From the window of the shaman - 17 in Gujarati Fiction Stories by Ketan Vyas books and stories PDF | શમણાંના ઝરૂખેથી - 17. વહેણનાં હલેશે શમણાં વહે..

શમણાંના ઝરૂખેથી - 17. વહેણનાં હલેશે શમણાં વહે..

૧૭. વહેણનાં હલેશે શમણાં વહે..



... પફુલ્લિત થયેલા મનને છેલ્લા અમુક દિવસથી થતાં શ્રમ કે ઉજગરાની કોઈ પરવા નહોતી. નવાં કુટુંબમાં, નવી જગ્યાએ, સુહાસના ઓરડામાં; કે જ્યાંથી નવા જીવનની શરૂઆત થઈ ચૂકી હતી; ત્યાં આ પહેલી પ્રભાત હતી. આંખો ખોલીને થોડી વાર તો સુહાસ તરફ ક્યાંય સુધી જોતી રહી. તેમના ચહેરા પર એકદમ સરળતા નીતરી રહી હતી. તેમનું નિંદ્રાધીન મુખ જોઈને આંખોમાં ઠંડક વળતી હોય તેવું લાગતું હતું. આભાર અને ગર્વના ભાવ સાથે તે જોતી રહી અને વિચારતી રહી..., અને વિચારો ભાવી જીવનની શરૂઆતની કલ્પનાઓમાં દોરી રહ્યા હતા..

.. રૂમની બહાર નીકળીને શું કરવું? કેવી રીતે બધાની સામે જઈને ઉભી રહીશ? શું વાત કરીશ? કેવી રીતે વાત કરીશ? મેઘાબહેન હશે તો ટેકો મળી જશે જ ને! રસોડામાં પણ કંઈક કામ તો હશે જ ને? આ ઘરમાં કંઈક રીતિ-રિવાજ હશે..! સુહાસ જાગી જાય તો સારું! એમને પૂછી તો લઉં કે પહેલા દિવસે મારે શું કરવાનું..? કદાચ અહીંના કુટુંબમાં કોઈ નવી પદ્ધતિ હોય તો મને ખબર તો પડે..! " સુહાસની સામે નજર તો હજુય માંડેલી હતી. તેના હલન-ચલનથી વિચારોએ દિશા બદલી.." એ ઉઠે તે પહેલાં તૈયાર તો થઈ જવું જોઈએ..મોડું થશે તો બધા શુંય વિચારશે..?

હૃદયમાં સંકોચનો ભાવ જાણે ફરી વળ્યો હોય તેમ ઓશિકામાં માથું દબાવી દીધું. એ જ સમયે માથા પર થોડો ભાર આવ્યો હોય એવું લાગ્યું. સુહાસનો હાથ જોઈને રાહત થઈ. પણ એ હજુ ઊંઘમાં જ હતા. હાથને ધીમેથી હટાવીને ઉભી થઇ બાથરૂમમાં જતી રહી..

નાહીને તૈયાર થઈ ગઈ. સુહાસની ઊંઘ હજુ પુરી નહોતી થઈ. રૂમના ચારે ખૂણે નજર કરી. પોતાનો રૂમ ઘણો મોટો હતો. એક ખૂણાની બાજુએ એક દરવાજો હતો, જે એક મોટી બાલ્કનીમાં ખૂલતો હતો, જે ઘરની પાછળનાં બગીચાની દિશામાં હતો. બાજુની બારીમાંથી બાલ્કનીની ઊંચાઈ સુધી પહોંચેલ દાડમનું ઝાડ દેખાતું હતું. બીજા એક ખૂણામાં આસોપાલવનું ઝાડ પણ હતું. બાલ્કનીના એક ખૂણામાં ગુલાબના ત્રણેક છોડ હતા. બે છોડમાં થોડા સુંદર મજાના ફૂલ હતા. નજરે આખા ઘરમાં ચક્કર લગાવી લીધી અને પછી ટેબલ પર રાખેલા પોતાનાં મિત્ર જેવા અરીસા પર પડી. અરીસામાં એક પરિણીતાનો ચહેરો મુસ્કાન પાથરી રહ્યો હતો. બાજુમાં પડેલી ઘડિયાળમાં સાત વાગ્યા હતા. "હવે, સુહાસ જાગી જાય તો સારું!" અરીસાની સામે સુહાસની નજીક જઈને બેસી ગઈ.

