Nehdo - 19 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 19

બંને ગાર્ડ ગોવાળિયાની નજીક પહોંચી ગયા. તેમાંથી એક બોલ્યો, " આજ વેલી હવારનાં તારી ભેહની મારણની જગ્યાએ ફિલ્ડિંગ ભરવી સી.પણ સામત સાવજ કે રાજમતી સિંહણે દેખા દીધી નહી.હજી હુંધિમાં કિયારેય આવું થયું નથી, કે શિકારની જગ્યાએ બીજે દાડે હાવજ્યું આવ્યાં ના હોય.જરૂર કાંક લોસો પડ્યો લાગે સે."


બીજા ગાર્ડે થોડી કડકાઇથી પૂછપરછ કરી, " તમે કોયે રાતમાં ઈને હડકાર્યા નહિ ને? આજે હાંજે અમે રિપોર્ટ કરશું એટલે હમણાં ગીરમાં ગાડિયું સુટવાની સે. તમારી ભેહ હતી એટલે તમારી ય પુસપરસ થાહે.એટલે જો સામત ક્યાંય દેખાય તોય અમને જાણ કરજો.અમી રાત હુંધી આયા જ સી."


ગેલા એ ગંભીર મોઢું કરી કહ્યું, " ભાય, અમી કોયે ભાળ્યા નહી.ભાળશું તો કેવરાવશું."


આમ કહી ગેલોને બીજા ગોવાળિયા કેડીએ ચડેલા માલ પાછળ ચાલવા લાગ્યા. હિરણીયા નેસનો માલ તે નેસની કેડીએ જ્યારે ડુંગરી નેસનો માલ તેની કેડીએ ચડી ગયો હતો. કનોને રાધી પોતાના માલની પાછળ અલગ-અલગ કેડીએ ચાલવા લાગ્યાં. માલઢોરનાં ચાલવાથી ધૂળની ડમરીનાં ગોટેગોટા ઉડી રહ્યા હતા. રાધી તેનાં નેસ બાજુની કેડીએ ટેકરી ઊતરી રહી હતી. કનાએ એ તરફ જોયું તો રાધી હવે દેખાતી પણ બંધ થઈ ગઈ હતી. આજે હિરણીયા નેસ પહોંચ્યો ત્યાં સુધી આખા રસ્તે કનાને રાધી સાથે રમેલી રમતો યાદ આવ્યાં કરતી હતી. કનાને ગીરમાં આવ્યા પછી અને ખાસ તો રાધી સાથે મુલાકાત થઇ પછી તેની મા હવે બહુ યાદ આવતી ન હતી.


વચ્ચે વચ્ચે તેનો પિતા સાજણ આટો મારી જતો હતો. પરંતુ આટલો સમય વીતી જવાથી કનાને પણ હવે તેનાં પિતા સાથે બહુ લગાવ રહ્યો ન હતો. તેના માટે તો ગેલોને રાજી જ હવે મા બાપ જેવા થઈ ગયા છે. નાનાજી રામુઆપાને નાની જીણી મા સાથે કનાને ખૂબ ફાવી ગયું છે. તેમાં બાકી હતું તો રાધી જેવી ભેરુ મળી ગઈ. બંને ગીરનો ખોળો ખુંદીને મોટા થતા જતા હતા. રાધી કનાને રોજ રોજ ગીરનાં નવાં નવાં પાઠ શીખવતી જતી હતી. સાજણ જ્યારે આવે ત્યારે કનાને પોતાની સાથે કાઠીયાવાડ લઈ જવાની વાત કહે. પરંતુ કનો તૈયાર થતો નથી. તે કહેતો, "મારે તો હવે કાયમ ગીરમાં જ રેવું સે. તમારી હંગાથે નહિ આવવું.".


