Pastavo books and stories free download online pdf in Gujarati

પસ્તાવો

“હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે ” !

****************************************

આજે સવારથી દિલમાં ઉમંગ સમાતો ન હતો. જ્યારે પણ કશુંક સારું થવાનું હોય તેની આગાહી અણમોલને દિલમાં થતી. તેને થતું ,’મારા જેવું નસિબદાર કોઈ નથી ‘. તેની ડાબી આંખ પણ ફરકતી હતી. એવી કોઈ મનની મુરાદ ન હતી જે પૂરી ન થઈ હોય. સુંદર પ્રેમાળ પતિ. જે અણમોલની કોઈ પણ વાતનો અનાદર કરતો ન હોય. ફૂલ જેવા બે સુંદર બાળકો ! પતિનો સંપૂર્ણ પ્રેમ નસીબદારને મળે !

અમલ આજે ઓફિસેથી વહેલા આવી ગયો હતો. તેના પણ ભણકારા અણમોલને વાગી ગયા હતા. મનોમન નક્કી કર્યું અને ચા ચારને બદલે સાડા ચારે પીવાનું નક્કી કર્યું. હજુ તો ચા કપમાં રેડે તે પહેલાં દરવાજાની ઘંટડી વાગી. રોજ બારણું ખોલવા રમા જાય. આજે તેની ધીરજ રહી નહી. કામ પડતું મૂકીને બારણું ખોલવા ધસી ગઈ. અમલને જોઈને સીધી તેને વળગી પડી. આનંદ ઘણીવાર પેલી ‘ગાંડી નદી જેવો’ હોય છે. કિનારાની પરવા કર્યા વગર બેફામ વહેતો જણાય છે. અમોલને અણમોલનું વળગી પડવાનું ખૂબ પસંદ આવ્યું.

‘કેમ આજે કંઈ બહુ ખુશ છે’?

‘મને હતું તું જ છે ! સાચું પડ્યું એટલે આનંદનો ઉભરો આવી ગયો. ચાલો ચા તૈયાર છે’.

અમલને ચાની તલપ લાગી હતી. માથું દુખતું હતું એટલે તો ઘરે વહેલો આવી ગયો હતો.

બન્ને જણા ચા પીવા બેઠા. ચા સાથે બાફેલા મુઠીયા તૈયાર હતા. માઈક્રોવેવમાં ગરમ કરી વરંડાના હિંચકે આવી બેઠા. અણમોલને ઘણીવાર પોતાની ઈર્ષ્યા આવતી. કયા કર્મોનું ફળ તે આ જન્મમાં પામી રહી હતી. જ્યાં સુધી બધું આપણી મરજી પ્રમાણે મનગમતું થાય ત્યાં સુધી આપણો વિશ્વાસ દ્રઢ બને. બાળકો કોલેજમાંથી સારા ક્રમાંક લાવી અમેરિકા ભણવા ગયા હતા. અમલને વિશ્વાસ હતો તે અમેરિકાની ઉચ્ચ તાલીમ લઈને  પાછા ભારત આવશે અને તેના ધંધામાં પ્રગતિના નવા શિખર સર કરશે.

માનવી ધારે કંઈ અને કુદરત આપે કાંઈ. બન્ને બાળકો સુંદર ઉચ્ચ તાલીમ તો લીધી પણ પછી અમેરિકન છોકરીને પરણી અહીં અમેરિકામાં રહેવાનું વિચાર્યું. લગ્ન પણ કર્યા પછી માતા અને પિતાના આશિર્વાદ લેવા ભારત આવ્યા. એ તો સારા કર્મ જાણો કે આવતા પહેલાં કહ્યું હતું એટલે અણમોલ અને મને નાની પણ અતિ સુંદર પાર્ટીનું આયોજન કરવાનો સમય મળ્યો.. બધા ખુશ થયા. ખુશી અલ્પજીવી નીવડી. દસ દિવસમાં તો ઘરમાં હતી એવી પાછી શાંતિ છવાઈ ગઈ.

અમેરિકામાં બન્ને બાળકોને સુંદર નોકરી હતી. કેમ ન હોય ? ભણવામાં મહેનત ઘણી કરી હતી. તેમની પત્ની અમેરિકન હોવાને કારણે ,એ સમાજમાં તમને માન મળતું. આમ પણ ભારતીયો અમેરિકામાં ભણતરને કારણે ઈજ્જત અને સારી નોકરી મેળવવા ભાગ્યશાળી બન્યા છે. વિદ્યા સર્વત્ર પૂજયતે. કામમાં કુશળતા અને મહેનત જીવનમાં રંગ લાવે તે સ્વાભાવિક છે.

