Masiha Dharaditay - 4 books and stories free download online pdf in Gujarati

મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 4

પોતાના અંગત કક્ષમાં આજુ બાજુ હવાની સાથે હિલોરા લેતા મહારાજાધીરાજ ને જોઈને ત્યાં ઊભેલા ગુરૂ ત્રીદર્શી અને પુરોહિત બંને વિચલિત હતા.કેમ કરીને મહારાજધિરાજને શાંત કરી શકાય એની યુક્તિઓ તેમના મનમાં દોડવા લાગી હતી.જેટલા યોદ્ધા તરીકે તે પ્રખ્યાત હતા એટલા જ એક સંગીત અને કલાના સાચા કલાકાર તરીકે પણ એટલા જ પ્રખ્યાત હતા.તેમની વીણા પણ શાંત પડી એક ખૂણામાં ધૂળ ખાઈ રહી હતી.આજે સભામાં થયેલી વાતોથી તેમનું મન વિચલિત હતું.

"મહારાજા....આ રીતે કોઈ વાત નો હલ નહિ આવે..." ગુરૂ ત્રિદર્શીએ રાજાને શાંત પાડવાનો પ્રયાસ કરતા કહ્યું.
"સમગ્ર નગર તમારા શાસનની પ્રશંસા કરી રહ્યું છે.એક બે માણસો ના કહેવાથી આ રીતે વિચલિત ના થઈ શકાય..."ગુરૂ ત્રિદર્શીએ પોતાની વાત પૂરી કરતા કહ્યું.આજે રાત્રે જ્યારે કોઈપણ પ્રકારનો વિરામ લીધા વિના બીજા યુદ્ધના લક્ષ્યને પ્રાપ્ત કરવા નીકળવાનું હતું ત્યારે આ બધા પ્રશ્નોથી રાજાની મનમાં કંઇક અલગ જ વ્યથા ઉઠી હતી.

"મહારાજા તમે મહારાજધિરાજા છો...તમારા જેવા યોદ્ધાને આટલી નાની વાત પર હતાશ નહિ થવાય ....તમે સર્વે લોકોને ખુશી આપનાર પરમભટ્ટાક છો. તમારા અંગે અંગમાં એક રાજસ્વી રક્ત જવાળાની જેમ વહે છે....તમે એક મહાન વીર છો જેણે આ ભારતવર્ષના અડધાથી વધારે ભાગ પર પોતાની આગવી ઓળખ બનાવી છે ....તમે એક યોદ્ધા છો જેનાથી સર્વે નગરના રાજાઓની રૂહ પણ કંપી ઉઠે છે....આવા અમારા મહાન રાજાને અમે શત શત નમન કરીએ છીએ....તમારા થકી અમારા જીવનની રેખા ટકી રહી છે ...હે મહારાજાધીરાજ આજે ફરી પોતાની શક્તિનો પરિચય આપીને એ સર્વે લોકોને બતાવી દો કે તમે કેટલા મહાન છો...."પુરોહિતે મહારાજા ધીરાજની નાડ પારખતા બને એટલો રાજાના ઉત્સાહમાં વધારો કર્યો હતો.આ સાથે જ મહારાજધિરાજાએ પોતાની ગાદી પર પોતાનું સ્થાન લઈ લીધું હતું.તે હવે શાંત દેખાઈ રહ્યા હતા.

"દરેક યુદ્ધો પછી તમે કરેલા યજ્ઞ તમારા અજાણતા કરેલા પાપની સીમાને તોડીને તમારી પ્રજા માટે એક અનહદ લાગણીના સંબંધો બનાવે છે. યજ્ઞ થકી જે પ્રજાને દાન મળે તેનાથી પ્રજા હંમેશા ખુશ રહે છે મહારાજા.....તમે એક મહાન વીર છો જે હંમેશા પોતાની પ્રજા માટે થઈને આગળ રહે છે."