બારણેથી આવેલ મેઘાબહેનના 'ભાભી.., ભાઈ.., સુહાસભાઈ, તૈયાર થઈ વહેલા નીચે આવી જજો.., મંદિરે જવાનું છે." શબ્દોએ દિવસની શરૂઆત આસાન કરી દીધી હતી. સુહાસની સાથે બેઠક રૂમ સુધી પહોંચતા સુધીમાં તો મનની મૂંઝવણ, બેચેની અને સંકોચ પગને જાણે જકડી લીધા હતા. પણ, મેઘાબહેન તે બંધન હળવા કરવામાંય સહાયક સાબિત થયા. "ભાભી આવી ગયા." એમ કહી એણે સામે આવીને નમ્રતાનો હાથ પકડી દોરી લાવી. અત્યારે સુહાસ કરતા નણંદ સાથે ચાલવામાં વધુ મોકળાશ લાગતી હતી. બધા સાથે ચા-નાસ્તાની પહેલી સવાર જૂના અનુભવોથી સાવ જુદી હતી. એ સમયે પુરા દિવસનો કાર્યક્રમ પણ નક્કી થઈ ગયો હતી. ટ્રંક ખોલવાની એક સામાન્ય પરંપરામાં બેએક કલાક પસાર થયા. વહુ દ્વારા લવાયેલ ભેંટનું વિતરણ કરવાનું. એ કાર્યક્રમ પત્યા પછી, ઘરના સૌ મુખ્ય સભ્યો તૈયાર થઈને માતાજીના મંદિરે દર્શન કરવા નીકળી ગયા.

સુહાસના કુટુંબની પરંપરા પ્રમાણે નવપરિણિત દંપતીને મંદિરે જવાનું, વહુને પહેલી રસોઈમાં માત્ર લાફસી બનાવવી, નજીકના સગા-સંબંધીઓના ઘરે આશીર્વાદ લેવા તેમજ જમવા જવાનું; જેની શરૂઆતની તૈયારીઓ થઈ ચૂકી હતી. મંદિરે જતાં રસ્તામાંજ 'કોને ત્યાં, ક્યારે જવું' ની ચર્ચાઓ ચાલતી હતી. નમ્રતા પોતાના સાસુ-સસરાને અગાઉ તો મળી જ હતી, પણ વ્યવહારીક આયોજનો અંગેની ચર્ચા દરમિયાન એમનો પરિચય થઇ જતો હતો. કુટુંબના સભ્યો તરીકે સાસુ-સસરા, સુહાસના ફોઈ - આશા ફોઈ, નાનો ભાઈ અંકુશ અને બહેન મેઘા; આટલા સભ્યો વરઘોડિયા સાથે મંદિરે પહોંચ્યા હતા. દર્શનનું કાર્ય પતાવીને ઘરે પરત ફરતી વખતે જ ફોઈએ નમ્રતાને કહ્યું..

"બેટા, હવે આ અઠવાડિયે અમારા ઘરે આવી જજો"

નમ્રતાએ સુહાસ તરફ અને સાસુ તરફ નજર કરી.

સાસુએ વાતનો દોર સંભાળ્યો, "હા, એતો આવી જશે. આમેય છોકરાંને પંદર દિવસની જ રજા મળી'તી. આઠેક દિવસ માંડ બચ્યા છે. હજુ એક દિવસ માવતર જઈને આવી જાય, પછી બધું ગોઠવતાં રહીશું."

માવતર જવાની વાતથી નમ્રતાના કાન સતેજ થઈ ગયા, પણ મુખ પર કોઈ ભાવ ન આવે તેની કાળજી રાખી. તેણે જોયું કે ફોઈની આંખોતો એવી ફરતી રહેતી હતી કે એમના ધ્યાનમાં કંઈ આવ્યા વગર રહે જ નહીં.

"હા, એ તો છે જ ને! વ્યવહારમાં જેમ થતું હોય તેમ કરી દેવાનું." ફોઈએ સહમતી આપતા કહ્યું.

નમ્રતાની નજર દરેકની વાતો, હાવભાવ ને સ્વભાવનું નિરીક્ષણ કર્યા કરતી હતી. એ મૌન બેસીને જોયા કરતી હતી. ગાડીના કાચની બહારની દુનિયા તરફ નજર હતી ને ધ્યાન હતું વાતોમાં - સાસુની અને ફોઈસાસુની વાતોમાં. ત્યારે મેઘાએ ભાભીનું ધ્યાન ખેંચ્યું.

"ભાભી, જુઓ સામે.., રીવર ફ્રન્ટ.., આ જગ્યાએ ફરવાનું મને બહુ જ ગમે..! તમે તો આવ્યા હશોને?"

