Bahadur aaryna majedar kissa - 17 books and stories free download online pdf in Gujarati

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 17 - અજાણ્યો ભય - 1

શિક્ષક દિવસના બનાવ પછી સોહમનું મન થોડું ઘણું આર્ય તરફ ઢળ્યું હતું, છતાં પણ એના મનમાં હજુ આર્ય પ્રત્યે થોડી ઈર્ષા હજુ પણ સમાયેલી હતી.

સોહમ દરરોજ સાંજના એની મમ્મી સાથે શહેરમાં આવેલા ગાર્ડનમાં ફરવા જતો. ત્યાં એના કેટલાક મિત્રો સાથે થોડી ઘણી રમતો રમતો, એ સમયે એની મમ્મી ગાર્ડનમાં જોગિંગ કરતી. એ પૂરા સમય દરમિયાન એના પિતા એ નિયુક્ત કરેલ એક બોડીગાર્ડ હંમેશા એની આસપાસ રહેતો, કેમકે તે કમિશનરનો દીકરો હોવાથી એને પુરી સુરક્ષા આપવામાં આવી હતી.

એક દિવસ રોજની જેમજ સોહમ ગાર્ડનમાં રમવા માટે તૈયાર થઈ ગયો, પણ છેલ્લી ઘડીએ એની મમ્મીને કોઈ કામ આવી પડતાં તે સાથે ના જઈ શકી, પરંતુ સોહમ બોડીગાર્ડ સાથે ત્યાં જવા નીકળી ગયો. તે સાંજે ગાર્ડનમાં ખૂબ ઓછી ભીડ હતી. સોહમના મિત્રો પણ હજુ કોઈ આવ્યા નહોતા. સોહમ ને એના બોડીગાર્ડ થી હંમેશા દૂર રહેવું પસંદ હતું, કેમકે એની હાજરીથી સોહમને ઘણી બધી બાબતોમાં કાળજી અને
પાબંધી રાખવી પડતી હતી. માટે તોફાની અને મનમોજી સોહમ ને પોતાનો બોડીગાર્ડ બિલકુલ પસંદ નહતો.

આજે એની મમ્મી હાજર ન હોવાથી સોહમ ને એક સારી તક મળી અને બોડીગાર્ડ ની નજર ચૂકવી આઘો પાછો થતો સોહમ ગાર્ડનમાં દૂર જઈ પહોંચ્યો. પણ ચાર આંખો એનો પીછો કરી રહી હતી એ બાબતે તે બિલકુલ અજાણ હતો. સોહમ ની પળ પળની ખબર રાખી રહેલા બે લોકો થોડા દિવસથી એનો દરરોજ પીછો કરી રહ્યા હતા. તે લોકો સોહમની હરેક ખબર રાખતા, તે કેટલા વાગે ઉઠ્યો, ક્યાં ક્યાં જતો, કોની સાથે હરતો ફરતો, અને ક્યાંરે ઊંઘી જતો, દરેક પળની નજર એ લોકો રાખી રહ્યા હતા.

આજે સોહમને એકલો જોઈ એ લોકો ખુશ થઈ ગયા, અને એમાંથી એક જણે પોતાનો ફોન બહાર નીકાળી કોઈને ફોન લગાવી વાત કરવા લાગ્યો, ઓકે બોસ કરતો તેણે ફોન મુકીને પોતાના સાથીદાર ને ઇશારાથી આગળ નું કામ સમજાવી દીધું.
તે લોકો ધીરે ધીરે સોહમ તરફ આગળ વધી રહ્યા હતા ત્યાજ સોહમના ખભા ઉપર પાછળથી કોઈ એનો હાથ મૂકે છે, સોહમ ચોંકી ને પાછળ ફરતા જ આશ્ચર્ય ચકિત થઈ જાય છે, એની પાછળ આર્ય ઉભો હોય છે અને ધીરેથી મુસ્કુરાઈ રહ્યો હોય છે. આર્યને સોહમની પાસે જતાં જોઈ પેલા બે લોકો ચેતી ને સાવધાનીથી દૂર જતા રહે છે, અને પોતાનો પ્લાન ફેલ થતો જોઈ થોડા ગુસ્સે પણ થઈ જાય છે.

