Nehdo - 39 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 39

ગીરના જંગલમાં જ્યારે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સો પકડાય ત્યારે ત્યાં ગેલાને ઓળખ પરેડ માટે જવું પડતું. ગેલાના મનમાં તે રાત્રે છપાઈ ગયેલ પાંચ નરાધમોની છાપ કાયમ માટે તાજી રહી ગઈ હતી. પરંતુ એમાંથી કોઈ તેને અત્યાર સુધીમાં ક્યાંય જોવા મળ્યો ન હતો. આપણી આખી માનવજાત જ એવી છે, તેનો ડોળો બીજાના વિસ્તાર પર કબજો કરવા પર મંડાયેલો હોય છે. એ વાત રજવાડાની હોય, બીજા દેશની હોય, શેઢા પાડોશીની હોય કે પછી પ્રકૃતિની હોય. ભગવાને તો બધા જીવને પૃથ્વી ઉપર એકસરખો અધિકાર આપીને મોકલ્યા છે. પરંતુ હવે આપણે પૃથ્વીને ફક્ત આપણી જ સમજવા લાગ્યા છીએ. આપણી વિસ્તારવાદી મનોવૃત્તિ તેમાં કામ કરી રહી છે. આપણે આપણી ભૌતિક સુખાકારી માટે શહેરો અને ગામડાંનો વિસ્તાર મોટો કર્યે રાખ્યા. વધુને વધુ ઉપાર્જન માટે ઉદ્યોગો, ખેતીવાડીનો વિકાસ કરતાં ગયાં. જેનાથી પૃથ્વીનાં નકશામાં લીલા જંગલોનો કલર ઘટતો ગયો અને સિમેન્ટના જંગલોનો કલર વધતો ગયો. જેના માઠા ફળ પણ આપણને ધરતીકંપ, વાવાઝોડા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રોગચાળા સ્વરૂપે મળતા રહે છે. પરંતુ ટૂંકી દ્રષ્ટિવાળા આપણે આફત ટળે એટલે બધું ભૂલી ફરી પાછા કુદરત સાથે ચેડા કરવા લાગી જઈએ છીએ.
પહેલાં આપણે જંગલ પર કબજો કરતાં ગયા. પછી આપણી ફરિયાદ રહે છે કે જંગલી જનાવરો ગામમાં ઘૂસી જાય છે. રોઝ, હરણા ખેતરોમાં નુકશાની કરે છે. તેને રહેવા માટે જંગલ, તેને ખાવા પીવા માટે ઘાસ, પાણી એ તો આપણે તેનાં માટે કઈ રહેવા દીધું નથી. પછી એ પણ બિચારા જાય તો ક્યાં જાય? પહેલાના સમયમાં વડીલો ટીટોડીના ઇંડા જોઈને વરસાદની આગાહી કરતા. જો ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે અને ઇંડાનો અણીવાળો ભાગ માળામાં નીચે તરફ હોય તો એ વર્ષે વરસાદ ખૂબ સારો થશે એવું અનુમાન વડીલો કરતા. અને જે વર્ષે ટીટોડી નીચાણવાળા વિસ્તારમાં કે તળાવમાં ઈંડા મૂકે તો વરસાદ ખૂબ ઓછો પડશે તેવું અનુમાન કરતા. અને મોટાભાગે તેમનું અનુમાન સાચું પણ પડતું. પરંતુ હવે જગ્યાના અભાવે ટીટોડી પણ બિચારી શું કરે? ઘણી જગ્યાએ ટીટોડીએ અગાસી પર ઈંડા મુક્યાના સમાચાર પણ સાંભળવા મળે છે. અને એ વર્ષે વરસાદ પણ ઓછો હોય છે. એક ઝાડ કાપતાં અત્યારે આધુનિક મશીનોની શોધને લીધે ફક્ત દસથી પંદર મિનિટ લાગે. પરંતુ એક ઝાડ ઉછેરતાં દસ વર્ષ લાગી જાય છે.