આજે અણમોલ વિચારી રહી, આવું કેવી રીતે બન્યું? શું મારી પરવરિશમાં ક્યાં ખોટ હતી ? અચાનક સ્મૃતિપટ પર બા તેમજ બાપુજી છવાઈ ગયા. લગ્ન કરીને આવી ત્યારથી ઉછળતી હરણી જેવી હતી. ક્યારેય તેને બા તેમજ બાપુજી પોતાના લાગ્યા ન હતા. શાંતાબાએ મૂંગા મોઢે સહી લીધું. રસિકભાઈ તો માસ્ટર મારે પણ નહી અને ભણાવે પણ નહી તેવા હતા. શાંતાબાને ખૂબ પ્યાર કરે. અમલ પર તો જાન ન્યોછાવર કરે. હવે અણમોલ ઘરમાં ઠેકડા મારે પણ તેનું કંઈ ઉપજે નહી. અમલ તેને અનહદ ચાહતો પણ કંકાસ ગમતો નહી. આખરે તેને હારી થાકીને લગ્ન પછી બે વર્ષમાં અણમોલને લઈ  મુંબઈ આવી પોતાની જીંદગી શરૂ કરવાનું વિચાર્યું.

અણમોલની તો કાયાપલટ થઈ ગઈ. પોતાના નાનકડા મજાનો બે બેડરૂમના ઓનરશીપ ફ્લેટ જોઈ ખુશ થઈ. તેને ક્યાં ખબર હતી અમલના બાપુજીએ પ્રોવિડન્ટ ફંડના પૈસા ઉપાડીને તેમને અપાવ્યો હતો.  અમલને સારી તરક્કી મળતી રહી. પાંચ વર્ષમાં તેણે ખૂબ પ્રગતિ સાધી. મરીન ડ્રાઈવ પર મોટો ફ્લેટ લીધો. અમલ માતા તેમજ પિતાની ખબર રાખતો. અણમોલને ધંધાના કામ માટે જાઉં છું, કહી ગામ જઈ મળી આવતો. માતા અને પિતા પુત્રથી ખૂબ ખુશ હતા. શાંતાબાના સંસ્કાર દીપી ઉઠ્યા.

અમલ જાણી ગયો હતો, અણમોલ માત્ર તેને જ પ્રેમ કરતી હતી. તેના માતા તેમજ પિતાને નહી! અમલ ખૂબ સાવધ રહેતો. તેની હાલત કફોડી હતી. માતા અને પિતાના સુંદર સંસ્કારને કારણે જીવનમાં કલેશને પ્રવેશવા દીધો ન હતો. પત્ની તેમજ માતા અને પિતાને પ્યાર આપવામાં કચાશ ન રાખતો. કઈ માટીનો બનેલો હતો, અમલ ? વિચાર કરીને પગલાં ભરતો. દરેક કદમ જીવનમાં કામયાબી તરફનું રહેતું. તેની માતા જીવનમાં પથદર્શક હતી અને પિતાનો જીગરી દોસ્ત હતો. પિતાએ સાથ આપ્યો તેથી અમલ બન્ને મોરચે જીવન સફળતા પૂર્વક જીવવા શક્તિમાન થયો.

અણમોલે  બાળકો થયા પછી પણ પોતાના વર્તનમાં કોઈ ફેરફાર કર્યો નહી. બાળકોને ઘણીવાર થતું દાદા અને દાદી કેમ ઘરે આવતા નથી. અષ્ટં પષ્ટં સમજાવી અણમોલ વાત ઉડાવી દેતી. બાળકો પછી ઝાઝી માથાકૂટ કરતા નહી. અમેરિકા જવાનું હતું ત્યારે અમલ બાળકોને લઈને ગામ ગયો હતો. દાદા તેમજ દાદી અને ઘર જોઈ બાળકો ખૂબ ખુશ થયા. જોકે દાદા અને દાદીની તબિયત ઉંમરને કારણે થોડી નબળી થઈ ગઈ હતી.

બસ પછી તો તે અમેરિકાવાસી થઈ ગયા. હવે જ્યારે પોતાના બાળકો અમેરિકા ખાતે થયા, ત્યારે એક સાંજે અમલ જમવાનો ન હતો. રાતના તાજમાં મિટિંગ હતી. અણમોલ ભૂતકાળમાં સરી પડી.

