Bhed Bharam - 5 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | ભેદ ભરમ - ભાગ 5

ભેદ ભરમ - ભાગ 5

ભેદભરમ

ભાગ-5

બિસ્કીટવાળો ફેરિયોહરમન ચા પીતા-પીતા રાકેશ દલાલના ડ્રોઇંગરૂમમાં નજર ફેરવી રહ્યો હતો. હરમનની નજર દિવાલ પર લટકાવેલા એક સન્માનપત્ર પર ગઇ હતી. હરમને એ સન્માનપત્ર કઇ સંસ્થા તરફથી આપવામાં આવેલો છે એ નામ એના મોબાઇલમાં લખી લીધું હતું.

ચા પીતી વખતે બધાં મૌન થઇ પોતપોતાના વિચારોમાં અટવાયેલા હતાં. હરમનની નજર રાકેશભાઇ તરફ હતી.

"જુઓ હરમનભાઇ, ધીરજભાઇ જે વાત તરફ ઇશારો કરી રહ્યા છે એ વાત તથ્યહીન છે. હું અમદાવાદની સાયન્સ કોલેજમાં કેમેસ્ટ્રીના પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યો હતો. કેમેસ્ટ્રીની એ લેબમાં હું એક એવો પાવડર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે જેનાથી ડ્રગ્સની લત આરામથી છૂટી શકે. પરંતુ મારા આ રીસર્ચ વિશે કોઇએ કોલેજ ઓથોરીટીને જાણ કરી દીધી હતી અને એટલે પરમીશન લીધા વગર હું રીસર્ચ કરી રહ્યો હોવાના કારણે કોલેજમાંથી મને બરખાસ્ત કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તમે જ વિચારો કે હું કોલેજની લેબનો ઉપયોગ કરીને યુવાન છોકરા છોકરીઓને ડ્રગ્સની લત છોડાવવા માટેનો પાવડર બનાવી સમાજની આટલી મોટી સેવા કરી રહ્યો હતો એમાં ખોટું શું હતું? છતાં કોલેજે મારી આ દલીલ સાંભળી નહિ અને મને બરખાસ્ત કર્યો હતો." રાકેશ દલાલે નિસાસો નાંખતા કહ્યું હતું.

"કોલેજે તને રીસર્ચ કરવા માટે બરખાસ્ત નહોતો કર્યો પરંતુ તું રીસર્ચ કરવા માટે જે LSDની ગોળીઓ અને હેરોઇન નામનું ડ્રગ્સ લાવ્યો હતો એ માટે તને બરખાસ્ત કર્યો હતો. જો એ વખતે મેં મારી લાગવગ વાપરી તને બચાવ્યો ના હોત તો તું અત્યારે જેલના સળીયાની પાછળ આજીવન કારાવાસ ભોગવી રહ્યો હોત. તારી વાત સાચી છે કે મેં ધર્માનંદ સ્વામીની વાત હરમનને જણાવી ન હતી પરંતુ એ વાત મને ખરેખર યાદ ન હતી. પરંતુ તે જે રીતે એ વાત કરી એના ઉપરથી હરમનજીને શંકા જાય કે હું એમનાથી કશું છુપાવી રહ્યો છું. માટે ગુસ્સામાં મારાથી તારો આ મુદ્દો બોલાઈ ગયો. હું તને અપમાનિત કરાવવા માંગતો ન હતો માટે તું મને માફ કરજે." ધીરજભાઇએ રાકેશભાઇ સામે જોઇ કહ્યું હતું.

રાકેશભાઇએ પણ ધર્માનંદ સ્વામીની વાત બોલી જવા માટે ધીરજભાઇની માફી માંગી હતી.

"મારે થોડાક પ્રશ્નો મનોરમાબેનને પૂછવા છે. જો રાકેશભાઇ તમને વાંધો ના હોય તો હું એમને પૂછી શકું?" હરમને રાકેશ દલાલ તરફ જોઇ કહ્યું હતું.

"હા ચોક્કસ પૂછી શકો. આમેય મનોરમા જ્યારથી સોસાયટીના નાકે આ વાસણો મુકવાનો કાંડ બની રહ્યો છે ત્યારથી એ વાસણો કોણ મુકી જાય છે એ જાણવા ખૂબ ઉત્સુક છે અને રોજ દિવસમાં ચાર વાર સોસાયટીના ઝાંપા સુધી ચક્કર મારતી હોય છે. મનોરમા તમે પૂછતા થાકશો નહિ ત્યાં સુધી ત્યાં સુધી જવાબો આપ્યો કરશે." રાકેશ દલાલે હસતાં હસતાં હરમન સામે જોઇ કહ્યું હતું.

