From the window of the shaman - 18 in Gujarati Fiction Stories by Ketan Vyas books and stories PDF | શમણાંના ઝરૂખેથી - ૧૮. શમણાં શોધે શબ્દોનાં મર્મ..

શમણાંના ઝરૂખેથી - ૧૮. શમણાં શોધે શબ્દોનાં મર્મ..

૧૮. શમણાં શોધે શબ્દોનાં મર્મ..


મનમાં ચાલતાં વિચારોની સાથે સાથે છેલ્લા એક અઠવાડિયાની દરેક ઘટનાઓ નજર સામે પસાર થયા કરતી હતી. પ્રથમ દિવસથી વળગેલો ઘબરાટ હૃદયમાં સળવળ થયા કરતો હતો.... 'લગ્નજીવનની શરૂઆત થઈ તેનો આનંદ તો હતો જ. સુહાસ સાથે મળતી અમુક કલાકો પણ સારી લાગતી હતી; પણ નવા માહોલમાં પોતાની જાતને સેટ કરવું - બધાની રીતભાત ને ઓળખવી, સ્વભાવને સમજવા, કાર્યોની રીત, બધાને અનુરૂપ થવા માટે મનને મનાવવું, પોતાની જૂની આદતો સાથે આંખ-મિચોલી રમતા હોય તેવો અનુભવ થવો, કોને શું ગમશે અને શું નહીં ગમે તેનું ધ્યાન રાખવું - એ બધું, ધાર્યું એટલું સરળ પણ નહોતું. મનમાં ક્યાંક ડર ખાવા દોડી આવતો હોય તેવું લાગતું હતું - જ્યારે સવારથી ઘરનાં કામ એક પછી એક શરૂ થતાં હતા ત્યારે, પોતાનાં ભાગમાં કોઈ ખાસ કામની જવાનદારી નહોતી છતાંય, ને ઘરમાં બધા એકબીજાના સહયોગથી કામ સાચવી લેતા હતા છતાંય! રસોડાનું કે રસોઈનું કામ સાતેક દિવસ સુધી પોતાના ભાગમાં નહોતું આવ્યું. આજે તેનો પણ પહેલો અનુભવ થયો, જ્યારે સાસુમાંએ રસોઈની વાત કરતાં કહ્યું'તું...

"નમ્રતા, વહુબેટા..., આજે મેઘાને પસંદ હોય તેવું કઈક બનાવજે... કાલે તો એને જવાનું છે.. ફરી ક્યારે ભાભીનાં હાથની રસોઈ જમશે.."

ત્યારે મેઘાએ પણ રસોઈમાં 'પોતે મદદ કરશે' એમ કહી 'ભાભી કેવી રીતે રસોઈ બનાવે છે' એ જોવાની અને શીખવાની ઈચ્છા વ્યક્ત કરી'તી. એ સમયે એવું લાગ્યું કે મેઘાનો પોતાની સાથેનો સખીભાવનો વર્તાવ હૃદયને સ્પર્શ કરી જતો હતો. મેઘાની રસોઈમાં મદદ ની વાતને લઈને મમ્મીજીએ સુહાસ માટે કરેલી રસોઈની કુશળતા વાળી, સુહાસે કરેલી વાત, યાદ કરાવેલી..એમ કહીને કે..

" તારા ભાભી રસોઈમાં નિપૂણ છે. તું ખાલી જોઈને શીખજે...તારા સુહાસભાઈને પૂછી જોજે કે તારી નમ્રતાભાભી કેવી રસોઈ બનાવે છે. હા, તું એને બધી સામગ્રી શોધવામાં મદદ કરજે.."

એ બધું યાદ આવતાં નમ્રતાનું મુખ મલકાયું, જે મેઘાએ પોતાનાં કપડાંની તૈયાર કરેલ બેગની ચેઇન બંધ કરતાં જોયું..

"શું ભાભી..? કેમ મલકાયા..? અમને તો કો?"

