો માણસ, જે સૌપ્રથમ આર્યની સાથે અથડાઈને પછી ભાગ્યો હતો એ રમણીક ભાઈ ના ભાડેથી આપેલા ઘરમાં જતો જોવા મળ્યો, રાહુલે તરત જ આર્ય અને બાકીના બાળકોને ભેગા કર્યા, અને બધાએ સંતાઈને જોયું કે તે માણસ ખૂબ સાવધાનીથી આજુબાજુ જોઈને પછી ઘરમાંથી બહાર નીકળે છે અને ઘરમાં રહેલા માણસને રાતના તૈયાર રહેવાનું કહી જતો રહે છે.

ત્યારબાદ આર્ય વિચારીને બોલ્યો કે જરૂર આ લોકો આજે કંઈ કરવાના લાગે છે માટે આપણે આજે રાતના ધ્યાન રાખવું જોઈએ, તે સાથે ચિન્ટુ પણ બોલ્યો, મિત્રો મને એક આઈડિયા આવ્યો છે જો તમે લોકો મારી વાત સાંભળો તો બોલું, અરે બોલને બધા એક સાથે બોલી ઊઠ્યા, ચિન્ટુ બધાને નજીક ભેગા કરી ધીરેથી પોતાનો પ્લાન સમજાવે છે આખી વાત સાંભળી બધા ખુશ થઇ જાય છે અને કહે છે આ તો ખુબ જ સરસ આઈડિયા આપ્યો,હવે અત્યારથી જ કામમાં લાગી જવું પડશે. ત્યારબાદ આર્ય બધાને કોણે શું કરવાનું તે સમજાવી રાતના પાછા મળવાનું કહે છે, ત્યારબાદ બધા છૂટા પડે છે.

રાતના લગભગ અગિયાર વાગ્યાથી આર્યની સુપર ગેંગ એક્ટિવ થઈ જાય છે અને બધા બે બે જણની ટુકડી બનાવી સંતાઈને જોવા લાગે છે. લગભગ રાતના દોઢ બે વાગ્યાની આસપાસ જ્યારે સોસાયટીમાં સૂનકાર વ્યાપી રહ્યો હોય છે, ત્યારે એક નાનકડી જીપ સોસાયટીમાં પ્રવેશે છે, તે સાથે બધા મનમાં હવે આગળ શું થશે એમ વિચારી રહે છે, એ જીપ પેલા અજનબી માણસના ઘર આગળ જઈને ઉભી રહે છે, અને તેમાંથી ચાર પાંચ માણસો બહાર નીકળી ધીરેથી આસપાસ નજર કરી ઉભા રહે છે અને ત્યાંજ બીજો માણસ પણ ઘરની બહાર આવી ગયો હોય છે. ત્યારબાદ બધા લોકો થોડી વાતો કરી જીપ તરફ આવે છે અને એમાં રહેલો સામાન બહાર નીકાળવા લાગે છે, તેની સાથે આજુ બાજુના ઘર આગળ સંતાઈ રહેલ આર્ય અને બીજા બાળકો અને સાથે પોલીસની ટુકડી પણ બહાર આવી જાય છે, પેલા લોકો પોલીસને જોઇ ભાગવાની કોશિશ કરવા લાગે છે પણ આર્ય અને ગેંગ પોલીસ ની મદદ કરી તમામ લોકોને ઝડપી લે છે.

આજ તો ચિન્ટુ નો આઈડિયા હતો, કે સોસાયટીમાં રહેલા પોલીસવાળા ભાઈની મદદ લેવામાં આવે, સવારે જ્યારે બધા બાળકો છૂટા પડયા ત્યારેજ આર્ય અને ચિન્ટુ, સોસાયટીમાં રહેતા પોલીસ વાળા ભાઈને ત્યાં જઈ તેમને બધી વાત વિગતે સમજાવે છે, પહેલા તો તે આ વાત માનવા તૈયાર નથી થતા પણ આર્યની ઘણી મહેનત બાદ તે વાત માને છે અને જરૂરી મદદ કરવા માટે પણ તૈયાર થાય છે, એના પરિણામ સ્વરૂપે જ આજે આ પુરી શંકાસ્પદ ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળે છે.

પછી તો જીપનો સામાન તપાસ કરતા તેમાંથી ઘણો બધો ગેરમાન્યતા વાળો સામાન, જેમકે દારૂગોળો, બંદૂકો અને એવા ઘણા બધા હથિયારો મળે છે. આખરે આર્ય અને એની સુપર ગેંગની સતર્કતાને કારણે સોસાયટીમાં ચાલી રહેલી આ શંકાસ્પદ હિલચાલ અને એક કુખ્યાત અપરાધીઓ ની એક આખી ગેંગનો પર્દા ફાર્શ થાય છે.

બીજા દિવસે સવારના ન્યૂઝપેપરમાં આર્ય અને એની સુપર ગેંગ છવાઈ જાય છે. શહેરના નવા આવેલા કમિશનર પણ સોસાયટીમાં આવી આર્ય અને બીજા બાળકોને મળી એમનો આભાર માને છે. ત્યારબાદ થોડા દિવસો પછી આ આખી બાળટોળી નું તેમના સાહસિક કાર્ય માટે શહેરમાં એક મોટો કાર્યક્રમ રાખી સન્માન પણ કરવામાં આવે છે, એજ કમિશનરના હસ્તે જેમનો સોહમ એકમાત્ર પુત્ર હતો, તે પણ આ કાર્યક્રમમાં હાજર હતો. આર્ય નું આવું સન્માન થતા જોઈ સોહમ ઈર્ષા થી સમસમી જાય છે.

સોહમ હવે આર્ય સાથે આગળ શું કરશે?

શું પેલી અપરાધી ગેંગનો કિસ્સો અહીજ ખતમ થઈ ગયો હતો કે આ કોઈ મોટી મુસીબત ને નોતરું હતું?

જાણવા માટે જોડાઈ રહો...મારી આ ધારાવાહિક સાથે..


******************
Dhruti Mehta (અસમંજસ)