હવે હરમને મનોરમાબેન સામે જોયું હતું. મનોરમાબેન પહેલેથી જ મુખ ઉપર ઉત્સાહ સાથે જવાબો આપવા માટે તૈયાર થઇ ગયા હતાં.

"એ હરમનભાઇ, આ વાસણો બાબતનો કેસ મારી ગવાહીથી ઉકલી જાય તો મારો ફોટો છાપામાં આવે ખરો?" હરમન હજુ મનોરમાબેનને સવાલ પૂછે એ પહેલા જ મનોરમાબેને સવાલનો દોર ચાલુ કર્યો હતો.

મનોરમાના આવેલા અજાણ્યા સવાલથી હરમન પોતાની જાત ઉપર કન્ટ્રોલ રાખી શક્યો ન હતો અને ખડખડાટ હસવા લાગ્યો હતો. એણે પોતાનું હસવાનું માંડ રોકી અને પછી મનોરમાબેન સામે જોયું હતું.

હરમન જ્યારે ખડખડાટ હસી રહ્યો હતો ત્યારે બીજા બધાં પણ એની સાથે હસી રહ્યા હતાં.

"જુઓ મનોરમાબેન, હું CID કે કોઇ પોલીસ ઇન્સ્પેક્ટર નથી અને આ કેસની તપાસ હું એક પ્રાઇવેટ જાસૂસ તરીકે કરી રહ્યો છું. માટે વાસણ કોણ અને કેમ મુકી જાય છે એ ખબર પડશે પરંતુ એનાથી તમારો ફોટો છાપામાં નહિ આવે." હરમને પોતાનું હસવાનું રોકી મનોરમાબેનને સમજાવ્યું હતું.

હરમનની વાત સાંભળી મનોરમાબેનના મુખ ઉપરથી હાસ્ય થોડી સેકન્ડો માટે વિલીન થઇ ગયું હતું.

"હા તો કંઇ વાંધો નહિ. આપે જે પૂછવું હોય એ પૂછો." મનોરમાબેને નિરાશ સ્વરે હરમનને કહ્યું હતું.

"મનોરમાબેન, આ વાસણોની બાબતમાં તમને જે કંઇપણ લાગતું હોય એ બધી જ વાત તમે મને શાંતિથી કહો." હરમને કહ્યું હતું.

"થોડા દિવસ પહેલાની આ વાત છે. લગભગ અંદાજે વીસ દિવસ જૂની વાત હશે. હું મારા નિત્ય ક્રમ મુજબ સાંજના છ વાગે સોસાયટીમાં આવેલા કમ્પાઉન્ડમાં ચાલી રહી હતી. એ સમયે એક છ ફૂટ ઊંચો હાઇટવાળો ફેરિયો જેના મોઢા ઉપર દાઢી વધેલી હતી પરંતુ એ દાઢી અસ્તવ્યસ્ત ન હતી. આવો દેખાતો ફેરિયો બિસ્કીટ વેચી રહ્યો હતો. હવે નવાઇની વાત એ હતી કે એની પાસે ખાલી એક નાની થેલી જ હતી અને એ થેલીને દેખતા એવું સ્પષ્ટ દેખાઇ આવતું હતું કે એ થેલીમાં બિસ્કીટ નહિ હોય અને એમાં પણ આજના સમયે મેરી બિસ્કીટ કે પછી પારલેજી ગ્લુકોઝ બિસ્કીટ જે દરેક દુકાને અને પાનના ગલ્લે મળતા હોય તો એ બિસ્કીટ વેચવા કોઇ ફેરિયો શું કરવા નીકળે??? બસ આ વાત મને ખૂબ જ અચરજ પમાડે એવી હતી." મનોરમાબેને પોતાની વાત હરમનને કહી હતી.

"એ દાઢીવાળો ફેરિયો પારલેજી અને મેરી બિસ્કીટ જ વેચી રહ્યો છે એવી તમને કઇ રીતે ખબર પડી?" હરમન આ ઘટના સાંભળી વાતમાં ઊંડું ઉતરવા લાગ્યો હતો.

"એ ફેરિયાના હાથમાં એ બંન્ને બિસ્કીટના પેકેટ હતાં. જેના ઉપરથી મેં ધારણા બાંધી હતી કે ફેરિયો આ બિસ્કીટ જ વેચી રહ્યો હતો." મનોરમાબેને પોતાની ધારણા સાચી હોવા માટે કારણ બતાવતા કહ્યું હતું.

રાકેશભાઇ અને ધીરજભાઇ એકબીજા સામે જોઇ થોડી ક્ષણો માટે વિચાર કરવા લાગ્યા હતાં.