"અરે...કંઈ નહીં..." અટકીને, "આ તમારી કપડાંની ગોઠવણીની રીત જોઈને...! સરસ રીતે ગોઠવણી કરો છો તમે.. એ જોઈને..!

"શું ભાભી..! તમારા કામ જેટલું પરફેક્ટ તો નહીં જ. તમેં આજે રસોડામાં કેટલું સરસ રીતે બધું ગોઠવ્યું. તમારો રસોઈ બનાવવાનો ટાઈમિંગ પણ ગજબ ને રસોઈનો સ્વાદ પણ! મને શીખવશો ને?

"હા, કેમ નહીં.. ? તમે જ્યારે રજાઓમાં પાછા આવો ત્યારે..! પણ, મમ્મીજીની રસોઈ જેટલી સારી રસોઈ મારી તો નહીં જ!'

આમ બેઉની વાતો ચાલતી રહી. મેઘાએ જરૂરી સામાનની બેગ તૈયાર કરી દીધી હતી. સાથે લઈ જવા માટે થોડોઘણો નાસ્તો પણ પેક કરી દીધેલ. એમાં ભાભીની મદદ પણ મળી ગઈ. સુહાસ તેમના ભાઈ અંકુશ સાથે કોઈ કામથી બહાર ગયા હતા. એમના ઘરે આવતાં સાંજતો થવાની જ હતી. નીચેની રૂમમાં સાસુ મંજુલા બહેન અને સસરા દિનકરભાઈ રોજની આદત પ્રમાણે આરામ કરતા હતા. ઘર સાવ નાનું પણ નહીં. બધા સભ્યો માટે એક-એક રૂમ તો ભાગમાં આવે જ. પપ્પાજીએ બહુ સમય પહેલા જ ઉદયનગરમાં પ્લોટ લઈ રાખેલ, જેમાં દશ વર્ષ પહેલાં મકાન બનાવીને રહેવા આવી ગયેલ. મકાનમાં આગળ અને પાછળની બાજુએ ખુલ્લી જગ્યા. પ્લોટની જગ્યા ડબલ હતી. પાછળનો એક પ્લોટતો આખો બગીચો જ બનાવી દીધેલ. નીચે એક બેઠક રૂમ, રસોડાની જગ્યા પણ ખાસ્સી મોટી ને સ્ટોર રૂમ પણ ખરો. આખા ઘરમાં ચાર બેડરૂમ - એક નીચે અને ત્રણ ઉપર. ઉપરની ત્રણેયરૂમમાં લગભગ સરખી સાઈઝના ઝરૂખા. પોતાની રૂમનો ઝરૂખો, આટલા દિવસમાં પોતાની પ્રિય જગ્યા બની ગયો હતો; જે અરીસા પછીનો એક નવો સથી હતો! નમ્રતા હંમેશા એવું માનતી કે જીવનમાં અમુક વ્યક્તિ, વસ્તુ, સ્થળ નિશ્ચિત ને કાયમી મિત્ર જેવા હોવા જોઈએ. નિર્જીવ લાગતી કોઈ એક વસ્તુ જે તમને પ્રિય છે, જે તમારી સાથે જીવની જેમ રહે છે; કોઈ એક સ્થળ કે ઘરની એવી કાયમી જગ્યા જ્યાં તમારું મન હળવું થઈ શકે - એકાંતની પળોમાંય તમને એ જગ્યાએ બેસવાનું મન થાય; અને એક મિત્ર જેની સાથે તમે હૃદયની વાત કરી શકો.

મેઘાબહેનને આરામ કરવાનું જણાવી નમ્રતા પણ પોતાનાં રૂમમાં જતી રહી. ઘરનાં પ્રસંગોને યાદ કરતી હતી અને તે સમયે જ સુલેખાનો ફોન આવ્યો...

"હાઈ..., શું કરે છે નવી નવેલી દુલ્હન અમારી..? શું ચાલે છે? કેવું લાગે છે નવા ઘરે-સાસરીમાં?

ઉપરાછાપરી બે-ચાર પ્રશ્નૉ પૂછી લીધાં. નમ્રતા ક્યા પ્રશ્નોનો જવાબ આપે ને ક્યા પ્રશ્નને છોડી દયે..! જેટલું યાદ આવ્યું તેટલું જણાવી દીધું - લાફસીની વાત, નણંદની વાત, પહેલી રસોઈની વાત.

"ખુશ તો છોને? ફાવે છે ને? જીજાજીને નોકરી ચાલુ કે હજુ રજા? ક્યાંય ફરવા જવાનું વીચાર્યુ કે પછી એમ જ?"

ફરી બહેનપણીની જિજ્ઞાસાને સંતોષ થાય એવા જવાબો આપ્યા ત્યારે છેક સુલેખાના જીવન વિશે પૂછવાનો મોકો મળ્યો. "તારા વિશે તો વાત કર..! મનોજ જીજાજીને ફાવી ગયું બરાબર, નવા ઘરે?

"જો, સાચું કહું તો એમને નથી ફાવતું. મકાન એક તો ભાડાનું છે. મમ્મી- પપ્પા સાથે રહેવા જવાની એમને ઈચ્છા થયા કરે છે. પણ, મને ત્યાં નથી ફાવે તેમ. એમની પાસે ચોઇસ છે; મારી પાસે નથી." સુલેખાએ પોતાનાં અનુભવે હૃદયને પથ્થર કરી દીધું હોય તેમ પોતાનો નિર્ણય જણાવી દીધો હતો. "એમની ઈચ્છા હોય તો એકલા જઈને મળી આવે. એમને મન હું એક કામવાળીથી વિશેષ કંઈ નથી. મારા માટે લાગણી હોય તો મને માણસની જેમ રાખે...., મારા માં-બાપને પણ માન-સન્માન આપે...! જો નમ્રતા, સાચું કહુંતો તું પણ પહેલેથી જ સાચવીને રહેજે... એક વખત સ્ત્રીએ થોડું નમતું મૂક્યું, પછી ડોક ઊંચી કરવામાં રામ રમી જાય..!"

નમ્રતાએ સુલેખાનાં અનુભવનો આક્રંદ સાંભળવા સિવાય કંઈ કરવાનું નહોતું - એક સાવ બિનઅનુભવી વ્યક્તિની જેમ કે પછી પાંખો ફફડાવી ઉડવાનું શીખતાં પક્ષીના બચ્ચાની જેમ! કોઈ સલાહ પણ કેવી રીતે આપી શકાય, જ્યારે પોતાની હાથની મહેંદીનો રંગ હજુ ગયો નથી..., નવી દુનિયાની ઊંડાઈ હજુ માપી નથી...! આવા સમયેતો 'ન બોલ્યામાં નવ ગુણ' એવું વિચારી પોતે સાંભળ્યા કર્યું.

સુલેખાએ આગળ ચલાવ્યું..."થોડાં દિવસ પહેલા જ એમણે પૂછ્યું'તું કે મમ્મી-પપ્પાને અહીં બોલાવીએ થોડાં દિવસ માટે..એમને સારું લાગશે...; મેં એમને જ 'ત્યાં જઈ મળી લેવા' કહી દીધું. એમને બે દિવસ ત્યાં રહેવું હોય તો ભલે જાય...!"

એક સહેલી તરીકે સૂચન કરવાનું નમ્રતાને મન પણ થયું, કે, 'એકાદ દિવસ મળી લેવાનું..., સાવ આવું ન કરવું જોઈએ...એ મનોજ જીજાજીના માં-બાપ છે.. વગેરે વગેરે...,' પણ સુલેખાએ એ તક જ ન આપી..

"મારા મમ્મીએ મને બહુ સમજાવી પણ ખરી, 'સાસુ-સસરાને મળતું રહેવાનું..., ઘર જુદું ભલે કર્યું... રસોડા ભલે જુદા રાખ્યા...પણ વેર નહીં રાખવાનું..'; પણ, તું જાણે છેને કે, 'દૂધનો દાઝ્યોય છાસ ફૂંકી ફૂંકીને પીવે..,' એટલે મેં પણ મમ્મીને કહી દીધું કે હવે આવી કોઈ વાત કરવી નહીં..!"

નમ્રતાને ખાત્રી થઈ ગઈ કે જિંદગીમાં ખાલી સલાહ-સુચનથી કામ પાર પડી જાય એવું જરૂરી નથી. પણ, સુલેખાની વાતો જાણીને દુઃખ થયું હોવા છતાંય પોતાનું મન હળવું થયું હોય એવું લાગ્યું. બે દિવસ પહેલા મમ્મી-પપ્પા સાથે વાત થઈ હતી અને આજે સુલેખા સાથે..!
* * * * *

સાંજનું ભોજન પત્યું. કુટુંબના બધા સભ્યો એકસાથે બેઠકરૂમમાં ભેગા થયા હતા. બહુ દિવસ પછી આમ શાંતિથી બેઠાં, મળ્યા હતાં - વ્યવહારીક દોડધામથી પરવારીને! નમ્રતાને પોતાનાં ઘરનાં એ પ્રસંગો પણ તાજાં થવા લાગ્યાં; જેમાં પોતે અને મમ્મી-પપ્પા બેસતાં, વાતો કરતાં અને ટીવી જોતા - તારક મહેતાની સિરિયલ અને સમાચાર વગેરે..! આજે અહીં પણ બધાં ભેગા મળીને વાતોએ વળગ્યાં હતા. આજનો વિષય હતો મેઘાની હોસ્ટેલ જવાની તૈયારી.

દિનકરભાઈએ મેઘાને જવાની વાત ઉખેળી. એ પોતે અને અંકુશ - બંને મેઘાને મુકવા જશે એવું જણાવ્યું. સુહાસે પોતાનો વિચાર રજુ કર્યો જે નમ્રતાને સારું તો લાગ્યું, પણ આખો દિવસ સુહાસ હાજર ન હોય એ વિચારથી થોડી મૂંઝવણ પણ અનુભવી. તેમણે કહ્યું કે 'પપ્પાને દોડધામ કરવી નહીં, એ પોતે અને અંકુશ - બેઉં ભાઈ બરોડા જઈ આવશે'. મમ્મીને પણ એ વાત યોગ્ય લાગી.

મેઘાએ વાતને નવો વળાંક આપ્યો. "મમ્મી, ભાઈ સાથે ભાભીને પણ લઈ જઈએને.. ગાડી લઈને તો જવાનું છે, તો ભાભીને લેતાં જઈએ...

દિનકારભાઈ, "હા.., તો પછી-"

"- એવું સારું ન લાગે. હજું એક અઠવાડિયું લગ્નને થયું છે. વહુ થોડાં દિવસ ઘરે રહે એ જ સારું કહેવાય ! નમ્રતાને એમાં અમથું હેરાન કરવાની શું જરૂર છે. આખો દિવસ ગાડીમાં બેસી રહેવાનું - જવાનું અને આવવાનું" મંજુલાબહેને પોતાનાં મંતવ્યને સ્પષ્ટ કરવા કારણ સમજાવ્યું...

"મમ્મી, તો એમ કરીએને; કે, બે દિવસ તો ભાઈ હજુ ફ્રી છે. એક દિવસ ભાઈ-ભાભી ત્યાં બરોડા ફરવા માટે રોકાય જાય. ત્યાં ઘણું જોવાનું છે. એવું હોય તો પાવાગઢ અને આજવા જઈ આવે..." મેઘાએ ઉત્સાહપૂર્વક એક આયોજન તૈયાર કરી દીધું. પછી પપ્પાની સામે જોઇને કહ્યું, "પપ્પા, બરાબર છે ને?" પછી સુહસ તરફ, '' ભાઈ, તમને કેવો લાગે છે આ પ્લાન? પછી તમને ક્યાં ટાઇમ મળવાનો છે?''

