Masiha Dharaditay - 5 books and stories free download online pdf in Gujarati

મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 5

આંખોની પાંપણો ઢળીને કોઈ અલગ જ ચેતના અનુભવી રહી હોય એમ તેમની આંખો ઊપર-નીચે થઈને ધ્યાન ધરવા એકત્ર થઈ રહી હતી.હંમેશની જેમ પોતાના કક્ષમાં ચારેબાજુ દીવાના અજવાળાથી પ્રકાશ પ્રસરીને અલગ જ ઊર્જા ફેલાવી રહયો હતો.બીછાઈને પડેલી પ્રતો ગુરૂ મિથાધિશની બધાથી અલગ વિચારવાની શક્તિનો પરીચય આપી રહી હતી.કંઈ કેટલાય સંશોધનો કર્યા પછી કોઈ વ્યક્તિને સાચી દિશા આપવી એ એક ગુરુની જવાબદારી હોય એ વાત ખરેખર ગુરૂ મિથાધિશ માટે સાચી લાગતી હતી.
"તમે પહેલા એવા વ્યક્તિ હશો જે કોઈપણ ઉપહાર સ્વીકારતા નથી...."પાટલીપુત્રમાંથી આવેલ ઉપહારને નમ્રતાથી સૈનિકના હાથમાં આપતા ભિમાંએ ગુરૂ મિથાધિશને કહ્યું.ગુરૂ મિથાધિશાએ રાજનગરમાંથી આવેલા ઉપહારમાંથી ફકત એક સફરજન લઈને ઉપહાર પરત કરવા ભિમાંને કહી દીઘું હતું.જેટલું જરૂર છે એનાથી વધારે કાઇપણ સંગ્રહ ના કરવો એ એમની વિશેષતા હતી !
"હે... ઇશ્વર....તારા બનાવેલા દરેક આત્માને શાંતિ અને સલામતીની સાથે જીવન જીવી શકે એટલો ઉપહાર આપજે....."કહીને પોતાની જગ્યા પરથી ઊભા થઈને ગુરૂ મિથાધિશ સામે ઊભેલા સૈનિક પાસે આવ્યા.તે તરત જ તેમની પગમાં પડી ગયો.ગુરૂ મિથાધિશએ તેને આશીર્વાદ આપ્યા અને બોલ્યા,
"પાટલીપુત્રના મહારાજને જણાવજો કે ગુરૂ મિથાધિશએ પોતાના પૂરતા ઉપહારને સ્વીકારીને બાકીનો ઉપહાર કોઈ જરૂરિયાત મંદ થકી પહોંચે એટલા માટે થઈને પાછો આપી રહ્યા છે....." આટલું કહીને તેમણે પેલા સૈનિક સામે બે હાથ જોડીને વંદન કરી લીધા.સૈનિકે પણ ગુરૂ મિથાધિશનું માન રાખીને ત્યાંથી જવા માટે નીકળી ગયો.
"મારા માટે તો થોડા વધારે ફળો અને મીઠાઈ લઈ લેવી હતી ને...."ભીમાંએ નારાજગી વ્યકત કરતા ગુરૂ મિથાધિશને કહ્યું.ગુરૂ મિથાધિશ તેની સામે જોઇને એક હળવું સ્મિત આપ્યું.કેટલી નિખાલસ છે આ છોકરી તે પોતાના મનમાં વિચારી રહ્યા.
"ગુરુદેવ...."ફરીથી ભીમાંએ તેમની સામે જોઇને કહ્યું.ગુરૂ મિથાધિશ કંઇપણ બોલ્યા વિના પોતાના આસન પર જઈને બિરાજમાન થઈ ગયા.આજથી પંદર વર્ષ પહેલાં આ જ આશ્રમની બહાર ભીમા તેમને મળી હતી.કંઈ કેટલાય લોકોને પૂછ્યા પછી પણ તેના માતા-પિતાની કંઈ ઓળખ ના મળતા પોતે જ તેને એક દીકરી તરીકે મોટી કરી હતી.આશ્રમમાં ભણતા બીજા છોકરાઓની સાથે ભણવાથી લઈને શસ્ત્ર ક્રિયામાં પણ તે એટલી જ પારંગત થઈ ગઈ હતી.હવે તેની ઓળખ એટલે આ આશ્રમ અને ગુરૂ મિથાધિશ !
