Talent books and stories free download online pdf in Gujarati

ટેલેન્ટ

(બાળ મિત્રો તમારા માટે એક અતરંગી ટેલેન્ટ વાળા કીશોર ની વાત લઈને આવ્યો છુ.વાંચીને કહો તો કેવી લાગી)
આપણી આ પૃથ્વી પર એક થી એક ચઢિયાતી ટેલેંટેડ વ્યક્તિઓ પડી છે. જેવી કે. કોઈ નાકથી હવા ભરીને ફુગ્ગા ફૂલાવે. તમે ટ્રાઈ કરી જુવો તમારાથી થાય છે? કોઈ તો આંખના ગોખલા માથી ડોળા આખા બાર કાઢે. યૂટ્યુબ ઉપર વિડિયો છે જો જો. કોઈક તો એક સાથે પાંચ પાંચ સિગરેટ મોંમાં મુકે અને ધુમાડા કાનમાંથી કાઢે.
મારો એક મિત્ર. નામે પરમ. એણે તો એક નવી જ ટેલેન્ટ વિકસાવી. હિંદી ગીતોને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને ગાવાની. જેમકે.
"રામપુર કા બાસી હુ મે લક્ષ્મન મેરા નામ." તો ઈ આમ ગાય.
"રામપુર નો રેવાસી સુ હુ લખમણ મારું નામ."
"તેરા મુજસે હે પેહલે કા નાતા કોઈ." એનુ આમ પોસ્ટ મોર્ટમ કરે.
"તારો મારાથી છે પેલાનો રિસ્તો કોઈ."
જયારે અને જ્યાં મળે ત્યાં મારો બેટો શરૂ થઈ જાય. મારા જેવા ચાર પાંચ મિત્રોને ભેગા કરીને એ એના ટેલેન્ટનો એવો મારો ચલાવે કે ના પૂછો વાત. નવુ નવુ હતુ તો પેહલા પેહલા અમનેય મજા આવતી. પણ પછી એ જ મજા માથાનો દુઃખાવો બનવા લાગી. આતો રોજનું થયું. પણ કરવુ શુ?અમે બધા દોસ્તારો મા સહુ થી ખમતીધર ગણો તો એ એક પરમ જ હતો. અમને એ કયારેક ફફડાજલેબી ખવરાવતો. કયારેક ભજીયા ખવરાવતો. કયારેક ચા પિવરાવતો. એટલે એનો એ ભરપુર લાભ લેતો. પોતાના ગુજરાતીમાં અનુવાદ કરેલા હિંદી ગીતો અમને સંભળાવીને સાટુ વાળી લેતો. રીતસર ત્રાસ ગુજારતો અમારી ઉપર.
"મેહકુ મહેકુ રુપ સે તારુ
ને બેહકી બેહકી ચાલ
એય ફૂલોની ડાળ
આ રાહી પુછે
એક સવાલ
તમારું નામ શુ છે
તમારું નામ શુ છે."....

"કોરો કાગળ હતો
આ મન મારું
લખી દીધુ
નામ એમા તારુ."
અમે લોકો એવા તો એનાથી ત્રાસી ગયા કે ના પૂછો વાત. પણ એને કેવાયેય નઈ કે હવે તુ બંધ થા. કારણ કે એમ કેવા થી અમારો ચા નાસ્તોય બંધ થઈ જાય. પણ એના જુલમ થી છુટવા કંઈક તો કરવુ પડે એમ હતુ. ને મે એ કર્યુ.
એકદી સવાર સવારમાં હુ હાથમા લાકડી લઈને એના ઘરે ગયો. તો ઈંદુમાસી ઓસરીમાં બેસીને ચોખામાંથી કાંકરા વીણતાતા. હુ માસીને ડાયા છોકરાની જેમ રામ રામ કહીને પગે લાગ્યો. તો માસીએ નવાઈ પામતા પુછ્યુ.
"કેમ ભઈ.? આજ બેસતુ વરસ છે?"
મે કીધુ.
"ના માસી ના. મને થયુ આય થી નીકળ્યો તો માસીના આશિષ લય લવ."
"ઠીક ઠીક. જીવતો રે. કેમ સવાર સવારમાં લાકડી લઈને.?"
"મને કોકે કીધુ કે તમારી શેરીમાં કૂતરું હડકાયું થયુ છે એટલે મને થયું લાકડી હાથમા હોય તો સારી. પરમ શુ કરે છે.?" હુ જે કામે આવ્યોતો ઈ તરફ હુ આગળ વધ્યો.
"એ પટયા પાડતો હશે. ખમ બરકુ એને." માસીએ પરમને સાદ પાડ્યો.
"પરમ એલા પરમ તારો ભાઈબંધ આવ્યો છે."
"એ આવુ" અંદર થી વાળ ઓળતા ઓળતા પરમે જવાબ દીધો. હવે મે ધીરેથી મારા દાણા નાખ્યા.
