Masiha Dharaditay - 6 books and stories free download online pdf in Gujarati

મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 6

રાતના અંધારામાં રાતી દેખાતી તેની આંખો પર ચંદ્રનો આછો પ્રકાશ પડી રહ્યો હતો.તેના હોઠ નીચેથી વહી રહેલું રક્ત ધીરે ધીરે સુકાઈને ત્યાં સજ્જ થઈ જવા લાગ્યું હતું.બાજુમાં બેઠેલી મિત્રા કંઈ સમજે એ પહેલા જ ત્યાં બીજા દસેક લોકો ભેગા થઈ ગયા હતા.ધીરે ધીરે સત્યેનને ભાન આવતા ખબર પડવા લાગી હતી કે તે કોઈકની જાળમાં ફસાઈ ગયો હતો.મિત્રા અને સત્યેનને ઝાડની છાલથી કસીને બાંધી દેવામાં આવ્યા હતા.પોતાને વાગેલો મુક્કો એટલો જોરદાર હતો કે સત્યેન હજુપણ ઠીકથી આંખ ઊંચી પણ નહોતો કરી શકતો. તેણે મથીને પોતાની આંખો ઊપર કરીને જોયું એ પહેલા તેની ડાબી બાજુ ફરીથી કસાઈને એક મુક્કો આવ્યો હતો.ફરીવાર મુક્કાના જોરદાર પ્રહારથી તેની હાલત ખરાબ થઈ ગઈ હતી પણ માંડ માંડ આ વખતે તે બેભાન થવાથી બચી ગયો હતો.મિત્રા કંઇપણ નહિ કરી શકવાથી ઉદાસ હતી,જો તેના હાથ ખુલ્લા હોત તો અત્યારે સુધી એ આ બધાને સબક શીખવાડી આવી હોત ! સામે રહેલા માણસોના ચહેરા જોઈને મિત્રા સમજી ગઈ હતી કે આ લોકો એકદમ સાદા માણસો હતા જેમના પાસે શસ્ત્રોમાં કેવળ પોતાના પાસે રહેલી તાકાત હતી.પરિશ્રમ કરીને એ દરેક માણસોના બાહો એકદમ ખડતલ થઈ ગયેલા લાગતા હતા.તેમની આંખો અંદર જતી રહી હતી અને આંખોની ચારેબાજુ કાળા કુંડાળા સાફ દેખાઈ આવતા હતા.બે માણસો મિત્રા અને સત્યેનની સામે ઊભા રહીને જોઈ રહ્યા હતા તો બીજા ચાર માણસો આજુબાજુ ધ્યાન કેન્દ્રિત કરીને કોઈ આવી ના જાય તેની તકેદારી રાખી રહ્યા હતા.બીજા વૃદ્ધ દેખાતા બે માણસો જેમના પગ કરચલીઓથી ભરપૂર હતા તેમણે આખી જિંદગી કરેલી મહેનત અને પરિશ્રમ તેમની ચામડીમાં સાફ દેખાઈ રહી હતી.બે નવયુવાન છોકરાઓ ઝાડની પાકી ડાળીઓ પર બેસીને દૂર સુધી નજર ફેરવી રહ્યા હતા.કેમ કરીને અહીથી ભાગી શકાય એ વિચાર હવે મિત્રાના મનમાં દોડવા લાગ્યો હતો કેમકે સત્યેનની હાલત હવે વધારે બગડી રહી હતી.પોતાના ગણરાજ્ય આમીટ સુધી પહોંચવાનો રસ્તો એમના માટે કઠિન લાગી રહ્યો હતો.આમીટમાં રહેલી દરેક તાજા ફૂલોથી લઈને ફળોની ખુશ્બૂ પોતાના દિલમાં ક્યારે ભરવા મળશે તેની એમને ખબર નહોતી,આ જંગલમાં ભટકતા ઘણા બધા લોકોની વચ્ચે ક્યારે મોતને ભેટી જવાય એની પૂરેપૂરી શક્યતા વધી રહી હતી...