સુહાસ તરફ નજર કરી નમ્રતાએ માત્ર ડોક હલાવીને મેઘાના પ્રશ્નનો જવાબ આપી દીધો.

* * * * *
ઘરે પરત ફર્યા. નમ્રતાએ પ્રથમ વાર રસોડામાં પગ મૂક્યો. ન સમજાય તેવી લાગણી થતી હતી. રસોડાનું કામ તો એણે કંઈજ નહોતું કરવાનું - લાફસી બનાવવા સિવાય. લાફસીનો અનુભવ થોડો ઘણો તો ખરો, પણ અહીં જવાબદારી હતી. આ રસોડું મમ્મીનું નહોતું. બધી વસ્તુઓ અલગ રીતે ગોઠવાયેલી હતી. સાસુની સાથે મળીને કામ કરવાનું હતું. પોતાના અભિપ્રાય કે પ્રયોગોને રજૂ કરવાનો પણ ડર હતો. પણ, કોઈ તકલીફ વગર જ બધુ ગોઠવાય ગયું. ને પ્રથમ દિવસ સરસ રીતે પસાર થઈ જતા, નમ્રતાએ એકાંત મળતાં જ ઊંડો શ્વાસ લીધો.

"થેન્ક ગોડ. કેટલી હળવાશ લાગી. લાફસી પણ બધા ને ગમી. ઘરમાં ફોઈ સાસુનું ફેમિલી હતું. બપોરે બેઉં કાકા સસરાનું ફેમિલી પણ હાજર હતું. અંકુશભાઈને અને મેઘાએ પણ લાફસી વખાણી. બસ, એમને ગમ્યું કે નહીં એ ખબર ન પડી. એમણે તો બધાની વચ્ચે કાંઈ વાત જ ન કરી. વાત કરશે જ ને, ત્યારે નહીં તો હવે કરશે? "

રાતે સુહાસે આખા દિવસની વાતોને યાદ કરી, લાફસીની વાત ઉખેડી. "બધા કહેતા'તા કે લાફસી સારી છે. એમતો મને પણ ગમી."

"તો કેમ ત્યાં ન બોલ્યા?"

"બોલ્યો તો હતો. તારું ધ્યાન ન હોય તો હું શું કરું?" સુહાસે બચાવ કર્યો.

"ક્યારે? મેં તો સાંભળ્યું જ નથી."

"નાના કાકા અને મેઘાએ જ્યારે કહ્યું, 'લાફસી સરસ છે. ને.., પછી મને લાફસી નથી ગમતી તો પણ મારે ખાવી જોઈએ એવું મેઘાએ કહ્યું..', યાદ છે?

નમ્રતાએ કહ્યું 'હા.'

"મેં કેમ ખાધી, વિચાર જો? અને બીજી વાર પણ થોડી લીધી"

"તો બોલીને કહેવું જોઈએ ને કે.. 'સરસ છે'"

સુહાસે પણ સામે પ્રસન્ન કર્યો, "બોલવું જોઈએ એમ? તો એક વાતનો જવાબ આપ."

"શું?'

"રીવર-ફ્રન્ટના પાણીમાં તું શું બતાવતી હતી, આપણે એક વાર ત્યાં બેઠા હતા ત્યારે?"

નમ્રતાએ સામે પડેલા અરીસા તરફ આંગળી કરી. "સામે જુઓ."

સુહાસે એ તરફ જોયું. અરીસામાં બેઉની પ્રતિકૃતિ દેખાતી હતા - નજીક બેઠેલ. સુહાસે તરત જ, કંઈક યાદ આવ્યું હોય તેમ, કહ્યું. " અરે આજે મને યાદ જ ન રહ્યું. કાલે અરીસો ગોઠવી આપીશ. સોરી, હો!"

નમ્રતાએ પણ વાતને બહુ ન ખેંચી. ઉભા થઇ એક રૂમાલ અરીસા પર ઢાંકયો, "આ ને જાગવાની બહુ ટેવ છે. એને ઊંઘ આવતી જ નથી"

સુહાસે પણ પોતાના પ્રસન્નના જવાબની કોઈ જીદ ન કરી. સુહાસે બેસીને કુટુંબની વાતો કરી. ત્રણ-ચાર દિવસ વડીલોને મળવાના કાર્યક્રમની વાતો કરી.

