Sindhurakshak books and stories free download online pdf in Gujarati

સિંધુરક્ષક

બંને સ્પષ્ટ રીતે દૃશ્યમાન હતાં - ફાટેલાં રાષ્ટ્રધ્વજમાંથી ડોકાતા સૂતરના તાંતણા અને ગાલ પર ઊપસેલી આંગળીઓની છાપ.

પ્રથમેશના પપ્પાના પંજાના પ્રચંડ પ્રહારથી પ્રથમેશના પરિવારના પંડમાં પળવારમાં પથ્થર પેઠેનો પ્રભાવ પ્રગટ્યો હતો.

સૌની સજ્જડતા મૌન સ્વરૂપે કાંપતી હતી. છેવટે પ્રથમેશે જ પપ્પાની લાગણી સમજીને આંસુ થીજાવીને નવો તિરંગો ખરીદવા વિનંતી કરી, સાથે પોતે તિરંગાને હાથ નહીં લગાડે અને દીદીને હેરાન નહીં કરે તેવી ખાતરી પણ આપી.

આંખ પાછળ છુપાવેલાં આંસુ, ચહેરા પરનો પસ્તાવો અને સુધારાની મક્કમતા જોઈને ફોજી પિતા મહેન્દ્રભાઈનું લશ્કરી મગજ પણ અચાનક નરમ પડ્યું હતું. તેમણે તુરંત બંને ભાઈ બહેનને અલાયદા તિરંગા અપાવી દીધાં. ફાટેલાં તિરંગાની નિયમો મુજબની સન્માનજનક વિધિ પરિવારે પ્રથમ વખત જોઈ હતી. હવે તિરંગાની મસ્તીમાં ખેંચાખેંચના પુનરાવર્તનની શક્યતા નહોતી. અન્ય એક શક્યતા અહીંથી વધુ પ્રબળ બની હતી - પ્રથમેશના મનમાં - ફોજી બનવાની.

***

પ્રથમેશની સામે બંને સ્પષ્ટ દૃશ્યમાન હતાં - રબ્બરની બોટ અને પિતાના ફરજનિષ્ઠા, દેશદાઝ વગેરેના પ્રભાવે સ્થપાયેલ મક્કમતાની માનસિક ચમક.

***

મુંબઈ નેવલ ડોકયાર્ડની કેન્ટિનમાં કેપ્ટન ચક્રવર્તી બપોરનું ભોજન લઈ રહ્યા હતા. એક નેવલ કેડેટે આવીને એક ચબરખી રીતસર ખોલીને આંખ સામે ધરી હતી. કેપ્ટન હેબતાઈ ગયા હતા. ગુસ્સો પણ આવ્યો પરંતુ ચબરખીનું લખાણ વાંચીને તેઓ ભોજન પડતું મૂકીને બહાર નીકળી ગયા હતા.

ડોકયાર્ડમાં બનાવાયેલ શસ્ત્ર ગોદામમાં વાતાવરણ ગરમ હતું . સાતેક અધિકારીઓ ધૂંઆપૂંઆ થઈને જવાબદારોની પૂછતાછ કરી રહ્યા હતા. કે.ચક્રવર્તીએ પહોંચતા જ તેમને માહિતગાર કરવામાં આવ્યા. જે મુજબ : ગઈકાલથી ગોદામમાંથી કેટલોક દારૂગોળો ગાયબ હતો. કે.ચક્રવર્તીએ તુરંત વિલંબથી માહિતી આપવા બદલ સૌનો ઊધડો લીધો. તુરંત સઘન તપાસના આદેશ આપીને પોતાના ઉપરી અધિકારીઓને જાણ કરી.

સાંજ પડતા સુધીમાં વધુ બે ગંભીર સમાચાર મળ્યા. આજે ગેરહાજર રહેલા ડોકયાર્ડના એક સિક્યોરિટી અધિકારીની લાશ અવાવરું જગ્યાએથી મળી હતી અને આર્મી ઇન્ટેલિજન્સ તરફથી અરબ સાગરમાં શંકાસ્પદ બોટની અવરજવરની બાતમી મળી હતી.

