Kshitij - 25 in Gujarati Motivational Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 25

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 25

હા અમુક સારા લોકો હોય છે જેમકે અમારા ગામના જમીનદાર શક્તિસિંહ જેમણે જ્યોતિને ડોક્ટર બનાવવા અમને ખૂબ મદદ કરી. પણ જવાદે તું નહિ સમજે. અને હવે અમને મળી લીધુ હોય તો તું અહીંથી ચાલી જા, હું એક મા છું એટલે કહું છું કે અમારા દિલની બદદુઆ અને હાય તને લાગે તે પહેલા નીકળી જા અહીંથી."

શક્તિસિંહ, આ નામ સાંભળી રાશિ અચરજ પામી. ફરી ફરીને આ માણસ કોઈને કોઈ બાબતે પોતાના જીવનમાં આવી રહ્યો છે. પહેલા નાનપણનો મિત્ર અને પછી જેની સાથે પિતાએ રાતો રાત લગ્ન નક્કી કર્યા હતા, આ એજ શક્તિસિંહ હતો, જેની યાદોથી ઘેરાઈ આ ગામમાં આવતા જ પોતાના પગ જકડાઈ ગયા હતા.

શુ આ નિયતિ હતી કે સંયોગ, જે શક્તિસિંહ સાથે પોતાના લગ્ન થવાના હતા તે જ્યોતિ સાથે પણ કોઈ રીતે જોડાયેલ હતો.

જેટલા ભાર સાથે જ્યોતિના ગામમાં પગ મૂક્યા હતા એના કરતા પણ બમણા ભાર અને કઈ કેટલાય સવાલો લઈ રાશિ ગામની બહાર નીકળી રહી હતી.

ફોન ઉપર નજરો તાકી સુમેરસિંહ પોતાની આરામ ખુરશીમાં બેઠા હતા, પણ એમના મોં ઉપર રહેલ અકળામણ એમના અંદર રહેલ વ્યગ્રતાની ચાડી ખાઈ રહી હતી.

ત્યાંજ ફોનની રીંગ વાગી અને એકજ રીંગમાં ફોન ઉઠાવતા સુમેરસિંહ સામેથી આવતા અવાજને અધીરાઈથી સાંભળી રહ્યા.

"હા તમે લોકો ત્યાજ રહેજો, હું આવુ છું", એટલુ બોલતા સાથે સુમેરસિંહ પોતાના રૂમની બહાર નીકળી ગયા અને બહાર ઊભેલા માણસને ઝડપથી ગાડી નીકાળવાનું કહ્યુ.

સુમેરસિંહના માણસો રસ્તામાં ઊભા તેની રાહ જોઈ રહ્યા હતા એવામાં અજાણ્યા ૧૦-૧૫ ગુંડાઓએ એમના ઉપર હુમલો કર્યો. તે લોકો પૂરી તૈયારી સાથે આવ્યા હતા એટલે એમની તાકાત આગળ પેલા બંને પહોંચી ન વળ્યા. એકને તો ત્યાજ ગોળીએ વીંધી દીધો અને બીજો માણસ ભાગવા જતા પગમાં ગોળી વાગવાથી પડી ગયો, અને એનો મોબાઈલ ખીચ્ચામાથી બહાર આવીને પડ્યો. તેણે સુમેરસિંહને ફોન કરવા વિચાર્યું અને સામે જમીન પર પડેલ ફોન ઉપાડવા જતા જ એના હાથો ઉપર કોઈના મજબૂત પગ પડ્યા. તે પગ તળે એના હાથ કચડાઈ રહ્યા હતા. કોણ છે એ માણસ, તે જોવા તેને ઉપર જોયું અને સાથેજ એક ગોળી એના લમણાંની બરોબર વચ્ચે આવીને તેની ખોપરી વીંધીને નીકળી ગઈ, અને તે ત્યા જ ઢળી પડ્યો. એનો ફોન એમનો એમજ એના હાથોમાં રહી ગયો. સુમેરસિંહના બંને માણસોની લાશ જોઈ પેલો એજ કરડાકી આંખો ભર્યો અને કપાળે તિલકવાળો ચહેરો અટ્ટહાસ્ય રેલાવી રહ્યો અને પોતાના માણસોને કઈક કહી ગાડીમાં બેસી ત્યાંથી નીકળી ગયો.

સુમેરસિંહ જ્યારે પોતાના માણસોએ કહેલ જગ્યાએ પહોંચ્યા ત્યારે રસ્તા પર જ પોતાના બંને માણસોની લાશ પડી હતી. ગાડીની બહાર નીકળી સુમેરસિંહ કઈ કરે સમજે તે પહેલાજ પેલા ગુંડાઓ એને મારવા ત્રાટક્યા. સુમેરસિંહનાં ડ્રાઇવર અને તેની સાથે આવેલ બે માણસોને તો એ લોકોએ ગાડીમાથી ઉતરતા પહેલા જ પતાવી દીધા. અને સુમેરસિંહને મારવા આગળ વધી રહ્યા હતા ત્યાંજ સામેથી કોઈ ગાડી આવતી દેખાઈ અને તે સુમેરસિંહની પાસે આવીને ઊભી રહી. એમાંથી ૪-૫ માણસો બહાર નીકળી પેલા ગુંડાઓને મારવા લાગ્યા. આ બધા કોણ છે અને શું થઈ રહ્યું છે તે સુમેરસિંહની સમજ બહાર હતું. ત્યાજ તે ભગવાન બની એને બચાવનાર આવેલ ગાડીમાથી એક માણસ નીકળ્યો એને જોઈ સુમેરસિંહના મોં માથી શબ્દ સરી પડ્યો, "શક્તિ..."

"હા હું, અમે લોકો શહેર ગયા હતા અને ઘરે જવા પાછા ફરી રહ્યા હતા ત્યાં અહી તમને રસ્તામાં આમ મુસીબતમાં જોયા એટલે તરત આવ્યા, રાજાજી", શક્તિસિંહ બોલ્યો.

"ભગવાને જ તને મોકલ્યો લાગે છે મને બચાવવા માટે દીકરા. મારી દીકરીના લગ્ન તારી સાથે ન થવાથી તારી ઘણી બદનામી થઈ છતાં તે મને બચાવ્યો, તારો આ ઉપકાર હું ક્યારે નહિ ભૂલી શકું", શક્તિસિંહના હાથ પોતાના હાથોમાં લઇ ગળગળા સાદે સુમેરસિંહ બોલ્યા.


✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)

Rate & Review

Saroj Bhagat

Saroj Bhagat 10 months ago

Vijay

Vijay 12 months ago

Usha Patel

Usha Patel 1 year ago

Khyati Pathak

Khyati Pathak 1 year ago

bhavna

bhavna 1 year ago

Share