Chakravyuh - 43 books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યુહ... - 43

( 43 )

“ભાભીજી, તમે કેમ આમ અચાનક દોડતા બહાર નીકળી ગયા? આ હોસ્પીટલ છે, પ્લીઝ તમે બૂમો ન પાડો. શું થયુ તે તમે કાશ્મીરાના નામની બૂમો પાડવા લાગ્યા?” ગણપત શ્રોફ અને સુબ્રતોએ જયવંતીબેનને રોકતા કહ્યુ.   “તમે બધા મળેલા છો. મને સાચુ કહ્યુ જ નહી કે કાશ્મીરા...........” બોલતા બોલતા જયવંતીબેન ધૃસકે ધૃસકે રડી પડ્યા.   “શું થયુ કાશ્મીરા મેડમને?” સુબ્રતોએ શંકાની ભાષામાં પૂછ્યુ.   “સુબ્રતો ભાઇ, તમે બધુ જાણો જ છો અને મને પૂછી રહ્યા છો કે મારી દિકરી સાથે શું ઘટના ઘટી ગઇ?”

“તમને કોણે કહ્યુ?” તરત જ સુબ્રતોએ વળતો પ્રશ્ન પૂછી લીધો.   “હમણા એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. સામા છેડેથી મને કહ્યુ કે તમારી દિકરીનું અપહરણ થઇ ગયુ છે અને તે સમાચારથી જ ખન્ના સાહેબને એટેક આવી ગયો છે, તમારી સાથે હોસ્પીટલમાં રહેલા બધા શુભેચ્છકોને આ વાતની પહેલેથી જ ખબર છે.” બોલતા બોલતા જયવંતીબેન હાંફવા લાગ્યા.   “ભાભીજી, અમને રોહનનો જ કોલ આવ્યો હતો અને તેણે જ અમને આ બધી હકિકત કહી હતી અને અમને બધાને અહી તમારી પાસે રહેવા જણાવ્યુ હતુ. તે અત્યારે કાશ્મીરાની શોધમાં જ છે અને પોલીસ પણ તેની સાથે જ છે. પ્લીઝ તમે આમ અંધારામાં ફાંફા મારવાનુ રહેવા દો. અમે માનીએ છીએ કે જે થયુ છે તે બહુ ખરાબ બન્યુ છે પણ અત્યારે તમારે અહી રહેવુ તથા આરામ કરવો જરૂરી છે.” વિજયલક્ષ્મીએ સાંત્વના આપતા કહ્યુ.   "વિજયલક્ષ્મી તુ તો જાણે જ છે કે ઇશાન બાદ હવે કાશ્મીરા જ અમારો આધાર સ્તંભ છે અને જ્યારે તેની સાથે આવડી મોટી ઘટના ઘટી જાય ત્યારે એક મા તરીકે કેમ હું આરામ કરી શકુ? મને રોહન પર સંપૂર્ણ વિશ્વાસ છે પણ જીવ તો ઉચ્ચક રહેવાનો જ છે ને?”   “આઇ કેન અન્ડર સ્ટેન્ડ ભાભી. છતા પણ અત્યારે ધિરજ રાખવી અને ભગવાનને યાદ કરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ જ નથી આપણી પાસે માટે પ્લીઝ તમે અંદર આવી જાઓ. જેવો રોહનનો કોલ અમને કોઇને આવશે કે અમે તેની સાથે તમારી વાત કરાવશું, પ્લીઝ આવો અંદર.” વિજયલક્ષ્મી સમજાવી બુજાવીને જયવંતીબેનને અંદર લઇ ગઇ, સાથે જ્યોતી પણ અંદર જતી રહી. આ બાજુ ગણપત શ્રોફ અને સુબ્રતો બન્ને ચા પીવા માટે સામે રેસ્ટોરાં માં ગયા.   “સુબ્રતો તને નથી લાગતુ કે ખન્ના સાહેબની માઠી બેઠી છે છેલ્લા થોડા સમયથી?” ગણપત શ્રોફે ચા ની ચુસકી ભરતા પ્રશ્ન કર્યો.   “હા એ તો સાફ સાફ દેખાઇ જ આવે છે, મુંબઇ બ્રાન્ચનું મસમોટુ નુકશાન, પૂત્રનું મૃત્યુ, પૂત્રીની સગાઇ તૂટવી અને હાલ તેનું અપહરણ, બહુ ખરાબ સમય ચાલે છે અત્યારે સરનો.”   “આપણે બન્ને છેલ્લા બાર વર્ષથી આ કંપનીને વફાદાર છીએ. એ બાર વર્ષોમાં ક્યારેય આ કંપનીનો સિતારો જરા પણ આછો ઉતર્યો નથી પણ.......” બોલતા જ વચ્ચેથી ગણપત શ્રોફ અટકી ગયા.   “પણ??? હું કાઇ સમજ્યો નહી.”   “મને ઊંડે ઊંડે એવો આભાસ થાય છે કે નક્કી આ બધુ બનવા પાછળ કોઇ અંગત જવાબદાર છે. જે ખન્ના સાહેબનું વફાદાર રહેવાનો ઢોંગ કરી તેની પીઠમાં છુરો ભોંકી રહ્યુ છે.”