પ્રાણી પક્ષીઓની આપણને ખૂબ ઘેલછા હોય છે. તે ફક્ત તેને નિહાળવા પૂરતી કે તેનો અભ્યાસ કરવા પૂરતી હોય તો સારું કહેવાય. પરંતુ આપણે તો તેનાથી પણ આગળ નીકળી જઈએ છીએ. આપણે તો પ્રાણી પક્ષીઓના ભોગે આપણા જીવન સારા બને તેવા પ્રયત્નો કરતા રહીએ છીએ. આપણી આ વૃત્તિએ આ સુંદર જીવસૃષ્ટિને વિનાશના આરે લાવી મૂકી દીધી છે. હું નાનો હતો ત્યારે મને પતંગિયા ખૂબ ગમતા, જોકે હજી ગમે છે. પરંતુ હવે તો પહેલાં જેટલા પતંગિયા જ ક્યાં રહ્યા છે? નાનપણમાં હું પતંગિયાની પાછળ દોડી તેને પકડી પાડતો, પછી તેની રંગબેરંગી પાંખની છાપ મારા શર્ટ પર ઉપસાવી તેને છોડી દેતો. આમ કરવાથી તે બિચારાની પાંખ ક્ષતિગ્રસ્ત થઈ જતી. તે માંડ માંડ ઉડી જતું. મારી આ પ્રવૃત્તિ એકવાર મારા પિતાજી જોઈ ગયા. તેણે મને બોલાવી ઠપકો આપ્યો. મેં કહ્યું, " બાપુજી મને પતંગિયા બહુ ગમે."
મારા પિતાજીએ કહ્યું, "ગમતી ચીજને પકડવા કોશિશ ન કરાય તેને ઉડતા નિહાળી આનંદ લેવાનો હોય. જેમ ફૂલો હંમેશા છોડ પર તાજા રહે છે. તેને તોડવાથી તે કરમાઈ જાય છે. તેવી રીતે પતંગિયા ઉડતા ફૂલ જ છે." પિતાજી તરફથી મળેલો આ ઠપકો આજે પણ મને યાદ છે. અને હું તેને અનુસરું છું.
કોને ખબર આ જુઠાણું કોણે શોધ્યું? પરંતુ પ્રાણી શરીરનાં અલગ-અલગ અંગોનો દવા કે મોજશોખના સાધન તરીકે ઉપયોગ કરવો તે માનવોનો શોખ થઈ ગયો છે. ઘણા લોકોને મેં આવું ગોતતા જોયા છે. છ નખ વાળો કાચબો પૂજામાં મૂકવાથી ધન મળે. ગેંડાના મોઢા પરના શીંગડામાંથી કામશક્તિ વધારવા માટે દવા બને. માકાને ઉકાળી તેમાંથી તેલ કઢાય. હરણના મુલાયમ ચામડામાંથી પર્સ, મોજડી બનાવાય. કાળિયારના શીંગડા સુશોભનમાં વપરાય. દીપડાના ચામડાના તો ખૂબ રૂપિયા મળે, અને તે પણ વિદેશમાં પહોંચાડી દો તો લાખો રૂપિયા મળે. આવી વસ્તુ લેવા વાળા પણ પડ્યા છે. ચાઇના જેવા દેશમાં આવી વસ્તુ નો ધોમ કાળો કારોબાર ચાલે છે. રતાશ પડતા રંગનું આંધળી સાકળ જે સાપ જેવું પણ બિનઝેરી અને માટી ખાનારું ખૂબ ભીરું સરીસૃપ છે, જો કોઈ શિકારીને આ સરીસૃપ અમુક વજનથી વધારેનું મળી જાય તો તેવા લોકો માટે ધનનો ચરૂ મળ્યા બરાબર થઈ જાય. તે લોકોએ આખું વ્યવસ્થિત નેટવર્ક જ ગોઠવેલું હોય છે. તેના દ્વારા આવા અસંખ્ય પ્રાણી પક્ષીઓનો કાળો કારોબાર ચલાવે છે. નાના નાના શિકાર તો રોજ હજારોની સંખ્યામાં થતા હશે. લોકો પોતાનો રોજિંદો ખોરાક મળતો હોવા છતાં અલગ સ્વાદની મજા લેવા માટે કેટલાય બિચારા સસલા અને તેતરને જાળ બાંધીને મારી નાખતા હશે. જંગલમાં અને ખેતરમાં ઉતાવળે પગે દોડ્યું જતું ભૂખરા માટી જેવા રંગનું તેતર પરિવાર અને તેની પાછળ દોડતા તેના નાના-નાના ચાર-પાંચ બચ્ચા જોવાનો લ્હાવો અનોખો હોય છે. ખેતર વાડિયું અને ગાળામાં તેતરનો કપિલદેવ... કપિલદેવ એવો અવાજ સાંભળવાની ખૂબ મજા આવે છે. આવા ગભરુ અને સુંદર પક્ષીને મારીને ખાઈ જતા જીવ કેમ ચાલતો હશે?