"માસી.તમને ખબર છે.પરમ હમણા કંઈક નવુ શીખ્યો છે ઈ."
"ના.મને તો કંઈ ખબર નથી. શુ શિખ્યો?
માસીએ નવાઈ પામતા પુછ્યુ. તો મે ઠાવકાઈથી કહ્યુ.
"હિંદી સિનેમાના ગીતો ને ગુજરાતીમાં એવો ગાય છે ને. અમને તો આખો દી જલસો કરાવે છે. તમને ક્યારેય નથી સંભળાવ્યું?
"નારે ભાઈ. મને તો ખબરેય નથી." ત્યા પરમ બારો આવ્યો. તો માસીએ એને પૂછ્યું
"એલા પરમા. આ તારો ભાઈબંધ કે ઈ હાચુ?"
"શુ કીધુ એલા તે." પરમે મને પુછ્યુ પણ હુ જવાબ દવ એની પેલા માસી જ બોલ્યા.
"તુ કંઈ નવુ શિખ્યો છો.?"
"નારે બા કાઈ નય "
"આ તારો દોસ્તાર કે સે કે તુ હિંદી ગીત ગુજરાતીમા ગાસો "
"ઈ તો એમજ ટાઇમપાસ બા."
"આખા ગામને હંભળાવે છો મને કંઈક હંભળાવ."માસીએ ફરમાઈશ કરી તો પરમ શરમાઈને માથુ ખંજવાળતા બોલ્યો
"શુ સંભળાવું.?" અને મે લાગ જોઈને સોગઠી મારી.
"પરમ ઓલુ ગીત માસીને સંભળાવ માસીને ગમશે." પરમે પ્રશ્નાર્થ ભરી નજર મારા ઉપર નાખી તો મે એને ગીત આપ્યુ.
"દીવાના મુજસા નહી
ઈસ અંબર કે નીચે."
અને પરમે એનો અનુવાદ કર્યો ભાઈ.
"ગાંડીનો મારા જેવો નથ.
આ આભલા ની હેઠે."
અને ગીત સાંભળીને તો માસીને જાણે ધનુર ઉપડ્યું.
"હુ. હુ બોલ્યો ગાંડીનો તારા જેવો નથ. એટલે હુ ગાંડી કા? તારી તે જાત્યના."
કયને માસી મંડ્યા ખાહડુ ગોતવા. અને મને તો ખાતરી હતી કે આવુ જ કંઈક થાશે એટલે તો હુ ચાયને હાથમા લાકડી લઈને ગ્યોતો. મે તરત માસીને લાકડી અંબાવી. ને માસીએ લાકડીએ લાકડીએ જે ફટકાર્યો છે પરમને.
મને એમકે હાશ.હવે શાંતિ પણ એતો મારી ભ્રમણા હતી. માસીના મારથી એને કંઈ ફરક નો પડ્યો. એની તો એજ રામાયણ ચાલુ જ રહી.
"રુપ તારુ મસ્તાનું
પ્યાર મારો ગાંડી નો
ભુલ કોઇ મારાથી
નો થય જાય."
પેહલો આઈડિયા અમારો ફ્લોપ થયો. હવે અમે બધા મિત્રો કોઈ નવી તરકીબ શોધવા લાગ્યા.
માસીએ પરમને ફટકાર્યો એ વાતને અઠવાડિયું થયુ હશે. પરમે અમને માર્કેટમાં ફાફડા અને જલેબી વાળા કાળુભાઈ ની લારીએ ભેગા કર્યા તા. અમને ફાફડા જલેબી ખવરાવીને એ અમારી ઉપર એના ટેલેન્ટનુ બુલડોઝર ફેરવી રયો તો.
"રંગ રંગ ના ફુલ ખીલ્યા
મને ગમે કોઈ રંગ નય
હવે આવીને મળો સાજાના.
કાળુભાઈએ ચાનો ગ્લાસ જ્યા પરમના હાથમા મુક્યો કે તરત પરમે ઉપાડ્યું.
પીવા વાળાને
પીવાનુ
બહાનુ જોઈએ
અમે બધા મિત્રો કાળુભાઇ ના બાકડે બેઠાતા ને પરમ ઉભો ઉભો ગીત ગાતો તો. એવામાં મારી નજર માસી ઉપર પડી. હાથમા થેલી લઈને માસી બકાલું લેવા બજારમાં આવ્યા હશે. પરમની પીઠ માસી તરફ હતી એટલે પરમને તો ખબર જ નય કે બા મારી પાછળથી આવી રય છે. અને માસીનુય ઘ્યાન અમારા તરફ નોતુ. ને મે આ તક ઝડપી લીધી. મે પરમને ફરમાઈશ કરી.
"એલા. શુ ગા છો તુ વાહ વાહ.ઓલુ શાગિર્દનુ 'દુનિયા પાગલ હે' ગાને." અને ફૂલાયેલા પરમે લલકાર્યું હો.
