Premni Kshitij - 34 in Gujarati Fiction Stories by Khyati Thanki નિશબ્દા books and stories PDF | પ્રેમની ક્ષિતિજ - 34

Featured Books
Categories
Share

પ્રેમની ક્ષિતિજ - 34

અવિરત સ્નેહને ઝંખતું હ્રદય ઈશ્વર નિર્મિત પોતાને ન ગમતી બાબતોને સ્વીકારી તો લે છે પણ તેના સ્વીકાર વખતે અંતરમનની ઝંખનાઓનું ઉપવન જાણે મુરજાઈ જાય છે.

ભારે હ્રદયે આલય અને મોસમ બંને ઘરે આવ્યા રસ્તામાં બંને ફક્ત એકબીજાના વિચારોનો સહવાસ મન ભરીને માણી લેવા માંગતા હતા.

મોસમ ના ઘર પાસે આવીને.... બન્ને એકબીજાને છેલ્લીવાર સી યુ કહે છે.....

આલય મૌસમને કહ્યું," મારી વાત માનીશ?"

મૌસમે પૂછ્યું," શું?"

" ખુશ રહેવાનો પ્રયત્ન કરીશ?"

" ના કારણ કે હવે ખુશ રહેવાનો કોઈ અર્થ નથી. હું તારી, ડેડની અને ઈશ્વરની ઈચ્છાને સ્વીકારી લઉં, તેનો અર્થ એવો નથી થતો કે હું તારું સ્થાન કોઈને આપી દઉં કે હું બધું જ ભૂલી જાવ."

" એમ ક્યાં હું કહું છું."

" પણ તેનો અર્થ એમ જ થાય છે આલય, તે મારા શરીરને નહીં પરંતુ આત્માને સ્પર્શ કર્યો છે. અને મારો આત્મા મૃત્યુ પછી પણ ફક્ત તને જ ચાહશે અને ઈચ્છશે. પરંતુ હા આ મૌસમ હવે તારા સુખી ભવિષ્યની પ્રાર્થના હંમેશા કરશે પણ ક્યારેય તારા પરિવારની ચિંતાનું કારણ નહીં બને."

" મારી ખુશીમાં જ મારા પરિવારની ખુશી છે, હું જે પણ નિર્ણય લઉં છું તે ફક્ત અને ફક્ત તારા સુખી ભવિષ્ય માટે લઉં છું. હું નથી ઇચ્છતો કે મારો પ્રેમ તને નિર્બળ બનાવે. બસ આ એક જ કારણ છે તને બીજાની દુનિયા બનાવવાનું. મારી દુનિયા તો આજે જ ખતમ થઇ ગઇ."

મૌસમે કહ્યુ," મને એક પ્રોમિસ કરીશ?"

આલય બોલ્યો," એક પ્રોમિસ તો શું જે જોઈએ તે કહે?"

મૌસમે આલયનો હાથ હાથમાં લઈ કહ્યું, " જેમ મારા સુખમાં તારી મહેચ્છાઓ જોડાયેલી છે તેમ હું પણ તારું ભવિષ્ય સુખી કલ્પીને જવા માંગુ છું."

આલય બોલ્યો," હું કંઈ સમજ્યો નહીં."

મૌસમ બોલી," સમજવાનું કાંઈ નથી બસ મને એટલું વચન આપવાનું છે કે મારા ગયા પછી જ્યારે તારી ઈચ્છા થાય ત્યારે, જ્યારે તમે મનગમતું પાત્ર મળે ત્યારે, તારે લગ્ન કરી લેવાના છે નહીંતર જાણે-અજાણે તારા મમ્મી પપ્પાને દુઃખી કરવાનું પાપ મને લાગશે."

મૌસમ, મારું મનગમતું પાત્ર તો મારી સામે છે..... મે તારી સાથે જ મારા લગ્નના સપના જોયેલા છે મોસમ, મારી કલ્પના અને વાસ્તવિકતાનું પાત્ર બંને એક જ છે, તો હવે હું કેવી રીતે કોઈ અન્ય સાથે સુખી રહી શકું?"

મૌસમ બોલી, "બસ તો હવે આ જ બાબત મને પણ એટલી જ લાગુ પડે છે. ડેડની ઈચ્છા અને તારી ઈચ્છા બધાને સાઈડમાં મુકીને ચાલ આપણે જ બંને લગ્ન કરી લઈએ આગળ જોયું જશે જે થશે તે."

આલય મૂંઝાઈ ગયો..... શું કહેવું કંઇ સમજમાં ન આવ્યું."પ્લીઝ મોસમ મને ચિંતા થાય છે મારી અને તારી, અને આપણા બન્નેના ભવિષ્યની."

મૌસમે કહ્યું," મારી ચિંતા તું છોડી દે મારા ભવિષ્યમાં તકલીફ તો રહેવાની જ છે અને એ જ કારણથી હું આ તકલીફો તને દેવા નથી માંગતી. પરંતુ આ બાબતમાં હું તારો અભિપ્રાય માંગું છું તને જેમ ઠીક લાગે એમ જ આપણું ભવિષ્ય નિશ્ચિત કરીએ."

