educationl philosophy in 21st centuary books and stories free download online pdf in Gujarati

એકવીસમી સદીની કેળવણી

આજની તારીખે આપણે જ્યારે એકવીસમી સદીના બીજા દશકમાં પ્રવેશ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે ગુણવત્તાસભર શિક્ષણએ સમાજની અને રાષ્ટ્રની અભિન્ન જરૂરિયાત બનતું જાય છે. આવો માહોલ બનાવવાની સર્વની જવાબદારી બનતી જાય છે અને વધતી પણ જાય છે. આજના માતા-પિતા એક વાલી તરીકે પોતાની જવાબદારીઓ માંથી છટકી શકે નહીં. માત્ર શાળાઓ થકી જ શિક્ષણની આ જ્યોત પ્રજવલિત રાખી શકાય એવું કહેવામાં થોડો વિવેકભંગ થતો જણાય છે.

અત્યારના આ સમયગાળામાં બાળકનું શિક્ષણ એ શાળા-કોલેજોની સાથે સાથે ઘરની અને સમાજની પણ સંયુકત ભાગીદારી બનતું જાય છે. જીવનના દરેક તબ્બકે વિધાર્થી કે યુવાનને ઘરના સાથ અને સહકારની આવશ્યકતા રહેવાની જ છે. જો શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન પૂરતુ જ કે વાંચવા લખવા સુધી જ સીમિત હોય તો અને તો જ તેને શાળાની જવાબદારી ગણી શકાય, પણ બદલાતા સમયની સાથે આજનું બાળક અને આજનો નવયુવાન પોતાના વિચારો અને વર્તનમાં પરિવર્તન કેળવવાનું ઘરેથી પણ શીખતો જાય છે.

સ્વિટ્ઝરલેન્ડના પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી એવા પેસ્તોલોજીનું શિક્ષણકાર્ય એમના જ ઘરે એમની માતાની દેખરેખ હેઠળ થયું હોવાથી એમના મત પ્રમાણે ઘર જ બાળકના કે કોઇપણ યુવાનના શિક્ષણનો પાયાનો સ્ત્રોત ગણી શકાય છે. જીવનલક્ષી અને ઔપચારિક શિક્ષણની જરૂરિયાત પણ અહીંથી જ પૂરી કરી શકાય છે. સાદગી, સંયમ અને વાણીની સાથે વિવેક જેવી પાયાની બાબતોનો અભ્યાસ અને કેળવણી ઘર થકી જ શકય છે, એટલે ઘરને તમે જીવનની પાઠશાલા પણ કહી શકો છો. માતા-પિતાના સંસ્કારોના ઉત્તમ વારસા થકી જ બાળકના સુંદર અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકાય છે.

સંસ્કારોના સિંચનથી જ એક સર્વતોમુખી સમાજનું નિર્માણ શકય છે. સમાજની પ્રગતિનો આધાર એ પેઢીને મળેલા સંસ્કારોના વારસા પર નભે છે. જે યુવાન પોતાના જીવનને ઉન્નત બનાવવા અને શકયતાઓના શિખર સર કરવા માટે તત્પર બને એ જ આજના સમયની તાતી જરૂરિયાત છે, જે ઉત્તમ સંસ્કારોના સિંચન થકી જ બની શકે છે. વર્તમાનમાં ઉત્તમ સંસ્કારોનાં સિંચન માટે માતા-પિતાએ બાળકને સારા પુસ્તકો વાંચવા માટે આપવા જોઈએ અને શક્ય હોય તો સાથે બેસીને વાંચવા જોઈએ. આમ કરવાથી બાળકનો ઉત્સાહ પણ બેવડાઈ જશે. સહ પરિવાર રામાયણ, મહાભારત, શ્રી કૃષ્ણ લીલા અને અન્ય ધાર્મિક વિષયોને લગતી ટીવી સિરિયલો પણ સંસ્કાર સીંચનમાં ફાળો આપે છે. પોતાના ગામ કે શહેરમાં આયોજિત રામાયણ અને ભાગવત કથાઓના પારાયણમાં જવાથી આપણા પ્રાચીન ગ્રંથો સાથેની કડી જળવાઈ રહે છે અને જીવનમાં આધ્યાત્મિકતા કેળવાય છે. ઉત્તમ કક્ષાના વક્તાઓ અને વ્યાખ્યાનકારોને સમૂહમાં સાંભળવાથી પણ જીવનમાં સારી સારી બાબતો જાણવા અને શીખવા મળે છે, જે પણ કેળવણીની ગરજ સરે છે.

પ્રાચીન સમયથી જ ઘર પણ આર્થિક, સામાજીક, રાજકીય, ધાર્મિક શિક્ષણ મેળવવા માટેનું અગત્યનું કેન્દ્ર બની રહ્યું છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો પણ આ જ ગાથા ગાય છે. અભિમન્યુનો માતાના ગર્ભમાં સંસ્કાર સિંચનનો પ્રસંગ હોય કે જીજાબાઇ પાસેથી શિવાજીએ મેળવેલા સંસ્કારોના પાનની વાત હોય હર હંમેશા પરિવારની ભૂમિકા અગત્યની અને અનિવાર્ય બનતી જાય છે. સ્વામી દયાનંદ સરસ્વતી જણાવે છે કે માતા-પિતાએ પોતાના વાણી-વર્તન અને આચરણ વડે બાળકોને શિક્ષણ આપવું જોઇએ.

કેળવણીકાર તરીકે આચાર્ય વિનોબાજી તો ત્યાં સુધી જણાવે છે કે ઘર છે એ શાળા બનવી જોઇએ અને શાળા ઘરમાં પ્રવેશવી જોઇએ. દરેક મા-બાપ પોતાના સંતાનોના સંસ્કારસિંચન અને શિક્ષણ પરત્વે જાગૃત અને કટિબદ્ઘ હોવા જોઇએ. એમના બાળકોની સતત સાથે રહીને યોગ્ય સંવાદ સાધતા-સાધતા એમની જરૂરિયાતોની પૂર્તિ કરવી જોઇએ. આમ આપણી આવનારી અને વર્તમાન પેઢીને શિક્ષિત અને દીક્ષિત કરવાની જવાબદારી માત્ર શિક્ષક કે શાળાની જ નહીં પણ સમગ્ર સમાજની છે.

દરેક વ્યકિત દુનિયાને બદલવા માંગે છે, પણ પોતાની જાતને નહીં-લિયો..તોલ્સતોય