Kshitij - 22 in Gujarati Motivational Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 22

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 22

ખૂબ કીમતી એવી ફોર્ડની વિન્ટેજ કાર વિશાળ દરવાજાની અંદર પ્રવેશી. દરવાજો ખૂલતાની સાથે નજર સમક્ષ ખડું થતું દૃશ્ય ખુબજ અદભુત લાગી રહ્યું હતુ. દરવાજાથી શરૂ થતો રસ્તો, અને તેની બંને તરફ દેશ વિદેશથી લાવીને ઉછેરેલા ખૂબ સુંદર અને બેનમૂન જાતના ફૂલોથી સજેલા નાના નાના બગીચા જે અતિ માવજતથી સીંચીને બનાવેલા હતા.

તે રસ્તો આગળ જઈ એક તરફ વળી જતો, જ્યાં ધોમધખતી ગરમીમાં પણ શીતળ ઠંડક આપે એવો ખૂબ મોટો પાણીનો ફુવારો લગાવેલો હતો. જેમાં વચ્ચે સુંદર પનિહારીનું શિલ્પ લગાવેલ હતું અને તેની ગાગરમાંથી ઝરમર પાણી વર્ષી રહ્યું હતુ. તે ફુવારાની બિલકુલ સામે ખૂબ મોટા વિસ્તારમાં પથરાયેલ સફેદ બગલાની જેમ ઝગમગતી ખુબજ અદભુત હવેલી ઊભી હતી. હવેલીની સુંદરતા એટલી બેજોડ હતી કે ત્યા પ્રવેશ કરતા વ્યક્તિના કદમો ઘડીભર થોભી જતા તેની અવર્ણનીય સુંદરતાની ચમક જોવા માટે.

કાર એકદમ હવેલીની આગળ આવીને ઊભી રહી, ત્યાંજ રજવાડી યુનિફોર્મમાં સજ્જ એક માણસ ઝડપથી દોડતો આવી કારનો દરવાજો ખોલી નીચે ઝુકી અદબ ભરી ઊભો રહ્યો.

કારમાંથી રાજાશાહી કપડા પહેરેલ એક ખુબજ પ્રભાવશાળી માણસ ઉતર્યો. એને જોતાની સાથેજ એક નાનકડો સુંદર બાળક દોડતો આવ્યો.

"રાજા બાપુ આવી ગયા, રાજા બાપુ આવી ગયા."

"જી રાજકુમાર, મારા ચાંદ હું આવી ગયો", અને તે વ્યક્તિએ પેલા બાળકને ઉઠાવી ગળે વળગાડી દિધો.

આ હવેલીમાં રાજા શમશેરસિંહના વારસદાર વીરપ્રતાપ સિંહ રહેતા હતા. રજવાડું તો ચાલ્યુ ગયુ હતુ પણ વીરપ્રતાપ સિંહનો ઠાઠ અને જાગીરદારી હજુ અડીખમ હતી. તે પોતાના દીકરા અને પત્ની સાથે આ હવેલીમાં રહેતા હતા.

"ચાંદ ચાલને આપણે બગીચામાં રમીએ", ત્યાંજ એની ઉંમરની એક નાનકડી છોકરી આવી. તેને જોઈ ખુશ થતો ચાંદ પોતાના પિતાથી અળગો પડ્યો અને પેલી છોકરી સાથે રમવા ભાગ્યો.

"પ્રભાત, આ તારી દીકરી સરોજ મારા ચાંદ સાથે ખુબજ ભળી ગઈ છે. બંનેના અતૂટ ભાઈ બહેન જેવા સંબંધ દિવસે ને દિવસે ખૂબ ખીલી રહ્યા છે", વીરપ્રતાપ સિંહે રજવાડી યુનિફોર્મમાં સજ્જ એવા પેલા માણસ જેણે એમની કારનો દરવાજો ખોલીને અદબથી ઉભેલ હતો તેને ઉદ્દેશી ને કહ્યું.

"જી સરકાર, તમારી અને કુંવર સાહેબની મહેરબાની. તમે મને અને મારી પત્નીને આ હવેલીમાં કામ આપ્યુ અને મારી દીકરીને કુંવર સાહેબે બહેનનો દરજ્જો આપ્યો", પ્રભાત આદર ભાવે બોલ્યો.

"તારી દીકરીના કારણે અમારી હવેલીની રોનક જળવાઈ રહી છે. અને ચાંદને કોઈ બહેન પણ નથી, એટલે લાગે છે ભગવાને જ બંનેને આટલા ગાઢ બંધનથી બાંધેલા છે", વિરપ્રતાપ સિંહ બોલ્યા.

આ હવેલીના એક માત્ર વારસદાર કુંવર ચાંદ અને એક મામૂલી નોકરની છોકરી સરોજ બંને નાનપણથી એકબીજા સાથે ખૂબ હળીમળી ગયા હતા. બંને હંમેશા સાથે રમતા ભણતા મોટા થવા લાગ્યા.

વર્ષો વિતતાની સાથે બંનેની વચ્ચે બંધાતા રાખડીના તાંતણાની જેમ એમનો સંબંધ વધારે પવિત્ર બની રહ્યો હતો. બંને કિશોર અવસ્થામાં પહોંચી ગયા હતા.ચાંદ સરોજનુ હંમેશા ખૂબ સમ્માન કરતો.

ચાંદને કોલેજ કરવા માટે શહેર મોકલવામાં આવ્યો હતો. ત્યાં એના મિત્રો સાથે રહી તેને પોતાની અમીરી અને જાગીરદારી પ્રત્યે ધીમે ધીમે અહંકાર થવા લાગ્યો હતો.

એક વખત વેકેશનમાં ચાંદની સાથે એના શહેરી મિત્રો પણ હવેલીમાં થોડા દિવસ રહેવા આવ્યા હતા. એમની નજર સુંદર નમણી સરોજ ઉપર પડતા એમના અંદર રહેલ વિકાર જાગી ઉઠ્યો હતો.

ચાંદે એમનો પરિચય સરોજ સાથે કરાવ્યો ત્યારે તેમનામાંથી એક જણે સરોજનો હાથ પકડવાની કોશિશ કરી હતી. તેના સ્પર્શમાં રહેલ નિયત સરોજ જાણી ગઈ હતી, પણ ચાંદના મિત્રો હોવાથી તે ચૂપ રહી અને એમની સામે આવવાનું ટાળતી રહી.

✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)

Rate & Review

Saroj Bhagat

Saroj Bhagat 11 months ago

Vijay

Vijay 12 months ago

Usha Patel

Usha Patel 1 year ago

bhavna

bhavna 1 year ago

Rajesh

Rajesh 1 year ago

Share