હરમને પણ થોડો વિચાર કર્યો અને પછી બોલ્યો હતો.

"ધીરજભાઇ વાત એવી છે કે, આજથી બે વર્ષ પહેલા પાલડી વિસ્તારની એક સોસાયટીમાં આવી રીતે જ એક બિસ્કીટવાળો આવતો હતો અને આવી મોટી કંપનીઓના બિસ્કીટ એ ત્રીસ ટકા ઓછી કિંમતે વેચતો હતો. ત્રણ મહિના સુધી સળંગ બિસ્કીટવાળો એ વિસ્તારની આ એક જ સોસાયટીમાં રોજ બિસ્કીટ વેચવા આવતો રહેતો હતો અને ત્રણ મહિના બાદ એ સોસાયટીમાં રૂપિયા એક કરોડની ચોરી એક બંગલામાં થઇ હતી. એ ચોરીના કેસની તપાસનું કામ એ બંગલાના માલિકે મને સોંપ્યું હતું. એ વખતે ચાર મહિનાની સળંગ મહેનત બાદ મેં એ ચોરને પોલીસને પકડાવી દીધો હતો. એ ચોરી જેના ઘરમાં થઇ હતી એ ઘરનો નોકર આ બિસ્કીટવાળા ચોર જોડે મળી ગયો હતો અને આશ્ચર્યની વાત એ છે કે મનોરમાબેને જેવું વર્ણન કર્યું એ ચોર પણ આ ફેરિયા જેવો જ દેખાતો હતો. એ ચોરનું નામ ભૂપતસિંહ હતું અને એને પાંચ વર્ષ જેલની સજા થઇ હતી. આ બિસ્કીટવાળા ફેરિયાની વાત સાંભળી મને એ કેસ યાદ આવી ગયો હતો અને હું વિચારમાં પડી ગયો હતો." હરમને કહ્યું હતું.

"એનો મતલબ અમારી સોસાયટીમાં ચોરી થશે એવું તમને લાગે છે?" મનોરમાબેને પૂછ્યું હતું.

"ના મનોરમાબેન, એવું નહિ થાય, કારણકે જે સોસાયટીમાં ચોરી થઇ હતી ત્યાં બિસ્કીટવાળો રોજ બિસ્કીટ વેચવા જતો હતો અને બંગલાઓ ઉપર નજર રાખી ચોરી કરવાની તક શોધતો હતો અને એના માટે જ એ ત્રીસ ટકા ઓછી કિંમતે બિસ્કીટ વેચતો હતો પરંતુ અહીંયા તો બિસ્કીટવાળો એક જ વાર દેખવામાં આવ્યો છે અને એ પણ સોસાયટીની બહાર ઊભો રહી એ બિસ્કીટ વેચી રહ્યો હતો. એવું તમારા કથન ઉપરથી માલુમ પડી રહ્યું છે. તમારા જ કહેવા મુજબ એ ફરીવાર સોસાયટીમાં દેખાયો નથી છતાં પણ આપણે આ વાતને હળવાશમાં લેતા નથી. તમે તો એક જાસૂસ જેવું કાર્ય કર્યું છે. કાલે સવારે એ ફેરિયાનો સ્કેચ બનાવવા માટે આર્ટિસ્ટને લઇને જમાલ અહીંયા આપના બંગલે આવી જશે. તમે એ સ્કેચ આર્ટિસ્ટને એ ફેરિયાના ચહેરાનું વર્ણન કરશો એટલે એ એનો સ્કેચ બનાવી દેશે. એ સ્કેચ બન્યા બાદ તમે એ ચહેરો ધ્યાનથી જોઇ લેજો કે તમે જોયેલો હતો એવો જ વ્યક્તિ છે કે નથી. પછી આપણે એની તપાસ કરીશું." હરમને આખી વાત સમજાવતા કહ્યું હતું.

"હરમનજી, તમને લાગે છે કે સોસાયટીની બહાર મુકવામાં આવતા વાસણો અને આ બિસ્કીટવાળા ફેરિયા વચ્ચે કોઇ જોડાણ હોય?" ધીરજભાઇએ હરમન સામે જોઇ પૂછ્યું હતું.

"ખબર નહિ પરંતુ વાસણો સાથે એ ફેરિયાને કોઇ સંબંધ નથી એવી કોઇ વાત દેખાતી નથી માટે એના પર શંકા કરવી જ રહી." હરમને ધીરજભાઇને કહ્યું હતું.

"બસ, આ વાત સિવાય બીજી કોઇ વાત મને યાદ નથી." મનોરમાબેને હરમનની સામે જોઇ કહ્યું હતું.

ક્રમશઃ.....

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું... - ૐ ગુરુ)