Thalaivi books and stories free download online pdf in Gujarati

થલાઇવી

થલાઈવી

ફિલ્મ વિશે બે વાક્યો ધ્યાને લેવાં જેવાં છે. (૧)બતાવ્યું ઓછું અને છૂપાવ્યું વધારે. (૨) વધુ પડતી લાંબી ફિલ્મ બનાવી.

આમ તો વિરોધાભાસી લાગે તેવાં વાક્યો છે, પણ બંને સાચાં છે. હીરોઇન તથા રાજકારણી - એમ બેવડી ઓળખ સાથે ધૂંઆધાર જીવન જીવી ગયેલ જયલલિતાના જીવન પર આધારિત બાયોપિક બનાવવામાં ડિરેક્ટરે કરેલ ગંભીર ભૂલના કારણે ઉક્ત બે વાક્યો લખવા પડ્યાં છે.

ત્રીજું વાક્ય પણ ધ્યાનમાં રાખો. (૩) આ ફિલ્મનું શીર્ષક યોગ્ય નથી. માત્ર થલાઈવી ના હોવું જોઈએ. થલાઈવા શબ્દ સાથે જોડી બનાવવાની જરૂર હતી.

કંગના રનૌતને શીર્ષક મુજબના મુખ્ય પાત્રમાં ચમકાવતી આ ફિલ્મમાં ખરેખર બે મુખ્ય પાત્રો છે. તામિલનાડુના અતિલોકપ્રિય નેતા એમ.જી.આરના જીવન સાથે જયલલિતાનું જીવન એટલી હદે ઓતપ્રોત હતું કે માત્ર જયલલિતાની બાયોપિક મુજબની ઓળખ આ ફિલ્મ માટે શક્ય જ નથી. કારણ કે એમ.જી.આર સાથે અત્યંત ભાવાત્મક સંબંધના કારણે બંનેનું જીવન પરસ્પર જોડાણ સાથે જ વિત્યું હતું.

ટીનએજથી જયલલિતાની એમ.જી.આર સાથે થયેલ ઓળખાણ આગળ જતાં પરસ્પર આકર્ષણ, મિત્રતા, લાગણીશીલ સંબંધ, ત્યાગ, પ્રેમ, સંઘર્ષ, જુદાઈ, વિરહ, માન, સન્માન, રાજકારણમાં ભાગીદારી, અપમાન, અવગણના, રાજકારણી તરીકે ઉદય વગેરે ઘણુંબધું જીવનમાં તાણી લાવે છે.

જયલલિતાના જીવનમાં આટઆટલાં રંગ હોય અને સામે એમ.જી.આરનું કદ અને આભા જ એવી હતી કે જે દર્શાવવા ઘણો સમય ફાળવવો જ પડે. જે ડિરેક્ટરે ફાળવ્યો છે. તેથી જ શરૂઆતમાં જણાવેલું બીજા ક્રમાંકનું વાક્ય લાગુ પડે છે.

જે હકીકતો સૌ જાણતાં હોય તેના આધારે રસપ્રદ ફિલ્મ બનાવવી સહેલી છે, પણ કડક એડિટીંગ અને સ્માર્ટ ફિલ્મ બનાવવી અઘરી છે. સચિન તેંદુલકર, સાઇના નેહવાલ, બાલાસાહેબ ઠાકરે વગેરેના જીવન પરથી બનેલી ફિલ્મો ફ્લોપ કે ઠિકઠિક રહી હતી. જ્યારે ફોગટ પરિવાર, મિલ્ખાસિંહ, ધીરૂભાઈ અંબાણી વગેરેના જીવન પરથી બનેલી ફિલ્મો સુપરહીટ રહી હતી. અહીં સુપરહીટ રહેલી ફિલ્મોની ગુણવત્તા વિશે વિચારી જુઓ.

થલાઈવી ફિલ્મમાં વાર્તા અત્યંત સરળતાથી અને ઘટનાક્રમોનુસાર આગળ વધે છે. આથી વધુ નવાઈ કે રસપ્રદતા જળવાતી નથી. જયલલિતાના પાત્રમાં કંગનાની મહેનત સ્પષ્ટ જણાય છે. અભિનય પણ સારો છે, પણ ડાયલોગ વખાણવા લાયક સ્તર ધરાવતાં નથી.

પાત્રની ઉંમરના વિવિધ તબક્કે જરૂર મુજબનો પહેરવેશ અને મેકઅપથી કંગના અને અરવિંદ - બંનેનો લૂક આકર્ષક જણાય છે. કંગનાને મોટી ઉંમરમાં દર્શાવતી વખતે ડિરેક્ટરે ઘણી છૂટ લીધી છે. હકીકતથી અલગ લૂક જણાય છે. જે ખટકે છે.