"પુરોહિતની વાત એકદમ સાચી છે મહારાજ...." ગુરૂ ત્રિદર્શીએ પુરોહિતની વાતમાં હામી ભરતા કહ્યું."એક રાજા પોતાની પ્રજા માટે બધું જ કરી શકે એ શક્ય નથી પણ હે મહારાજા તમે બીજા રાજાઓ કરતા ઘણું સારું કરી રહ્યા છો..."તેમણે પોતાની વાત પૂરી કરતા કહ્યું.થોડીવાર માટે કક્ષમાં એકદમ શાંતિ પ્રસરી ગઈ.ગુરૂ ત્રિદર્શી અને પુરોહિત રાજા સામે આંખો માંડીને જોઈ રહ્યા.રાજાએ ગુરૂ ત્રીદર્શીને પાસે બોલાવીને કાનમાં કંઇક કહ્યું,આ સાથે જ ગુરૂ ત્રિદર્શી પુરોહિતની સામે આવીને ઊભા રહી રહી ગયા અને બોલ્યા,

"પુરોહિત....તમારી કાબેલિયત અને તમારી મહારાજા પ્રત્યેની આ ભાવના જોઈને મહારાજાધિરાજ આગલા સપ્તાહમાં પાટલીપુત્રમાં એક ભવ્ય યજ્ઞ કરવા માગે છે જેના માટે થઈને તમને એક પુરોહિત તરીકે યજ્ઞમાં અગ્રેસરનું સ્થાન આપવામાં આવે છે આ સાથે તમને મઘ્યભારતમાં રાજાએ જીતેલા અંગપ્રદેશોની મધ્ય રહેલી ભૂમિ અનુદાનમાં આપવામાં આવે છે....તમે હંમેશા આ રીતે જ આ નગર અને મહારાજાધિરાજ ની પ્રત્યે આ જ લાગણી રાખો એવી હદયથી ભાવના....!!!" ગુરૂ ત્રિદર્શી પુરોહિતની આંખોમાં એક અનહદ આનંદ ના ભાવ સાથે જોઈને કહ્યું.પુરોહિતની આંખો ખુશીથી પહોળી થઈ ગઈ હતી.એક અનોખું હાસ્ય પુરોહિતના તન મનમાં ગુંજી રહ્યું હતું.રાજા માટે બતાવેલ પ્રેમ અને લાગણીની સાચી કિંમત મળી એનો આનંદ એના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

**********
એ ધીરે ધીરે આગળ વધીને બીજા સૈનિકના બાજુમાં આવીને ઊભો થઈ ગયો.લાઈનમાં એક પછી એક આગળ વધતા બધા લોકો સામે એ તિરસ્કાર ભર્યા ભાવ સાથે જોઈને મોઢું બગાડી રહ્યો હતો.કાલે એના સાથે જે થયું એના પછી એ બધા વચ્ચે મજાકનું કારણ બની ગયો હતો એટલે જ તેણે આજે કોઈપણ હિસાબે જે બે માણસોના લીધે તેની ઈજ્જત ગઈ હતી એ બંનેને પકડીને ઈજ્જત પાછી મેળવવાનો નિર્ણય કરી લીધો હતો.તેના હાથ પર જામી ગયેલ રક્ત ગુસ્સો અને વેદના બંને બતાવી રહ્યા હતા.

