Vasundhara .... in Gujarati Love Stories by वात्सल्य books and stories PDF | વસુંધરા....

Featured Books
Categories
Share

વસુંધરા....

વસુંધરા...!
🌴🎋🌴
એ દરરોજ સ્ટેજ પર ગાતી:
"હેલ ભરી ને હું તો હાલી ઉતાવળી,મારે હૈયે હરખ ના માય રે.. મારે ઘેર મે'માન આવ્યા"
તેનો આ અતિપ્રિય રાસ હતો.સાચે જ એ જયારે માથે હેલ લે ત્યારે એ જાણે અસલ ગુજરાતણ વેશે કોઈ ઇંદ્રની અપ્સરા આ ધરતીમાં ખાસ ગાવા અને રમવા આવી હોય તેવું જોનાર બધાંને લાગતું.સરસ્વતીએ જાણે આખે આખા મધના ભરેલા ઘડા તેના ગળામાં ઠાલવી દીધા હોય તેવો તેનો સ્વર સૌ સાંભળનારને ગળ્યો લાગતો.ભગવાને એટલી સુંદર ઘડી હતી કે તેને જોતાં જ રહીએ.તે ગાય તો જાણે સાક્ષાત સરસ્વતી લાગે.એ ગરબે ઘૂમતી હોય તો રમનાર સૌ ભાન ભૂલી તેને જોવામાં રમવું ભૂલી જાય.હા તેનું નામ હતું વસુંધરા!સ્કૂલ ભણવા જતી ત્યારથી રાસ ગરબામાં જ રસ.સૌની આગળ થઇને એ ઝૂમતી ત્યારે તેના શિક્ષકો કહેતા આ છોકરી આગળ ખૂબ નામ કમાશે.
એ કોલેજમાં આવી સંગીતના શાસ્ત્રીય રાગ આધારિત વર્ગમાં જવા લાગી.તેના સંગીત શિક્ષકે તેના ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રિત કર્યું.નૃત્ય અને શાસ્ત્રીય સંગીતના તમામ નૃત્યના અને રાગના પ્રકાર ખૂબ ઝડપથી શીખી લીધા.પારંગત થઇ ગઈ.
તે હવે નાના નાના ગામડાઓમાં ગરબા-રાસ માટે આવેદનો સ્વીકારવા લાગી.મ્યુઝિક ગ્રુપ બનાવ્યું.મ્યુઝિકને લગતાં તમામ ઇન્સ્ટ્રુમેન્ટ વસાવી લીધાં.તેના ગ્રુપમાં ચૂનંદા કલાકારોની વરણી કરી.ઊંચા પગાર સાથે તે નાના-મોટાં મ્યુઝિક આલ્બમ બનાવવાનું ચાલુ કર્યું.તેના સાથી મિત્રોમાં તેની કડકાઈ ધીરે ધીરે કઠવા લાગી.તેની.પ્રગતિ બીજાંને ઈર્ષાનું રૂપ આપવા લાગી.તેના પરિવારનાં સૌ કહેતાં કે વસુંધરા આ જગતમાં છોકરા કે છોકરીઓએ એકલાં રહેવું, જીવવું તે સામાજિક દૃષ્ટિએ અયોગ્ય છે.તારી. પસંદગીનું પાત્ર સમય થાય એટલે શોધી લેવું પડે.તું સમજુ છો.કલાકાર છો.તને ગમતો છોકરો તું શોધી લે તો અમને ચિંતા ના રહે.દૂર દૂર આવા પ્રોગ્રામમાં જવું મોડું વેલું આવવું એક કુંવારી છોકરી તરીકે થોડું વિચાર કરવા જેવું ખરું!ત્યારે વસુંધરા જવાબ આપતી સમય આવશે હું તમને કહીશ.મને કોઈ પાત્ર ગમી જશે તો હું તમને કહીશ.એમ કહી સતત વાત ટાળતી.