એમ.જી.આરના લૂક અને અભિનયમાં અરવિંદ સ્વામીએ જાણે એમ.જી.આરને આત્મસાત કરીને જીવંત કરી દીધા છે. એક તો મુખ્ય પાત્ર (જયલલિતા) જેટલું જ ફૂટેજ ખાતું પાત્ર, અને એ પણ પાછું સશક્ત, એટલે જ શરૂઆતમાં ત્રીજું મહત્ત્વનું વાક્ય કહ્યું.

કંગના લગભગ દરેક પરિધાનમાં ખૂબ સુંદર જણાય છે. તેણે ફિલ્મની સ્ક્રિપ્ટ મુજબ યોગ્ય અભિનય પણ કર્યો જ છે. છતાં નબળી સ્ટોરી ટેલિંગ સ્કિલ, નબળાં ડાયલોગ અને અરવિંદ સ્વામીના પ્રભાવ તળે કંગનાની પ્રતિભાની આભા ઢંકાઈ જતી હોય તેમ છે. જોકે માત્ર ઢંકાય છે અથવા ધ્યાન હટે છે, પ્રતિભા ઓછી સાબિત નથી થતી. કંગનાએ જયલલિતાને પડદા પર જીવંત કરવા તનતોડ મહેનત કરી છે, જરૂર મુજબ શરીર પર ચરબીના થર પણ આણ્યા છે, મતલબ ભરાવદાર શરીર પણ બનાવ્યું છે છતાં જયલલિતાના વ્યક્તિત્વ સાથે મેચ થાય તેવો ચાર્મ કંગનાના અભિનયમાં જોવા નથી મળતો. ઘણાં દૃશ્યોમાં કૃત્રિમ લૂક જેવો અહેસાસ થાય છે. જયલલિતાની પાછલી જિંદગીમાં જે લૂક અને પરિધાન હતો એ પર્ફેક્ટ રીતે નથી દર્શાવ્યું. જો કંગનાએ ફિલ્મ મેકિંગમાં ચંચૂપાત ના કરી હોય તો ચોક્કસપણે ડિરેક્ટરની ભૂલ ગણી શકાય.

જયલલિતાની ટીનએજથી માંડીને એમ.જી.આરના નિધન સુધીની વાર્તા તો વિસ્તૃત રીતે દર્શાવી છે. પછી બધું ઉભડક લાગે છે. એમ.જી.આરના નિધન બાદ જયલલિતાની રાજકીય કારકિર્દી તથા જીવનનાં પણ ઘણાં રંગ દર્શાવ્યા જ નથી. ખાસ કરીને ભ્રષ્ટાચારના આક્ષેપો, કોર્ટ કેસ અને સજા વિશે કોઈ ઉલ્લેખ જ નથી. જયલલિતાના પડછાયાની જેમ સાથે રહેનાર સસીકલા (Sasikala સ્પેલિંગ છે) વિશે પણ પ્રભાવી રીતે કશું દર્શાવાયું નથી.

ફિલ્મમાં વધુ એક ખાસ પાત્ર છે. એમ.જી.આરના સેક્રેટરી આર.એમ.વિરપ્પનનું. આ વિરપ્પન પણ સશક્ત પાત્ર છે. જે એમ.જી.આરના ફિલ્મી જીવન અને રાજકીય જીવનના ઉદય તથા સાચવણી માટે જવાબદાર ભેજું હતા. આ પાત્ર રાજ અર્જુને ખૂબ સરસ હાવભાવ સાથે ભજવ્યું છે. અગાઉ તમે રાજ અર્જુનને સિક્રેટ સુપરસ્ટાર ફિલ્મમાં ક્રુર પિતાના રૂપમાં જોઈ ચૂક્યા હશો. બોનસમાં જયલલિતાની માતાના રોલમાં ભાગ્યશ્રી પણ અલપઝલપ જોવા મળશે.

સૌ જાણતા હોય તેટલું પણ ના દર્શાવો, વિવાદાસ્પદ પણ અત્યંત મહત્વની માહિતી છૂપાવો, મુખ્ય પાત્રથી અન્ય પાત્રનો અભિનય હાવી થઈ જાય, સ્ક્રિપટમાં પ્રેક્ષકમાં ઉત્સુકતા જળવાય તેવી દરકાર ના લેવાય ત્યારે ફિલ્મ ફ્લોપ થાય તેમાં નવાઈ નથી.

ફિલ્મ તો પછી શેના માટે જોવાની? જયલલિતા અને એમ.જી.આરના લાર્જર ધેન લાઇફ જેવા વ્યક્તિત્વ વિશે જાણવા માટે, અરવિંદ સ્વામીના ઉત્તમ અભિનય માટે, કંગનાના સિત્તેર ટકા સુધીના સારા લૂક માટે, તથા એમ.જી.આરના સેક્રેટરી આર.એમ વિરપ્પન સાથે જયલલિતાની જે સતત ચડસાચડસી થાય છે તેનો આનંદ માણવા માટે.