કે.ચક્રવર્તીએ તેમના ઉપરી અધિકારીની સૂચનાનુસાર આર્મીના અધિકારીઓ સાથે ગુપ્ત બેઠક ગોઠવી હતી. બેઠકમાં બંને પક્ષે થયેલ માહિતીની આપ-લેથી સ્પષ્ટ થયું હતું કે પાકિસ્તાન તરફથી કોઈ ગંભીર મિશન શરૂ થયું હતું. મિશનનું લક્ષ, સમય વગેરેનો ફોડ નહોતો પડ્યો. બેઠકમાં નૌસેના દ્વારા ગુપ્ત રાહે નેવલ ડોકયાર્ડ અને અન્ય બારામાં પણ અભિયાન ચલાવવાનો અને આર્મી ઈન્ટેલિજન્સ દ્વારા મુંબઈ શહેરમાં તપાસનો નિર્ણય લેવાયો હતો.

મુંબઈથી દૂર એક નિર્જન ટાપુ પર નૌસેનાના માર્કોસ (મરીન કમાન્ડોસ) ની સઘન તાલીમ ચાલી રહી હતી. અહીંથી આઠ માર્કોસ કમાન્ડોને ખાસ ગુપ્ત સૂચના અપાઈ ચૂકી હતી. બે જૂથમાં તેઓ રબ્બરની બોટમાં રવાના થયા હતા.

એક જૂથે મુંબઈથી સિત્તેર નોટીકલ માઈલ દૂર એક બોટને આંતરીને પૂછપરછ કરતાં જ સંતાડેલા હથિયારો તરફ નાપાક હાથ વળ્યા હતા. જેનો ઉપયોગ થાય તે પહેલાં જ ચાર શરીરને માર્કોસે શાંત કરી દીધાં હતા.

બીજા જૂથે મુંબઈ નેવલ ડોકયાર્ડમાં ત્રણેક શંકાસ્પદ જગ્યાએ છાપો માર્યો હતો. જેમાં કશું હાથ લાગ્યું નહોતું. કોઈ શંકાસ્પદ અવશેષ પણ જણાયા નહોતા. એક જગ્યા તો શંકાસ્પદ જેવી લાગી જ નહોતી કારણ કે ત્યાં કોઈ જ ચીજ નહોતી. જરૂરથી વધુ જ સ્વચ્છતાના લીધે જ કોઈ કાળા કામની શંકા વધુ ગાઢ બની હતી.

કે.ચક્રવર્તીએ માર્કોસના બંને જૂથ ભેગા કરીને વધુ એક મિશન માટે પોરબંદર નજીક દરિયામાં રવાના કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમેશ એક માર્કોસ અને આ મિશનનો આગેવાન હતો.

તાત્કાલિક યોજના બની હતી. આઠ માર્કોસ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરમાં સવાર થઈને પોરબંદર તરફ રવાના થયા. અફાટ અરબ સાગરમાં નિશ્ર્વિત જગ્યાએ હેલિકોપ્ટર પહોંચ્યું. થોડી શોધખોળમાં જ એક મધ્યમ કદની ડિઝલ બોટ નજરે પડી. માર્કોસે દૂરબીન વડે દૂરથી નિરીક્ષણ કર્યું. બોટમાં કોઈ દેખાતું નહોતું. પ્રથમેશને લાગ્યું કે કદાચ હેલિકોપ્ટર જોઈને સંતાઈ ગયા હશે. જો એમ જ હોય તો બાબત ગંભીર હતી કારણ કે મધદરિયે હેલિકોપ્ટર આટલા નજીક આવ્યા બાદ તો કુતૂહલવશ મુસાફરોની નજર હેલિકોપ્ટર તરફ હોવી જોઈએ.

પ્રથમેશે સાથીઓને બોટ તરફ મશિનગનથી નિશાન લેવાની સૂચના આપી. બોટ એકધારી અને મધ્યમ ગતિથી ઉત્તર દિશામાં આગળ વધી રહી હતી. હેલિકોપ્ટરે વારાફરતી બોટની બંને પડખે રહીને નિરીક્ષણ કર્યું. બે વખત બોટ ફરતે નીચા સ્તરે ચકરાવા લીધા હતા. લાઉડ સ્પીકરથી ઊભા રહેવા સૂચના પણ આપી હતી. બોટમાં રહેલાઓને જાણે કોઈ ફરક જ નહોતો પડ્યો. પ્રથમેશે હવે માત્ર એક મિનિટમાં બોટ ઊભી રાખવા અથવા ગોળીનો સામનો કરવાની ચેતવણી ઉચ્ચારી. અચાનક બોટે ડાબી બાજુ વળાંક લીધો હતો. હવે બોટની ગતિ સતત વધતી જતી હતી. પ્રથમેશને હવે કોઈ શંકા નહોતી. હુમલા માટેના સંજોગો હતા, છૂટ પણ હતી પરંતુ પ્રથમેશ હજુ એક તક આપવા માંગતો હતો. તેણે ફરી એકવાર સૂચના આપી. કોઈ ફરક ના પડ્યો. પ્રથમેશે પોતે જ બોટ પર એક ગોળી ચલાવી. અચાનક બોટની ગતિ તેની મહત્તમ મર્યાદા પકડી ચૂકી હતી.