નમ્રતાએ બપોરે બેસીને બે-ચાર વાક્યોની પ્રેક્ટિસ તો કરેલી; પણ, 'શું મેઘા પોતાનાં હૃદયની વાત જાણી ગઈ હશે?' જે પણ હોય; નમ્રતાની સુહાસ સાથે ફરવા જવાની ઈચ્છાને મેઘા ફળીભૂત કરવા મથી રહી હતી. મનોમન તેને મેઘા માટે બહુ જ લાગણી અને ગર્વ થઈ રહ્યું હતું. મેઘાને વાત કરતી જોઈ; પોતાના પિયરના સંસ્મરણો - ઘરમાં પોતાનો સંવાદ, મસ્તી, મન મુકીને વિચારો વ્યક્ત કરતી દીકરી - તરવરી રહ્યા હતા. નજર સામે બે વિરોધી દ્રશ્ય એકસાથે દેખાતાં હતાં - શબ્દોને સજાવતી સદાનંદભાઈની વ્હાલસોયી અને આખાબોલી દીકરી અને બીજી બાજું શ્રોતા બનીને શાંત બેસી શબ્દોના મર્મને સમજવા મથતી સુહાસની પત્ની!

મેઘા પહેલાજ દિવસથી નમ્રતા માટે એક મિત્ર જેવી બની ગઈ હતી. પણ, હજુય એનો અભિપ્રાય માન્ય થશે કે નહીં એ કહેવું મુશ્કેલ હતું...

"જો બેટા, તું કે છે એ એવું સરળ નથી..! આપણાંથી વહુને એમ કારણ વગર મુસાફરી ન કરાવાય કે ફરવા ન મોકલી શકાય..! એ બધી સામજિક રીતો સમજવા તું હજુ નાની છો..! "

"મમ્મી, એવું બધું હવે ક્યાં રહ્યું છે. હવે તો લગ્ન પછીના અઠવાડિયે તો નવા પરિણિત હોય એ ફરવા નીકળી જતા હોય છે - કોઈ બે દિવસ તો કોઈ ચાર, છ કે દશ દિવસ.., બીજા રાજ્યમાં કે બીજા દેશમાં..!
આપણે તો બે દિવસની વાત છે. હુંય એક દિવસ ભાઈ-ભાભી સાથે ફરી લઇશ...પછી તો અમેય હોસ્ટેલના ગેટમાં લોક થઈ જઈશું...!

મેઘા જાણે ધર્મયુદ્ધ જીતવા મેદાને ચડી હોય તેમ પોતાની લાગણીઓ વ્યક્ત કરતી રહી. નમ્રતા પાસે સુલેખાને કહેવા માટે જેમ કોઈ શબ્દ નહોતા, તેવું જ અત્યારે હતું ! પણ, મનોમન તેણે મેઘાનો આભાર માન્યો...! નમ્રતા બધાને સાંભળતી રહી; દરેકના ભાવને નિરખતી રહી - દરેકના મુખ, આંખો અને શબ્દોનાં અર્થ સમજવા ! જેમ લોટરીની ટીકીટ ખરીદ્યા પછી, પરિણામ જાણવા મન વિહવળ બન્યું હોય તેમ; પોતાનું મન આકુળ-વ્યાકુળ થઈ રહ્યું હતું..

"સારું થયું કે સુહાસ પાસે મારી ઈચ્છા વ્યક્ત કરવાનો મોકો ન મળ્યો.." એ વિચાર સાથે એણે મેઘાની વાત તરફ ફરી ધ્યાન આપ્યું, સુહાસ તરફ પણ નજર કરી...! નમ્રતાને પોતાનાં પપ્પાની નજર વાંચવી આટલી કઠીન ક્યારેય નહોતી લાગી..., પણ મેઘાના હૃદયનાં ભાવ ખૂબ સ્પષ્ટ રીતે દેખાય રહ્યા હતાં..

...... ક્રમશ :

Rate & Review

Sheetal

Sheetal 10 months ago

Jitendrasinh Vala

Jitendrasinh Vala 11 months ago

Heena Suchak

Heena Suchak 11 months ago

Usha Dattani

Usha Dattani 2 years ago

Biskita Panchal

Biskita Panchal 2 years ago