નમ્રતાના મનમાં પ્રશ્ન ચાલ્યા કરતાં હતાં..," સુહાસે લગ્ન પછી ક્યાંય ફરવા જવાનું પ્લાન કર્યું હશે કે નહીં? કે પછી એ પણ સરપ્રાઈઝ હશે?" પણ તેણે એ વિશે કાંઈ પૂછવાનું મન ન થયું - યોગ્ય પણ ન લાગ્યું. બેઉની વાતો ચાલતી રહી. સમય પણ પસાર થતો રહ્યો.

સુહાસની સાથેનું નમ્રતાનું જીવન શરૂ થયું. કુટુંબના કેટલાય સભ્યો સાથે પરિચય થતો રહ્યો.

બીજા દિવસે મમ્મી - પપ્પાના ઘરે પણ જઈ આવી, સવારથી સાંજ - બસ! તેડવા માટે કાકાને મોકકેલ અને સાંજે સુહાસના ઘરેથી અંકુંશ અને મેઘા આવીને લઈ ગયા. નમ્રતાને પોતાના ઘરે જઈને એક દિવસમાં જ હળવાશની લાગણી, મમ્મી-પપ્પાનો સહવાસમાં હૂંફભરી સાંત્વના અને હિમ્મતભર્યા વચનો - એ બધું નવા કુટુંબમાં સેટ થવા માટે એકઠું કરી લીધું હતું. જીવન ખૂબ અલગ જ લાગવા માંડ્યું હતું. પપ્પાના ઘરમાં એક દીકરી તરીકે અને પતિના ઘરમાં એક કુટુંબની વહુ તરીકે; વ્યવહાર, વિચાર, જવાબદારી - બધું જ બદલાય જતું હોય છે; જે લગ્ન પછી પહેલી વાર ઘરે જઈને પરત ફરતા આપોઆપ સરખામણી કરતા આવડી જતું હોય તેવો તેને અહેસાસ થયો.

કુટુંબના વ્યવહારો, સગા-સંબંધીઓને ત્યાં અવર-જવર, મુલાકાતો, ભોજન, આશીર્વાદ - લગ્નની શરૂઆતના દિવસોને સંપૂર્ણ વ્યસ્ત કરી દેતા હતા.

ત્યારબાદ, સગા-સંબંધીઓના ઘરે જઈ મળવા અને ભોજન માટે જવામાં ચારેક દિવસ નીકળી ગયા. એક દિવસનો કાર્યક્રમ અંબાજી જવાનો થયો. લગ્ન પછી એક સપ્તાહનો સમય કેમ પસાર થતો ગયો તેનો ખ્યાલ જ ન રહ્યો. નવા ઘરમાં સુહાસ સિવાય જો કોઈની સાથે વધારે સમય પસાર કર્યો હોય તો એ મેઘા હતી. સુહાસનો નાનો ભાઈ અંકુશ ખૂબ ઓછાબોલો હતો. તેણે અમદાવાદમાં જ રહીને કોલેજનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેં પણ ક્યારેક ક્યારેક સાથે બેસીને વાતો કરે, પણ જેટલું પુછાય તેટલો જવાબ આપે. મેઘાને પણ હોસ્ટેલ જવાનો સમય થઈ ગયો હતો. બીજે દિવસે જવાની તૈયારીમાં તેણે એક આખી બપોર ભાભી સાથે પસાર કરી. તેને પણ ભાભી સાથે માયા બંધાઈ ચુકી હોય તેવું સ્વાભાવિક રીતે દેખાય આવતું હતું.

નમ્રતાને સુહાસ સાથે ક્યાંય ફરવા જવાનું થાય તેવી ઈચ્છા થયા કરતી હતી. ઘરમાં કોઈએ પણ આવી ચર્ચા નહોતી ઉખેળી. આ સંદર્ભે સુહાસ સાથે વાત કરવાની તેને ઈચ્છા થઈ રહી હતી. "આજે શક્ય લાગે તો વાત મૂકી જોઇશ" પોતાની ઈચ્છાને મનોમન વિચારી જોઈ. બે-ત્રણ વાક્યો પણ ગોઠવી જોયા. બસ, કામથી પરવારી સુહાસ સાથે બેસીને વાત થાય તેની રાહ હતી.

....ક્રમશ:

Rate & Review

Sheetal

Sheetal 10 months ago

Dina Makwana

Dina Makwana 10 months ago

Prafulla Chothani

Prafulla Chothani 10 months ago

Jagdishbhai Kansagra
Jitendrasinh Vala

Jitendrasinh Vala 10 months ago