"દીકરી ભિમાં તારા માટે થઈને મે એક ઉપહાર દરવાજાની બહાર રાખ્યો છે...."ભીમાં આટલું સાંભળતા જ ખુશ થઈ ગઈ.પોતાનો ઉપહાર લેવા થકી થઈને તે દરવાજા બાજુ ચાલી નીકળી.બહાર પાડેલા ઉપહારને જોઇને તેની ખુશી સમાતી નહોતી.તેના ઉપહારમાં તેને ભાવતી દરેક મીઠાઈ થી લઈને તેના પહેરવા માટે નવા વસ્ત્રો હતા.
"તમે મારી દરેક વાત કેવી રીતે સમજી જાવ છો...." ભિમાએ ગુરૂ મિથાધિશને કહ્યું.ગુરૂ મિથાધિશ પોતાના આસન પર બેસીને ફરીથી ધ્યાન ધરવા મંથન કરી રહ્યા હતા.
"બેટા....કોઈ માણસની ઇચ્છા જાણવી એટલી અઘરી નથી.તારી ખુશી કંઈ વસ્તુમાં છે એનો પૂરેપરો અહેસાસ છે મને...." ગુરૂ મિથાધિશએ કહ્યું.
ભીમા પોતાના પિતા સમાન ગુરૂદેવ સામે અનાયાસે જ જોઈ રહી.કેટલી નમ્રતા, કેટલી નિખાલસતા અને ઉદારતા આ વ્યક્તિ પાસે હતી.ગુરૂ મિથાધિશની એક સામાન્ય વ્યકિતથી ગુરૂ બનવાની ક્ષમતા કદાચ સામાન્ય માણસ માટે સમજવી મૂશ્કેલ હતી.કંઈ કેટલાય અભ્યાસ અને મંથનોના નિચોડથી આ સિદ્ધિ તેમની ઓળખ બની હતી.સામાન્ય માણસોના હિતની ચિંતા કરવી અને દરેક માણસને પૂરતો ન્યાય મળે એ તેમના માટે પોતે લીધેલા એક પ્રણ બરાબર હતું.
"તમે બધા માણસોની ઇચ્છા સમજી જાવ છો..." ભીમાએ કહ્યું.
"પણ....દરેક સમયે દરેક માણસની ઈચ્છા સમજવી કદાચ મારી માટે ચિંતાનો વિષય બની જાય છે મારી દીકરી....(આટલું કહીને થોડીવાર ઊભા રહ્યા પછી પોતાના આસન પરથી ઊભા થઈને બહાર આગણમાં આવીને સામે દેખાતા પાટલીપુત્ર સામે જોઈ રહ્યા) આ સામે દેખતા પાટલીપુત્રની ચિંતા મારા મનમાં દોડવા લાગી છે."
" શા કારણે ગુરુદેવ...." ભીમાએ વચ્ચે જ બોલતા કહ્યું.
" એક વિદ્વાન એક પુરોહિત એક પંડિતનો ધર્મ હોય છે કે તે સમાજને એક સાચી દિશા બતાવે....પ્રજાના હિત માટે થઈને રાજા સાથે આગળ રહે...યજ્ઞ થકી દરેક માનવીની સુખાકારી માટે કાળજી રાખે,અને બને એટલું સાદાઈથી જીવનનો અહેસાસ પ્રાપ્ત કરે...." ગુરૂ મિથાધિશએ પોતાની વાત વચ્ચે જ છોડતા ભીમા તેમના સામે જોઈ રહી.ગુરૂ મિથાધિશ ખુલ્લા આકાશ તળે પોતાની આંખો માડીને કંઇક ઉત્તર માગતા હોય એમ જોઈ રહ્યા.
"દીકરી...ઉપહાર જ્યારે સામાન્ય પ્રજા માટે હોય ત્યારે સ્વાભાવિક રીતે મનમાં ખુશી થાય પણ જ્યારે એ જ પ્રજાનો ઉપહાર તેમના સુધી ના પહોંચીને બીજા લોકો સુધી પહોંચે ત્યારે મનમાં દુઃખ થાય છે.પોતાની શકિત બહાર ઉપહાર સ્વીકારવા કરતા જરૂર પૂરતો ઉપહાર આનંદ આપે છે.મને દુઃખ એ વાતનું નથી કે ઉપહાર સામાન્ય પ્રજા સુધી નથી પહોંચી શકતો પણ દુઃખ એ વાતનું છે કે આ ઉપહાર અને બીજા ઉપહાર જ્યારે ગ્રહણ ના કરનાર વ્યક્તિઓ પાસે જાય ત્યારે તે આને પચાવી શકતા નથી.... "ગુરૂ મિથાધિશ આટલું બોલીને ફરી પોતાના આસન પાસે જવા માટે નીકળી ગયા.ભીમા તેમને જતા જોઈ રહી.તેમની ચિંતા પૂરેપૂરી ભીમા સમજી શકતી હતી.......