"આ.. હ્...."કોઈ માણસનો ઊપરથી ધબ દઈને નીચે પડવાનો આવાજ આવતા મિત્રાના વિચારોમાં ખલેલ પડી હતી. ઊપર નજર રાખી રહેલા બે નવયુવાનમાંથી એક નવયુવાન ગળાની વચ્ચો-વચ્ચ તીર વાગવાથી નીચે પછડાયો હતો.તેને જોઈને બાજુમાં રહેલા નવયુવાનની હાલત ખરાબ થતી દેખાઈ રહી હતી.તે એ ઝાડની ડાળી પરથી કૂદીને તરત બીજી ડાળી પર જતો રહ્યો હતો.નીચે રહેલા બધા લોકો સચેત થઈ ગયા હતા.પોતાની પાસે એકપણ હથિયાર ના હોવાથી આજુ બાજુ રહેલા ઝાડના લાકડા હાથમાં પકડીને લડવા તૈયાર થઈ ગયા હતા.મિત્રાના ધનુષમાં રહેલા એક તીરને પણ તેમણે તોડીને ફેંકી દીધું હતું.
"છટ...."અચાનક જ મિત્રાના સામે રહેલા માણસના હાથમાં તીર સ્પર્શીને નીકળી ગયું હતું.બાજુમાં ઊભેલા વૃદ્ધ લોકોને બચાવવા થકી બીજા લોકો તેમની આજુ બાજુ ગોઠવાઈ ગયા હતા.મિત્રા કંઈ વિચારે એ પહેલાં રાતના અંધારામાં જમણી બાજુથી આછા આછા ચંદ્રના પ્રકાશમાં ભીનોર દાદાને આવતા જોઈને તેની આશા ફરીથી બંધાઈ ગઈ હતી.ઝાડની ડાળીઓની બાજુમાં છૂપાઈને ભીનોર દાદાએ ફરીથી તીર ચલાવીને ઊપર બેઠેલા નવયુવાનને નીચે પાડી દીધો હતો.ઉંમર થઈ ગઈ હોવા છતાં પણ ભીનોર દાદાના ધનુષ ચલાવાની આવડત પર કોઈને શંકા નહોતી.હવે ધીરે ધીરે કરીને સામે ઊભેલા એ દરેક માણસો જંગલની અંદર ભાગી રહ્યા હતાં.એમના પાસે ભાગવા સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો કેમકે એકલા બાહુબળથી લડી શકાય એમ નહોતું.લડવા માટે થઈને સામે રહેલા માણસો જેવા સાધન તેમની પાસે નહોતાં.ભીનોર દાદાએ આવતાની સાથે જ મિત્રા અને સત્યેનને છોડાવાનું કામ કર્યું હતું.સત્યેનની હાલત ગંભીર લાગતા તેને નીચે સુવડાવીને તરત તેની આંખો નીચેથી રક્તને રોકવા ઝાડના પત્તાઓને તોડીને ઔષધિ બનાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી.મિત્રા ભીનોરદાદાની મદદ કરવા માટે થઈને નીચે પડેલા પત્થર પર ભીનોરદાદાએ મૂકેલા પત્તાઓને ઘસવા લાગી હતી.આંખો નીચે પડેલા ઔષધિના સ્પર્શને લીધે એકવાર માટે થઈને સત્યેનના મોઢામાંથી બુમ નીકળી ગઈ હતી.સત્યેનને દર્દમાં કણસતો જોઈને તરત મિત્રાએ સત્યેનનો હાથ પોતાના હાથમાં લઈ લીધો હતો.પોતાના હાથ પર થયેલા મિત્રાના સ્પર્શથી સત્યેનને થોડું સારું લાગી રહ્યું હતું.ભીનોરદાદા ધીરે ધીરે પોતાના ચામડાના ચાબુકમાંથી પાણી નિકાળીને સત્યેનના મોઢામાં રેડી રહ્યા હતા.ધીરે ધીરે સત્યેનની આંખો પૂરેપૂરી ખૂલી રહી હતી.મિત્રા હજુપણ સત્યેનનો હાથ પોતાના હાથમાં લઈને બેસી રહી હતી....
