bhed bharam - part 9 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | ભેદ ભરમ - ભાગ 9

ભેદ ભરમ - ભાગ 9

ભેદભરમ

ભાગ - 9

વાસણ અને ભૂત વચ્ચે કનેક્શનની શંકા સાચી કે ખોટી?


હરમનને ડૉક્ટર બ્રિજેશના ખુલાસા થોડા અજુગતા લાગતા હતા, પરંતુ એમના ખુલાસા સાચા છે કે ખોટા એ તો જયારે એ વાતની તપાસ કરીશું ત્યારે જ ખબર પડશે. એવું વિચારીને હરમને આગળ કહ્યું હતું.

“ડૉક્ટર સાહેબ, હવે હું તમારા દીકરાને કેટલાક સવાલો પૂછવા માંગું છું.’ હરમને ડૉક્ટરને પૂછ્યું હતું.

ડૉક્ટર બ્રિજેશે પુત્ર રિધ્ધેશને સવાલો પુછવા માટેની હા પાડી હતી.

“હા તો રિધ્ધેશ, મારે તને માત્ર એકજ સવાલ પૂછવો છે, કે સોસાયટીની બહાર મળતા રહસ્યમય વાસણો વિશે તારું શું માનવું છે.” હરમને રિધ્ધેશનો અભિપ્રાય જાણવા આ સવાલ પૂછ્યો હતો.

“જો મિ. હરમન વાસણો સોસાયટીની બહાર કોઈ મૂકી જાય એ તરફ મારી દ્રષ્ટિએ તો અવગણના કરવી જ જોઈએ. આવી બધી બાબતોમાં સમય બગડવાની જરૂરત મને લાગતી નથી. વાસણ મુકવાવાળાના પેટમાં જે દુ:ખતું હશે એ એક દિવસ ખબર પડી જશે. પરંતુ આ વાસણોની બાબતને લઈને અમારા ઘરની કે સોસાયટીના બીજા લોકોની પર્સનલ વાતો જાહેર થઇ જાય છે. મને તો એજ વાત તકલીફકારક લાગે છે. પરંતુ તમને એક વાત સોસાયટીનું કોઈ સભ્ય નહિ કહે. પણ હું તમને જણાવું છું. કદાચ આ વાત સોસાયટીના સભ્ય ના જાણતા હોય એવું પણ બને પણ હું માનતો નથી કે બધાં આ વાત ના જાણતા હોય. વાત એ છે કે મારી મમ્મીએ જે ભૂત જોયું છે અને એ એવું જે કહે છે એ વાત મને સંપૂર્ણપણે સાચી લાગે છે. કારણકે જો એના મનનો વહેમ હોત તો આ વાત એ વારંવાર રીપીટ કરી ના રહી હોત. આ સોસાયટીમાં દરેક જણ પોતાનો ઉલ્લુ સીધો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને દરેક જણ પોતપોતાનો ખેલ રમી રહ્યું છે. ત્રણ મહિના પહેલા જયારે હું ઘરે રહેવા આવ્યો હતો ત્યારે રાત્રિના એક વાગે હું મારા મિત્રના ત્યાંથી પરત આવી સોસાયટીમાં દાખલ થઇ રહ્યો હતો, ત્યારે આવીજ મહાકાય ઉંચાઈ ધરાવતાં માણસ કે પછી ભૂત તમે જે માનો તે એ મેં પણ જોયું હતું. મને લાગે છે કે આ વાસણો અને ભૂત વચ્ચે કોઈક તો કનેક્શન તો છે. પરંતુ હું કોઈને કહીશ તો મને ગાંડો ગણશે એમ વિચારી મેં આ વાત કોઈને જણાવી નથી. મારી આ વાત કહેવાથી તમને તપાસ કરવામાં મદદરૂપ થાય એટલે કહી રહ્યો છું.” રિધ્ધેશે હરમનના સવાલનો જવાબ આપતા કહ્યું હતું.
“જોયુંને.. મારી વાત સાચી છે. અને તમે મારો ભ્રમ છે એવું કહી ડૉક્ટરની દવા કરાવો છો. રિધ્ધેશે પણ આવું જ ભૂત જોયું છે જે હું કહી રહી છું.” આટલું બોલી જીયાબેન ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા.

ડૉક્ટર બ્રિજેશે એમને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો.
ઘરનું વાતાવરણ ગમગીન થઇ ગયું હતું. હરમને પણ હવે કોઈ સવાલ પૂછવાના રહેતા ન હતા.

“ચાલો ધીરજભાઈ, આપણે બંગલા નંબર-૪ માં રહેતા પ્રોફેસરને મળી લઈએ. એટલે આપણી પ્રથમ તબ્બકાની પુછપરછ પૂરી થાય.” આટલું બોલી હરમન ઉભો થયો હતો.
ડૉક્ટર બ્રિજેશભાઈનો આભાર માની ત્રણેય જણા એમના ઘરની બહાર નીકળ્યા હતા.

“આ ભૂતની બાબતમાં તમારું શું માનવું છે?” હરમને ચાલતાં-ચાલતાં ધીરજભાઈને પૂછ્યું હતું.