પ્રથમેશે તુરંત હેલિકોપ્ટર બોટને સમાંતર રાખવા સૂચના આપી. હજુ બોટ તરફથી કોઈ હુમલો નહોતો થયો પરંતુ બોટ થોભી પણ નહોતી. લાગ મળતાં જ પ્રથમેશે સૂચના આપતા બોટ તરફના પડખે ગોઠવાયેલા ત્રણ માર્કોસે ગોળીબાર કર્યો. બોટને ઘણી ગોળીઓ વાગી પણ બોટ હજુ થોભી નહોતી. સ્થિતિ ગંભીર બનતી જતી હતી. બોટને વધુ નુકસાન પહોંચે એટલે કે બોટ ઊડાડી દેવા સક્ષમ હથિયાર સાથે હતા પરંતુ પ્રથમેશને જરૂરી સાબિતી એકત્ર કરવાની પણ સૂચના હતી. જે જરૂરી પણ હતું. જોકે, હવે બોટને વધુ નુકસાન પહોંચાડવાનો નિર્ણય જરૂરી જણાતો હતો.

હેલિકોપ્ટરના પાઇલટે ધ્યાન દોરતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક આવી રહી હતી. પ્રથમેશના મનમાં એક શંકા રમતી હતી જે હવે પ્રબળ બની હતી. ગોળીબાર છતાં બોટની દિશા સહેજ પણ વિચલિત નહોતી થઈ. ગતિ મહત્તમ સ્તરે જ હતી. કોઈ વળતો હુમલો પણ નહોતો થયો. પ્રથમેશે સૂચના આપતા જ એક માર્કોસે બોટના આગળના ભાગે ખાસ હથિયારથી હુમલો કરીને ભારે નુકસાન પહોંચાડ્યું. છતાં બોટ થોભી નહોતી. અચાનક પ્રથમેશે હેલિકોપ્ટરની ઝડપ ઘટાડવા આદેશ આપ્યો.

સૌ નવાઈ પામતા પ્રથમેશે કહ્યું, "આ એક જાળ છે. બોટમાં લગભગ કોઈ નથી અને હવે બોટ એની મેળે જ બ્લાસ્ટ થશે."

સૌને નવાઈનો બીજો ઝાટકો લાગ્યો. કોઈ કશું સમજે તે પહેલાં જ પાઇલટે કહ્યું કે હવે આંતરરાષ્ટ્રીય જળસીમા માત્ર એક નોટીકલ માઈલ દૂર છે. એક માર્કોસે પ્રથમેશને બોટ ઊડાડી દેવા સલાહ આપી. પ્રથમેશ માન્યો તો નહીં પણ ભૂલથી પણ હુમલો ના કરવા કડક સૂચના આપી. હેલિકોપ્ટર પણ દરિયાની સપાટીથી શક્ય એટલું નજીક રાખવાની સૂચના આપી. પાઇલટે હવે આગળ ના વધવાની સલાહ આપતા પ્રથમેશે હેલિકોપ્ટરને પાઇલટ તેની ઇચ્છા સુધી આગળ લઈ જઈને હવામાં સામાન્ય ઊંચું રાખીને આડું કરવા જણાવ્યું. પાઇલટે સૂચનાનું પાલન કર્યું. હવે પ્રથમેશ દૂરબીન વડે બોટ જોઈ રહ્યો હતો. હેલિકોપ્ટરમાં ફિટ કરેલ કેમેરામાં પણ રેકોર્ડીંગ ચાલુ હતું. જળસીમા ઓળંગ્યા બાદ ખરેખર બોટમાં બ્લાસ્ટ થયો. પ્રથમેશે પરત ફરવાની સૂચના આપી.

પાઇલટે પ્રથમેશને પૂછ્યું, "આ કેવી જાળ હતી ?"

"ઊંડી ઘણી ઊંડી."

"પોતાના જ માણસોને બલિ પર ચડાવી દેવાની કેવી ચાલ ? માત્ર આપણી આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામી માટે ?"