આર્ય અને એની સુપર ગેંગને આજે બહુ દિવસ પછી શહેરમાં આવેલા મોટા ગાર્ડનમાં રમવા જવાની ઇચ્છા થઈ. બધા બાળકો પોત પોતાની સાઇકલ લઈ સાંજે ગાર્ડનમાં જવા નીકળી પડ્યા. ગાર્ડનમાં પહોંચતા જ બધા બાળકો ખૂબજ ખુશ થઇ ગયા. આર્ય ને ગાર્ડનમાં એક ચક્કર લગાવવાની ઈચ્છા થઈ આવી. ગાર્ડનની લીલીછમ હરિયાળી અને ફૂલોની ખુશ્બૂ માણતો આર્ય ગાર્ડનમાં લટાર મારવા નીકળી ગયો.
ત્યાંજ એને દૂર એક જગ્યાએ સોહમ દેખાયો. આર્ય ખુશ થતો એને મળવા દોડી ગયો. આર્યએ પાછળથી સોહમના ખભા પર હાથ મૂક્યો, તે સાથેજ સોહમ ચમકી ગયો અને પાછળ ફરતા જોયું તો આર્ય ઉભેલો દેખાયો.

અરે સોહમ, hi કેમ છે તું? તું અહીં રોજ આવે છે? આર્ય સોહમને જોઈ ખુશ થતો બોલી ઉઠ્યો.

ઘડીભર તો આર્યને જોતા સોહમને ખુશી થઈ પણ પછી પોતાની અક્કડ યાદ આવતાં, તે મોં મચકોડતા બોલ્યો, હું ગમે ત્યારે આવું એનાથી તને શું મતલબ? તું તારું કામ કર અને મને એકલો છોડી દે.

અરે યાર સોહમ તને એકલો જોયો એટલે હું અહી તને મળવા આવી ગયો, તું ચાલ મારી સાથે રમવા. હું અહીં મારા દોસ્તો સાથે આવ્યો છું, તને અમારી સાથે ખૂબ જ મજા આવશે, આર્યએ સોહમને કહ્યું.

સોહમ થોડો ઈતરાતો બોલ્યો, ના હું મારા મિત્રોની અહીં રાહ જોઈ રહ્યો છું, એ લોકો હમણાંજ આવી જશે, એટલે હું એમની સાથેજ રમીશ. અને પાછું તમારા લોકોની જેવી તેવી રમત પણ મને રમતા નહીં ફાવે, માટે હું મારા મિત્રો સાથે જ બરાબર છું. આ સાંભળી આર્ય થોડો ઝંખવાણો પડી ગયો. આ વખતે પણ સોહમ તરફ લંબાવેલો એની દોસ્તીનો હાથ પાછો પડી ગયો, અને આર્ય ફરી એક વખત પોતાનું મન મનાવી ત્યાંથી નીકળી ગયો.

ત્યારબાદ થોડી જ વારમાં સોહમના મિત્રો આવી જતા પેલા બે અજાણ્યા શખ્સો સોહમને પકડવા માટેની તક જતી રહેતા ગુસ્સે થઈ ત્યાંથી નીકળી ગયા. સોહમ પોતાના મિત્રો સાથે તેની રમત રમવા લાગ્યો, પણ એનું મન તો નજીકમા રમી રહેલા આર્ય અને એના મિત્રોની અવનવી રમતો પર જ લાગેલું હતું. એમની રમત જોતા સોહમને પોતાની રમત બોરિંગ અને ઇન્ટરેસ્ટ વગરની લાગી. પૂરો સમય તેનું મન આર્ય અને એના દોસ્તોની મસ્તી ભરી રમતોમાં જ રહ્યું.