*******
"જરા...થોભ...."સત્યેનના કાને શબ્દો પડ્યા અને તે ત્યાં જ ઊભો રહી ગયો.સીમા પાર કરવામાં બસ એક ડગલા જેટલું અંતર બાકી હતું.સામે ઊભેલા સૈનિકોએ ભાલા વડે તેને ઊભા રહેવા ઈશારો કરી દીધો.સત્યેનના પગ ત્યાં જ થંભી ગયા.ખરેખર હવે પકડાઈ જવાનો ડર તેના મનમાં ઘર કરી ગયો હતો. ભીનોરદાદા અને મિત્રાની આંખો ત્યાં થોભી ગયેલા સત્યેન સામે જોઇને લાચાર હતી.
"મે તને ક્યાંક જોયો હોય એવું કેમ લાગે છે ....???" સૈનિકે પોતાનુ માથું ખંજવાળતા સત્યેન સામે જોતા કહ્યું.સત્યેન હજુપણ તેના સામે પીઠ માંડીને ઊભો હતો.
"અરે...મહોદય....દરેક વખતે વેપાર કરવા થકી થઈને પાટલીપુત્રમાં આવવાનું થાય છે....કદાચ..તમે મને પહેલા જોયો હોય...."સત્યેનએ અચકાતા ઉત્તર આપ્યો.સૈનિક હજુપણ કંઇક વિચારી રહયો હતો.હવે પૂરેપૂરો સત્યેન તેના સામે ફરીને ઊભો હતો પણ સૈનિક કદાચ કંઈ કળી ના શકતો હોય એમ તેની સામે જોઈ રહ્યો અને પછી બોલ્યો,
"હમમ...હા.... મારે ઘણા બધાને મળવાનું થાય છે કદાચ તને પહેલા મળ્યો પણ હોઈશ અને સાંભળ આગલી વખતે આવે તો પોતાના સામાનની કાળજી રાખજે....."તેણે સમાન ચોરાઈ ના જાય તેની સલાહ આપતા કહ્યું.સત્યેનએ તેના સામે જોઇને એક નકલી સ્મિત આપ્યું અને તે સીમા પાર કરવા ચાલી નીકળ્યો.સૈનિકના મનમાં ક્યાં સુધી વિચારો સ્થિર નહોતા થઈ રહ્યા,તે મનોમન સત્યેનને ઓળખવા માટે થઈને દિમાગને કષ્ટ આપી રહયો હતો તો બીજીબાજુ સત્યેનને સમય મળતાં જ તરત સીમા પાર કરીને નીકળી રહયો હતો.
"જલ્દીથી સીમા બંધ કરો...."પેલા સૈનિકને કંઇક યાદ આવતા તેણે તરત જ બુમ પાડી.સીમા બંધ કરવા માટે થઈને બંને સૈનિકો એકસાથે ભાલો ઉઠાવે એ પહેલા જ સત્યેન સીમા પાર કરીને બીજીબાજુ નીકળી ગયો હતો. ભીનોર દાદા અને મિત્રા સીમા પાર કરી ગયેલા સત્યેનને જોઈને ખુશ દેખાઈ રહ્યા હતા.
"અરે આ એ જ છે જેણે મારા પર હુમલો કર્યો હતો..... પકડો એને....."સૈનિકે પોતાની તલવાર નીકાળતા કહ્યું.આજુ બાજુ ઊભેલા બધા સૈનિક સચેત થઇ ગયા.એકસાથે બધાએ નીકળી શકાય એમ હતું નહિ એટલે બે સૈનિક સત્યેનને પકડવા માટે થઈને તેની પાછળ ભાગી નીકળ્યા.પાછળથી આ રીતે પડેલી બૂમો સાંભળીને સત્યેન તરત જ સચેત થઈ ગયો હતો. ભીનોરદાદા અને મિત્રા સત્યેનના પીઠ પાછળથી આવી રહેલા સૈનિકોને જોઈને કંઈ સમજ નહોતી પડી રહી.
