Back again books and stories free download online pdf in Gujarati

પાછી ફરી

દેશ વિદેશની યાત્રા કરીને મનગમતાં માણસોને મળીને આજે સલોની પાછી ભારત આવવા ન્યૂયોર્કથી વિમાનમાં બેઠી. વતનથી દૂર વસતા ભારતીયોને મળી ખૂબ આનંદ થયો. તેના અંતરમાં ઉમંગ સમાતો નહોતો. આટલો બધો પ્રેમ મળશે તેવી આશા ન હતી. અરે, અમેરિકા જઈ આવેલાના અનુભવ સાંભળી એક વખત એવો હતો કે તેણે  ટિકિટ કઢાવવાની વિચાર માંડવાળ કર્યો હતો. આ તો સાજન હોય નહી અને તે અમેરિકા સહુને મળવા આવે નહી. તેના પતિ એ પ્રેમ પૂર્વક સમજાવી જેને કારણે અમેરિકા આવવા તૈયાર થઈ..

‘આવી ઉમદા તક મળે છે. હાથમાંથી સરી જવા દેવી નથી.’

ન્યૂયોર્કના ગુજરાતીઓએ તેના મનમાં મોટો સમારંભ રાખ્યો હતો. તેની નવી નવલકથા,” દિલદાર દીકરો” વર્ષની 'બેસ્ટ સેલર'નો ખિતાબ પામી હતી. તેની બીજી આવૃત્તિ પણ વેચાઈ જવા પામી હતી. તેનું બહુમાન કરવા માટે ખાસ આમંત્રણ મળ્યું હતું.

‘અમેરિકાના લોકો મોઢે મીઠું બોલે છે. મહેમાનોને ઈજ્જત આપી તેમની પરોણાગત કરતા નથી. ‘ આ વાક્ય સલોનીએ વારંવાર સાંભળ્યું હતું. માત્ર તેની ટિકિટ લેવાનો તેમનો આગ્રહ નકારી ન શકી. પૈસાની તેને કોઈ અછત ન હતી. પણ શ્રી નિરંજન મહેતાના આગ્રહ પાસે તેણે નમતું જોખવું પડ્યું હતું. જે સંસ્થા આમંત્રણ આપે,તે આવનાર મહેમાનની બધી જવાબદારી પ્રેમથી ઉપાડતી હોય છે.

સાજનનો આગ્રહ હતો, સલોનીને માન સનમાન મળવાના છે, તો તે એકલી જઈ આવે. ફરવા તો બીજી વાર સાથે જવાશે. સલોની એરપોર્ટ પર આવી. નિરંજન અને નેહા બન્ને લેવા આવ્યા હતા. પ્લેનમાંથી ઉતરી, કસ્ટમમાંથી બહાર આવી તેનું  સુંદર ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કર્યું. સલોની ખુશ થઈ ગઈ. સુંદર ફુલોનો ગુલદસ્તો, મારા મત પ્રમાણે દરેક સ્ત્રીની કમજોરી હોય છે.

ગાડીમાં વાતો ચાલતી હતી કે તમારા ઉતારો કાજે ઘરથી નજીકની ફાઈવ સ્ટાર હોટલમાં કમરો રાખ્યો છે. .

સલોની ચમકી. ખૂબ પ્રેમથી બોલી, ‘મારા મનની વાત કહું’ ?

‘બેશક’!

‘તમને વાંધો ન હોય તો હું, તમારે ત્યાં જ રહીશ’. નિરંજન અને નેહા બન્ને ચમક્યા.

‘અરે, ભારતથી આવનાર મહેમાન હમેશા મોટી હોટલનો આગ્રહ રાખે છે. તમે તો મહાગજાના લેખિકા છો, તમારે માટે ખાસ ફાઈવ સ્ટાર હોટલનો બંદોબસ્ત કર્યો છે.’

સલોની વધારે આગ્રહ પૂર્વક બોલી, ‘મારી મરજી તમારી સાથે રહેવાની છે. તમારી રહેણીકરણીથી વાકેફ થવું છે. અંહીના ભારતીયોનો પ્રેમ પામવો છે.’

નિરંજન અને નેહા બન્ને એકબીજાની સામે જોઈ રહ્યા. આંખોથી વાત થઈ ગઈ. તેમનું ઘર, તેને ‘હાઉસ’ કહે છે. ખૂબ સુંદર વિસ્તારમાં હતું. પાંચ બેડરૂમનું ઘર અને સ્વિમિંગ પુલ તથા થ્રી કાર ગેરેજ હતા. નિરંજન પોતે સર્જન હતો, સાહિત્યનો રસિયો. નેહા એમ.બી.એ. ભણેલી હતી. બે બાળકો હાઈસ્કૂલમાં હતા. પતિ અને પત્ની બન્ને પ્રોફેશનલ હોવાને કારણે ઘરમાં દરરોજ સવારથી મેઈડ આવતી. અડધી રસોઈ પણ કરતી અને ઘરનું બધું કામકાજ સાચવતી. ઘરમાં ત્યાં મહેમાન માટે સુંદર સગવડ રાખી હતી..

સલોનીની બધી સગવડ સાચવવામાં કોઈ અડચણ હતી નહી.

સલોનીના આગ્રહને માન આપીને બન્ને તેને લઈને ઘરે આવ્યા. તે મનમાં રાજી થઈ કે તેણે ઘરે રહેવાનો આગ્રહ સેવ્યો. બે દિવસ જરા આરામ અને જેટ લેગમાં ગયા. શનિ અને રવિવારે બે દિવસનો કાર્યક્રમ હતો. સલોનીને જરા પણ અતડું ન લાગ્યું. ઘરનું વાતાવરણ સહજ હતું. બાળકો ભલે અમેરિકામાં જન્મ્યા હતા પણ સંસ્કારી વાતાવરણને કારણે ભારતીય મહેમાન સાથે સુંદર વહેવાર કરી રહ્યા હતા.

શનિવારે સવારે ‘સાહિત્ય સરિતા’ના મિત્રો સાથે જમવા ‘જીન્જર કાફે’માં ગયા. સુંદર વાતાવરણ અને મનગમતા માનવી. સલોની સહુને પહેલીવાર મળી રહી હતી. હસમુખા સ્વભાવને કારણે સહુની સાથે હસી ખુશીની વાતો કરી. બીજા દિવસના કાર્યક્રમની ચર્ચા કરી.

કાર્યક્રમમાં ગુજરાતી સમાજ અને બીજી સંસ્થાના વ્યક્તિઓએ હાજરી આપી. સલોનીએ પોતાના પુસ્તક વિશે રસપ્રદ માહિતી પૂરી પાડી. જેમાં માતા, પિતા અને દીકરાના પ્રેમ તથા તેના પરિવાર સાથેના પ્રસંગો વણી લીધા હતા. સુંદર સંસ્કાર પામી આવેલી વહુ ઘરમાં એવી તો ભળી ગઈ કે કોઈના માન્યમાં પણ ન આવે. હાસ્યસભર પ્રસંગોની છણાવટ કરી ત્યારે પ્રેક્ષકો પેટ પકડીને હસી રહ્યા હતા. આપણા ભારતમાં બાળપણથી દીકરીને કહેવામાં આવે છે.

‘આમ કરવાનું, એમ નહી કરવાનું’ મોટા થઈને સાસરે જવાનું છે.

સલોની કહે સાસરું જાણે જેલખાનું ન હોય એમ ચીતરવામાં આપણે સહુ એક્કા છીએ.

આમ તેણે જૂના, પ્રચલિત અને નવા જાત જાતના તુક્કઓની હાંસી ઉડાવી હતી.  બાળકો પરણે ત્યાર પછી થતી ગેરસમજને રમૂજી રીતે રજૂ કર્યા હતા. દિલના ભાવ ઠાલવી વાર્તા ઉચ્ચ કોટીની બનાવવામાં તે સફળ  પુરવાર થઈ હતી. કાર્યક્રમ ધાર્યા કરતાં વધારે આનંદમય રહ્યો. છેલ્લે જ્યારે આભાર વિધિ માનવાનો સમય આવ્યો ત્યારે, નિરંજનભાઈ એક પરબિડીયું સલોનીના હાથમાં આપી રહ્યા.

જાણે દાઝી હોય તેમ તેના હાથ પાછા ખેંચી લીધા.

સલોની ગદગદ થઈને બોલી રહી,’મારા મિત્રો, સ્નેહીજનો. તમે મને અંહી બોલાવી. મારો આદર સત્કાર કર્યો. આટલો બધો પ્રેમ આપ્યો. તમે શું માનો છો હું,અહી પૈસા લેવા આવી હતી. તમે સહુ ભિંત ભૂલો છો.  હું તો મારા ભારતીય,ગુજરાતીઓને મળવા આવી છું. અમેરિકાની ભૂમિ પર તમે સહુ જે સુંદર કાર્ય કરી રહ્યા છો તે નિહાળવા આવી છું. ગુજરાતની બહાર ગુજરાતી ભાષા વિશેનો તમારો પ્રેમ ખરેખર સરાહનીય છે. મારી નવલકથાને પ્રેમ ભર્યો આવકાર આપ્યો તે બદલ ઋણી છું.”

” મુ. નિરંજન ભાઈ આ પૈસાના પરબિડિયા દ્વારા મારી હાંસી ન ઉડાવશો. ”

સભાખંડમાં બેઠેલા સહુ દંગ થઈ ગયા. હજુ તો ૪૦ પણ નથી વટાવ્યા એવી આ જાજવલ્યમાન યુવતીના મુખેથી આવી સરસ વાણી સાંભળી સહુને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. અત્યાર સુધી ભારતથી આવેલા દરેક અતિથિ વિશે નો અનુભવ વાગોળવા લાગ્યા.

આ સ્વપ્નું નથી, હકીકત છે. બીજે દિવસે સલોની પાછી ફરી.