"દુનિયા ગાંડી સે
કે પસી હુ ગાંડીનો.
અને રફી સાહેબ નુ આ ગીત ઍવુ છે કે એને ઘાંટો પાડી ને જ ગાવુ પડે. પરમે જયારે પેલી કડી મા ઘાંટો પાડ્યો.
દુનિયા ગાંડી સે.
ત્યારે જ માસીનું ઘ્યાન એની તરફ ખેચાણુતુ. ઈ બરાબર પરમની વાહે પુગ્યાતા ને પરમે બીજી કડી પુરી કરી.
કે પસી હુ ગાંડીનો.
ને માસીએ એવી એને કમર ઉપર લાત ફટકારી કે ઈ ઉંધે માથે જમીન પર પછડાયો. અને પછી પાટે પાટે માસીએ એને ધીબેડ્યો.
"હુ. હુ. હુ ગાંડી સુ એમ."
અમે તો ક્યારના ન્યાથી રફુચક્કર થઈ ગ્યા તા.
આ બનાવ પછી તો ખરેખર થોડાક દી શાંતિ રય. પણ થોડાક જ દિવસ. પાછુ રાબેતા મુજબ. અમને લોકોને ગોતી ગોતીને ભેળા કરે ને ટ્રાન્સલેટ ના એવા હથોડા મારે એવા હથોડા મારે કે માથુ પાકી જાય.
રામચંદ્ર કય ગયા સીતાને
એવો કળજુગ આવશે
હંસ ચણશે દાણા દુણા
ને કાગડા મોતી ખાવાના.
અમે ફરી એકવાર હતા ત્યા ને ત્યાજ.
૨૬મી જાન્યુઆરી ના. પ્રજાસત્તાક દિનના ગ્રામપંચાયત મા સરપંચ સાહેબે કાર્યક્રમ રાખ્યો હતો. એમા મામલતદાર. તલાટી. ગ્રામસેવક ઉપસ્થિત હતા. ગામના બીજા આગેવાનો પણ ત્યા હાજર હતા.અમેય બધા મિત્રો ત્યા આવ્યા હતા. જન ગણ પત્યુ. પછી મામલતદારે ટુંકુ ભાષણ આપ્યુ. આ દરમિયાન પરમે પોતાનુ ટેલેન્ટ બતાવવા સરપંચ સાહેબને રાજી કરી લીધા. સરપંચે પણ. બધાને આ બાને થોડુક મનોરંજન મળશે એ હેતુ થી એને ત્રણ ગીતો ગાવાની પરમિશન આપી. સ્ટેજ પર જઈને પરમે પેલુ ગીત ગાયુ.
મારા દેશની જમીન
સોનુ કાઢે ને કાઢે
હીરા ને મોતી
મારા દેશની જમીન.
બીજુ ગીત ગાયુ.
છે પ્રીત જ્યાની રીત સદા
હૂ ગીત ત્યાના ગાવુ છુ
ભારત નો રહેવા વાળો છુ
ભારત ની વાત સંભળાવું છુ
મે એક ગીતની પંક્તિ લખી ને સરપંચના હાથમા આપીને કહ્યું.
"પરમને હવે આ ગીત ગાવાનુ કયો."
અને સરપંચે પરમના હાથમા કાપલી મુકી ને એ ગીત ગાવા કીધુ. પરમે કાપલીમા ગીત વાંચ્યુ. શબ્દો હતા.
દીવાના મુજકો લોગ કહે.
શબ્દો વાંચીને પેહલા તો એ હિચકિચાણો પણ પછી એણે શ્રોતાઓ મા નજર ફેરવીને ખાતરી કરી લીધી કે બા આવી તો નથી ને. એને ખાત્રી થઈ કે ના. બા આવીજ નથી. પછી જ એણે આ વખતે એક્ટિંગ ની સાથે ગીત ગાયુ.
"ગાંડીનો મને લોકો કહે
પણ હૂ સમજુ
આ દુનિયા છે ગાંડીની
અને "આ દુનિયા છે ગાંડીની" કય ને જે રીતે એણે ન્યા બેઠેલા તમામ અગ્રેસરો સામે હાથ ફેરવ્યો. અને બસ થય રયુ. સરપંચ. તલાટી. મામલતદાર.ગ્રામસેવક બધા જ એક સાથે સ્ટેજ પર ચડી ગયા.
"તારી તો. તુ અમને ગાંડીના કે સો."
અને બધાએ થઈ ને એવો પરમને ઠમઠોર્યો કે વાત ના પૂછો.
અને આજ ની ઘડી ને કાલનો દિ.પરમ ગુજરાતી મા ગીત ગાવાનુ જ ભુલી ગ્યો. આપણે સામેથી કયીને કે
"પરમ કંઈક સંભળાવને." તો જોર થી માથુ ધુણાવીને ના પાડી દે. હવે અમને લાગે છે કે ખરેખર.
અમારા દુઃખના દાડા પુરા થયા.