મારવાવાળા તો ફક્ત હાથીદાંત માટે થઈ આવડા પર્વત જેવડા હાથીને પણ મારી નાખે છે. તે હાથીનો પણ બિચારાનો પરિવાર હશે, તેની પણ ઈચ્છાઓ હશે, તેનું પણ હર્યુંભર્યું જીવન હશે. રામુઆપા કહેતા એ એકદમ સાચી વાત છે." મીંઢા અજગરનું ભૂત થાય સે."કોઈ પણ જીવની અધુરી ઈચ્છાઓ રહી હોય એટલે તેનો જીવ અવગતે જાય છે. પછી એ જીવ અવારનવાર દેખા દે છે. ઘણા માલધારીના મુખે સાવજનું પણ ભૂત જોયાની વાતો સાંભળી છે. હર્યાભર્યા પરિવારવાળા સાવજને ફક્ત તેના નખ, દાંત અને પ્રજનન અંગ માટે થઈ હણી નાંખો તો એનો આત્મા તો ભટકવાનો જ. હજુ આપણી પાસે સમય છે. કુદરતને સાચવવા લાગીએ. તેનું જતન કરીએ. વધારે વૃક્ષો વાવીને આપણે કરેલ નુકશાનની આપૂર્તિ કરવા પ્રયત્નો આદરી દઈએ. જંગલી પ્રાણી પક્ષીઓને નડતર રૂપ પ્રવૃત્તિઓ બંધ કરી દઈએ.
આપણે આપણી નજર સામેનું ઉદાહરણ યાદ કરીએ. આપણે જ્યારે નાના હતા ત્યારે ગામમાં કોઈ પશુનું મૃત્યુ થાય ત્યારે તેને ખાવા આકાશમાં ખૂબ ઊંચે ગોળગોળ ઘૂમરી લેતા ખેરા (ગીધ) આપણે જોયેલા છે. આકાશમાં નાનકડા લાગતા ગીધ નીચે ઉતરે ત્યારે ઘણા મોટા લાગતા. મોટા ટોળા સ્વરૂપે ઉતરતા ગીધ થોડી કલાકમાં તો ઢોરના શરીરને પૂરેપૂરું ખાઈ જતા. તેની અણીદાર અને છેડેથી વાંકી ચાંચની મદદથી ઢોરના હાડપીંજર સાથે ચોટેલ માંસ પણ તે ઉખાડી ખાઈ જતા. એટલે તો તેને કુદરતી સફાઈ કામદાર કહેવામાં આવે છે. તેના પીંછા વગરના માથા જોવામાં કદરૂપા લાગતા. પરંતુ પીછા વગરના માથાની મદદથી તે ઢોરના મૃત શરીરની અંદર ઊંડે સુધી ઘુસીને માસ ખાય શકે. કુદરતી આહાર કડીનો એક ભાગ ગણાતા અતિ ઉપયોગી આ પક્ષીઓ હવે ક્યાંય જોવા મળતા નથી. આપણી અણઆવડત અને આડેધડ ખોટી દવાઓના ઉપયોગે આ પક્ષીઓને વિનાશના આરે લાવી મૂકી દીધા છે. અત્યારે ગુજરાતમાં બહુ ઓછી જગ્યાએ આ પક્ષીની વસ્તી જોવા મળે છે. ભાવનગરના મહુવાના છાપરી ગામે થોડા ઘણા ગીધ છે. અને જુનાગઢનાં ગીરનારના પર્વત પર બહુ ઓછી સંખ્યામાં આ પક્ષી બચ્યા છે. આ તો આપણે ફક્ત આપણી નજર સામેનો ચાલીશ વર્ષનો ઇતિહાસ જોયો. આમાં ઊંડા ઊતરીએ તો આપણે કેટલાય સજીવોનો સોથ કાઢી નાખ્યો હશે.