કચ્છના એક ગામે સરકારી કોલેજમાં પ્રોફેસરની જગ્યા પર તેને નોકરી મળી ગઈ.ભુજમાં ભાડે મકાન મળી ગયું.તેની સંગીત સાધના અને તેનું ગ્રુપ હવે વિખરાવા લાગ્યું.કેમકે નોકરી સાથે પ્રોગ્રામ કરવા પરવડે તેમ નહોતા.ભૂજથી સાઈઠ કિલોમીટર દૂર દરરોજ અપડાઉન કરવું પડતું.પ્રાઇવેટ વહી્કલમાં કાયમ જવું આવવું.થાકી જવું.એકલું એકલું ક્યારેક નોકરી છોડી દેવાનું મન થતું.ગામડે ફરી એ ગ્રુપ સાથે મજા માણવાનું વિચાર કરતી તે એકલી પથારીએ આસું સારી લેતી.હવે તેને તેના જીવનમાં લાઈફ ટાઈમ સહારાની જરુર પડી.મારા પેરેન્ટ્સ કહેતાં કે એકલું નહીં રે'વાય.તે બધાના ઉપદેશ યાદ આવવા લાગ્યા.પણ કોઈ દિશા સૂઝે નહીં.રાત્રે ઊંઘ ના આવી.સવારે સ્કૂલ જવાનું હતું.અર્ધી ઊંઘે સવાર થઇ. Lઆંખ લાલચોળ હતી.શરીર નિસ્તેજ જણાતું હતું.આપડાઉનના સાથી મિત્રો જોડે કાયમ હસી મજાક થતી તે બધા વસુંધરાનો નિસ્તેજ ચહેરો જોઈ પૂછવા લાગ્યા : વસુંધરા આજ કેમ તબિયત સારી નથી? ઠીક નથી? જેનો જવાબ મૌન બનીને તેણીએ આપ્યો.સૌ વધુ સવાલ ન કરવા મનમાં વિચારી સૌ ચૂપ રહ્યા.
સાંજે પોતાના રેંટ પર લીધેલા ઘરમાં આવી. સામાન પૅક કરી રાત્રીની ટ્રીપ કરતી ભુજની બસમાં બેસી પોતાના ગામે પાછી આવી ગઈ.અચાનક નોકરી પરથી સામાન સાથે પાછી આવેલી વસુંધરાને જોઈ સૌ ચોંકી ગયાં.પરંતુ કોઈ બોલ્યું નહીં.બીજો દી' ઉગ્યો.તે સામેથી બોલી મારે નોકરી નથી કરવી.હું રાજીનામું લખીને કાયમ માટે અહીં આવી ગઈ છું.મને મારું સંગીત ગ્રુપ છોડી કશેય નથી જવું.
ફરી તેણે સંગીતના તમામ મિત્રોને મળીને તેણે તેની સાધના ચાલુ કરી.રાત્રીનો સમય હતો.દૂર પ્રોગ્રામ પૂરો કરીને ગ્રુપ વળતું કારમાં આવતું હતું. ત્યાં અચાનક કાર પત્થર સાથે અથડાતાં બ્રેક ફેલ થઇ ગઈ.અને કારમાં સવાર વસુંધરાના સાથી કલાકારો મોતને ભેટ્યા.વસુંધરાને નાની ઈજાઓ થઇ પરંતુ આબાદ બચાવ થયો.તે અરણ્યમાં ખૂબ રડી.તેનું કલ્પાંત સાંભનાર કોઈ ન્હોતું.હિંમત કરી મોબાઈલ ફોન જોડી ઘરનાંને જાણ કરી.તેણીએ અડધી રાતે મૃતદેહને ભારે હૈયે લઇ જઈ અંતિમ સંસ્કાર માટે વિદાય આપી.
ઘણા સમય સુધી એકાંતવાસ બાદ વસુંધરા બહાર આવી.તેના પરિવારે ફરી કોશિશ કરી કે તું હવે તને ગમતો છોકરો જોઈ વિવાહ કરી લે.એકલું રહેવું અમારા બધાં માટે ચિંતાજનક છે.ત્યારે તે એટલું જ બોલી "મને ગમતો હતો તે મારો "વેદાંગ" મને મૂકીને અકસ્માતમાં જતો રહ્યો છે.હવે મને જીવવામાં રસ નથી.તે મને ખૂબ સાચવતો.મારી દરેક મુસીબતમાં તે ઉભો રહેતો. મેં એને વચન આપી દીધું છે.માટે હવે બીજાંને નહીં પરણું.
સૌ સમજાવી થાક્યાં. તે એકની બે ના થઇ! રાત્રે તેના રૂમમાં જઈ સુઈ ગઈ.
સવાર પડી વસુંધરા જે સમયે પ્રભાતે ઉઠતી તે સમયે ઊઠી નહીં.બધાં ચિંતાતુર મુખે બારણું ખોલ્યું.... વસુંધરા..!!! બૂમ પાડી, તેની પથારીમાં જોઈને સૌ હૈયાફાટ રડ્યાં કેમકે "વસુંધરા કાયમને માટે ઊંઘી ગઈ હતી."
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )