Taste of Love books and stories free download online pdf in Gujarati

ટેસ્ટ ઓફ લવ

પ્રભાતના શાંત વાતાવરણમાં રોજ નિયત સમયે સાઇકલની ઘંટડીનો સ્પષ્ટ અવાજ સંભળાતો હતો. માયા માટે આ અવાજ હવે મીઠો રણકાર બની ચૂક્યો હતો. શેરીના નાકેથી અવાજ શરૂ થતો અને માયાની પલંગથી ઝરૂખા સુધીની પદયાત્રા શરૂ થતી. ઘર નજીક પહોંચતા જ કેયૂરની સાઇકલની બ્રેક ખેંચાતી અને સાઇકલની ગતિ અટકી જતી. તે જ સમયે ઘરની મેડીના ઝરૂખાની બારીને ધક્કો વાગતો અને તે ખુલી જતી. સમાન તીવ્રતાથી બે વ્યક્તિ આ ક્રિયાઓમાં સામેલ થતી. ઉપર-નીચે, સામ સામે, એકબીજાને નિહાળતા કુલ ચાર ચક્ષુઓ સ્થિર થતા - રોજની જેમ. બે પળ બાદ છાપાનો મંદ ઘા થતો અને તે ઝરૂખે ઝીલાતું - મોટાભાગે.

કેયૂરે જાણે દીદાર પ્રથા લાગુ પાડી હતી. માયા ઝરૂખે ડોકાતી એટલે તે જાણે દીદાર આપવા અને કેયૂર તેના દીદાર કરવા આવતો જણાતો હતો. હકીકતમાં બંને પક્ષ એકબીજાના દીદાર માટે સમાન પ્રભાવમાં હતા. એટલે જ તો કેયૂરે બિનજરૂરી સાઇકલ સવારી સ્વીકારી હતી. એ તેની મજબૂરી નહિ પણ મજા હતી. જે આદત બની ગઈ હતી.

કેયૂરનો પરોઢનો નશો તેના પરિવારના મનમાં સ્વાસ્થ્ય ટોનિક હતું. જે કેયૂરે જ ઠસાવ્યું હતું.

***

સાલસ સ્વભાવનો કેયૂર કોલેજ બાદ નોકરીને બદલે પિતાની દુકાને પરોવાયો હતો. તેનો સૌમ્ય દેખાવ અને કસાયેલા શરીરના સરવાળે તે શેરીમાં તો પ્રભાવી હતો જ. સારા સ્વભાવ, ક્રિકેટમાં તેનું પ્રદર્શન અને વિવિધ તહેવારોના આયોજનની દોડધામમાં ઘણાં-ઘણીનો માનીતો પણ બની ગયો હતો.

નવરાત્રિમાં શહેરની જ યુવતી - માયાની નજરમાં કેયુર વસી ગયો હતો. કેયૂરની ઇલેક્ટ્રોનિક્સની દુકાને વારંવાર ખરીદીના બહાને માયાના આંટાફેરા વધી ગયાં હતાં. મોબાઇલ રીચાર્જ, મોબાઇલ કવર, સ્ક્રિન ગાર્ડ, હેન્ડ્સ ફ્રી વગેરેની માયાની જરૂરિયાતો વધવા લાગી હતી. તે પોતાની સખીઓ સાથે પણ આવતી રહેતી.

દિવાળી આવતા સુધીમાં તો કેયૂર પણ માયાની માયામાં ડૂબી ગયો હતો. મિત્ર ભૌમિકની મદદથી માયાની સામાન્ય માહિતી તો કેયૂરે મેળવી હતી. માયાના ઘર નજીક આંટાફેરા પણ કર્યા હતા પરંતુ હજુ સુધી ખાસ વાતચીત થઈ નહોતી.

એક દિવસ માયા બ્લૂટુથ સ્પીકરની ખરીદી માટે આવી હતી. તે વખતે દુકાનમાં કેયૂરના પિતા હાજર નહોતા. કેયૂરે તુરંત બે કારિગરોને સિફતથી અન્ય કામ સોંપીને રવાના કર્યા હતા.

કેયૂરે સ્પીકર પેપરબેગમાં મૂકીને સોંપતી વખતે જણાવ્યું કે, "આમાં બે નંબર છાપેલાં છે. તેમાં નીચેનો નંબર મારો છે."

જે સાંભળીને માયા મંદ મલકાઇ હતી. તે રવાના થતી હતી ત્યારે કેયૂરે થોડી ત્વરાથી કહ્યું, "કોઇ તકલીફ જણાય તો એ નંબર પર જરા..."

સામેથી વાત કાપતા તુરંત જવાબ મળ્યો, "તકલીફ થશે તો રૂબરૂ જ આવીશ."

"જી. વેલકમ."

"મતલબ, તકલીફવાળી તકલાદી ચીજ તો નથી પધરાવીને !"

"એ તો અનુભવ બાદ જ જાણી શકાય - જિંદગીની જેમ."

માયાને 'જિંદગી' શબ્દ પર મૂકાયેલ ભાર જાણે પોતાના દિલ પર વર્તાયો હતો. શબ્દ એક જ હતો પરંતુ અસર કવિતા જેટલી થઈ હતી. કેયૂર કવિતાઓ પણ લખી જાણતો હતો. શેર-શાયરીઓ માટે મિત્રોમાં જાણીતો હતો.

માયાએ પૂછ્યું, 'તકલીફ ના હોય તો !"

"તો અન્ય કોઈ ચીજ વિશે માહિતી માટે પણ નંબર કામ લાગશે - જિંદગીની જેમ."

"તમારી દરેક વાતમાં જિંદગી શબ્દ હોય છે ?"

"ના. જિંદગીમાં દરેક વાત હોય છે."

"સારું. ચાલો હવે હું રજા લઉં."

"કોની !"

"મતલબ, હવે હું જાઉં છું."

"આ તો સાદું વાક્ય છે. પ્રશ્ર્નાર્થ વાક્ય નથી લાગતું."

"પ્રશ્ર્નાર્થ હોવું જોઈતું હતું ?"

"રજા લેવી જરૂરી હતી ?"

"અરે.., એ તો વાત કરવાની શૈલી કહેવાય."

"હું એ જ કહું છું."

"શું ?"

"મારી વાત કરવાની શૈલી."

"કેવી ? તર્ક વગરની વાતો ?"

"ના. હાસ્ય શૈલી. તર્ક તો હોય જ - સમજાય તો."

"એટલે ! હું સમજદાર નથી એમ કહેવું છે તમારું ?"

"હજુ સમજ્યો જ ક્યાં છું ! - જિંદગીની જેમ."

માયા ફરીથી 'જિંદગી' શબ્દ પર મૂકાયેલા વજનથી અચાનક એક પળ માટે મૌન થઈ ગઈ હતી. બીજી જ પળે હસીને પારદર્શક દરવાજો ખોલીને બહાર નીકળવા લાગી. કેયૂરની દુકાનનો દરવાજો આપમેળે હળવેથી બંધ થયો હતો પરંતુ જાણે માયાના દિલનો દરવાજો ખુલ્યો હતો. કેયૂરને માયા દરવાજેથી બહાર પણ દિલની અંદર પ્રવેશતી જણાઈ હતી. કેયૂર માયાને જોઈ રહ્યો હતો.

માયા મલપતી ચાલે પાર્કિંગ સુધી પહોંચી હતી. પોતાના વાહન પર સવાર થઈને ગતિમય બની હતી. દિશા બે હતી - એક ઘર તરફ, બીજી દિલ તરફ.

બે દિવસ કેયૂરે રાહ જોઈ. માયા કે તેનો ફોન આવ્યો નહોતો. મોબાઇલ સાથે ચેક કર્યા બાદ પેકિંગ વખતે કળા કરીને ખરાબ સ્પીકર જ પધરાવ્યું હતું. તેથી જ કેયૂર અવઢવમાં હતો.

છેવટે માયાનો ફોન આવ્યો. મીઠા અવાજે પ્રશ્ન પૂછ્યો, "દુકાનમાં સરસ વાગેલું સ્પીકર અચાનક મૌન કેમ થઈ ગયું હશે ?"

કેયૂરે પણ ત્વરિત જવાબ આપ્યો, "ચોવીસ કલાક વાપરો તો સ્પીકર થાકી પણ જાય ને !" ચાર્જ કરી જુવો."

"બે દિવસ એ જ કર્યું છે. ઘરે પહોંચી ત્યારથી એ મૌન જ છે."

"ઓહ. જીદ્દી ચીજ નસીબમાં આવી લાગી છે."

"હું હમણાં જ આવું છું. બદલી આપશોને !"

કેયૂરે દુકાનમાં હાજર પોતાના પિતાની સામે તીરછી નજરથી જોઈને થોડું મોટેથી કહ્યું, "અરે યાર ! હું છું ને. હું હાલ જ આવું છું."

ફોન કટ થઈ ગયો અને માયા 'યાર', 'હું', 'તું' વગેરે શબ્દોના અર્થ અને વજન માપવાનો પ્રયાસ કરવા લાગી હતી. 'ઘરે' શબ્દથી તેને નવાઈ પણ લાગી અને ડર પણ.

કેયૂરે દુકાનમાંથી બહાર નીકળીને માયાને ફોન કર્યો અને ફટાફટ કહ્યું, "તમે ઘરેથી નીકળીને ડિલક્ષ પાર્લર પહોંચો. હું ત્યાં જ તમને મળું છું."

માયાને હવે બધાં જ શબ્દોના અર્થ સમજાઈ ગયાં હતાં. માયાને સમજણ પડી તેનાથી વધુ આનંદ થયો હતો.

ડિલક્ષ પાર્લર પર બંનેની મુલાકાત થઈ. બંને ટેબલની સામસામી ખુરશીમાં ગોઠવાયા હતા. બે-ત્રણ ચીજોના ઓર્ડર અપાયા હતા.

માયાએ પૂછ્યું, "દરેક ગ્રાહકને પાર્લરમાં બોલાવો છો !"

કેયૂરે પણ પૂછ્યું, "દરેક અજાણી વ્યક્તિ પાસે આમ જ પહોંચી જાવ છો !"

"આમંત્રણ હતું."

"દરેક આમંત્રણ વખતે આટલી જ ઝડપથી દોડી જાવ છો !"

"સ્પીકર બદલવા આવવાનું જ હતું. મને એમ કે અહીં નજીકમાં કદાચ તમારી દુકાનની બીજી શાખા હશે. એટલે મને અહીં બોલાવી હશે."

"છતાં તમે વધુ પૂછપરછ તો કરી નહોતી !"

"અમુક સમયે કુદરત પર વિશ્વાસ રાખીને મુક્ત મને નિર્ણયો લઉં છું - જિંદગીની જેમ."

બંને હસી પડ્યાં. મુલાકાત એકાદ કલાક ચાલી. જેમાં કેયૂરે નવા અને વ્યવસ્થિત બ્લૂટુથ સ્પીકરની ચકાસણીના નામે બે-ત્રણ રોમેન્ટિક ગીત પણ સંભળાવી દીધાં હતાં. બંને છુટ્ટા પડ્યાં તે પહેલાં પરસ્પર સંબોધન ટૂંકું થઈ ચૂક્યું હતું.

કેયૂર સાંજે દુકાનેથી ઘરે પરત ફરતો હતો ત્યારે બીજી મુલાકાતના બહાના જ વિચારી રહ્યો હતો. ઘરે પહોંચતા જ ગમતી સુગંધથી આનંદિત થઈ ગયો હતો. તે ફટાફટ ફ્રેશ થઈને સોફામાં ગોઠવાયો. તુરંત કેયૂર માટે નાસ્તો આવી પહોંચ્યો. કેયૂરે માંગવાની જરૂર જ નહોતી પડી.

દિવાળી નજીક હતી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ - આજે મહિલા મંડળ રસોડામાં કાર્યરત હતું.

"લે, ચાખ ફટાફટ. સ્વાદ બરાબર છે ને !"

સ્મિત અને મધુર અવાજ સાથેના શબ્દોમાં આનંદની સાથે ઇતિહાસ પણ ઊભરાતો હતો. દર વર્ષે દિવાળી અગાઉ એકબીજાના ઘરે વારાફરતી નાસ્તો બનાવવાનો અહીં પાડોશીઓમાં મીઠો રિવાજ અને ઉત્સાહ હતો.