“હમ્મ્મ્મ, પણ એવુ તે કોણ છે જેને ખન્ના’સ સામે આવુ કરે?”

“એક વાત મે માર્ક કરી છે કે આ બધુ ત્યારથી એક પછી એક બની રહ્યુ છે જ્યારથી રોહને કંપનીમાં પગ મૂક્યો છે. સૌ પ્રથમ ઇન્ટરવ્યુ વખતે રોહનના સિલેક્શનમાં મારો નેગેટીવ રિસ્પોન્સ હતો અને તને ખબર જ છે કે ઇટરવ્યુ પોલીસી મુજબ આપણા ત્રણ માંથી એકનો નેગેટીવ રિસ્પોન્સ હોય ત્યારે સામેવાળી વ્યક્તિ સિલેક્શનને પાત્ર રહેતી નથી છતા પણ કાશ્મીરા મેડમે તેને સિલેક્ટ કર્યો. બીજુ કે કાશ્મીરા મેડ્મ ન્યુ કમર્સ તમામની સંપૂર્ણ ઝાંચ પડતાલ કરતા પણ રોહનની બાબતમાં એ પણ ન થયુ  અને ત્યાર બાદ એક પછી એક ખરાબ ઘટનાઓમાં ખન્ના સાહેબ અને કાશ્મીરા એવા તે ફસાયા કે તેને રોહન સામે શંકાની નજર કરવાનો સમય જ ન મળ્યો.”   “હમ્મ્મ, વાતમાં દમ તો છે તારી. મુંબઇ બ્રાન્ચનો ઇન્સ્યોરન્સ ભરાયો ન હતો ત્યારે ફાઇનાન્સ બ્રાંચમાં હેડ રોહન જ હતો અને તેણે એવો તે મધમાં ભેળવીને જવાબ વાળ્યો કે ખન્ના સાહેબ આરામથી નુકશાનીનો આવડો મોટો ઘુંટ આરામથી પચાવી ગયા.”   “પણ સાલુ એ સમજાતુ નથી કે રોહનને ખન્ના’સ સાથે એવી તે શું દુશ્મની કે તે આવુ કૃત્ય કરે?”   “અહમ.... માણસનો અહમ એવી વસ્તુ છે જે સારા સારા માણસને ન કરવાનુ કામ કરવા પાછળ મજબુર કરી દે છે. ભરી મહેફીલમાં કાશ્મીરાએ રોહન સાથે સગાઇ કરવાની ના કહી દીધી ત્યારે એક પુરૂષ તરીકે રોહનનું અહમ તો ઘવાયુ જ હશે. આવડા ખન્ના ગૃપનો જમૈ બનવાનુ સ્વપ્ન તો ઘણાને હોય ત્યારે એક મામુલી એમ્પ્લોઇને જ્યારે આ મોકો મળે અને મોઢા સુધી આવેલો કોળીયો કોઇ છીનવી લે તો સામે વાળાનું અહમ તો ઘવાય જ ને?”

