bhed bharam - part 8 books and stories free download online pdf in Gujarati

ભેદ ભરમ - ભાગ 8

ભેદભરમ

ભાગ-8

પંદર ફૂટ ઊંચા ભૂતનું રહસ્ય


હરમન ડોક્ટર બ્રિજેશની વાત ધ્યાનથી સાંભળી તો રહ્યો હતો પરંતુ ધીરજભાઈના મિત્ર મહેશભાઇના વિરૂદ્ધમાં કહેલી વાતને પણ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મહેશભાઇના બે લગ્નની વાતથી વાસણોનું રહસ્ય જોડાયેલું હોય એ તો શક્ય નથી. પછી ડોક્ટર બ્રિજેશ જેવો હોંશિયાર માણસ મહેશભાઇની તરફ આંગળી કેમ ચીંધી રહ્યા હતા એ એને સમજાતું ન હતું. એ કશુંક બ્રિજેશભાઇને કહેવા જાય એ પહેલા એની નજર ડ્રોઇંગરૂમમાં પડેલા એક સિતાર ઉપર પડી હતી.

"ડોક્ટર સાહેબ, આપને સિતાર વગાડતા આવડે છે? મને સંગીતના વાદ્ય વગાડવાનો ખૂબ જ શોખ છે." હરમને ઊભા થઇ સિતારના તારને અડતા પૂછ્યું હતું.

"હા, મારા પિતાજી સારું સિતાર વગાડતા હતાં અને એમનો વારસો મને મળ્યો છે. હું નાનપણથી જ એમની પાસે સિતાર વગાડતા શીખ્યો છું અને સાંભળનારાઓનું એવું કહેવું છે કે હું સારું સિતાર વગાડું છું." ડોક્ટર બ્રિજેશે હસીને જવાબ આપ્યો હતો.

"હરમનજી, ડોક્ટર બ્રિજેશ ખરેખર ખૂબ સરસ સિતાર વગાડે છે. મારા જેવા સંગીતના અજ્ઞાનીને પણ સાંભળવાની ઘણી મજા આવે છે. ઘણીવાર એમનું સિતાર સાંભળી ઉદાસ મન પણ પ્રસન્ન થઇ જાય છે." ધીરજભાઇએ એક શ્રોતા તરીકે પોતાનો અનુભવ જણાવ્યો હતો.

"મારા બોસ પણ સારા તબલા વગાડે છે પણ એમાંથી તો મને કોઇ આનંદ આવતો નથી. એમને તબલા વગાડતા મેં ઘણીવાર સાંભળ્યા છે પણ એ સાંભળ્યા પછી મારું માથું ભારે થઇ જાય છે." જમાલે ધીરજભાઇ સામે જોઇ કહ્યું હતું.

જમાલની વાત સાંભળી બધાં ખડખડાટ હસી પડ્યા હતાં. હરમને ત્રાંસી આંખે જમાલ સામે જોયું હતું પરંતુ જમાલ જાણી જોઇને હરમન સામે જોતો ન હતો.

"ડોક્ટર સાહેબ, તમને જો વાંધો ના હોય તો આપના ધર્મપત્ની અને આપના પુત્રને આ ઘટના વિશે મારે કેટલાંક સવાલો પૂછવા છે તો પૂછી શકું?" હરમને ડોક્ટરની પરવાનગી માંગતા પૂછ્યું હતું.

"હા ચોક્કસ પૂછી શકો છો. હું પહેલા આપને ઓળખાણ કરાવું. આ મારી ધર્મપત્ની જીયા છે અને આ મારો દીકરો રિદ્ધેશ છે જે MBBSના ત્રીજા વર્ષમાં હોસ્ટેલમાં રહી ભણી રહ્યો છે." ડોક્ટરે હરમનનો પરિચય પત્ની અને પુત્ર સાથે કરાવતા કહ્યું હતું.

હરમને જીયા દલાલ તરફ જોયું હતું.

"જીયાબેન, તમે આટલું સરસ ઘર અને આ સારી જગ્યા છોડી કેમ જવા માંગો છો?" જીયાએ ન ધારેલો પ્રશ્ન હરમને પૂછ્યો હતો.

હરમનનો સવાલ સાંભળી જીયાના મુખ પર અણગમાનો ભાવ આવી ગયો હતો.

"મને આ જમીનમાં કોઇ દોષ હોય એવું લાગે છે. અમે જ્યારથી અહીંયા રહેવા આવ્યા છીએ ત્યારથી મારી તબિયત સારી રહેતી નથી. કોઇકવાર માથું દુઃખે તો કોઇકવાર શરીર દુઃખે, કોઇકવાર હાથ-પગ જકડાઇ જાય અને ઘણીવાર તો રાતના ભેદી અવાજો સંભળાય છે. મારો દીકરો રિદ્ધેશ હોસ્ટેલમાં રહીને ભણે છે. એટલે અમે પતિ-પત્ની બંન્ને એકલા જ અહીં હોઇએ છીએ અને બ્રિજેશ જ્યારે ક્લીનીક પર જાય ત્યારે તો હું ઘરમાં સાવ એકલી પડી જઉં છું અને માટે જ મારે બંગલો વેચી ફ્લેટમાં રહેવા જવું છું. જેમાં આડોશી-પાડોશીની વસ્તી હોય અને એકલતા લાગે નહિ. અમારા કુટુંબીજનો બધાં મુંબઇમાં રહે છે. માટે કોઇ સગાંવ્હાલા પણ અમદાવાદમાં ન હોવાના કારણે એકલતા મારા મનને કોરી ખાય છે અને માટે જ મારે આ ઘર વેચી બને એટલા જલ્દી નીકળી જવું છે." જીયાએ એના મનનો ઉભરો હરમન સામે ઠાલવતા કહ્યું હતું.

"હરમનભાઇ, માનસિક રીતે જીયા ખૂબ ડીસ્ટર્બ રહે છે અને શારીરિક સ્વાસ્થ્ય પણ એનું સારું રહેતું નથી. ખબર નહિ પણ એને મનમાં વ્હેમ ઘુસી ગયો છે કે આ બંગલામાં રહેવા આવ્યા પછી એનું સારું થયું નથી માટે શક્ય હોય તો ખૂબ ઓછા સવાલ એને પૂછશો એવી મારી વિનંતી છે." ડોક્ટર બ્રિજેશે હરમનને કહ્યું હતું.

"હા ચોક્કસ ડોક્ટર સાહેબ, હું હવે એમને એક છેલ્લો સવાલ જ પૂછવા માંગું છું." હરમને ડોક્ટરની વાતનો જવાબ આપતા કહ્યું હતું.

"જીયાબેન, તમે આ સોસાયટીમાં કશું અજૂગતું જોયું છે?" હરમને જીયા સામે જોઇ પૂછ્યું હતું.

હરમનનો સવાલ સાંભળી જીયાએ ડોક્ટર બ્રિજેશ સામે જોયું હતું એટલે ત્યાં હાજર બધાંની નજર ડોક્ટર બ્રિજેશ તરફ ગઇ હતી. ડોક્ટર બ્રિજેશે બધાંની નજર એમના ઉપર છે એ વાતની નોંધ લીધી હતી એટલે એમણે જીયાને વાત કહેવાની સંમતિ આપી હોય એવું હરમનને લાગ્યું હતું.

"મહિના પહેલાની વાત છે. એક રાત્રે મને ઊંઘ આવતી ન હતી અને એટલે હું ઉપરના માળે બારી ખોલી બારીની બહાર જોઇ રહી હતી. બ્રિજેશ નીચે ડ્રોઇંગરૂમમાં કશુંક વાંચી રહ્યા હતાં અને એ જ વખતે મેં બારીની બરાબર સામે એક ભૂતને ઊભેલો જોયો હતો. એ ભૂતની આંખો અને મારી આંખો મળી એ જોઇ હું ખૂબ જ હબકી ગઇ અને ડરીને બૂમો પાડવા લાગી હતી. મારી બૂમો સાંભળી બ્રિજેશ ઉપર દોડીને આવ્યા હતાં. મેં એમને આખી ઘટના કહી પરંતુ એ માનવા તૈયાર થયા નહિ અને બીજા દિવસે મને માનસિક રોગના ડોક્ટર પાસે લઇ ગયા હતાં અને માનસિક રોગની દવા ચાલુ કરાવી દીધી. હું એમને કહી કહીને થાકી ગઇ કે મેં જે જોયું એ સત્ય હતું પણ મારું સત્ય સાંભળવા એ તૈયાર જ નથી." જીયાએ નિસાસો નાંખતા હરમનને કહ્યું હતું.

