Nehdo - 41 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 41

કનાનું ધ્યાન સામે ખાખરાની ડાળ પર તણખલુ ચાંચમાં લઈ માળો ગુંથતી પીળા માથાવાળી સુગરી તરફ હતું. ભેસો પાણીમાં પડી પડી આંખો બંધ કરી વાગોળી રહી હતી. કોઈક ભેંસોની માથે કાબર તો કોઈકનાં માથે બગલા બેઠા હતા. મોકો મળતા તે ભેંસોને ચોટેલા ઈતડા અને લાણું વીણતાં હતા. એટલામાં એક ભેંસના પૂછડાની ઝાપટે ઉડીને કાબર કાંઠે આવેલા બાવળની ડાળે બેસી ગઈ. તરત બીજી કાબર પણ ઉડીને ત્યાં હાજર થઈ ગઈ. નર માદા કાબરની જોડી હંમેશા સાથે જ રહે છે. થોડી વાર રહી, ફરી પાછી બંને ઊડીને ભેંસના માથા પર બેસી ફરી જીવાત વીણવા લાગી. કોઈ કોઈ ભેંસ પાણીમાં પડખું ફેરવતા પાણીનો ખળખળાટ કરતો અવાજ આવતો હતો. જેનાથી શાંતિમાં ભંગ પડતા એક માથાભારે ભેંસે અશાંતિ ફેલાવનાર ભેંસને બોથું મારી આઘી હટાવી. રાધી ઘડીક કનાની તરફ તો ઘડીક મસ્તી કરતી આ ભેંસો તરફ તાકી રહી હતી. વીતેલા આ છ વર્ષોએ રાધીમાં પણ ઘણા ફેરફાર કરી નાખ્યા હતા. રાધીની ઊંચાઈ પણ ઠીક ઠીક થઇ ગઇ છે. તેના શરીરે રુદન ભરાતા તેનો વાન ભર્યો થઈ ગયો છે. રાધી પહેલા થોડી ભીનાં વાને લાગતી હતી. હવે તે પોતાના શરીર પ્રત્યે સભાન થઈ ગઈ હોવાથી, પોતાનાં શરીરનું ધ્યાન રાખવા લાગી છે, એટલે તે થોડી ઉજળી દેખાય છે. પહેલાની બિન્દાસ અને વાતુડી રાધી હવે થોડી ગંભીર લાગવા લાગી છે. પહેલા હવામાં ફરફરતી વાળની લટોને હવે તેલ નાખી સારી રીતે ઓળીને કબજે કરેલી રાખે છે. કમર સુધીનો ગુંથેલો ચોટલો ચુંદડીની આડશ લઇ સંતાયેલો છે. પહેલા જેમ તેમ ફરકતી આંખની પાપણો અત્યારે નમણી નાર જેવી રીતે કુવા કાંઠે કૂવામાંથી પાણી ખેંચતી હોય તેવી વાંકી અદામા વળેલી અને ક્રમમાં ગોઠવાયેલી છે. પહેલા રઘવાઈ થઈને જ્યાં-ત્યાં ફરતી તેની નજર હવે એક જગ્યાએ સ્થિર રહેવા લાગી છે. હવે નજર ફેરવે તો પણ ધીમે રહી ઘડીક નીચે જોઈ પછી બીજી જગ્યાએ નજરને સ્થિર કરે છે. તેની આ નમણી નજર પર વાદળ પર જેમ વીજળી ચમકારા મારે તેમ ભ્રમરો ચમકી રહી છે. પહેલા બરાડા પાડી બોલતી રાધીનાં અવાજમાં મૃદુતા આવી ગઈ છે. તેના પહેલાના પાતળા ખપાટિયા જેવા ખંભા હવે ગોળાઈ પકડી ઘાટીલા થઈ ગયા છે. રાધીનું ગળું પર્વત પરથી નાનકડા ધોધ સ્વરૂપે પડતું મૂકી વહેતાં ઝરણાં જેવું લાગી રહ્યું છે. કાયમ સૂકા અને તરડાયેલા રહેતા તેનાં હોઠમાં ફૂલોની પાંદડીઓની મુલાયમતા અને ભીનાશ આવી ગઈ છે. જેની ભીનાશ જાળવી રાખવા રાધીની જીભ એરૂંની માસીની જીભની જેમ લપકારો કરી ક્યારેક ક્યારેક તેના હોઠ પર ફરી જાય છે. ગાલમાં રુદન ભરાતા નાનકડા લાગતા ખંજન હવે સ્પષ્ટ દેખાવા લાગ્યા છે. જેને જોવા માટે રાધીને હસાવવી જરૂરી છે. રાધીનો હસતો ચહેરો વધારે નીખરે છે. હસતી વેળાએ રાધીની બત્રીસીના આગળના એકસરખા દાંતમાં બાજુમાં આવેલો એક ગમાણીયો દાંત સૌથી પહેલા હાજરી પુરાવે છે. પહેલા ગમે તે કલરના ચોલી, ચણીયો અને ચુંદડી પહેરતી રાધીને હવે પોતાને સારા લાગતા રંગોની ઓળખ આવી ગઈ છે. પહેલા જેમ તેમ હવામાં ચુંદડી ફરકાવતી રાધી,અત્યારે ચુંદડીનાં એક