માલ ઢોરનું કામ પતાવી વાળુપાણી કરી રામુઆપાએ ચૂંગી સળગાવી. ધુમાડાનાં ગોટેગોટા કાઢી રહ્યા છે. રાજી હંજેરો (સાંજે વાળુ કર્યા પછીનું કામ) કરી રહી છે. ગેલો ઓસરીમાં ખાટલે બેઠો બેઠો કંઇક વિચારમાં ખોવાઈ ગયો છે. જીણીમા ફળિયામાં ખાટલે બેઠા બેઠા માળા ફેરવી રહ્યા છે. કનાએ રામુઆપાને કહ્યું, " આપા આજે હાંજે મામાએ ઢોર હાક્યા ઈ વેળાએ બે ગાર્ડ આયા તા. ઈ મામાને પુસ્તા'તા કે તે સામત હાવજને ભાળ્યો સે?આજ આખો દાડો ઈ દેખાણો નહિ.તે... હે...આપા સામત કિયા ગ્યો હહે?"


રામુઆપા ચૂંગિ પીતાં પીતાં કનાની વાત સાંભળતા હતા. તેનાં મોઢા પર ચિંતાની રેખાઓ ખેંચાઈ આવી. રામુઆપાએ ઘડીક ચૂંગી પીવાની મૂકી દીધી. ચુંગી હાથમાં રહી ગઈ. રામુઆપાએ ગેલાને સાદ પાડ્યો," અલ્યા ગેલા આણીકોર આવ્ય તો જરાક"


ગેલો ઊભો થઈ ફળિયામાં રામુઆપાની બાજુમાં ખાટલે આવી બેઠો.


"આ ભાણિયો કે ઈ હાસુ?"


"હા આપા ગાર્ડ મને પૂછતા'તા સામતને રાજમતી સિંહણ આજ આખો દાડો દેખાણા નહીં. તે ઈમાં આપડે હૂ કરવી? જ્યાં ગયા હોય ન્યાથી ગોતી લ્યો તમી!"ગેલો જરાક અસ્વસ્થ થઈ બોલ્યો.


"ઈ તો ઈવડા ઈ ગોતી લે હે. પણ સામતો ગયો ક્યાં હહે? ઈના લખણ એવા છે કે, ઈવડો ઈ હિકારની જગ્યાએથી બે તણ દાડા હલે નહિ ."રામુઆપાએ કહ્યું.


વાતને ટાળવા મથતા ગેલા એ કહ્યું, "શી ખબર આપા!?".


ગાર્ડનાં રિપોર્ટથી આખા ગીરનાં વાયરલેસ ધણધણી ઊઠ્યાં. બધે ખબર ફેલાઈ ગઈ. સામત સાવજ અને રાજમતી સિંહણનાં જેને વાવડ મળે તે તરત ઓફિસે રિપોર્ટિંગ કરે. ગેલાનો હિરણિયો નેસ સામત અને રાજમતીનાં વિસ્તારમાં જ આવતો હતો. આજે આખી રાત ગાડીઓનો ધમધમાટ ચાલુ રહ્યો. ટ્રેકર્સ પણ હાથમાં ટોર્ચ લઈ આ વિસ્તાર ખૂંદી વળ્યા.ગીરનું ગાઢ અંધારું આજે રાત્રે ટોર્ચનાં અંજવાળાથી ચીરાઇ ગયું. ગેલાનાં નેહડે પણ એક ફોરેસ્ટની ટીમ આવી. તેણે ગેલાની અને રામુ આપાની પૂછપરછ કરી. ગીરમાં આજે અજંપા ભરી રાત પસાર થઈ ગઈ.


ખબર નહિ શું થયું? પરંતુ એદણ્યનો શિકાર થયા પછી ગેલેનાં મોઢા પરનું નૂર ઊડી ગયું છે. તે આખો દિવસ કામ કર્યા કરે. માલ ચારીને આવે, ઘરે આવી થાક્યો પાક્યો ઊંઘી જાય. ગેલાની આ ઉદાસી રાજીથી જોઈ જતી ન હતી.રાજીને ગેલાની મસ્તી કરવાનું સુજ્યું.સવારે ભેંસ દોહતી વખતે રાજીએ ભેંસનાં આચળ ધોવા માટે બોઘણામાં રાખેલું પાણી ગેલા પર ઉડાડ્યું. ભેંસ આડે ઊભેલા ગેલાએ ગુસ્સાથી વડકું કર્યું,


" હખણી મર્યને, સાની માની નખરાં કર્યા વગર ભેંહ દોય લે.હામે આપા ઊભા હે.જોતી નહિ?"