*******
રાતના અંધારામાં દૂર સુધી જતી રાજાની સેનાને ત્યાં ઊભેલા બધા લોકો જોઈ રહ્યા હતા.અડધાથી ઊપર જીતેલા રાજ્યોમાં ફરી એકવાર નવું રાજ્ય જોડવા પોતાની શક્તિનો પરિચય આપવા રાજા સેના સાથે નીકળી પડ્યા હતા.ગુરૂ ત્રીદર્શી અને પુરોહિત રાજાને જતા જોઈ રહ્યા હતા.બાજુમાં ઊભેલા ગુરૂ મિથાધિશ સેના સામે જોઇને પોતાની વ્યક્તિગત ચિંતા પોતાની અંદર જ દબાવીને પોતાના આશ્રમ ભણી જવા નીકળી પડ્યા.તેમને જતા જોઈને ગુરૂ ત્રીદર્શીએ બોલ્યા,
"ગુરૂ મિથાધિશ કાલે રાજ્યની અંદર આપણે અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા છીએ .....રાજકુમાર ચંદ્રગુપ્ત દ્રિતીય પ્રથમ વખતે યજ્ઞનો અર્થ સમજી રહ્યા છે અને તેમાં ભાગ લઈ રહ્યા છે.તમે આ રાજ્યને અને કુમાર ચંદ્રગુપ્ત દ્રિતીયને આશીર્વાદ આપવા આવો એવી મનોકામના છે...."ગુરૂ ત્રીદર્શીએ પોતાની વાત પૂરી કરતા કહ્યું.પુરોહિત હંમેશની જેમ મીઠાધિશ સામે જોઇને પોતાની અંગત ઈર્ષા છૂપાવી રહ્યા હતા.
"ગુરૂ ત્રીદર્શી કુમારને આશીર્વાદ આપવા થકી હું જરૂર આવીશ...પણ....મારું માનવું છે કે આ યજ્ઞ પાટલીપુત્ર પૂરતો ના રહીને રાજાએ જીતેલા દરેક રાજ્યો પૂરતો રહે એવી શુભેચ્છાઓ...."
"હા...દરેક જીતેલા રાજ્યોમાંથી સાશનકર્તા ભાગ લઈ રહ્યા છે.પોતાના રાજ્યોની સુખાકારી માટે થઈને જ આ યજ્ઞની આહૂતિ ચારેબાજુ ફેલાય એવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના...." ગુરૂ ત્રીદર્શીએ પોતાની વાત પૂરી કરતા કહ્યું.
"ગુરૂ ત્રીદર્શી તમારી દરેક વાત પર મને કોઈ આપત્તિ નથી પણ ગુરુદેવ બસ મારે એક જ વાત કહેવી છે.(થોડીવાર ઊભા રહીને) માત્ર સાશન સાશનકર્તાને બોલાવીને કંઈ ફાયદો નથી, તમારે આ રાજ્યએ પોતે જીતેલા દરેક રાજ્યો, ગણરાજ્યની પ્રજાની વ્યથા સમજવી જોઈએ....તેમને પડી રહેલી આપત્તિ, તેમને પડી રહેલી મુશ્કેલી રાજ્ય પોતે સમજે એ જરૂરી છે...." પોતાની આગવી રીતે વાત રજૂ કરતા ગુરૂ મિથાધીશ બધાની સામે જોઈ રહ્યા.
"દરેક રાજ્યોમાં સાશનકર્તા પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.પ્રજાને પડી રહેલી મુશ્કેલી તેમની વ્યથા સમજવાની જરૂર પાટલીપુત્રના માટે એક અલગ વ્યથા બરાબર છે એટલા માટે ગુરૂ મિથાધીશ તમે એકની એક વાત દરેક વખતે બોલીને રાજ્યની મુશ્કેલીમાં વધારો ના કરો એ જ ભાવના...." પુરોહિતે ઉગ્ર રીતે પોતાની વાત કહીને ભવા ઉપર ચડાવી લીધા.