નેહડાવાસી અને જંગલમાં વસવાટ કરતા લોકો પ્રકૃતિને જ પૂજે છે. તે લોકો ઝાડ, પાંદડા, પ્રાણી, પક્ષીઓને પવિત્ર માને છે. નાગપંચમી જેવા તહેવાર અને શરમાળીયાદાદા (નાગદેવતા) ના મંદિર એ પ્રકૃતિની જ પૂજા છે. નાગ ઉંદરોની વસ્તીને નિયંત્રિત કરે છે. ઉંદરો ખેડૂતના પાકને ખૂબ મોટું નુકસાન કરે છે. તેથી જ ગામડાના લોકો અને જંગલવાસી નાગ અને સિંહની પૂજા કરે છે. ગીરના ખેડુતો પોતાનાં ખેતરે રાત્રીનાં સમયે પાકના રક્ષણ માટે જતા હોય છે. વાડીએ ઊંચો મેડો બનાવ્યો હોય છે. આ મેડા પરથી હેવી પાવરની ટોર્ચ આખા ખેતરમાં ફેરવે છે.જંગલી સુવર, રોઝ કે હરણા ખેતરમાં આવ્યા હોય તો તેની ઝીણી આંખો આ ટોર્ચના પ્રકાશમાં ચમકી ઊઠે છે. ખેડૂત લાકડી લઇ તેને ખેતરની બહાર ભગાડે છે. પરંતુ જો ટોર્ચના પ્રકાશમાં મોટી આંખો ચમકે એટલે ખેડૂતોને હાશકારો થાય છે. આ મોટી આંખો સિંહની જ હોય છે. જે રાત્રે સિંહના પડાવ વાડીમાં હોય તો સિંહની ગંધના લીધે,તે રાત અને બીજી બે-ત્રણ રાત બીજા જંગલી જનાવર વાડીમાં પ્રવેશતા નથી.તેથી ખેડૂત નિરાંત કરી ઊંચા બનાવેલ મેડા પર આરામથી ઊંઘી જાય છે.
માણસની શિકારીવૃત્તિને લીધે જંગલમાં અધિકારીઓની આટલી બધી કાળજી છતાં નાના-મોટા શિકારના કે ચોરીના બનાવો બનતા રહે છે. થોડા દિવસ પહેલા જ ટ્રેકર્સની જંગલ મુલાકાત સમયે તેમને સાગના ઝાડના બે થડ વચ્ચે મોટરસાયકલના ક્લચ વાયરનો ફાંસો બાંધેલો મળ્યો. તેણે તરત ઓફિસમાં જાણ કરી. તાત્કાલિક સ્ટાફ, સાહેબો તથા એક્સપર્ટની ગાડીઓ આવી ગઈ. તે સ્થળની તપાસ કરતા તે ફાંસામાં પ્રાણી ફસાઈ ગયું હોય તેવું માલુમ પડયું. તે જગ્યા પર પ્રાણીએ છૂટવા માટે કરેલા પ્રયત્નોના લિસોટા જમીન પર દેખાય આવતા હતા. નીચે પડેલા વાળ પરથી તે પ્રાણી દીપડો હોવાનું પુરવાર થતું હતું. દીપડાને ફસાવવા શિકારી બે ઝાડ વચ્ચે આવો ફાંસો બાંધી તેની બીજી બાજુ મરેલું જનાવર મૂકી દે છે. દીપડો એક બાજુથી જ જઈ શકે તેવી ગોઠવણ રાખે છે. જેવો દિપડો ફાંસામાં જવા જાય એટલે ફાંસો તેના ગળામાં બેસી જાય છે. જેમ જેમ દીપડો છૂટવા મથે છે તેમ-તેમ ફાંસો તેના ગળામાં વધુને વધુ કસાતો જાય છે. આખરે દીપડો તડપી તડપીને મરી જાય છે. દીપડાનું શબ શિકારી લઇ ગયાનું માલૂમ પડતું હતું. આ ઘટના હજી એકાદ દિવસ પહેલાની જ લાગતી હતી. અહીં આજુબાજુમાં કોઇ વાહન આવ્યું હોય તેવું પણ લાગતું ન હતું. શિકારીઓ દીપડાના શબને રાતમાં માથે ઉપાડીને લઇ ગયા હશે, તેવું અનુમાન થઈ રહ્યું હતું.
દીપડાનું પગેરુ શોધવા માટે શકમંદ લોકો અને આવી શકમંદ વસાહતો પર છાપા મારવામાં આવ્યા. જંગલની આજુબાજુ રખડતા ભટકતા લોકોને પકડી તેમની આકરી પુછપરછ કરવામાં આવી. પકડાયેલા લોકોને ગેલાની સામે રજૂ કરવામાં આવ્યા.રખેને કોઈ જૂની શિકારી ગેંગનાં લોકો મળી જાય ને ગેલો ઓળખી જાય તો. ઘણાં દિવસો ને મહિનાઓ વીતતાં ગયાં પરંતુ શિકારી ગેંગને શોધવામાં સફળતા ન મળી.
ક્રમશઃ...
(હરિયાળી,પ્રેમઘેલી, રહસ્યમય ગીરને માણવા વાંચતા રહો"નેહડો (The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621