"હરમનભાઇ, ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર વચ્ચે ઓછામાં ઓછું પંદર ફૂટથી વધારે અંતર હશે અને તમે જ કહો કે પંદર ફૂટથી વધારે ઊંચો કોઇ માણસ અથવા તો જીયાના શબ્દોમાં કહીએ તો ભૂત હોય અને એને જોયો હોય આ વાત કઇ રીતે માની શકાય? એના મનમાં ભ્રમ ઊભો થયો છે અને એ ભ્રમને એ સત્ય માની રહી છે. એવું અમદાવાદના પ્રખ્યાત માનસિક રોગના નિષ્ણાંત ડોક્ટર પરમ મણિયારનું કહેવું છે. આ વાત ડોક્ટરે પણ એને ઘણીવાર સમજાવી પરંતુ જીયા આ વાત સમજવા કે માનવા તૈયાર થતી નથી. હવે આવી પાયાવિહોણી વાત હું આડોશીપાડોશીને કહું તો બધાંને એવું લાગે કે જીયા ગાંડી થઇ ગઇ છે." ડોક્ટર બ્રિજેશે નિસાસો નાંખતા કહ્યું હતું.

ધીરજભાઇ તો જીયાની વાત સાંભળી આશ્ચર્યચકિત થઇ ગયા હતાં. એમની આંખો અને મોં બંન્ને ખુલ્લા થઇ ગયા હતાં.

"જીયાબેન, તમે બૂમો પાડી પરંતુ ભાગીને નીચે કેમ ના જતા રહ્યા?" હરમનના અણધાર્યા સવાલથી ડોક્ટર બ્રિજેશ અને જીયા બંન્ને એકબીજા સામે જોવા લાગ્યા હતાં.

"જુઓ હરમનભાઇ, જીયાને વર્ષોથી ઊંઘમાં ચાલવાની બિમારી છે અને એટલે જ હું એનો પગ રાત્રે સુઇ જાય ત્યારે પલંગ સાથે બાંધી દઉં છું. એની ઊંઘમાં ચાલવાની આ બિમારીના કારણે ભૂતકાળમાં એ ઘણીવાર બેડરૂમની બહાર પગથિયાં પાસે સુઇ ગઇ હોય એવું બન્યું છે. પહેલા મારો દીકરો રિદ્ધેશ અહીંયા રહીને જ ભણતો હતો એટલે અમે બંન્ને મળીને જીયાનું ધ્યાન રાખતા હતાં પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી એ હોસ્ટેલમાં રહેવા ગયો હોવાના કારણે હું એકલો જ જીયા જોડે હોઉં અને આખા દિવસમાં થાકેલો હોવાના કારણે તરત ઊંઘી જાઉં માટે વારેઘડીએ ઉઠીને જીયા ઊંઘમાં ચાલતા તો નથી માંડીને? જે ચકાસી ના શકું માટે એના પગે એ રાત્રે સુઇ જ્યારે ત્યારે હું દોરડું બાંધી દઉં છું જેથી એ ઊંઘમાં ચાલી ન શકે." ડોક્ટર બ્રિજેશે હરમનના સવાલનો જવાબ આપતા કહ્યું હતું.

હરમન ડોક્ટર બ્રિજેશના એક પછી એક ખુલાસા સાંભળી વિચારમાં પડી ગયો હતો.

ધીરજભાઇ પણ ડોક્ટર બ્રિજેશ આટલી બધી તકલીફ ભોગવતા હશે એ વાતની એમને આજે જ ખબર પડી હતી.

ક્રમશઃ....

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.... - ૐ ગુરુ)