"એનાથી પણ ઊંડી ચાલ છે. કોઈ બલિ પર નથી ચડ્યું. આપણે ચાલમાં ફસાયા છીએ."

"ફસાયા કઈ રીતે ? આપણે જળસીમાનું ઉલ્લંઘન કર્યું જ નથી. "

"આ સમય બરબાદ કરીને ધ્યાન ભટકાવવાની ચાલ છે. જો તેમાં કોઈ હોત તો નાના બ્લાસ્ટ બાદ બોટ થોડી ફંટાઈ હતી તે દિશા સીધી કરી હોત. એમ નથી થયું, મતલબ બોટ ઓટો મોડ પર હતી."

"ઓટો મોડ પર હતી તો અગાઉ ડાબી તરફ વળાંક કઈ રીતે લીધો હતો ?"

"ઓટો મોડ મતલબ રિમોટ કન્ટ્રોલથી ઓપરેટ થતી હતી. આ ૨૦૧૩ નું વર્ષ છે ભાઈ. હજારો કિ.મી. દૂર બેસીને પણ બોટ પર નિયંત્રણ રાખી શકાય. બોટની દરેક દિશામાં નાના કેમેરાની પણ મેં નોંધ લીધી છે. જો વાત વણસી તો આપણું હેલિકોપ્ટર આખી દુનિયામાં પ્રખ્યાત થવાનું છે."

સૌને થોડી સમજ પડી અને ઘણી ના પડી.

જરૂરી રેડિયો સાયલન્સના કારણે કે.ચક્રવર્તી ઘટનાથી અજાણ હતા. પ્રથમેશે પરત ફરતાં જ ઘટનાનું વર્ણન અને ચિંતા વ્યક્ત કરી. હવે કે.ચક્રવર્તી પણ મૂંઝાયા હતા કારણ કે મુંબઈ ડોકયાર્ડના વધુ એક કર્મચારીની લાશ મળી આવી હતી, પેટ્રોલિંગ દરમિયાન ગુમ થયેલ દારૂગોળો ડોકયાર્ડમાંથી જ મળી આવ્યો હતો તથા વિશાખાપટ્ટનમ ડોકયાર્ડમાં ધમાલ મચી હતી. બંગાળની ખાડીમાં પાકિસ્તાની જહાજની હિલચાલ જણાતા તત્કાળ એક મિશન હાથ ધરાયું હતું. વધુ વાતચીત કરતા પહેલાં જ કે.ચક્રવર્તી માટે સંદેશ આવ્યો તેથી તેઓ તુરંત રવાના થયા.

એકાદ કલાક બાદ પરત આવીને તેમણે પ્રથમેશની ટીમને ખાસ નવા મિશનની માહિતી આપી. ટીમે ફરીથી પોરબંદર તરફ હેલિકોપ્ટર દ્વારા રવાના થવાનું હતું.

આ વખતે માર્કોસ માત્ર ત્રણ હતા કારણ કે ખાસ સામાન સાથે હતો. હેલિકોપ્ટરે આ વખતે અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળસીમાનું ઉલ્લંઘન કરવાનું હતું. હેલિકોપ્ટર સીમા નજીક પહોંચ્યું. ત્યાં ભારતીય મનવાર હાજર હતી. તેની સાથે સંપર્કમાં રહીને હેલિકોપ્ટરે જળસીમા ઓળંગી. મનવાર પણ સીમાને સમાંતર રહીને દક્ષિણ તરફ આગળ વધી રહી હતી. મનવાર તરફથી સૂચના મળતાં જ યોગ્ય જગ્યાએ માર્કોસે ડેપ્થ ચાર્જ ફેંક્યા. થોડીવાર બાદ દરિયો ગાજ્યો. જાણે ભૂકંપ આવ્યો હતો. એક પાકિસ્તાની સબમરીનનો ડૂચો વળી ગયો હતો.

પરત ફરતી વખતે હજુ એક કામ બાકી હતું. હેલિકોપ્ટરમાંથી એક પાર્સલ નીચે ફેંકવામાં આવ્યું. પાણીની સપાટીને સ્પર્શતા જ તેણે એંજિન વગરની રબરની બોટનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એક પછી એક ત્રણ માર્કોસ પણ દોરડાના સહારે બોટમાં ઊતર્યા. સૌની પાસે ખાસ સામાન હતો. સૌએ અંડર વોટર પ્રોપેલ્ડ મરીન કીટ પહેરી લીધી હતી. વોટરપ્રૂફ મશીનગન અને અન્ય ખાસ સામાન તેમની સાથે હતો.

ભારતીય મનવારે આપેલ માહિતી મુજબ એક પાકિસ્તાની બોટ એમના તરફ આવી રહી હતી. જે અગાઉ માર્કોસે સામનો કર્યા મુજબની બોટ જેવી જ હતી પરંતુ તેમાં માણસો હોવાની પૂરેપૂરી શક્યતા હતી. પ્રથમેશની ટીમ મનવારની રાહ જોઈને બેસી રહી. જેવી સૂચના મળી કે તુરંત ત્રણેય માર્કોસ પાણીમાં હળવેકથી કૂદી ગયા અને સપાટી નીચે ત્રણ દિશામાં ફેલાઈ ગયા. સૌની પાસે ઓક્સિજન ટેન્ક હતી. પોર્ટેબલ પ્રોપેલ્ડ કીટના સહારે તેઓ સરળતાથી પાણી નીચે સફર કરવા સક્ષમ હતા.

થોડીવારમાં બોટ આવી પહોંચી. તે રબ્બરની બોટથી થોડું અંતર રાખીને ચકરાવા લેવા લાગી હતી. છેવટે તે થોભી. બે હથિયારધારી આતંકીઓ બહાર નીકળ્યા અને બોટનું નિરીક્ષણ કરવા લાગ્યા. જે દરમિયાન સપાટી નીચે પ્રથમેશ અને તેનો એક સાથી બોટ તરફ આગળ વધ્યા. સટાસટ બોટ નીચે બોમ્બ ગોઠવી દીધાં અને દૂર સરકી ગયા. ત્રીજો સાથી સૂચના મુજબ સહેજ દૂર જ રહ્યો હતો.

આતંકીઓએ રબ્બરની બોટ નધણિયાતી હોવાનું કળીને આગળ વધવાનું નક્કી કર્યું. ત્યાં જ એક ધડાકો થયો અને આતંકીઓની બોટનું પ્રોપેલર અને એંજિન ક્ષતિગ્રસ્ત થઈ ગયું. બોટમાં પાણી ભરાવા લાગતા બોટમાંના આતંકીઓ પાણીમાં કૂદી ગયાં. જેમાંના ત્રણ જણાંએ લાઈફ જેકેટ પહેર્યા હતા તેથી તરવા લાગ્યા જ્યારે બે આતંકીઓ હવાતિયાં મારીને સાથીઓ પાસે પહોંચીને ચિપકી ગયા. અચાનક સૌના શરીર વીંધાઈ ગયાં. સપાટી નીચે રહીને જ ત્રણેય માર્કોસે ખેલ પાડી દીધો હતો. અત્યાર સુધીનો ઘટનાક્રમ કે.ચક્રવર્તીની યોજના મુજબનો જ રહ્યો હતો. માર્કોસ સપાટી પર પ્રકટ થયા અને ફટાફટ આતંકીઓના શરીર પરથી શક્ય એટલો સામાન એકઠો કરવા લાગ્યા. સિગ્નલ આપતાં જ હેલિકોપ્ટર આવી પહોંચતા સૌ હેલિકોપ્ટરમાં સવાર થઈને પરત રવાના થયા. હેલિકોપ્ટર સપાટીને અત્યંત નજીક રહીને ભારતીય સીમામાં પ્રવેશ્યું.

મિશનની સફળતાથી કે.ચક્રવર્તીએ ખુશ થઈને સૌને ગળે લગાડીને અભિનંદન આપ્યા પરંતુ પ્રથમેશ ખુશ નહોતો. ઘણાં સવાલ હતા તેના મનમાં.

અહીં એક સ્ક્વોડ્રન લીડર અનિકેત પણ હાજર હોવાથી પ્રથમેશ થોડો ખચકાયો. જે જોઈને કે.ચક્રવર્તીએ અનિકેત પણ મિશનનો ભાગ હોવાનું જણાવીને બિન્દાસ વાત કરવા જણાવ્યું.

પ્રથમેશે તુરંત પૂછ્યું, "સર, આપની તમામ સૂચનાઓનું મૂંગા મોઢે અક્ષરશઃ પાલન કરીને મિશન પૂર્ણ કર્યું છે. પ્લિઝ, હવે રહસ્ય કહો."

"બોલો, શું જાણવું છે ?... વેઈટ એક મિનિટ, પહેલાં હું જ થોડી માહિતી આપી દઉં. તમે લોકો પ્રથમ મિશનથી પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન જ ઇન્ટેલિજન્સે ઘણી માથાપચ્ચી કરીને મોટું રહસ્ય ઉકેલી નાંખ્યું હતું. તમને જે રિમોટ કન્ટ્રોલ્ડ બોટ મળી હતી તે ધ્યાન ભટકાવા માટે હતી. આપણને અવળા પાટે ચડાવાની યોજના હતી. તેના જેવી જ બીજી બોટ સબમરીનની આગળ રહીને દક્ષિણે વધી રહી હતી. સબમરીન પાણી નીચે સરકી રહી હતી. આપણાં પાકિસ્તાન ખાતેના ગુપ્તચરો આ બોટની માહિતી આપે અને આપણે - 'એ તો ઓટોમેટિક બ્લાસ્ટ થઈ ગઈ હોવાનું માનીને ખતરો ટળ્યાનું અનુમાન કરીએ. જે દરમિયાન સબમરીન અને અન્ય બોટ સહજતાથી આગળ વધી જાય' - તેવી દુશ્મનની યોજના હતી. જેનો આપણા જાંબાજ અને સ્માર્ટ જાસૂસોએ અણિના સમયે ફોડ પાડી દીધો હતો."

"નિશાના પર શું હતું સર ?"

"મુંબઈ નેવલ ડોકયાર્ડ."

"કોઈ ખાસ લક્ષ્ય."

"ઘણાં હતા. જહાજ, સબમરીન અને અન્ય પણ."

"અમને ડેપ્થ ચાર્જ સાથે શા માટે મોકલ્યા ? એ તો વિમાન કે ખાસ હેલિકોપ્ટર દ્વારા જ ફેંકવાના હોય છે."

"આંતરરાષ્ટ્રીય જળસીમામાં સંભાળવું પડે તેમ હતું. ફાઇટર પ્લેન કે ખાસ હેલિકોપ્ટરના ઉપયોગથી દુશમનને આપણા મિશનની ગંધ આવી જાય તેમ હતી. ગાફેલ દુશમનને ઊંઘતો જ ખતમ કરવાની યોજના હતી."

"સબમરીનની સાથે બોટ શા માટે આવતી હતી ?"

"તમે જે બોટ ડૂબાડીને આવ્યા તેમાં સેબોટેજની સામગ્રી હતી. તેનું લક્ષ્ય તો ખબર નથી પણ છેક સુધી સબમરીનની આગળ રહીને એક સુરક્ષા કવચની યોજના જણાઈ હતી. જો આપણે સામેથી મોટો હુમલો કરીએ તો સબમરીન પરત ફરે કે દિશા બદલે અને આપણે બોટ તરફ જ ધ્યાન આપીએ તેવું આયોજન હતું."

"તો હવે ગંગા નાહ્યા એમને !"

"ના, ખેલ હજુ બાકી છે. તમે જે આતંકીઓને સૌ પ્રથમ ખતમ કર્યા હતા તેઓ તેમનું કામ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. તેમણે મુંબઈ ડોકયાર્ડમાં લાંગરેલા આપણા સિંધુરક્ષક સબમરીનને સેબોટેજ કરવા તેના તળીયે બોમ્બ લગાવ્યા હતા. હજુ થોડાં આતંકીઓ આ વિસ્તારમાં જ છે."

પ્રથમેશ ઊભો થઈ ગયો અને તાડૂક્યો, "તો આપણે અહીં શું કરીએ છીએ ?"

"શાંત થા. તારા અન્ય સાથીઓ એમની સામે ઝીંક ઝીલી રહ્યા છે. તું આવ્યો એની દસ મિનિટ બાદ એમને રવાના કર્યા છે."

"તો મને જણાવ્યું કેમ નહીં ? મને શા માટે ના મોકલ્યો ? શું મારી ક્ષમતા પર કોઈ શંકા હતી ? કે દયા..."

"શટ અપ... તું એક ફોજી છે અને ખાસ કમાન્ડો."

"સર, એટલે જ પૂછ્યું."

"તારી વિશેષ સેવા લેવાની છે."

"બોલો સર. હું તૈયાર છું."

"તમારે ત્રણેયે ડોકયાર્ડમાં હજુ વધુ એક સબમરીન સેબોટેજ કરવાની છે."

"એક બીજી પાકિસ્તાની સબમરીન છેક અહીં આવી પહોંચી છે ?"