કેયૂરે અડધી પ્લેટ ખાલી કર્યા બાદ માંડ ઊંચું જોઈને કહ્યું, "વાહ ! એકદમ સરસ."

સામેની વ્યક્તિના ચહેરા પર સંતોષનું સ્મિત રેલાયું.

કેયૂરે પ્લેટ સામે ધરતા કહ્યું, "લે, તું પણ ટેસ્ટ કર."

"મેં જ તો બનાવ્યું છે."

"તો સ્વાદ વિશે પૂછ્યું કેમ ?"

"બનાવ્યું છે. ચાખ્યું નથી."

"કેમ ?'"

"ઉપવાસ."

"શેનો ?"

"અગિયારશ."

"તારે વળી શેની અગિયારશ !"

"બસ. ઇચ્છા થઈ તો આ વખતે ઉપવાસ પણ કર્યો."

"હા, પણ આવતીકાલે ચોક્કસ ચાખીશ."

કેયૂરે પ્લેટ સફાચટ કરી અને રોશન ખાલી પ્લેટ અને સંતુષ્ટ મન સાથે રસોડા ભેગી થઈ.

દુકાનની દોડધામમાં કેયૂરને પરિચિત નાસ્તાઓના સ્વાદથી તહેવારનો આનંદ અનુભવાયો. આમ તો દુકાનમાં દિવાળીને સંદર્ભે વિવિધ ઓફરો અને ડેકોરેશનથી તહેવારનો માહોલ આંખ સામે જ હતો. આજે અંગત રીતે વધુ તીવ્રતાથી તહેવારનો માહોલ અનુભાયો હતો - દિલ અને જીભ - બંનેમાં.

કેયૂર માટે આ વખતે જાણે બે તહેવારોની શરૂઆત થઈ હતી.

બીજા દિવસે દુકાનમાં ઘણાં લોચા મારવા લાગ્યો હતો. મન સજાગ તો હતું પણ દુકાનમાં નહોતું. આખો દિવસ આમ જ ચાલ્યું.

ધનતેરસે તો માયાને મેસેજ કરી દીધો. નવા મોબાઇલની ઓફરની માહિતી આપી હતી. સામે પક્ષે પણ રાહ જોવાતી હતી. મેસેજનો જવાબ અવાજથી મળ્યો.

"તમામ ગ્રાહકો માટે ઓફર છે કે અમુક માટે જ !"

"તમામ માટે."

"તો તો મેસેજ પણ ઘણાંને કર્યો હશે !"

"હા..."

"વ્હોટ્સ એપ પર !"

"અ..."

સામેથી હસવાના અવાજ બાદ જવાબ મળ્યો, "મેસેજ માટે નંબર તો નોંધતો નથી. એનું શું ?"

"તારો નંબર તો સેવ કરેલો જ છે."

"હા. એ તો મેં સામેથી ફોન કર્યો હતો એટલે ને ! બાકી તેં તો પેપરબેગ પકડાવી હતી. તેમાં તારો નંબર તો ઊછળી ઊછળીને બતાવ્યો હતો પણ મારો નંબર ક્યાં માંગ્યો હતો ?"

"તારે કોઈ ખરીદી નથી કરવાની માર્કેટમાં ?"

"શેની ?"

"દિવાળીની. અરે ગમે તે ચીજની."

"કરી લીધી."

"છતાં કંઈક તો બાકી હશેને !"

"કદાચ. તો !"

"મતલબ..."

માયાએ કેયૂરની વાત કાપીને ઝડપથી સમય જણાવીને ફોન કટ કરી નાંખ્યો હતો. કેયૂરને સ્થળ પૂછવાની જરૂર નહોતી લાગી. બંને જણાં પાર્લર પર મળ્યાં પરંતુ અંદર ના ગયાં. સીધાં માર્કેટ બાજુ રવાના થયાં. સાથે ફર્યા - હસ્યાં - બિનજરૂરી ખરીદી પણ કરી. આજની મુલાકાત લાંબી નહોતી ચાલી. કેયુરના પિતાનો ઉગ્ર પ્રશ્ન, "તહેવારની ઘરાકીના સમયે ક્યાં ગાયબ થઈ ગયો ?" જાણે ફોન ફાડીને બંનેને સંભળાયો હતો અને મુલાકાતનો અંત આવી ગયો હતો.

બીજા દિવસે મોડી સાંજ સુધી કેયૂર દુકાનમાં ગ્રાહકોથી ઘેરાયેલો રહ્યો હતો. મન તો બીજે જ ભટકતું હતું પરંતુ ગ્રાહકોની ભીડ જોઈને પિતા સમક્ષ કોઈ બહાનું રજૂ કરવું યોગ્ય જણાયું નહોતું. થોડાં મેસેજ કર્યા પણ માયાએ જોયાં જ નહોતા.

એક અઠવાડિયાથી રાતે અગિયાર સુધી દુકાન ખુલ્લી રહેતી હતી. પિતા પુત્ર વારાફરતી જમવા માટે ઘરે જતા હતા. દુકાનથી નીકળીને તુરંત ચાર વખત ફોન કર્યા પણ માયાએ ફોન ના ઉપાડ્યો. તે દુકાનમાં જઈને ઝડપથી બહાર આવ્યો. આજે કેયૂર ભોજન માટે નીકળ્યો હતો ખરો પરંતુ તે માયાના ઘર તરફ ફંટાયો હતો.

માયાનું ઘર તો પોતે આજ સુધીમાં ઘણીવાર ઊડતી નજરે જોઈ લીધું હતું. જેની માયાને જાણ નહોતી. આજે કેયૂરનો મૂડ ઊડતી નજરને ઊડતી મુલાકાતમાં ફેરવવાનો હતો. તેણે પોતાનું બાઇક પાર્ક કર્યું અને ઝડપથી ડોરબેલ વગાડી. પોતે સમજી નહોતો શક્યો કે પોતે આટલી ઝડપ શા માટે કરી રહ્યો હતો. ઉત્સાહ છે કે ગાંડપણ - સમજાતું નહોતું. મનમાં એક જ લક્ષ હતું. દીદારનું. ડર તો જાણે હતો જ નહીં.

બારણું ખુલ્યું અને એક પડછંદ કાયાના દર્શન થયાં. ઉત્સાહના દરિયામાં જાણે ઝાટકાભેર ઓટ આવી હતી. આવું તો વિચાર્યું જ નહોતું. મન એક હદથી વધુ વિચારવા માંગતું જ નહોતું. એટલે જ માયા સિવાયની વ્યક્તિ પ્રગટ થતા ઝાટકો લાગ્યો હતો. બે પળ માટે તો શબ્દો જ ના સૂઝ્યાં. સામેથી ડઠ્ઠર અવાજે પ્રશ્ન પૂછાયો અને કેયૂરે ઝડપથી જવાબ આપ્યો.

"માયા છે ?"

"શું કામ છે ? તમે કોણ ?"

પોતે ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવે છે. માયાએ બ્લૂટુથ સ્પીકર ખરીદ્યું હતું ત્યારે લકી ડ્રો માટે તેનું નામ નોંધ્યું હતું. આજે તેનું નામ ઇનામ માટે પસંદ થયું છે તે આપવા આવ્યો છે. તે મુજબ એક જ શ્વાસે જવાબ આપ્યો.

"હા. તો લાવો મને આપી દો. હું એનો પિતા છું."

"હા, પણ બિલ જોઈશે."

"ઘરનું સરનામું છે તમારી પાસે. પહોંચી પણ ગયા છો. હું હાજર છું. માયાનો પિતા છું છતાં હજુ બિલ જોઈશે ?"

"અરે સાહેબ. ખોટું ના લગાડશો. બિલમાં મારે એન્ટ્રી કરવી પડશેને ! એટલે. જેથી કોઇ ભવિષ્યમાં ઇનામ નથી મળ્યું એવો દાવો ના કરે. બસ અમારી નોંધ માટે."

"સારું." કહીને પડછંદ કાયા અંદર ગઈ અને થોડીવારમાં કોમળ કાયા બારણે આવી પહોંચી હતી. પડછંદ કાયા પણ સાથે જ હતી એટલે કેયૂરના ઉત્સાહમાં પાછી ઓટ આવી હતી. જોકે, દીદારનો સંતોષ થયો હતો. ઇનામ તરીકે સરસ હેડફોન સુપ્રત કરતાં જ માયા મલકાઇ ગઈ હતી. તેની પાસેથી બિલ હાથમાં લઈને કેયૂરે ખિસ્સાં તપાસવાનો સાચો અભિનય કર્યો. માયાએ જ પોતાના પિતાને કહ્યું, "પપ્પા. પેન !"

પડછંદ કાયા રૂમમાં ગઈ અને માયાએ હોઠ, દાંત, ગાલ, ભ્રમર, આંખ વગેરેથી બે-ત્રણ અલગ અલગ પ્રશ્નસૂચક ભાવો દર્શાવ્યા અને હાથના પંજાથી જવાબમાં ઝડપ રાખવાની સૂચના પણ આપી દીધી હતી.

"અરે તેં મેસેજનો જવાબ ના આપ્યો. ફોન પણ ના ઉપાડ્યો. મારે મળવું હતું. હવે ક્યારે મળીશું ? જલદી બોલ."

"હું બહાર ગઈ હતી. હમણાં જ આવી. મોબાઇલ ઘરે જ ભૂલી ગઈ હતી. અમે સૌ ત્રણ દિવસ માટે ગામડે જવાના છીએ. પછી જ મળાશે. ત્રણ દિવસ ફોન ના કરતો."

"ઓહ. સારું."

"પણ આવી યોજના કેમ બનાવી ! શું ઉતાવળ હતી ?"

"ઉતાવળ ! એક તો ફોન સાથે રાખવો નથી અને..."

"એટલે સીધું ઘરે ટપકવાનું !"

"અરે ગિફ્ટ આપવા માટે."

"હા હા. મોટો ગિફ્ટ વાળો. કઈ સ્કિમ હતી ?"

"દિવાલી દિલદારો કી..."

પેન આવી ગઈ અને કેયૂરે વાત અટકાવીને ફટાફટ બિલમાં નોંધ કરી દીધી. પડછંદ કાયાએ 'હેપ્પી દિવાલી' કહ્યું. કેયૂર સામે સમાન શબ્દો કહેવામાં થોડો સંકોચાયો પણ પછી કહી જ દીધું. કેયૂર રવાના જ થતો હતો અને માયાએ મસ્તી કરવા ભાટે મમરો મૂક્યો, "ગિફ્ટ માટે દિવસ સારો પસંદ કર્યો છે."

"હેં !"

"શું હેં ! કાળીચૌદસ !"

કેયૂરે પણ પોતાની બુદ્ધિનો પરચો આપતાં જણાવ્યું કે આવતીકાલથી દુકાનમાં થોડા દિવસ રજા રાખવાના છીએ. આજે સાંજે ડ્રો કર્યો. તમે ફોન ઉપાડ્યો નહીં. તહેવારમાં ગ્રાહકો ખુશ થાય એ અમારી લાગણી હતી. ગ્રાહકોનું ખાસ ધ્યાન રાખવાની નીતિ બનાવી હતી. એટલે આપના ઘર તરફ બાઇક વાળી હતી. ક્યારેક આવું પણ થતું હોય છે - જ..

શબ્દો પડતાં મૂકીને કેયૂર રવાના થઈ ગયો હતો.

છેલ્લે 'જિંદગીની જેમ' શબ્દો બોલાયા નહોતાં છતાં માયાને સંભળાયા હતાં - અનુભવાયા હતાં - લાગણીની જેમ.

બીજા દિવસે સવારે કેયૂરને પથારી છોડવાનું મન થતું જ નહોતું. આગલી રાતે દુકાન પર મોડે સુધી ભીડ રહી હતી. ઘણો થાક હતો છતાં દીદાર પ્રકરણના સ્મૃતિ દૃશ્યોના પ્રભાવે અડધી રાત સુધી તો ઊંઘ જ નહોતી આવી. એક ખાસ કામનો દૃઢ નિશ્ચય કર્યા બાદ જ ઊંઘ આવી હતી. સવારે મમ્મીના 'તહેવારોમાં તો વહેલાં ઊઠીને તૈયાર થા !" વગેરે ટોણાંએ પથારી છોડાવી જ દીધી હતી.