“હાસ્તો પણ આ વાત સાબિત કરવી બહુ અઘરી છે કે આ બધા પાછળ રોહન જ છે અને કોઇ ઠોંસ સબુત વગર આપણી વાત કોઇ માને જ નહી.”

“યુ આર રાઇટ સુબ્રતો પણ આ યુવાન પર હવે ચાંપતી નજર તો રાખવી જ પડશે.” ગણપત દાંત ભીસીને બોલી ગયો.

**********  

સવારના સાત વાગી ચુક્યા હતા અને ડોક્ટરે ખન્ના સાહેબ હોંશમાં આવ્યાના ન્યુઝ આપ્યા. વહેલી સવારે પાંચેક વાગ્યે જયવંતીબેનને ઊંઘ આવી હતી એટલે તેમને ઉઠાડવાનુ મુનાસીબ ન સમજતા સુબ્રતો અને ગણપત બન્ને ખન્ના સાહેબને મળવા અંદર ગયા.   “ગણપત સુબ્રતો તમે બન્ને અહી?”

“હા સર, રોહને અમને રાત્રે જ કોલ કરી દીધો હતો અને કાશ્મીરા મેડમ વિષેના ખરાબ સમાચાર આપ્યા હતા એટલે અમે બન્ને અહી આવી ગયા હતા. ભાભીજી પણ અહી જ છે. વિજયલક્ષ્મી અને જ્યોતીભાભી તેમની સાથે જ છે.” સુબ્રતોએ કહ્યુ.   “બહુ દુઃખ થયુ મેડમના સમાચાર સાંભળીને સર.” ગણપત શ્રોફ બોલ્યા.   “સમજાતુ નથી ગણપત કે નસીબમાં શું શું જોવાનું હજુ બાકી છે? યુવાન પૂત્રનું મોત અને હજુ માંડ કાંઇક ખુશી ઘરમાં આવી જ હતી ત્યાં કાશ્મીરા સાથે આ ઘટના ઘટી ગઇ.”   “સર એક વાત કહું છું દુઃખ ન લગાડજો પણ મને જ્યાં સુધી તમારો અનુભવ છે ત્યાં સુધી તમે ક્યારેય નસીબના ભરોસે બેસી રહેનારા માણસ નથી તો અત્યારે કેમ આ વાતને નસીબ સાથે સરખાવી મનને સમજાવી રહ્યા છો?”   “હું કાંઇ સમજ્યો નહી ગણપત. તારો ઇશારો કઇ બાજુ છે?” ખન્ના સાહેબ બોલ્યા.   “સર મે આજ સુધી જોયુ છે કે તમે કોઇ પણ વાતને દિલથી દિમાગથી જ વિચારો છો. દરેક નિર્ણયમાં તમે માઇન્ડને દોડાવો જ છો અને દરેક વાતને આસાનીથી સમજી લેવાને બદલે એક પલ માટે તો શંકાના તરાજુમાં તોળીને જ તમે રહો છો. તો આ વખતે મેડમના અપહરણને તમે કેમ નસીબ પર છોડો છો?” ગણપતે વેધક રીતે કહી દીધુ ત્યાં ડોક્ટર શર્મા આવી ગયા.   “ખન્ના સાહેબ, બહુ વાત કરવાની નથી ઓ.કે? આજ સાંજ સુધી આરામ કરી લો પછી તમને ડિસ્ચાર્જ આપવાનો જ છું પણ ત્યાં સુધી બહુ વાતો નહી અને મગજને પણ શાંત રાખવાનો છે અને હા, નો ફોન કોલ્સ, ઓ.કે.? કહેતા ડોક્ટરે ઇ.સી.જી. ચેક કર્યુ અને ઇન્જેક્શન આપી ત્યાંથી નીકળી ગયા.

“સોરી સર, તમને આ હાલતમાં થોડા પેચીદા પ્રશ્નો પૂછી લીધા. હવે તમે આરામ કરો, ભાભીજી જાગે એટલે અહી મોકલીશું.” કહેતા ગણપત શ્રોફ અને સુબ્રતો બન્ને ત્યાંથી નીકળી ગયા પણ સુરેશ ખન્નાના મનમાં વિચારો ચકરાવા લેવાનુ શરૂ થઇ ગયા.

To be continued………