"દાદા....અહીથી આપણે બીજા કોઈ દ્વાર પર જવું પડશે.હવે આ દ્ધાર આપણા માટે સુરક્ષિત નથી...."સ્ત્યેનએ ભિનોરદાદા સામે જોઈને કહ્યું.ભિનોરદાદાએ તેની સામે જોયું.સત્યેન પેલા સૈનિક સામે જોઈ રહ્યો હતો અને થોડો હેબતાઈ ગયો હતો.દાદાએ તેમની પાછળ ભરાવેલા ચામડા થી બનેલ ચાબુકમાંથી પાણી નિકાળીને સત્યેન સામે ધર્યું.
"પણ દાદા..." સ્ત્યેનએ કંઈ કહેવા જાય એ પહેલા જ ભીનોર દાદાએ તેની વાત કાપતા કહ્યું.
"સત્યેન...હવે પાછા ફરી શકાય એવો આ ઉચિત સમય નથી. આપણે બધાની નજરમાં આવી ગયા છીએ .હવે અહીથી નીકળવું ભારે પડી શકે છે.જેમ બને એમ શાંતિથી પરિસ્થિતિનો સામનો કરવાનો છે.મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણે આ કરી શકીશું .ભગવાન વિષ્ણુ આપણી સહાય કરે....." આટલું કહીને ભીનોર દાદા બને એટલી જલ્દી આગળથી દૂર થતાં લોકોની સામે જોઈને મનમાં જ ભગવાન વિષ્ણુના જાપ કરતા રહ્યા.સત્યેન હવે વધારે સમય જતાં અકળાઈ ગયો હતો.
"ચલો.... ચલો....આગળ આવી જાવો...."પેલા સૈનિકે ભિનોર દાદા સામે જોઈને કહ્યું.દાદા બને એટલી નરમાઇ સાથે આગળ વધીને તેના પાસે ગયા. તેણે દાદાની સામે જોઇને નજર તેમના સામાન પર નાખી અને એ સાથે જ બીજો સૈનિક તેમની ચકાસણી કરવા લાગ્યો.
"જાવ...."બધી વસ્તુ ઠીક ઠાક લાગતા એણે ભીનોરદાદાને જવા માટે કહ્યું.આ સાથે જ ભીનોર દાદાને શાંતિ થઈ હતી.સત્યેન અને મિત્રા સામે જોઇને એ સીમા પાર કરીને નીકળી ગયા હતા.હવે મિત્રાની વારી હતી.મિત્રા આગળ વધીને તે સૈનિકની સામે ઉભી રહી ગઈ.થોડીવાર માટે એ એના સામે જોઈ રહ્યો.બીજો સૈનિક તેના સામાનની ચકાસણી કરી રહ્યો હતો.ત્યાં ઊભેલા બીજા સૈનિકો મિત્રાની સામે તાકી તાકીને જોઈ રહ્યા હતા. મિત્રા અંદરથી ગુસ્સામાં લાલ થઇ ગઇ હતી જો આજે આ પરિસ્થિતિ ના હોત તો તે ક્યારનીયે તેમને સબક શીખવાડી આવી હોત !
"જાવ...." સૈનિકે મિત્રાને જવા માટે ઈશારો કરતા કહ્યું. મિત્રાએ પોતાનો સામાન લીધો અને સીધી સીમા પાર કરીને ભીનોર દાદા પાસે ઊભી રહી ગઈ.સત્યેન બંનેને જોઈ રહ્યો હતો અને હવે અંતમાં એનો વારો હતો.
"આગળ ..." પેલા સૈનિકે સત્યેન સામે ઈશારો કરતા કહ્યું.સત્યેન તેની સામે જોઈ રહ્યો.પોતાનો વેશ બદલવા છતાં પણ સત્યેન સામે ઊભેલા સૈનિક સામે જોઈને હેબતાઈ ગયો. ભીનોરદાદાએ સત્યેનને સાફ શબ્દોમાં કીધું હતું કે તે ખુદને હવે સત્યેન તરીકે ના જોવે અને જો એ રીતે જોશે તો એના માટે એ મુશ્કેલી બની શકે !
"મહોદય તમને લેવા માટે થઈને મારે મહારાજધિરાજ ને બોલાવવા પડશે કે શું ? ચાલ..." તેણે સત્યેન સામે મોઢું બગાડતા કહ્યું.સત્યેન આવક બનીને પોતાના વિચારોમાં ખોવાયેલો હતો. ભીનોરદાદા અને મિત્રા જલ્દી આગળ આવીને સૈનિકને શક ના થાય એમ તેની સામે ઈશારો કરી રહ્યા હતા કે તે જલદી થી આગળ વધી જાય !