અચાનક રાતનો દૃઢ સંકલ્પ યાદ આવ્યો અને કેયૂર ઝડપથી પરિવાર સાથે મંદિરે દર્શન બાદ મંદિરેથી જ સીધો મિત્રો પાસે પહોંચી ગયો હતો.

એકાદ કલાકની માથાકૂટ બાદ ધમકી, લાલચ, ધબ્બાં વગેરેના પ્રભાવે છેવટે ત્રણ મિત્રો તૈયાર થઈ ગયા હતા. સાંજ પડતા પહેલા તો ટોળકી પોતપોતાના પરિવારોને ઊઠાં ભણાવીને રવાના થઈ ગઈ હતી.

બીજા દિવસે બેસતા વર્ષની સવાર ટોળકી માટે ઉત્સાહ અને નવાઈની પણ હતી. સૌ ખાસ જગ્યાએ ગોઠવાયા હતા. કેયુર મિત્રોની પાછળ ઊભો હતો. તેણે મોં પર હાથરૂમાલ પણ બાંધ્યો હતો. વાતાવરણમાં ઉત્સાહ છલકતો હતો. ટોળકી ઊંચાઈ પર હતી. ટોળકીની પાછળના ભાગે તળાવ હતું. ઘણાં લોકો ભેગાં થયા હતાં. ઢોલ વાગી રહ્યો હતો. ઘણાં લોકો ટોળકીની સામેની દિશામાં નીચાણમાં હાજર હતાં. ઊંચાણ અંને નીચાણમાં ઉપસ્થિત માનવ મહેરામણની વચ્ચે જમીનનો પટ્ટો ખુલ્લો હતો.

એક છેડેથી એક વ્યક્તિએ ધજા ઊંચી કરી અને ચિચિયારીઓનો અવાજ કાન ફાડવા લાગ્યો. અચાનક ઘણાં ઢોલ વાગવા માંડ્યા ત્યારે જ ટોળકીના ધ્યાનમાં આવ્યું કે ઘણાં ઢોલવાળા અલગ અલગ જગ્યાએ અગાઉથી જ બેસેલા હતા. ધજાવાળા છેડેથી ધૂળની ડમરી ઊડવા લાગી હતી. અસ્તવ્યસ્ત પરંતુ એકધારો અવાજ જમીનના પટ્ટા પર આગળ વધી રહ્યો હતો. તેજીલા તોખારો જેમ જેમ નજીક પહોંચતા જાય તેમ તેમ લોકો ખુશ થતા હતા. ટોળકી પણ આ દૃશ્ય જોઈને ખુશ હતી. પરંતુ ટોળકીની નજરને માત્ર અશ્વદોડથી સંતોષ નહોતો. અશ્વો બાદ ગાયોનો વારો આવ્યો. ફરીથી પાછો અશ્વો અને પછી સૌ વિખરાવા લાગ્યાં. ઘણાં હજુ ફટાકડાં ફોડવામાં વ્યસ્ત હતાં.

ટોળકીને ઊંચાઈનો છેવટે લાભ મળ્યો. ભૌમિકે માયાને જોઈ લીધી હતી. ટોળકી તેના તરફ રવાના થઈ. સામા પક્ષે યુવતીઓની ટોળકી હતી. જેને આંતરીને આ ટોળકીએ હજુ વધુ કોઈ કાર્યક્રમ છે કે નહીં મુજબની પૂછતાછના બહાને વાત ચાલુ કરી અને ત્યાં જ કેયૂરે પોતાના મોં પરનો રૂમાલ દૂર કર્યો.

માયા તુરંત બોલી, "તું !"

યોજના મુજબ કેયૂરે માયાની ટોળકીને નજીકના ઢાબા પર નાસ્તા માટે આમંત્રણ આપ્યું. જેનો તુરંત સ્વીકાર અને અમલ થયો.

માયાએ પણ સમજણથી જ ઢાબાના પાર્કિંગમાં નજીક કેયૂરની નજીક જઈને પૂછ્યું, "આ શું છે ?"

"ભૂલનો સુધારો."

"મતલબ !"

કેયૂરે એક બ્રેસલેટ માયાના હાથમાં પકડાવતા કહ્યું, "કેવું છે ?"

"સરસ, પણ આ..."

"ગિફ્ટ."

"હવે કઈ કાલ્પનિક સ્કીમ ઊભી કરી ?"

"અરે આ અંગત સ્કીમ છે."

"કઈ ?"

"ભૂલ સુધારણા સ્કીમ. પેલું ઇનામ સ્વીકારતી વખતે તને દિવસ યોગ્ય નહોતો લાગ્યો. આથી આજે આ સારા દિવસે ગિફ્ટ આપું છું."

"બસ. એટલા માટે છેક મારા ગામ સુધી લાંબો થયો કે પછી અશ્વદોડ જોવાની ઇચ્છા હતી !'

"તું જે સમજે તે."

"હા હા. હવે ફરી પાછો તું જ્ઞાન આપીશ કે અમુક બાબતો સમજી જવાની હોય - જિંદગીની જેમ વગેરે વગેરે.. પણ આજના પરાક્રમનું તો કહેવું જ પડશે તારે. તને ખબર હતી કે ત્રણ દિવસ મળી શકું તેમ નથી એટલે છેક અહીં ટપકી પડવાનું ? સાચું કારણ બોલ."

"અરે મને ખબર છે. તું અહીં વધુ સમય સુધી હાજર નથી રહેવાની. બસ, તારા દીદારથી નવું વર્ષ શરૂ કરવું હતું એટલે."

ઢાબાની અંદર સૌનો નાસ્તો પત્યો ત્યાં સુધી બંનેનો પ્રેમાલાપ ચાલુ રહ્યો. છેવટે ભૌમિકે ધબ્બો મારીને કેયૂરને ભાન કરાવ્યું અને બંને ટોળકી પોતપોતાના રસ્તે રવાના થઈ.

યોજના મુજબ બે દિવસ એક રીસોર્ટમાં રોકાઈને કેયૂરની ટોળકી પરત ફરી. કેયૂરના ખર્ચે મજા કરીને મિત્રો ખુશ હતા તો માયાએ છુટ્ટાં પડતા અગાઉ વાતચીત દરમિયાન આપેલ એક પ્રશ્નના ઉત્તરથી કેયુરનો પણ ખર્ચ અને ફેરો લેખે લાગ્યો હતો. પ્રશ્ન એ જ હતો જે લાખો વખત પૃથ્વીના પટ પર પૂછાઈ ચૂક્યો હતો.

સામાન્ય રીતે મોટાભાગે યુવક દ્વારા એક વાક્ય બોલાયા બાદ એ પ્રશ્ન પૂછાતો હોય છે. અહીં પણ એમ જ થયું હતું પણ કેયૂરે એવું કોઈ આયોજન નહોતું કર્યું. કદાચ માયાને જોઈને તેના મનમાં પણ જાણે ખુશીના અશ્વોએ દોટ મૂકી હતી અને વાક્ય સાથે પ્રશ્ન પૂછાઈ ગયો હતો.

લાભ પાંચમે બે કલાક માટે દુકાન ખોલી અને ગત વર્ષની જેમ આ વર્ષે પણ પાડોશીની રોશને અચાનક આવીને મોબાઇલની ખરીદી કરીને મૂરત કરાવ્યું હતું. કેયૂરને થોડી નવાઈ અને ઝાઝો આનંદ થયો હતો. મુસ્લિમ હોવા છતાં પણ આ દિવાળીના તહેવારે રોશને કેયૂરની મમ્મીની સાથે અગિયારશનો ઉપવાસ કર્યો હતો. બેસતા વર્ષે પણ કેયૂરની ગેરહાજરીમાં કેયૂરના ઘરે રંગોળી બનાવવાની જવાબદારી વગર કહ્યે ઉપાડી લીધી હતી. આજે લાભ પાંચમનું મૂરત કરીને પાડોશી ધર્મ કે મિત્ર ધર્મ - શું નીભાવ્યું હતું તે સમજવું અઘરું હતું.

કેયૂરને આ વખતની દિવાળીએ આ ત્રીજો ઝાટકો લાગ્યો હતો. જેમાં અન્ય ધર્મની વ્યક્તિનું દિવાળીના તહેવાર સંપુટ પ્રત્યેનું જ્ઞાન, માન અને ઉત્સાહથી તે ખુશ થયો હતો. આજનો ઝાટકો ત્રીજા નંબરનો હતો. રોશને ખરીદી કરીને મૂરત કર્યું એ નહીં - એણે આજે પણ સાડી પહેરી હતી એ.

કેયૂરને પ્રથમ ઝાટકો ત્યારે લાગ્યો હતો કે જ્યારે માયાએ કાળીચૌદસના દિવસે ગિફ્ટ અંગે નવાઈ વ્યક્ત કરી હતી.બીજો ઝાટકો માયાએ પહેરેલાં નવાં કપડાં અને ચહેરા પરના ઉત્સાહના રૂપે મળ્યો હતો. કારણ એક જ હતું - માયાનો પરિવાર ખ્રિસ્તી હતો. એટલે જ એ દિવસે કેયૂરને 'હેપ્પી દિવાલી' શુભેચ્છાની સામે શુભેચ્છા પાઠવવામાં લગીરેક સંકોચ થયો હતો.

કેયૂરનું નવું વર્ષ માયામય બની રહ્યું હતું. વારંવારની મુલાકાતો, મજાક, મસ્તી, રિસામણાં મનામણાં, ગિફ્ટ, નાસ્તા પાણી, રખડપટ્ટી વગેરે પ્રવાહોએ ગતિ પકડી હતી. પરસ્પર રોજ સવારે દીદાર માટે જ કેયૂરે પેલી સાઇકલની સવારી અપનાવી હતી. કેયૂરનું જીવન બદલાઇ ગયું હતું.

રોશન કોલેજના છેલ્લાં વર્ષમાં હતી. જે પૂરું થતાં જ તેણે કેયૂરના પિતા સમક્ષ દુકાનમાં કામ કરવા પરવાનગી મેળવી હતી. માંગી નહોતી - કદાચ સીધી જાહેર જ કરી હતી. જેનો સ્વીકાર થયો હતો.

ચારેક મહિનામાં તો રોશને દિલ દઈને કામ કર્યું. દુકાનમાં તેણે ઘણાં ફેરફાર પણ કરાવ્યાં - વસ્તુઓની ગોઠવણ, હિસાબો વગેરે અંગે. તે શીખી ઓછું અને તેણે શીખવાડ્યું વધુ તેમ કેયૂરના પિતાએ અનુભવ્યું હતું.

કેયૂરના પિતાના મનમાં એક વિચાર રમી રહ્યો હતો. થોડા જ મહિના બાદ તેમણે શહેરમાં પોતાની દુકાનની નવી શાખા ખોલી. જેનો કારભાર કેયૂરને સોંપ્યો હતો. રોશન આટલા મહિનામાં ઉત્સાહથી કામ કરીને પૂરી ઘડાઈ ચૂકી હતી. રોશનને પણ તે નવી શાખા પર જ ગોઠવી હતી. કેયૂરની મહેનત અને રોશનના સંપૂર્ણ સાથથી નવી શાખા તુરંત જ દોડતી થઈ ગઈ હતી.

માયા હવે ક્યારેય દુકાને આવતી નહોતી. કેયૂર તેને મળવા બહાર જ જતો હતો. રોશનના આવવાથી કેયૂર હવે બિન્દાસ દુકાન છોડીને નીકળી શકતો હતો. રોશનને આ સંબંધની જાણ હતી. તેને એ પણ જાણ હતી કે માયા થોડી ઊંડી માયા છે. તેણે કેયૂરને એકાદ-બે વખત હળવેથી માયાનો આંધળો વિશ્વાસ ન કરવા ટપાર્યો પણ હતો. કેયૂરે કશું ધ્યાને લીધું નહોતું. કેયુરને રોશન પ્રત્યે માન હતું. વર્ષોની મિત્રતા પણ હતી તેથી થોડી ચિંતા તો થઈ હતી. માયા ક્યારેક નાની વાતમાં ગુસ્સે થઈ જતી પરંતુ એ સિવાય માયામાં કશું અજુગતું જણાયું નહોતું.

***

અચાનક, એક દિવસ એક વળાંક આવ્યો.

એક દિવસ માયા ઝરૂખે આવી જ નહીં. ફોન ઉપાડવાનું બંધ કર્યું. મેસેજના પણ જવાબ બંધ. માયાના પિતાએ ફોન દ્વારા છાપું પણ બંધ કરવા સૂચના આપી દીધી. કેયૂરને સમજણ નહોતી પડી.

કેયૂરે રોશનને વાત કરી. રોશન પાસે કોઈ માહિતી નહોતી. કેયૂરે રોશન સાથે પ્રથમ વખત માયા વિશે લાંબી ચર્ચા કરી. રોશન પાસેથી ખાસ માહિતી ન મળતા કેયૂર અકળાઇ ગયો હતો.

તેણે પૂછ્યું, "તેં પેલાં દિવસે મને માયા પર આંધળો વિશ્વાસ ન મૂકવા શા માટે કહ્યું હતું ?"

"ઓહ. તો તું મારું સાંભળે પણ છે. એમ !"

"હા. એ દિવસે પણ સાંભળ્યું જ હતું. હવે કંઈક ફોડ પાડ."

"મેં તો બસ એમ જ કહ્યું હતું. સહજ સલાહ હતી."

"કંઈક સંદર્ભ તો હશેને !"

"સંદર્ભમાં તો બસ એક જ વાત. પ્રથમ મુલાકાત બાદ તે તારી પાસે સામે ચાલીને, ઝડપથી અને વારંવાર આવી હતી તે."

"બસ. એટલી જ વાતમાં તને શંકા પડી હતી ?"

"શંકા નહોતી. સહજ ચેતવણી આપવાનું મન થયું હતું એટલે..."

"કેમ ! મારી એટલી ચિંતા કેમ ? સાચું બોલ. કંઈક તો છે જે તું છુપાવે છે."

"અરે કશું જ છુપાવવાનું નથી મારે. જેણે છુપાવ્યું છે એને તો પૂછવાની હિંમત નથી અને મને હેરાન કરવી છે !"

ચર્ચા બંધ થઈ ગઈ. રોશને છેલ્લું વાક્ય કેયૂરને ચૂપ કરવા જ થોડું તાણીને કહ્યું હતું. હકીકતમાં તે 'મારી આટલી ચિંતા કેમ ?' સવાલનો જવાબ ટાળવા માંગતી હતી.

કેયૂર અને ભૌમિકે ચક્રો ગતિમાન કરતાં એટલી માહિતી મળી કે માયાની મોટી બહેને ચારેક વર્ષ આગાઉ પિતાની મરજી વિરૂદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે ઘરે આવી નહોતી.

કેયૂરને માયાએ એક વાર જણાવ્યા મુજબ તેના માતાપિતાએ પણ પ્રેમલગ્ન કરેલાં હતાં. મોટી બહેન વિશે ક્યારેય કોઈ વાત નહોતી કરી.

એક દિવસ અકળાઇને કેયૂરે એક ચિઠ્ઠી લખી અને માયાના ઘરની આસપાસ આંટાફેરા મારવા લાગ્યો. માયા ઝરૂખામાં આવતા જ ચિઠ્ઠી ઝરૂખે પહોંચાડીને રવાના થયો હતો.

માયાએ ચિઠ્ઠી વાંચી. બે વિગતો હતી. પ્રથમ એક તડફડ સ્વરૂપની કવિતા હતી.


તારું આવવું - ના આવવું તારી મરજી,
તારી યાદ આવવી - ના આવવી મારી મરજી.
મને યાદ કરવો - ના કરવો તારી મરજી,
તને સાદ કરવો - ના કરવો મારી મરજી.
યાદ કરીને સાદ કરો, એ અમારી અરજી,
બરબાદ કરીને જ યાદ કરો, એ તમારી મરજી.
દલમાં વાદલડી છે ગોરંભાઇ, પ્રભુની મરજી,
વરસાવવી કે બસ ગરજાવવી, તમારી મરજી.


બીજી વિગત રૂપે બીજા જ દિવસની તારીખ, સમય અને સ્થળ લખેલું હતું.

બંનેની મુલાકાત યોજાઈ. જેમાં માયાએ જણાવ્યા મુજબ : તે તેના પિતાના મિત્રના પુત્ર સાથે પરણવા માંગતી હતી. આ નિર્ણય તેણે લાગણીવશ લીધો હતો. પિતાની માઠી દશા વખતે તેમના મિત્રે લાંબા સમય સુધી તમામ પ્રકારની મદદ કરી હતી. એ મિત્રના સંદર્ભે હજુ પિતાના માથે થોડું દેવું પણ હતું. સામેથી વાત આવી હતી. પોતે ના પાડી શકી નહોતી.

છતાં કેયૂરે ક્યાંક ધર્મ અલગ હોવાના કારણે પરિવારની મંજૂરી ન હોવાથી તો નિર્ણય નથી લીધોને - તે વિશે પણ સ્પષ્ટ ચર્ચા કરી. માયાએ એ કારણ ન હોવાનું સમ ખાઈને જણાવ્યું હતું. માયાએ કેયુરને સમ આપીને પોતાને ભૂલી જવા જણાવી દીધું હતું.

મુલાકાત બાદ કેયૂર મૌન બની ગયો હતો. રોશનને હજુ પણ શંકા હતી. રોશને કેયૂરને વધુ તપાસ કરવા સલાહ આપી. કેયૂરની તપાસમાં પણ માયાની સગાઈ માયાના કહ્યા મુજબના યુવક સાથે જ થનાર હોવાનું જણાયું હતું.

દિવસ પર દિવસ વિતતા રહ્યાં. કેયૂર માયાને ભૂલી નહોતો શકતો. એક દિવસ તે કોઈને કહ્યાં વિના એકલો અને અચાનક સીધો માયાના ઘરે પહોંચી ગયો. માયા કશું બોલે તે પહેલાં કેયૂરે જ માયાના પિતાને પ્રશ્ન પૂછી લીધો.

"કેટલું દેવું છે તમારા માથે તમારા મિત્રનું ? હું ભરવા તૈયાર છું."

માયાના ઘરનું વાતાવરણ બદલાઇ ગયું. માયાને સપને પણ અંદાજ નહોતો કે કેયૂર આમ અચાનક આવી પહોંચશે.

