Bahadur aaryna majedar kissa - 19 books and stories free download online pdf in Gujarati

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 19 - અજાણ્યો ભય - 3

પોતાનો જીગરી મિત્ર રાહુલ પ્રથમવાર આર્ય સામે ખોટું બોલ્યો હતો, તે ખબર પડતાં જ આર્ય ચિંતિત થઈ ગયો જરૂર કોઈ કારણ હશે જેનાથી રાહુલને મજબૂરીવશ ખોટું બોલવું પડ્યું હશે તેમ માની આર્ય પુરી રાત સતત રાહુલના જ વિચારોમાં ખોવાયેલો રહે છે અને રાહુલની ચિંતાનું કારણ જાણવા માટે કોઈ ઉપાય વિચારતો તો રહે છે.

બીજા દિવસે સવારે સ્કુલ જતી વખતે આર્ય એ રાહુલને ફરીથી પૂછ્યું, તારા પપ્પાને વાત કરી પિકનિક માટે? એમણે તને મંજૂરી આપી કે નહીં? રાહુલ ચીડાતો બોલ્યો, અરે મેં કાલે તો કહ્યું હતું તને, કે મારા પપ્પા બે દિવસ માટે નથી, કામ બાબતે બહારગામ ગયા છે, તે આવશે પછી હું પૂછી,શ તું ભૂલી ગયો? આર્યને હવે પાકો વિશ્વાસ થઈ ગયો કે રાહુલ જરૂર એનાથી કંઇ છુપાવી રહ્યો છે એના પપ્પા ઘરે હાજર હોવા છતાં તે ખોટું બોલી રહ્યો હતો.

હવે સોહમ આર્ય સાથે થોડી વાતો કરી મેલજોલ વધારવા લાગ્યો હતો, બંને ધીરે ધીરે દોસ્તી તરફ આગળ વધી રહ્યા હતા સ્કૂલે પહોંચતાં જ સોહમે આર્યને પૂછી લીધું, તું પિકનિક આવવાનો કે નહિ? આર્યને પણ પિકનિકમાં આવવાની મંજૂરી મળી ગઈ છે, તે જાણી સોહમ ખૂબજ ખુશ થયો.

શાળા રાબેતા મુજબ પૂરી થતાં બધા છોકરાઓ પાછા ઘરે જતા રસ્તામાં પિકનિક ની જ વાત કરી રહ્યા હતા. રસ્તામાં બધા ખુબજ ખુશ હતા કેમ કે પિકનિક માટે હવે થોડાક જ દિવસની વાર હતી.

રાતના આર્યન એ પોતાના મમ્મી પપ્પાને રાહુલના પિતા વિશે વાત કરતા સાંભળ્યા, આર્યના પપ્પા એની મમ્મીને કહી રહ્યા હતા કે રાહુલના પિતાને ધંધામાં મોટું નુકસાન ગયું છે તેમ માર્કેટમાં વાત ચાલી રહી છે. આ સાંભળતા જ આર્યને રાહુલનું ચિંતાનું કારણ મળી ગયું અને પોતાના મિત્રને મદદ કરવાનું વિચારતા સુઈ ગયો.

બીજા દિવસે આર્યએ રાહુલ સિવાયના બધા જ મિત્રોને ફોન કરી સાંજે રોહિતના ઘરે ૩૦ મિનિટ વહેલા ભેગા થવા માટે કહી દીધું. જેથી રોજના નિયત સમયે રાહુલ આવે તે પહેલાં આર્ય પોતાના બધા મિત્રોને પોતે બનાવેલા પ્લાન કહી શકે.

હવે પિકનિકમાં જમા કરાવવાની રકમનો છેલ્લો દિવસ હતો અને રાહુલ ખૂબ જ ઉદાસ હતો. તેના સિવાયના બધા વિદ્યાર્થીઓ પિકનિકમાં જઈ રહ્યા હતા, અને પોતે પિકનિક માટેની રકમ જમા કરાવી ના શક્યો હોવાથી પહેલી વખત પોતાના મિત્રો સાથે પિકનિક પર જઈ શકશે નહિ એમ વિચારી દુઃખી થઈ રહ્યો હતો.