બા અને બાપુજી એકીટશે તેને નિહાળી રહ્યા હતા. બા તો હંમેશની જેમ શાંત હતા. બાની શાંતિ ‘ભારેલા અગ્નિ’ જેવી હતી. જે અણમોલને પ્રકાશ તો આપતી હતી, પણ એવી રીતે દઝાડી રહી હતી કે પ્રયત્ન કરવા છતાં એક શબ્દ બહાર પડતો ન હતો. અણમોલનો અવાજ રૂંધાઈ ગયો હતો. !  બાપુજીની વેધક આંખો તેને વીંધી રહી હતી. આજે અણમોલને બાપુજીની આંખમાંથી નીકળતા સંદેશ સ્પષ્ટ વંચાયા. તેમની આંખોમાંથી નિકળતું દૃષ્ટિનું કિરણ અણમોલના હ્રદયને આરપાર વિંધી રહ્યું હતું.

બાપુજી કહેતા જણાયા ,’હું બધું જાણતો હતો. ઘરના વડીલ તરીકે મૌન રાખીને મારો મોભો જાળવ્યો હતો. મારા અમલને તું ગમી ગઈ હતી એટલે કંઈ પણ ન બોલવાનું નક્કી કર્યું હતું. તે બાના દિલને વિંધ્યું છતાં હું કંઈ ન બોલ્યો. મારી ભોળી અને વહાલી શાંતાને પારાવાર દુઃખ થયું હતું. અમલને અમારાથી છીનવી લીધો !’ અમલ તેની માતાની આંખનો તારો અને દિલની ધડકન હતો. તેના એકના એક દીકરાને માતા તેમજ પિતા પાસેથી અળગો કરતાં તને કશું જ થયું ન હતું. તારા મુખ પર વિજયના સ્મિતની રેખા મેં નિહાળી હતી! જ્યારે મારા અમલનો હાથ પકડી તું ઘરની બહાર નીકળી હતી ત્યારે તારા મુખ પર છલકતી ખુશીના તોરમાં તને અમારા મુખ પર રમતી દુખની વાદળી દેખાય ન  હતી ? દીકરાના સુખ માટે અમે મૌન રહેવાનું ‘પણ’ લીધું હતું !

જુવાનીમાં તને ક્યાં ભાન હતું કે તારા વર્તનની અસર બાકી ઘરના સભ્યો પર કેવી પડે છે. તને તો બસ,’ તું કહે એ સાચું દેખાતું હતું. ‘  જુવાનજોધ દીકરાની જિંદગીમાં અવરોધ ન આવે એટલે અમે બન્ને મુંગા રહેતા. આમારા મૌનને તે નિર્બળતા માની હતી. તારા સંસ્કાર પણ જણાઈ આવતા હતા. ‘કૂવામાં હોય તો હવાડામાં આવે’. તારા માતા અને પિતા સાચા અને ખોટા વચ્ચે ભેદ ન પારખી શક્યા. તને ખોટે રવાડે ચડાવી. ? સંસારનું ચક્ર અવિરત ગતિ એ ચાલે છે. તું અમારા પુત્ર અને બાળકો સાથે સુખેથી રહે એવી મનોકામના.

કોને ખબર ‘સ્ત્રી’ કેમ આટલું ક્રૂર વર્તન કરી શકે છે ? સ્વાર્થી બની માત્ર પોતાના ગમા અણગમાનો વિચાર કરે છે.

પુરુષને શું કહેવું ? પરવશ કે પામર ! ના, કદાચ ઝંઝટ અને ક્લેશથી દૂર રહેવાનો માર્ગ ન શોધી શકનાર મુસાફર !  ઘંટીના બે પડ વચ્ચે અનાજ સાબૂત નથી રહી શકતું એ સત્ય છે. માતા અને પત્ની બન્નેને ખુશ રાખવાનો રામબાણ ઈલાજ હજુ શોધાયો નથી.

શોધાશે પણ નહી ! જો’ સમજણ’ નું ધાવણ ધાવ્યા હોય તેમના માટે આ સરળ છે.

અણમોલ બે હાથ વડે કાન દબાવી રહી. તેનું અંતર આજે તેને કોસી રહ્યું હતું. તેના હૈયાનો અવાજ તેને બિહામણો લાગ્યો. આજે અચાનક આ વિચાર નહોતો આવ્યો. બન્ને દીકરાઓ દસ દિવસમાં પાછા અમેરિકા ગયા ત્યારથી તેનું અંતર મન હચમચી ગયું હતું. માતા અને પિતા બાળકોને ખૂબ ચાહતા હોય છે, તેની પ્રતીતિ થઈ હતી. અમલ હવે પહેલા કરતા ખૂબ શાંત થઈ ગયો હતો. એટલે તો તેને બારણું ખોલતાં વળગી પડી હતી. તેનું દિલ, દિમાગ અને ઘર ખાલિપો અનુભવી રહ્યું હતું’.

જુવાનીમાં કરેલું વર્તન આજે તેને રહી રહીને સતાવવામાં સફળ થયું. જો આજે તે પોતાની ભૂલની કબુલાત કરે તો  પણ કોની પાસે ? માતા અને પિતા એકલતાની જીંદગીમાં ઝૂરી  અકાળે અવસાન પામ્યા હતા. તેમને અસહ્ય દુખ પહોંચાડ્યા હતા. પસ્તાવાના પાવન ઝરણામાં અણમોલ સ્નાન કરી રહી પણ તેનું દિલ અને દિમાગ તેને કોસતું રહ્યું ! હવે તેના હાથમાં કોઈ ઈલાજ નહોતો.

અમલને હૈયે ખૂબ ધરપત હતી. તેણે માતા અને પિતાને જીવની સાટે સાચવ્યા હતા. અણમોલને કહેવાની કોઈ જરૂર તેને જણાઈ ન હતી. અમલ પોતાની ફરજમાંથી તસુભાર ચલિત થયો ન હતો. માતા અને પિતાને અનહદ ચાહતો હતો.  આખરે તે પણ બે બાળકોનો પિતા હતો. તેમની માતાને જરા પણ દર્દ  થાય તે સંતાનો સહી ન શકત. અણમોલની લાજ તેણે પોતાના બાળકો પાસે અકબંધ રાખી હતી.’ અમલના સંસ્કાર તેને કોઈ પણ દિશામાં ખોટું પગલું ભરવા દેતા નહી'.

અણમોલને ખૂબ અફસોસ થઈ રહ્યો હતો. ‘જીવતા જીવ માતા પિતાની આંતરડી ઠારવાની’ વાત તો બાજુએ રહી ભરપૂર ઉપેક્ષા કરી હતી. એ તો અમલ હતો, જેણે આંખની પલકો પર પોતાના માતા અને પિતાને સજાવ્યા હતા. જેની સાથે રહેવું તેની સાથે વેર ન રખાય. આખરે તે પણ પોતાના બાળકોની મા હતી ! જુવાનીમાં માનવ એવી તો દિશા ભૂલે છે કે જ્યારે તેને ખ્યાલ આવે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. જુવાનિયા ભૂલી જાય છે ‘જુવાની ચાર દિવસની ચાંદની છે’. અણમોલને માત્ર પોતાના ‘માતા તેમજ પિતા’ દેખાતા હતા. અમલને જાણ એના માતા તેમજ પિતા ઝાડ પરથી તોડી લાવ્યા હતા !

પેલો કળીઓ સાથે કરેલ સંવાદ યાદ આવી ગયો. માળી તાજા તાજા ફૂલ ચુંટતો હતો. કળીએ વિચાર્યું કાલે મારો વારો છે ! હજુ પણ મોડું નથી થયું. જુવાનિયાઓ ,જુવાનીના મદમાં એવા અંધ ન બનો કે પાછળથી પસ્તાવો પણ તમને એ ડાઘ જોવા માટે મદદરૂપ ન થાય !

અણમોલના અંતરાત્માએ જવાબ આપ્યો. આજે તે અવાજને અણમોલ અવગણી ન શકી. રહી રહીને પોતાની આજની પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે તે સમજાયું.  શાંતિ રાખી  અમલ પાસે કઈ રીતે ક્ષમા માગવી તે વિચાર કરી રહી. અમલ પણ હવે કશું કરવાને સમર્થ ન હતો.

શાંતાબા તેમજ રસિકભાઈના ફોટા પાસે ઉભેલી અણમોલને સમયનો પણ ખ્યાલ ન રહ્યો કે ક્યારે અમલ તેની પાછળ આવીને ઉભો હતો. તેની આંખોમાંથી અશ્રુધારા નિર્બંધ બની વહી રહી હતી. પત્નીને થયેલા પસ્તાવાને અમલ સાક્ષી બની નિહાળી રહ્યો !

પસ્તાવાનું ઝરણું કોને પાવન કરે ? મૃત શાંતાબા અને રસિકભાઈના હૈયા ઠરશે ? અણમોલ માફી પામશે ? અમલ ગઈ ગુજરી ભૂલી શકશે ? આ પ્રશ્નનો જવાબ કોઈ નહી આપી શકે !