આજે કેયૂરને પણ માયાનું નવું સ્વરૂપ જોવા મળ્યું. જે મુજબ : કેયૂર તેની પાછળ પડેલો હતો. ના પાડવા છતાં આંટાફેરાં કરતો હતો. તેથી જ પોતે પિતાને છાપું બંધ કરાવવા કહ્યું હતું. પોતાના અન્ય યુવક સાથે સગાઈના સમાચાર મળતા કેયૂર ગુસ્સે થયો હતો. આથી ટાઢા પાણીએ ખસ કાઢવા પોતે પિતાના માથે મિત્રના અહેસાનનો બોજ હોવાની વાર્તા બનાવી હતી.

ભૌમિકે પણ વધુ સઘન તપાસ કરી. જેનાથી છેવટે સઘળું સમજાણું કે માયાને મૂળ વિદેશગમન, ગ્રીનકાર્ડ વગેરેની માયા લાગી હતી. તેથી માયા છુટી ગઈ હતી - કેયૂરથી અને કેયૂરની - બંને.

***

થોડા જ દિવસ બાદ દિવાળી આવી. કેયૂરનું મન છેલ્લી દિવાળી યાદ કરીને સંતાપમાં હતું. રાતે ભૌમિક કેયૂરના આંગણે હાજર હતો.

આખું શહેર ઝગમગ હતું. ફટાકડાં અને દીવાઓની રોશનીની ગરિમા સ્થપાઇ હતી. બંને મિત્રોએ સાથે મળીને ૧૦૮ દીવા પ્રગટાવ્યાં હતાં. બધાં દીવા "ઓમ્" ના માનચિત્રને સાર્થક કરતી રચનામાં ગોઠવ્યાં હતાં. કેયૂરના બંને ચક્ષુ સમક્ષ સળગતાં દીવા હતાં - ચર્મચક્ષુ, મનચક્ષુ; બંને.

ભૌમિકે માયાના નિર્ણય અંગે ગુસ્સો વ્યક્ત કર્યો. કેયૂર હજુ ગુસ્સો વ્યક્ત કરી શકતો નહોતો. ત્યાં જ રોશન આવીને બંનેની સામે જ ઊભી રહી હતી. રોશને ભૌમિકની વાત સાંભળી હતી.

તે બોલી, "કેયૂર, હવે ભૂલી જા માયાને. એ તો ખુશ છે. તું નાહકનો દુખી છે."

બંને વચ્ચે થોડી વાતચીત બાદ રોશને પ્રથમ વખત આજે શરમ છોડી હતી. માયા પ્રત્યે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. માયાના સંદર્ભે એક દુહા જેવી રચના પણ સંભળાવી.


શીર પર અકળ બન ધન લ્હેર કરે
ઉર પર કપટ મન ભર મ્હેર કરે


રોશનની આ કળા જોઈને કેયૂરે નવાઈ વ્યક્ત કરી. કારણ પણ પૂછ્યું. સામેથી જવાબ મળ્યો હતો : કોઈના રંગે રંગાવા સાડી પહેરું, ઉપવાસ રાખું, તહેવાર ઊજવું કે લખતા શીખું - બધી મહેનત મંજૂર છે. રંગ ચડે તો નસીબ - ના ચડે તો જિંદગી. ઇચ્છા બસ એક જ - રંગ પાકો હોવો જોઈએ.

ભૌમિક સ્થિતિ પામીને રવાના થઈ ગયો.

રોશન પણ શરમાઇને પરત ફરવા લાગી. કેયૂરે સાદ કર્યો. રોશન થોભી - કેયૂરના સાદ પ્રભાવે નહીં. તેનો દુપટ્ટો આંગણાના ઝાંપાની કિનારીએ સહેજ ભરાયો હતો તેથી.

દુપટ્ટો છોડાવીને રોશને કેયૂરની સામે જોયું. કેયૂર તેની નજીક આવી ગયો હતો. રોશને દુપટ્ટાના ચીમળાયેલા છેડાના પણ છેડેથી લંબાયેલ તાંતણો આંગળીના ટેરવે વીંટાળીને જરા ખેંચ્યો. તાંતણો તેના મૂળ બિંદુની પકડના કારણે ખેંચાયો પણ તૂટ્યો નહીં. તે બાહ્યબળના પ્રભાવે અને સમીપના તાંતણાઓની ગૂંથણીની સરળતાના કારણે લંબાયો છતાં મૂળ બિંદુથી છૂટ્યો નહીં. છેવટે દુપટ્ટો સંકોચાયો - મનની જેમ. તાંતણો શક્ય એટલો ગૂંથણીમાં પરત પરોવ્યો - શરમની જેમ. છતાં બહાર લટકી જ રહેલો અલ્પ તાંતણો દાંતથી દુપટ્ટાની કિનારીની હદમાં રહે તેમ કરકોલ્યો - ચિંતાની જેમ. સહજ જણાવા લાગ્યાં બંને - દુપટ્ટાનો છેડો અને હોઠની તિર્યક રેખાના ઉર્ધ્વ દિશાએ ખેંચાયેલા ખૂણા.

સામા પક્ષે પણ સંદેશ કળ્યો - પળવાર પહેલાં લંબાયેલી સ્થિતિમાં રહેલાં પેલાં તાંતણા જેવો - મજબૂત.

બંને હળવાશથી લહેરાતા રવાના થયા - રોશન અને દુપટ્ટો.

કેયૂરના ચક્ષુ ઝગમગી ઊઠ્યાં હતાં. કઈ રોશનીથી ! - રોશનની કે રોશનની લાંબી પ્રતીક્ષાની પવિત્રતાથી ! કહેવું મુશ્કેલ હતું.

ગત દિવાળીએ કેયૂરનું મન ઉત્સાહમાં હતું - આ દીવાળીએ પણ એમ જ હતું. બસ, દિવાળીનો નાસ્તો જરા વધુ સ્વાદિષ્ટ જણાયો હતો. ગત વર્ષ જેવો જ હતો. બનાવનાર વ્યક્તિ પણ સમાન જ હતી. છતાં સ્વાદ વધુ સારો લાગ્યો હતો. કદાચ આજે સાચા સ્વાદની સાચી સમજ પડી હતી - પ્રેમની જેમ.

***