થોડા સમયમાં રમેશ માસ્તરે પિકનિકમાં આવી રહેલ બાળકોના નામની જાહેરાત કરી. એક પછી એક બધા નામ બોલાઇ રહ્યા હતા. પણ રાહુલ ઉદાસ થઈને બેસી રહ્યો હતો. ત્યાંજ રાહુલનું નામ બોલાતા રાહુલ આશ્ચર્યચકિત થઇ ગયો. પોતે તો પૈસા જમા કરાવ્યા નહોતા છતાં એનું નામ બોલાતા રાહુલ ખુશ થવું કે શું કરવું તે સમજી શક્યો નહિ.

રાહુલની નજર આર્ય પર પડતા આર્યન મુસ્કુરાઈ રહ્યો હતો, જાણે તે કંઇ કહેવા માંગતો હતો. જેવો રીસેસનો બેલ પડ્યો, રાહુલ તરતજ આર્ય પાસે જઈ પહોંચ્યો અને બોલ્યો, યાર આર્ય મેતો પિકનિક જવા માટેના પૈસા ભર્યા નથી, તો સર એ મારું નામ કેવી રીતે કહ્યું, અને તું આવી રીતે કેમ મુસ્કુરાઈ રહ્યો હતો?

આર્ય એ બધી વિગત રાહુલને સમજાવતા કહી બતાવી. તે જ્યારે કહ્યું હતું કે તારા પપ્પા બે દિવસ માટે બહારગામ ગયા છે, તેજ દિવસે મેં તેમને રાતના જોયા હતા, બીજા દિવસે તને પૂછતા તે જે કહ્યું એના પરથી મને શંકા ગઈ હતી કે જરૂર કોઈ વાત છે જે તું છૂપાવી રહ્યો છે. ત્યારબાદ મેં મારા પપ્પાના દ્વારા જાણ થઈ કે તારા પિતાને બીઝનેસમાં નુકશાની થઇ છે અને મને તારી ઉદાસી અને પિકનિક માં ન આવવાનું કારણ જાણવા મળ્યું. એટલે મેં બધા જ મિત્રોને ભેગા કરી બધી વાત કરી. અમે બધાએ થોડા થોડા પૈસા ભેગા કરીને તારા માટે પિકનિકમાં જવા માટેની રકમ એકઠી કરી સરને તે રકમ આપી તારું નામ નોંધાવી દીધું.

તું અમારો દોસ્ત છે, અને અમે તને આમ છોડીને પિકનિકમાં ના જઈ શકીએ. માટે તું હવે આ બાબત પર કોઈ જ વાતના કરીશ. આપણે બધા દોસ્ત છીએ અને દોસ્તી આવા કામમાં ઉપયોગી ના થાય તો ક્યારે. એટલે તું હવે ખુશ થા અને ઘરે જઈને પિકનિકમાં આવવા માટેની તૈયારીઓ ચાલુ કરી દે.

પોતાના મિત્રોની આવી ઉદારતા જોઈ રાહુલની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને મનોમન આવા દોસ્ત પામવાથી ધન્યતા અનુભવી રહ્યો. ક્લાસના દ્વાર ઉપર ઉભો રહેલો સોહમ આર્ય અને રાહુલ વચ્ચે થયેલી તમામ વાત સાંભળી મનોમન આર્ય જેવા મિત્ર ની ઝંખના કરી રહ્યો.

હવે પિકનિક માટે એક રાત જ બાકી હતી, બીજા દિવસે વહેલી સવારે બધા બાળકો પિકનિકમાં જવા માટે નીકળવાના હતા, બસ હવે ક્યારે સવાર પડે તેની રાહ જોતા બધા સ્વપ્નની દુનિયામાં ખોવાઈ ગયા.

એક બાજુ બાળકો દ્વારા ચાલી રહેલ પિકનિકના પ્લાનની સાથે બીજી તરફ એક બીજો પ્લાન પણ ઘડાઈ રહ્યો હતો. તેનાથી અજાણ આર્ય અને સોહમ પિકનિક માં જવાની મજામાં ડૂબેલ હતા.

આ પિકનિક આર્ય અને સોહમ ની દોસ્તી માં કેવા રંગ પૂરે છે, જાણવા જોડાઈ રહો....

******************
Dhruti Mehta (અસમંજસ)