"પાકિસ્તાનની નહીં આપણી."

"વોટ ? શું આ મજાક છે ?"

"ના, ગંભીર આયોજન છે."

"સર, મારું મગજ ફાટી જશે. પ્લિઝ.."

"અરે, શાંત થા. આખી વાત સાંભળ. પછી મગજ ફાટવાના બદલે ઝૂમી ઊઠશે. જો, આપણે વારંવાર પાકિસ્તાનના ઊંબાડિયાં સહન કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય કાયદા અને વિદેશી દબાણની સામે ઘણીવાર સમસમીને લાચાર બેસી રહેવું પડે છે. આથી તક જોઈને આપણે આપણી એક સબમરીનને કાગળ પરથી ગાયબ કરવાની છે. આજે દુનિયા માટે સિંધુરક્ષક સબમરીન ડૂબશે અને આપણા માટે ગુપ્ત હથિયાર બની જશે."

"સર, તર્ક તો સારો છે પણ આ કઈ રીતે શક્ય છે ?"

"તું ચિંતા ના કર. આ અનિકેત, હું અને ઘણાં ઉપરી અધિકારીઓ આ વખતે ગુસ્સા અને જુસ્સામાં છીએ. આ અનિકેતના પિતા અને દાદાના પરાક્રમોના કારણે તેનું સેનામાં ઉચ્ચ કક્ષાએ ઘણું માન છે. તેની હોશિયારી, તેના પિતા અને દાદાના અનુભવો, તર્ક, પરાક્રમો, ગુસ્સો વગેરેના પ્રભાવે તેણે જ આખી યોજના બનાવી છે. જેને ઉચ્ચ કક્ષાએથી ત્રણેય સેના દ્વારા સાથ મળ્યો છે. એક કબાડી જહાજને સબમરીનનું રૂપ આપી દેવાયું છે. જેનો બલિ ચડાવવાનો છે."

"પરંતુ..."

"તારાથી વધુ ચિંતા સરકાર અને ત્રણેય સેનાના અધિકારીઓને છે. ઘણું વિચારીને જ આયોજન થયું છે."

"તો રાહ શેની જોવાય છે ?"

"સમયની. સિંધુરક્ષકના તળીયે સેટ કરેલાં બોમ્બમાં ટાઈમીંગ હતું. જે ફાટે ત્યારે આપણી એક સબમરીન શહીદ થાય. અફરાતફરી મચે. આપણે બેબાકળા બનીને અન્ય સબમરીન અને જહાજ અન્યત્ર ખસેડવા બહાર કાઢીએ. તે જ સમયે પાકિસ્તાનની સબમરીન તેની ઓળખ છતી થવાના જોખમ સાથે નિર્ભીક રીતે આવી પહોંચે અને એનું મિશન પૂર્ણ કરે તેવી દુશ્મનની યોજના હતી. આપણે બોમ્બ નકામા કર્યા છે અને સબમરીન સલામત અને અન્ય ગુપ્ત જગ્યાએ રવાના પણ કરી છે. દુશ્મને સેટ કરેલ ટાઈમે જ આપણે નકલી સબમરીનને ઊડાડી દેવાની છે."

"હા, પરંતુ એમાં મારી શું જરૂર ?"

"યોજના અત્યંત ખાનગી છે. અમુકને જ તેની જાણકારી છે. વિસ્ફોટ ગુપ્ત રાહે જ કરવાનો છે. જે અંગે તારે તારી ટીમ સાથે ચોક્કસ સમયે પાણીની સપાટી નીચે રહીને વ્યવસ્થા કરવાની છે."

એટલામાં સુખ અને દુઃખ મિશ્રિત સમાચાર આવ્યાં. પ્રથમેશના અન્ય માર્કોસ સાથીઓનું મિશન સફળ રહ્યું હતું. ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા. સાથે બે માર્કોસ શહીદ થયા હતા. જે સાંભળીને પ્રથમેશનો પિત્તો આસમાને પહોંચ્યો. કે.ચક્રવર્તીએ તેને શાંત પાડીને મિશનની તૈયારીમાં પરોવ્યો.