"એ.....ભાઈ ચાલ ને....અમારા બાળ બચ્ચાં રાહ જોવે છે...." પાછળ ઊભેલા સફેદ લાંબી દાઢીથી સજજ ઉંમરલાયક માણસે સ્ત્યેનને ધક્કો મારતાં કહ્યું.તેના ધક્કાથી સત્યેન તરત પાછો પોતાના વિચારોમાંથી હકીકતમાં આવી ગયો હતો. પાછળ લાંબી લાઈનમાં લોકો ઊભા રહીને તેની આગળ નીકળવાની રાહ જોઈ રહ્યા હતા.સામે પેલો સૈનિક તેને ઘુરી ઘુરીને જોઈ રહયો હતો. સત્યેનએ પોતાની આંખો બંધ કરીને એકવાર માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી લીધી અને બને એટલી જલ્દી પોતાની આજુબાજુના દરેક વ્યક્તિઓથી લઈને થતી હલચલ,પોતાના કાને પડતા દરેક અવાજો,નગરની અંદર ફરતા દરેક સૈનિકોના પગના અવાજો,રાજાના જયજયકાર થી ગુંજતા નારા, ભીનોરદાદા અને મિત્રાનાં હદયના ધબકારા એકવખતમાં જ સાંભળી લીધા એની સાથે અચાનક જ પોતાની બંને આંખો ખોલીને તે એક અલગ જ પ્રકારની ઊર્જા સાથે પેલા સૈનિક સામે આગળ વધ્યો.ભીનોરદાદાના કહેવા પ્રમાણે સત્યેન થોડું લંગડાઈ ને ચાલી રહ્યો હતો જેથી કરીને કોઈને શક ના જાય !
"સામાન...?" બીજા સૈનિકે તેના પાસેથી સામાન માગતા કહ્યું.સત્યેનએ પોતાના ખભેથી પોટલો ઉતારીને તેના સામે ધરી દીધો.પેલો સૈનિક હજુપણ પોતાના ઘા સામે જોઇને મોઢું બગાડી રહ્યો હતો.કેમ કરીને એ પોતાનો બદલો લેવા માટે આતુર હતો.બીજો સૈનિક બને એટલી જલ્દી સત્યેનના સામાનની ચકાસણી કરી લીધી હતી અને સત્યેન સામે ઊભેલા સૈનિકને કંઇક જાણ કરી હતી. ભીનોરદાદા અને મિત્રા ઊભા ઊભા ભગવાન વિષ્ણુના જાપ મનમાં કરી રહ્યા હતા.
"કેમ ઘરે કંઈ લઈ જવાનો ઈરાદો નથી કે શું ?" સૈનિકે સત્યેન સામે જોતા કહ્યું.
સત્યેન કંઈ સમજ્યો ના હોય એમ તેના સામે જોઈ રહ્યો.પેલા સૈનિકે સત્યેનના પોટલામાથી ખાલી બે ત્રણ સ્ત્રીઓની ગળે પહેરવાની માળા નીકાળતા ફરી તેના સામે કહ્યું.
"તારા પોટલામાં તો કંઈ છે જ નહી...મને લાગે છે કે તારા આભૂષણો બહુ જ લોકો ખરીદે છે.....કે પછી...."અચાનક જ તેણે સત્યેનને પ્રશ્ન કરતા કહ્યું. ભીનોરદાદાએ સત્યેનના પોટલાં ને બને એટલો ખાલી રાખ્યો હતો જે અત્યારે તેમના માટે કદાચ મુશ્કેલી બની શકતો હતો.
"ના...ના...મહોદય એવું કંઈ નથી ..." સત્યેનને નમ્રતાથી તેના સામે જોતા કહ્યું.
"તારા પાસે તો દીનાર બહુ હશે...." એમ કહીને આજુબાજુ ઊભેલા બધા સૈનિકો સત્યેન પર હસવા લાગ્યા.સત્યેન પર હવે ધીરે ધીરે ગુસ્સો સવાર થવા લાગ્યો હતો.કેમ કરીને પોતાને શાંત રાખી શકાય એ હેતુથી એ બને એટલું હાસ્ય પર ધ્યાન નહોતો આપી રહયો.