“આ વાત સાંભળી મને પોતાને જ ખુબ નવાઈ લાગી રહી છે. આવું તો મેં પહેલીવાર આ સોસાયટીમાં થયું હોય એવું સાંભળ્યું છે. હવે આ વાત માં-દીકરાનો વહેમ હોય કે સચ્ચાઈ, એની શોધખોળ તો તમારે જ કરવાની છે. હું તો તમને વાસણોનો ભેદ ઉકેલવા માટે લાવ્યો હતો. પરંતુ ત્રણેય ઘરની વાત સાંભળી દરેક વખતે કોઈ નવા જ ભેદભરમ મને સાંભળવા મળ્યા છે. હું તો વર્ષોથી અહીંયા રહ્યું છું છતાંપણ ઘણીબધી વાતોથી હું અન્જાન છું એવું મને લાગી રહ્યું છે.” વાતો કરતાં-કરતાં ત્રણેય જણ બંગલા નંબર-૪ જોડે આવી પહોંચ્યા હતા.

પ્રોફેસર સુનિતા પોતાના બંગલાના વરંડામાં બેસીને પુસ્તક વાંચી રહ્યા હતા. ઝાંપા પાસે આવેલા ધીરજભાઈ ઉપર એમની નજર પડી હતી.

“આવો ધીરજકાકા... અંદર આવો.” આટલું બોલી એ ખુરશી માંથી ઊભા થયા હતા.

ધીરજભાઈ સાથે હરમન અને જમાલ સુનિતા ખત્રીની પાછળ ઘરમાં પ્રવેશ્યા હતા.

૨૮ થી ૩૦ વર્ષની ઉંમરના લાગતા પ્રોફેસર સુનિતા ખત્રી ખુબ સરળ ભાષી અને દેખાવમાં સુંદર અને આકર્ષક લાગતાં હતા. ઘરમાં પ્રવેશી બધા સોફા ઉપર બેઠા હતા.

“બોલો ધીરુકાકા... ચા પીશો કે શરબત.” સુનિતાએ વિવેક કરતા પૂછ્યું હતું.

“ના બેટા, કોઈ તકલીફ લેવાની જરૂર નથી. ચા અને નાસ્તો અમે ડૉકટર બ્રિજેશના ત્યાં કરીને જ આવ્યા. સૌ પ્રથમ આમની ઓળખાણ તમને કરાવું. આપણી સોસાયટીના ઝાંપે જે વાસણો મુકવામાં આવી રહ્યા છે એ બાબતની તપાસ કરવા એમને મેં એપોઇન્ટ કર્યા છે. આમનું હરમનભાઈ છે. અને આ બાબતે એ તને કેટલાક સવાલો પૂછવા માંગે છે.” ધીરજભાઈએ સુનિતાને એના ઘરે આવવાનું કારણ કહ્યું હતું.
હવે ધીરજભાઈએ હરમન સામે જોયું હતું.

“હરમનભાઈ સુનિતા મારા મિત્ર સ્વર્ગવાસી સૌરભભાઈની દીકરી છે. પાંચ વર્ષ પહેલા જ એમનું દેહાંત થયું હતું. ત્યારથી સુનિતા આ બંગલામાં એકલી જ રહે છે. સુનિતાની માતાનું દેહાંત તો વર્ષો પહેલા જ થઈ ગયું હતું.” હવે ધીરજભાઈએ હરમનને સુનિતાની ઓળખાણ આપતાં કહ્યું હતું.

“હા હરમાનભાઈ, તમારે જે કંઈપણ સવાલો મને પુછવા હોય તે મને પૂછી શકો છો. આ વાસણોનું રહસ્ય ઉકેલાઈ જાય એવું હું પણ ઈચ્છું છું. સોસાયટીના નાકે મુકવામાં આવતાં વાસણોના કારણે ધીરજકાકા પણ બહુ ચિંતામાં રહે છે. મારા અને એમના સિવાય સોસાયટીના બાકીના સદસ્યો આ વાતને બહુ ગંભીર ગણતા હોય એવું મને જરાય લાગતું નથી.” મિલનસાર સ્વભાવ ધરાવનાર સુનિતા ખત્રીએ હરમન સામે જોઈ કહ્યું હતું.

‘સુનિતાજી મને એ વાત જાણી આનંદ થયો કે તમને આ રહસ્ય ઉકેલાય એમાં રસ છે. આપ પ્રોફેસર તરીકે કયો વિષય ભણાવો છો?” હરમને સુનિતાને પહેલો સવાલ પૂછ્યો હતો.
“હું ઈકોનોમીકનો વિષય ભણાવું છું. મેં ઇકોનોમીકના વિષય સાથે માસ્ટર કર્યું છે.” સુનિતા એ હસીને હરમનને કહ્યું હતું.
“સુનિતાજી, આ સોસાયટીમાં તમે કોઈ અજુગતી ઘટના જોઈ હોય એવું બન્યું છે ખરું?” હરમને સુનિતા સામે જોઈ પૂછ્યું હતું.

હરમનનો સવાલ સહેલો હોવા છતાં એનો સવાલ સાંભળી પ્રોફેસર સુનિતા ખત્રી અસમંજસમાં પડ્યા હોય એવું લાગ્યું હતું.

ક્રમશ: .......

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું..... - ૐ ગુરુ)


Rate & Review

Patel Vijay

Patel Vijay 2 weeks ago

Vijay

Vijay 1 month ago

Parash Dhulia

Parash Dhulia 2 months ago

Sheetal

Sheetal 2 months ago

Mayuri Patel

Mayuri Patel 3 months ago