રાતના અંધકારમાં ચોક્કસ સમયે પ્રથમેશ અને તેના સાથીઓના પરાક્રમે રંગ બતાવી દીધો હતો. બીજા દિવસે ભારત અને દુનિયામાં "સિંધુરક્ષક" સબમરીન અંગે વિસ્ફોટ અને ડૂબવાના સમાચારો કોમ્પ્યુટરાઇઝ્ડ એનહાન્સ્ડ અસ્પષ્ટ વીડિયો અને ફોટોગ્રાફ સાથે પ્રસારિત થયા. દુનિયા માટે સબમરીન સાગર તળીયે હતી. વાસ્તવિકતાની સચોટતા ખાતર નેવી ચીફ એડમીરલે પણ રાજીનામું આપી દીધું હતું.

જેના પ્રભાવે દુશ્મન પોતાની એક સબમરીનના નુકસાનની સામે એક સબમરીનના નુકસાનને સરભરતાના ખયાલોથી સ્વમલમ લગાવી રહ્યો હતો. જ્યારે નૌસેનાના અધિકારીઓ હવે "સિંધુરક્ષક" સબમરીનના નવા અને બિન્દાસ ગુપ્ત શિકારી હુમલાની યોજના બનાવવામાં વ્યસ્ત બન્યા હતા. દુનિયાની સાથે દેશ માટે પણ સિંધુરક્ષકના વિસ્ફોટમાં માર્કોસના પેલાં બે કમાન્ડો અને અન્ય ડોકયાર્ડના બે કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા. ભલે તેમને શહીદનો દરજ્જો મળ્યો નહોતો પરંતુ સેનાએ તેમના પરિવારોના લાભાર્થે અન્ય કલ્યાણકારી યોજના અમલમાં મૂકી હતી.

આ મિશન બાદ પ્રથમેશ અને મિશનમાં ભાગ લેનારા તેના સાથીઓએ હંમેશા માટે મૌનની આજ્ઞા તેમના ડિ.એન.એ માં સામેલ કરી લીધી હતી.

***

ત્રણેક વર્ષ બાદ પ્રથમેશ નૌસેનાની એક કેન્ટીનમાં કોફી માણી રહ્યો હતો અને એક સમાચાર વાંચ્યા. વર્તમાનપત્રમાં એક સમાચાર અંદરના પાને પ્રકટ થયા હતા. જે મુજબ : ભારતીય વાયુસેનાના એન્તનોવ - ૭૨ વિમાને ચેન્નાઈના તાંબરમ એરફોર્સ સ્ટેશનથી પોર્ટ બ્લેર તરફ ઊડાન ભરી હતી અને ગુમ થયું હતું.

ત્રણ દિવસ બાદ ૧૬ નેવલ જહાજ, ૧ સબમરીન, તથા ૬ વિમાન દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુમ વિમાનની ભાળ મળી નહોતી.

આશરે બે મહિના બાદ આ તપાસ બંધ કરવામાં આવી. જે અંગેના સમાચાર વર્તમાનપત્રમાં ચમક્યા નહીં પરંતુ વાયા વાયા એકાદ અઠવાડીયે પ્રાપ્ત થયા.

બંને સ્પષ્ટ દૃશ્યમાન હતાં - પ્રથમેશના ચહેરા પરનું આછું સ્મિત અને તેના મનમાં વિંગ કમાન્ડર અનિકેતના આછા સ્મિતવાળા ચહેરાની આભા.

***

જરૂરી નથી કે યુદ્વ નિયમોનુસારનું જ હોય. જરૂરી નથી કે યુદ્વની તમામ વિગતો જાહેર થાય. ક્યારેક ગુપ્ત પરંતુ માત્ર જીત અગત્યની હોય છે. યુદ્વ અને જીતનું સ્વરૂપ કલ્પના બહારનું પણ હોઈ શકે. આથી જ જરૂરી નથી કે દરેક શૌર્યગાથા સહજ રીતે જાહેર કરવામાં આવે. હજારો શહીદોની વિધવાઓના ડૂસકાં પણ જો એ જ શહીદના સંતાનને સૈનિક બનાવવાનું પ્રેરકબળ બની જતા હોય તો અમુક પરાક્રમોની ગુપ્તતાથી ઉદ્દભવતી જાહેર સન્માનની અછત - રાષ્ટ્રયજ્ઞમાં પવિત્ર આહુતી સમજવી ઘટે.

-:-:-:-:-:-:-

(વર્તમાનપત્રોમાં બિટવીન ધ લાઇન્સ કહેવાયેલી બાબતોના આધારે કલ્પનાના વઘાર સાથે શહીદોને નમન કરતી દેશપ્રેમમાં ઝબોળેલી કલમથી...)
-હિતેષ પાટડીયા, તા.૨૫/૧/૨૦૨૧