"પુરોહિત વાત સાશનકર્તા લોકોની નથી..... સાશન થી મને કોઈ આપત્તિ નથી.મને આપત્તિ છે કે ગરીબ લોકોની,ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા વેશ્યોની, દાસ બનીને રહેતા એ દરેક લોકોની,બધાથી નીચે રહેલા એ શૂદ્રોની અને મને ચિંતા છે પાટલીપુત્ર ના આવનારા ભવિષ્યની....."ગુરૂ મિથાધીશ પુરોહિતની આંખોમાં આંખો નાખતા કહ્યું.પુરોહિતનો ગુસ્સો હવે સાતમા આસમાને આવી ગયો હતો.પુરોહિત કંઈ બોલે એ પહેલા જ ગુરૂ ત્રીદર્શીએ વચ્ચે પડતા જ કહ્યું,
"તમારી વ્યથા,તમારી વાતને રાજા સુધી પહોંચાડવાની જવાબદારી મારી ગુરૂ મિથાધીશ...દરેક રાજ્ય,દરેક રાજા પોતાની પ્રજાની દરેક મુશ્કેલી સમજી શકે એટલા સક્ષમ ના પણ હોય,પણ જ્યારે તમારા જેવા વિદ્વાન અમારા પાટલીપુત્ર માં છે ત્યાં સુધી અમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી....કાલે તમે આ પાટલીપુત્રને આશીર્વાદ આપવા આવો એવી પ્રાર્થના...." આટલું કહીને ગુરૂ ત્રીદર્શીએ ગુરૂ મિથાધીશ સામે કાલે આવવા માટે કહ્યું.ગુરૂ મિથાધીશએ તેમના સામે જોઈને પોતાનુ મસ્તક હા ભણીમાં હલાવ્યું.પુરોહિત બંનેને જોઈને પાછળ ઊભા ઊભા ગુસ્સાથી લાલ પીળો થઈ રહ્યો હતો.રાજાની સેના છેક દૂર સુધી નીકળી ગઈ હતી.....
*********
"તમે કંઈ પણ કહો એનો હાથ જાણે પત્થર બરાબર હતો..."આટલું કહેતાની સાથે જ સત્યેન ધીરે રહીને હસવા લાગ્યો.મિત્રા તેની સામે જોઇને ગુસ્સામાં હતી.સત્યેનને ખબર હતી કે મિત્રાને તેની કોઈ વાત પર હસી નહિ આવે. ભિનોર દાદા બાજુમાં પડેલા પથ્થર પર ઘા કરીને આગ સળગાવી રહ્યા હતા.
"તને હંમેશા...."આટલું બોલતાંની સાથે મિત્રા નીચે જોઈ ગઈ. બંનેમાંથી કોઈને ખબર ના પડે એમ તેણે પોતાના આંખ નીચે આવેલા આંસુ લૂછી દીધા.સત્યેન મિત્રા માટે શું હતો એ મિત્રાએ જ ખબર હતી.સત્યેનને કંઈ થાય એ પહેલા પોતાની પરવા કર્યા વગર તે દોડી આવતી હતી.કદીપણ સાથ છોડીને ભાગવાની વાત તેના ગળે આવી નહોતી.ખુદ પોતાની ઈચ્છા મારીને સત્યેન માટે સારી સારી એને ભાવતી મીઠાઈ સાચવી રાખવી એ એની હવે આદત બની ગઈ હતી.
"મિત્રા..." ભીનોરદાદાએ બુમ પાડતા જ મિત્રાના વિચારોમાં ખેલેલ પડી.તે ઊભી થઈને તેમની પાસે ગઈ અને બાજુમાં પડેલા નાના વાસણમાં થોડા ચોખા નાખીને ગરમ પાણીમાં ચડવા માટે મૂકી દીધા.
"તેમનો હાથ પત્થર બરાબર જ હોય છે,જો તમે કોઈ શસ્ત્ર વિના તેમની સામે આવી જાવ તો તમારી મજાલ નથી કે તમે તેમની સામેથી બચીને નીકળી શકો.....આ તો તારું સદભાગ્ય છે કે હું સમય પર આવી ગયો...." આટલું કહીને ભીનોરદાદા નીચે સળગી રહેલી આગ ધીરે ધીરે બુજતી હોઈ ફૂંક મારવા લાગ્યા.સત્યેન હજુપણ ઝાડના થળ પાસે આરામ કરી રહયો હતો.તેના આંખ નીચેથી રક્ત સુકાઈ ગયું હતું. તેણે પોતાની રીતે ટેકો લઈને બેઠા થવાનો પ્રત્યન કર્યો અને બોલ્યો,
"કોણ હતા ...આ...લોકો...?"
ભીનોરદાદા તેનો પ્રશ્ન સાંભળીને તેની સામે બે ઘડી જોઈ રહ્યા.કોણ છે આ લોકો ????

ક્રમશ :