થોડા સમય બાદ સોહમનો બોડીગાર્ડ આવી જતા સોહમ ત્યાંથી ઘરે જવા નીકળી ગયો. સૂતી વખતે પણ આખી રાત સોહમને આર્ય નાજ વિચારો આવ્યા કર્યા. સોહમ માટે આ નવી વાત નહોતી, દરરોજ એને આર્યને કેવી રીતે પરેશાન કરવો તે જ વિચારો આવતા પણ આજે સૌ પ્રથમવાર એને આર્યને મળીને આનંદ ની લાગણી થઇ હતી, અને એને આર્ય માટે કોઈજ નેગેટિવ વિચારો ના આવ્યા.

બીજા દિવસે સોહમ સવારે એક અજીબ શાંતિ સાથે ઉઠ્યો. આજે એને પણ સમજમાં નહોતું આવતું કેમ એને કંઈક અલગ ખુશી મળી રહી હતી. એનું મન જાણે આજે જલ્દીથી સ્કૂલ જવા માટે થનગની રહ્યું હતું. સોહમ ની મમ્મી પણ ઘણા સમય પછી સોહમને એકદમ ખુશ ખુશાલ જોઈ આશ્ચર્યમાં પડી ગઈ.

સોહમ જેવો સ્કૂલે પહોંચ્યો, આર્ય ક્લાસમાં ત્યાં પહેલેથી જ હાજર હતો, અને આટલા દિવસો બાદ સૌપ્રથમવાર એણે આર્ય સામે જોઈ નાનકડી સ્માઈલ આપી. આર્ય પણ સોહમને આમ મુસ્કુરાતો જોઈ ખુશ થયો અને પોતાની બેન્ચ પર જગ્યા કરી આપતા સોહમને સાથે બેસાડ્યો. આજે આર્યને સોહમ કંઈક અલગ જ મૂડમાં લાગ્યો. તે જોઈ આર્ય ખુશ થઈ ગયો અને બંને વચ્ચે કોઈ વાતચીતની શરૂઆત થાય તે પહેલા જ ક્લાસ ટીચર રમેશ માસ્તર આવી ગયા.

હંમેશ મુજબ ક્લાસ ની શરૂઆત પ્રાર્થના સાથે થઈ. પ્રાર્થનાની સમાપ્તિ બાદ રમેશ માસ્તર બોલ્યા, બાળકો આજે તમારા માટે એક ખુશીના સમાચાર છે. આપણી શાળાએ આ વખતે દર વર્ષની જેમ પ્રવાસનું આયોજન કર્યું છે, પણ આ વખતે એક નવી ગોઠવણ કરી છે. આ વખતે ફક્ત પ્રવાસ નહીં પણ સાત દિવસ માટે નજીક આવેલા જંગલમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમને બધાને અલગ અલગ તાલીમ આપવામાં આવશે, અને સાથે સાથે અલગ અલગ ટ્રેકિંગ અને રમત ગમત નું પણ આયોજન કરવામાં આવશે. એટલાં માટે તમારામાંથી જેને પણ એમાં આવવું હોય તે બધા બે દિવસની અંદર પોતાનું નામ નોંધાવી દેજો. આ સાથે જ આખો ક્લાસ ખુશીનો માર્યો ઝૂમી ઉઠ્યો.


કોણ હતા પેલા બે અજાણ્યા શખ્સ? શું તે લોકો સોહમ ને આસાનીથી છોડી દેશે કે પછી પાછા પ્રયત્ન કરશે?
શું કેમ્પમાં સોહમ અને આર્ય ની દોસ્તી ની શરૂઆત થશે? સાત દિવસના કેમ્પ માં બાળકોને કેવી કેવી ધમાલ કરવા મળશે? શું આં કેમ્પ આર્ય અને સોહમ માટે દોસ્તીની ખુશી લઈ આવવાની હતી કે કોઈ મોટી મુસીબત?

*******************
Dhruti Mehta (અસમંજસ)