છેડાને ફરતો વીંટાળી પછી કમરે ખોસી બીજો છેડો ખંભે થઈ છાતી અને પેટને ઢાંકતો આવતો કમરે ખોસેલો રાખેલો છે.વારે ઘડીએ ત્રાસી નજરે રાધી ચુંદડી આઘીપાછી ન થાય તેનું ધ્યાન રાખતી જાય છે.યુવાનીનાં ઉંબરે પગ મૂકી ચૂકેલી રાધીની ચોલી પર ભરતકામ કરીને મોરલા ગુંફેલા છે.જે અત્યારે અહાડ મહિનાનાં માંતેલા મોરલા બની ગેહકી રહ્યાં છે.
જેને ઢાંકવા મથતી ચુંદડીનાં મોઢેથી જ રાધીની યુવાનીનું ગાણું ગવાય જાય છે. રાધીની કમર કોઈ વીર યોદ્ધના ધનુષ્ય જેવી સોહામણી લાગી રહી છે. જેના થરકાટથી રાધીની ચાલ અને ઢેલની ચાલ એક જેવી લાગે છે. રાધીના પગ હરણીના પગ જેવા ઘાટીલા છે. તેના પગના પંજાની વચ્ચેનું ઊંડાણ રાધીનાં પગલાની છાપને દરિયાકાંઠે આડી પડેલી મત્સ્ય કન્યા જેવી ઉપસાવે છે.


પહેલા રાધી કનાની બાજુમાં જ બેસી જતી. તેનો હાથ પકડી તેને બધી જગ્યાએ ઘુમાવતી. હવે તેમાં પણ શરમ ભળી ગઈ છે. હવે રાધી કનાથી થોડી આઘે બેસે છે. વાતવાતમાં કનાને ધબ્બો મારી લેતી રાધીએ ધબ્બાની જગ્યાએ વાકબાણનો પ્રયોગ ચાલુ કરી દીધો છે. રાધીના સ્વરમાં પહેલા ત્રાડ હતી તેની જગ્યાએ હવે નરમાશ આવી ગઈ છે. તેના પરસેવામાં સ્ત્રીત્વની માદક ખુશ્બુ ભળી ગઈ છે. પહેલા તેના પિતાજી સામે જીદ કરતી રાધી, હવે પિતાની કહ્યાગરી બની ગઈ છે. આમેય નનાભાઈને જે ગણો તે એક રાધી જ છે. રાધીએ પુત્ર સમોવડી થઈને નનાભાઈનું બધું કામ ઊપાડી લીધું છે. રાધી માલ ચારવા તો નાનપણથી જ આવતી હતી. હવે તો તે માલને દોય પણ લે છે. માલને નિરણ કરવી. રાત્રે જાગી માલના વાડે ડાંગ લઈ આંટો મારવાનું કામ પણ રાધીનું. હવે તો તે મોટરસાઈકલ ચલાવતા પણ શીખી ગઈ છે. ડેરીએ મોટરસાયઈકલ પાછળ દૂધ ભરેલા કેન બાંધી રાધી નીકળે એટલે રસ્તો પણ જાણે તેનાં રૂપને નિહાળવાની રાહે સૂતો હોય અને રાધીને જોઈને આળસ મરડી જાગી જતો હોય તેવું લાગે છે. સવાર-સાંજ માને ઘરકામ કરવામાં પણ રાધી મદદ કરે. રાધીના હાથની રસોઈના વખાણ કરતાં નનાભાઈ થાકે નહીં. ગીર તો રાધીની નસોમાં વહી રહ્યું છે. ગીર વિષે રાધી રજે રજ જાણે. ગીરના ઝાડવા, પ્રાણી, પંખીડા, જીવડા, નદીયુ બધામાં રાધી ઓળઘોળ થઈ ગયેલી. રાધી સમજણી થઇ ત્યારથી તેના આતા, રામુઆતા તેને રોજ ગીરની વાતો સંભળાવ્યા કરે. રાધી ગીરની તાસીર જાણતી હતી.આમ ગણો તો "રાધી એ જ ગીર અને ગીર એ જ રાધી" હતા.