રાજીને એમ હતું કે ગમે તેમ કરી ગેલાનાં મોઢા પર ખુશી આવે. પરંતુ રાજીનો આ પ્રયત્ન નિષ્ફળ નીવડ્યો. તે છાનીમાની ભેંસનાં આચળ પાણીથી ધોઈને ભેંસને પારહો મુકાવી દૂધની છેડ્યું દોવા લાગી. ડોલમાં દૂધની છેડ્યું ચર...ઘમ...કરતી જીલાવા લાગી. ડોલમાં ફીણનો થર દૂધ પર તરવા લાગ્યો.

દોહતા દોહતા રાજીનું ધ્યાન ડોલમાં સ્થિર થઈ ગયું. તેને પરણીને નવી નવી આવી હતી તે દિવસો યાદ આવવા લાગ્યા. તે દિવસે વહેલી સવારે રાજીએ ભરત ભરેલી કાળી જીમી( માલધારી સ્ત્રી પહેરે તે કાળી ઊનનો જાડા હાથ વણાટનાં કાપડનો છૂટો ચણિયો), ભરત કામથી મોરલા ભરેલી ચોલી ને ટૂંકી લીલા કલરની ચુંદડી ઓઢેલી હતી. નવાં નવાં પરણેલા હતાં એટલે ઉરમાં કંઈક અરમાન ઉછાળા મારતા હતાં. વહેલી સવારે ગેલો હાથમાં ડાંગ લઈ ભેંસની આડે ઉભો હતો. પાંચ હાથ પૂરો, કસાયેલું શરીર, લાંબુ પેરણને ચોરણો પહેરી સોહામણો લાગી રહ્યો હતો. રાજી ભેંસને પરાહો મુકાવી આંચળ પર પાણી છાંટી રહી હતી. ગેલો ખાણ ખાતી ભેંસની ડોકે ખંજવાળતો હતો. તેનું ધ્યાન ભેંસને ખંજવાળવામાં હતું. રાજીનું ધ્યાન ગેલા તરફ હતું. અચાનક રાજીને રમત સુજી. તેણે બોઘણાંમાંથી પાણી લઈ ગેલાની છાતી પર છાંટ્યું. વહેલી સવારે અચાનક ઠંડું પાણી છાતી પર પડવાથી ગેલાનો શ્વાસ અધ્ધર થઈ ગયો. હવે રાજીને ખબર હતી કે વળતો હુમલો થશે તે ઉભી થઇ ભાગવા ગઈ ત્યાં ગેલાએ રાજીને ઝાલી લીધી. ઉપાડીને ભીંત અડતી કરી દીધી.પછી તેણે રાજીને એવી એવી તો ચોળી નાખી કે રાજી રાતી ચોળ થઈ ગઈ. ગેલાની પકડમાંથી છૂટવું રાજી માટે અઘરું હતું. તેણે બુદ્ધિ દોડાવી, સામે જોઈ એકદમ ગભરાવાનો અભિનય કરી બોલી,
" મેલો, આપા આયા."
ગેલાએ પણ ગભરાઈને તરત તેને છોડી દીધી. ગેલા પાસેથી ભાગીને રાજી જટ ભેંસ દોવા બેસી ગઈ. રાજીનું મોઢુંને ગાલ રાતા ચોળ થઈ ગયા હતા. એ વાત યાદ આવતા આજે પણ રાજીનાં ગાલ રાતા ચોળ થઈ ગયા.

પણ આજે રાજીનાં મોઢા પર આવેલા આ ફેરફાર ગેલાએ જોયો પણ નહીં. કોણ જાણે હમણાંથી ગેલાનું મન ક્યાં ફરતું હતું.!!?

ક્રમશઃ...


લેખક: અશોકસિંહ એ. ટાંક


wts up no. 9428810621