આલય કહે," મને માફ કરી દે હું થોડો વધારે ઈમોશનલ થઈ જાઉં છું મારા સ્વાર્થ માટે હું તને બાંધવા માંગતો નથી. મારા ઘરની પરિસ્થિતિને પણ હું જાણું છું, મારા મમ્મી એક આદર્શ વહુ ઈચ્છે છે. અંકલ જીવતા હોત અને તને હું પત્ની બનાવીને લઈ ગયો હોત તો તારે ફક્ત મારી પત્ની બનીને રહેવાનું આવત પરંતુ હવે ની પરિસ્થિતિ જુદી છે તારે તારા પપ્પાના બિઝનેસ પ્રત્યે પણ એટલી જ ફરજ બજાવવાની છે. અને મને ખબર છે ત્યાં સુધી મારા ઘરે તું તેવી સ્વતંત્રતા ભોગવી શકીશ નહીં અને લાંબા ભવિષ્યમાં હું તને કદાચ એવી સુખી નહીં જોઈ શકું. અને હું એ જ મુક્ત મોકળાશમાં વિહરતી મારી મનગમતી મૌસમને જોવા માંગું છું. "

મૌસમ હસવા લાગી, " આજે તો તું એ મોસમની છેલ્લી યાદગીરી સાથે લઈ જાય છે. કાલથી એક નવી જ મોસમ જન્મ લેશે અને ભવિષ્યમાં પણ તું મોસમને ફરીથી કદાચ મળીશ તો તું મને ઓળખી નહિ શકે."

આ સાંભળી આલયની આંખોમાં પાણી આવી જાય છે મૌસમને ભેટી પડે છે કદાચ છેલ્લી વખત તેના શ્વાસની સુગંધ જીવનભર માટે શ્વાસોમાં ભરી લેવા માટે......

મોસમ પણ રડી પડે છે પરંતુ તરત જ જાતને સંભાળી આલયને અલગ કરી દે છે. બસ આલય હવે નહીં. એક મિનિટ પણ જો હું વધારે તારી સાથે રહીશ તો મારા નિર્ણય ડગી જશે. આપણા નિર્ણયની અને બંનેના સમાધાનની સાર્થકતા ત્યારે જ પૂર્ણ થશે જ્યારે હું તને ભવિષ્યમાં ખુશખુશાલ દાંપત્ય જીવન જીવતો જોવું...."
આમ કહી મોસમ સડસડાટ પાછળ ફરી એક પણ વખત જોયા વગર બંગલામાં પ્રવેશી બારણા બંધ કરી દે છે.

આલય ત્યાં ને ત્યાં જ નીચે જમીન પર ફસડાઈને બેસી જાય છે. જોઈ રહે છે પોતાની મનગમતી મૌસમને જતાં ....પોતાનું સુખ જાણે હાથમાંથી સરકી રહ્યું છે..... અત્યાર સુધી સાચવી રાખેલી બધી ધીરજ, સમજશક્તિ અશ્રુ વિરહ રૂપે વહી રહી.......

મૌસમ જાણે તૂટી ગઈ, બારણા બંધ કરીને ચોધાર આંસુએ રડવા લાગી. આજે પોતે ખરેખર એકલી થઈ ગઈ હોય તેવો અનુભવ થયો. ત્યાં જ લેખાનો ફોન આવ્યો

લેખાએ કહ્યું," હેલ્લો મૌસમ હું અને નિર્ભય કાલે સવારે આવીએ છીએ."

મૌસમ ને જાણે જીવમાં જીવ આવ્યો," થેન્ક્યુ લેખા તું જલ્દી આવી જા."

મૌસમ ફોન તો મૂકી દે છે પણ મન તરત જ કાલ સવાર નું ગણિત ગણવા માંડે છે. આજથી જ હવે આલય અને તેના સંસ્મરણોને ક્યારેય કોઈની સામે વ્યક્ત થવા દેવા નથી.એક દ્રઢ નિશ્ચય કરી અતુલ અંકલને ફોન લગાડે છે."હેલો અંકલ મૌસમ બોલું છું, હું મારી રાજીખુશીથી શૈલ સાથે લગ્ન કરવા તૈયાર છું, પરંતુ મારી ઈચ્છા છે કે લગ્ન ખૂબ જ સાદાઈથી થાય અને હું જલદીથી ઇન્ડિયાને છોડી દેવા માંગું છું. કારણ કે અહીં રહીશ ત્યાં સુધી ડેડના દુઃખમાંથી મુક્ત નહીં થઈ શકું.

અતુલ ખુશ થઈ જાય છે,"જેવી તારી ઈચ્છા મોસમ. હું તો એટલે જ ખુશ છું કે શૈલની જિંદગી સુધરી જશે."

અને હંમેશા વરસાદના ફોરા સાથે નાચતી કૂદતી મોસમ જાણે આજે બદલાય જ ગઈ.....

શું મૌસમ લેખાને પોતાના ભૂતકાળ વિષે વાત કરશે?

જાણવા માટે વાંચતા રહો પ્રેમની ક્ષિતિજ.....

(ક્રમશ)