"મહોદય...આ સીમાની અંદર પ્રવેશતા પહેલા જ મારા આભૂષણોની ચોરી થઈ ગઈ હતી અને જે આભુષણો મારી પાસે હયાત હતા એટલા બધાએ ખરીદી લીધા અને બીજો ખર્ચ હતો એ અહી રહેવામાં અને જમવામાં થઈ ગયો.આ વર્ષે મને લાભ કરતા ગેરલાભ વધારે થયો છે...." સત્યેનએ પોતાની વાત બનાવીને દુઃખ વ્યકત કરતા કહ્યું.
"ઓહ...પાટલીપુત્રમાં આજકાલ તસ્કરોનો બહુ જોર વધી ગયું છે,મારા સાથે પણ આવા બે નફ્ફટ તસ્કરોનો સામનો થયો હતો.મારા આ ઘા તેની તાજી નિશાની છે....આજે તો હું એમને શોધીને રહીશ અને એવો સબક શીખવાડીશ કે કદીપણ પાટલીપુત્ર સામે જોશે પણ નહિ...."તેની આંખોમાં જ્વાળાની જેમ ગુસ્સો દેખાઈ રહ્યો હતો.સત્યેન આ સાંભળતાં જ તરત આજુબાજુ જોવા લાગ્યો હતો.હવે ધીરે ધીરે બીજો સૈનિક સત્યેનની ચકાસણી કરવા લાગ્યો હતો.
"તારા આભૂષણ તો બહુ સારા છે...."આટલું કહીને પેલા સૈનિકે પોતાના ખિસ્સામાં આભુષણો મૂકીને સત્યેન સામે જોયું. સત્યેન નીચે જોઈને કંઈપણ વ્યકત નહોતો કરી રહયો એ જોઈને સૈનિક ખુશ હતો.ત્યાં પાછળથી સત્યેનના પીઠ પાછળ કંઇક ખુંચવાનો અહેસાસ થયો એ જોઈને સામે ઊભેલો સૈનિક તરત સચેત થઇ ગયો.પાછળ ઊભેલો પેલો વૃદ્ધ વ્યક્તિ જલ્દીથી આગળ આવીને સત્યેનની પાછળ ઊભો રહી ગયો હતો.
"અરે...કાકા....હજુ વાર છે તમારે...."પેલા બાજુમાં ઉભેલા સૈનિકે તેમને પાછળ ખસેડતા કહ્યું.
"બેટા....હવે આ બુઢાને આ લાઈનમાં ઊભા રહીને થાક લાગ્યો છે...જલ્દીથી મને જવા દો...." તેણે પોતાની લાચારી બતાવતા કહ્યું.
"બસ....હવે તમારો જ સમય છે....કાકા..." સામે ઊભેલા સૈનિકે તેમની સામે જોતા કહ્યું.બાજુમાં ઊભેલા સૈનિકે સત્યેન પાસેથી કંઈ ના મળતા પેલા સૈનિકને ઈશારો કર્યો.
"તું જઈ શકે છે......"સૈનિકે સત્યેન સામે તેનો સામાન ધરતા કહ્યું.સત્યેન તેના સામે જોઈ રહયો.તે મનોમન ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરતા થોડો ખુશ થયો હતો.પોતાનો સામાન લઈને તે બને એટલી જલ્દી આગળ વધી ગયો. ભીનોરદાદા અને મિત્રા સત્યેનને પોતાની સામે આવતા જોઈને ખુશ હતા.બસ પાટલીપુત્રની સીમા પાર કરીને નીકળી જવાય એટલે બધાની માટે હશકારા બરાબર હતું. આમિટ ગણરાજ્યમાં જે રીતે પ્રવેશ કરીને એ ખુશ થતો એટલો ખુશ હમણાં પાટલીપુત્રની સીમા પાર કરતાં દેખાઈ રહ્યો હતો.
"જરા.... થોભ....." પાછળથી અચાનક પેલા સૈનિકનો અવાજ સત્યેનના કાને પડ્યો.સીમા પાર કરવામાં એક ડગલાં જેટલી જગ્યા બાકી હતી.સીમા પર ઊભેલા સૈનિકોએ તેની સામે ભાલા મૂકીને થોભવા માટે ઈશારો કરી દીધો.સત્યેન ત્યાં જ થોભી ગયો. ભીનોરદાદા અને મિત્રાની ધડકનો તેજ થઈ ગઈ.


ક્રમશ: