Prem - Nafrat - 25 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૨૫

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૫

રચનાએ રાજીનામું આપવાની વાત કરી એટલે સંજનાને નવાઇ લાગી:'રચના, 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીમાં હું જોડાઇને એક મહિનોને થોડા દિવસ થયા છે અને તું રાજીનામું આપવાની વાત કેમ કરે છે?'

'કેમ? ત્યાં કોઇ છોકરા પર દિલ આવી ગયું કે શું?!' કહીને રચનાએ મજાક કરી.

'તારી જેમ હું થોડી બોસને પ્રભાવિત કરવા નોકરી પર રહી છું!' સંજનાએ પણ નેહલા પર દેહલા જેવો જવાબ આપ્યો.

'મેં એને પ્રભાવિત જ કર્યો નથી. એનું દિલ પણ ચોરી લીધું છે! તું લખી રાખ થોડા દિવસોમાં અમારા લગ્નની શરણાઇ પણ તને સાંભળવા મળશે...' રચના મનોમન ગણતરી કરતી બોલી.

'શું વાત કરે છે? હું 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીમાં નોકરી કરું છું અને તું સુપર ફાસ્ટ ટ્રેનની જેમ આગળ વધી રહી છે!' રચનાની ભવિષ્યવાણી સાંભળીને સંજના નવાઇ પામી રહી હતી.

'જો બહેન! આપણે ઘણા સમય સુધી કોઇ વાહનની રાહ જોઇને બેઠા હોય અને એ મળી જાય પછી ઝડપથી ગંતવ્ય સ્થાન પર પહોંચવાની ઉતાવળ આવે છે એમ મને એક વખત આ નોકરી મળી ગઇ એ પછી મુકામ પર પહોંચવાની ઉતાવળ આવી ગઇ છે...' રચના ખુશ થતાં બોલી.

'અલી! તારું ધ્યેય ઘણું ઊંચું છે, પણ એક પછી એક મુકામ પાર કરી રહી છે એના પરથી તો લાગે છે કે બહુ જલદી મંઝિલ પર પહોંચી જઇશ...' સંજના રચનાની ભવિષ્યની પ્રગતિ જોઇ રહી હોય એમ બોલી.

'તારા જેવા ફ્રેન્ડસની મદદ મળે પછી રચના પાછળ થોડી રહી જાય ગાંડી! ચાલ, તું આજે રાત્રે મને મળવા આવ. આપણે આ બીજી સફળતાની પાર્ટી મનાવીએ...' રચના સારા મૂડમાં આવી ગઇ હતી.

'નેકી ઔર પૂછ પૂછ...મને આજે પંજાબી ખવડાવજે...' સંજના ઉત્સાહથી ફરમાઇશ કરતાં બોલી.

'તું આવ તો ખરી. પંજાબી ભોજન તો ઠીક છે તું કહેશે તો પંજાબી મુંડો પણ હાજર કરી દઇશ...' રચના મોટેથી હસતાં બોલી.

'ના-ના, હજુ તો મારે ભણવાનું બાકી છે. આ તો વેકેશનમાં નવરી બેઠી હતી એટલે તને મદદ કરવા જ નોકરી કરી. તારો આભાર કે મને જલદી છૂટી કરી દીધી...' સંજના ગંભીર થતાં બોલી.

'આભાર તો મારે તારો માનવાનો છે...ખેર, હવે આપણે રાત્રે રૂબરૂમાં જ બાકી વાત કરીશું...' કહી રચનાએ ફોન મૂકી દીધો.

રચનાને થયું કે પોતે ઝડપથી આગળ વધી રહી છે એટલે કોઇને શંકા થઇ શકે છે. બહુ સાવચેત રહેવું પડશે. ખાસ કરીને આરવના બંને ભાઇઓથી. એ બંને થોડા વિચિત્ર છે. જો એક નાનકડી ભૂલ થઇ જશે તો આખી બાજી બગડી જશે. પછી હાથ ઘસતા રહી જવાશે. અચાનક એની આંખોમાં લાલાશ ધસી આવી. તેની આંખ સામે એક ચિતા ભડભડ બળતી જોઇ રહી. તેની આંખમાંથી આંસુ ધસી આવ્યા. તેણે આંસુને લૂછી લીધા અને ઊડી જતી ઓઢણીની જ્યારે કમર પર મજબૂત ગાંઠ બાંધી ત્યારે મનમાં પણ એક ગાંઠ બાંધી હતી તેને મજબૂત કરી.

'હાય રચના..! આરવનો અવાજ સંભળાયો અને એ સતર્ક થઇ ગઇ. તેણે હાથ કામમાં પરોવ્યા પણ મનમાં એક યોજના રમવા લાગી હતી.

'હં...આવો..મજામાં છું...' રચના સ્વસ્થ થતાં બોલી.

'અમારી કંપનીમાં પ્રગતિ બદલ તને અભિનંદન!' આરવ તેની સામે સ્થાન લેતાં બોલ્યો.

'આભાર સર! પણ સાથે જવાબદારી વધી છે ને? નવા મોડેલ માટે બહુ ઓછા સમયમાં કામગીરી પૂર્ણ કરવાની છે...'

'રચના, હવે તારા માટે તો એ કામ બહુ સરળ છે. 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીમાંથી માહિતી મેળવી લેવાની. બાકીનું તો આપણે સાથે મળીને સંભાળી લઇશું...'

'સર! હવે 'સુપર ફાસ્ટ મોબાઇલ' માંથી માહિતી મળશે નહીં.'

'કેમ?' આરવ ખુરશીમાંથી ઊભો થઇ ગયો.

'જી સર, મારી બહેનપણીને એમણે કાઢી મૂકી છે. કદાચ એમને ખબર પડી ગઇ છે કે એણે માહિતી લીક કરી છે...'

'ઓહ! આ તો આપણા માટે નિરાશાજનક સમાચાર છે. તારી બહેનપણી માટે પણ નોકરીની સમસ્યા ઊભી થશે.'

'એની નોકરીની ચિંતા ના કરશો. એ તો હજુ આગળ ભણવાની છે.'

'એણે આપણી કંપની માટે જોખમ લીધું એ બદલ એને ઇનામ તો આપવું જ જોઇશે.... હું પપ્પાને વાત કરીશ.'

'સર! એવી કોઇ જરૂર નથી....'

'તું ના કહે પણ અમારી ફરજ બને છે. હવે આપણા નવા મોબાઇલ માટે કંઇક વિચારવું પડશે. 'સુપર ફાસ્ટ મોબાઇલ' ને કેવી રીતે માત આપી શકીશું?'

'સર! મારી પાસે બીજી યોજના તૈયાર છે.'

રચના બોલી તો ગઇ પણ એની પાસે કોઇ યોજનનો વિચાર સુધ્ધાં ન હતો. તેને થયું કે વધારે પડતા આત્મવિશ્વાસમાં એ બોલી ગઇ છે. જો ચૂક થઇ ગઇ તો જેટલી ઝડપથી આગળ વધી છે એટલી જ ઝડપથી પાછી પડી શકે છે...