ચારણ કન્યાની માફક રાધી સાવજની પાછળ ડાંગ લઈને તો પડી નહીં હોય. પરંતુ ઘણી વખત સાવજની સામે ડાંગ લઈને ઊભી તો રહી ગયેલી. બીમાર પશુની સારવારની બાબતમાં તે પશુ ડોક્ટર જેટલું જાણે. હવે તો રાધી ગાભણી ભેંસનું પેટ જોઈને કહી દેતી કે આ ભેંસ પાડો જણશે છે કે પાડી! ગીરના જંગલમાં કઈ બોરડીના બોર ખૂબ મીઠા છે. કઈ કરમદીના કરમદા મીઠા છે. કઈ રાયણની રાયણુ મધમીઠી છે. કઈ આંબલીના પાકા કાતરા ગળચટ્ટા છે. એ બધી જ જગ્યાની રાધીને ખબર હોય. મધપૂડો જોઈને તે કહી દે કે આ મધપૂડો પાકેલો છે! પાકેલો મધપૂડો એટલે મધથી ભરેલો મધપૂડો. આવા પાકેલા મધપૂડામાંથી મધમાખીઓને નુકસાન પહોંચાડ્યા વગર બીજી જગ્યાએ ફેરવી તે બધાને મધુરસ ચખાડતી. એવામાં ક્યારેક જો એકાદી મધમાખી ડંખ મારી જાય તો તેનો ઈલાજ પણ તે જાણતી. મધમાખીએ મારેલા ડંખની જગ્યાએ મધમાખીએ મારેલા કાંટાને તે લોહીમાં ઓગળે તે પહેલાં કાઢી લેતી. અને તેના પર ભીની માટી લગાડી દેતી. બસ થોડા જ સમયમાં ડંખની બળતરા બંધ થઈ જતી અને સોજો પણ આવતો નહિ. સર્પદંશ વખતનો પ્રયોગ તો હજુ ક્યારે કર્યો નથી. પરંતુ એના આતાએ જો કોઈને સર્પદંશ થાય તો તેને બચાવવા દંશની જગ્યાએ લોહી કેમ સૂચવું તે પણ શીખવેલું છે.


આમ રાધી એટલે ગીરમાં ખળખળ વહેતું ઝરણું, ઝાડ પર વીંટળાયેલી નમણી નાજુક વેલ, સ્ફૂર્તિલી હરણી, ગરમાળાના ફૂલની જુમખડી, હિરણ નદીની ચમકીલી માછલી, ફૂલે ફૂલે ઉડતી રંગીન પાંખો વાળી ફૂદડી, આકડાના પાકા પોપટામાંથી છૂટી પડેલી પુંભડી, હવાની લહેરખીએ ફર..ફર ફરતી ફરકડી, હિરણ નદીના પાણીએ કાંઠાના ડેબા ઘસીને બનાવેલી કોઈ કોતરી, તમરાનું સંગીત, ભમરાનું ગીત, પહેલા વરસાદની ભીની માટીની સોડમ, નદીના વહેણમાં તણાતી આવેલી ઝીણી ઝીણી રેત, ચંદ્રની ચકોરીનુ હેત, નવજાત વાછરુના ડીલ પર ફરતી ગાવલડીની જીપ, ફૂલની પાંદડીએ સંતાઈને બેઠેલ ઝાંકળ બિંદુની ભીનાશ, નાગણનો ફૂફાડો, સિંહણનો ડણકારો, પવનનો સુસવાટો, કાળી અંધારી રાતની ઘેરાશ, અહાડી વીજળીનો લબકારો, મધરાતે નેહડે પડેલા હાવજને ભગાડવા ઉઠેલા હાકોટાનો પડકારો, દિપડે ગળેથી જાલેલા હરણાના દિલનો થડકારો, કાળા ડિબાંગ વાદળોને ઉભા ચીરી નાખતો હરૂડાટ, તેતર ભટાવરા પર આકાશેથી પડતો સકરોબાજ, ધીમી મદમાતી હાલે હાલતો જંગલનો રાજાધિરાજ સાવજનાં જેવી રાધીને કારણે ગીરનું જંગલ પણ શોભી રહ્યું છે.


ક્રમશઃ...


(બાળ ગોવાળિયામાંથી પુખ્ત બનેલા કના અને રાધીને મળવાં આવો નેહડે! વાંચતા રહો "નેહડો (The heart of Gir)"


લેખક: અશોકસિંહ એ. ટાંક


wts up no. 9428810621