"પકડો એને......" ફરીથી પેલા સૈનિકે રાડ નાંખી.સત્યેનના પીઠ પાછળ ભરાવેલી નાની કટાર જે તેના ચાલવાના લીધે થઈને થોડી ઊપર આવી રહી હતી એને જોઈને તરત તેને ખ્યાલ આવી ગયો હતો કે આ વ્યક્તિ એ જ છે જેણે તેના પર હુમલો કર્યો હતો.
"તારી ચકાસણીમાં આ કટાર ના મળી તને....મૂર્ખ....???" તેણે બાજુમાં ઉભેલા સૈનિક સામે ગુસ્સે થતાં કહ્યું.જ્યારે તે સૈનિક સત્યેનને તલાશી લઈ રહ્યો હતો ત્યારે તેના હાથમાં આ કટાર નહોતી આવી એ એના માટે એક અંચબાની વાત હતી.
"મે એની પૂરેપૂરી તલાશી લીધી હતી પણ એના પાસે એ સમયે કટાર નહોતી...."તેણે ગભરાતા જવાબ આપ્યો.
કટાર તેના હાથમાં નહોતી આવી કેમકે એ વખતે થઈને સત્યેનએ કટાર બહુ જ ચાલાકી સાથે પોતાના પાછળ ઊભેલા વૃદ્ધ વ્યક્તિને આપી દીધી હતી.જ્યારે તે વૃદ્ધ વ્યક્તિ તેને ધક્કો મારીને કહી રહયો હતો કે આગળ જા ત્યારે જ તેણે સત્યેનની પીઠ પાછળથી કટાર લઈને પોતાની પીઠમાં લગાવી દીધી હતી,સત્યેનની તલાશી લઈ લીધા પછી થોડા આગળ આવીને તેણે પાછી કટાર કોઈને દેખાય નહિ એમ સત્યેનના પીઠની પાછળ લગાવી દીધી હતી.પોતે વૃદ્ધ હોવાનો ફાયદો ઉઠાવીને તેણે સત્યેનને મદદ કરી હતી.
"હવે....જા મારું મોઢું શું જુવે છે...એને પકડીને લાવ...." સૈનિકે તેની સામે ગરજતા કહ્યું.પેલો આટલું સાંભળતાની સાથે જ પોતાની તલવાર લઈને સત્યેનને પકડવા નીકળી પડ્યો.તે સત્યેન પાસે પહોંચે એ પહેલા સત્યેન સીમા પાર કરીને બીજીબાજુ પહોંચી ગયો હતો.પોતે લંગડાઈને હવે નહિ ચાલવું પડે એ વાતથી એને થોડી નિરાંત થઈ હતી.મિત્રા અને ભીનોર દાદા સામેથી આવતા સત્યેનના સાથે પાછળથી આવતા સૈનિકોને જોઈને સમજી ગયા હતા કે હવે આગળ શું કરવાનું છે. ભીનોરદાદાએ પોતાના આભુષણોની બાજુમાં ઘડી વાળીને મૂકેલા કાપડમાંથી ધનુષ નીકાળીને મિત્રા સામે ફેંક્યું હતું.મિત્રા કંઈ સમજે એ પહેલા જ ભીનોરદાદાએ તેની આંખની બાજુમાંથી નીકળી જાય એમ ઝાડમાંથી તોડેલ અણીદાર લાકડું સત્યેનની પાછળ આવતા સૈનિકના પગમાં મારી દીઘું હતું.મિત્રા થોડીવાર માટે થઈને ડઘાઈ ગઈ હતી પણ પોતાને સંભાળીને તેણે હવામાં લહેરાઈને સત્યેનને પકડવા જતાં બીજા એક સૈનિકના હાથમાં તીર મારીને તેને ત્યાં જ પાડી દીધો હતો.હવે સત્યેન અને તેની પાછળ બસ એકમાત્ર સૈનિક હતો. આ જોઈને પેલો સૈનિક ગુસ્સાથી લાલપીળો થઈ ગયો હતો.તેના આદેશ પર બીજા વીસેક સૈનિકો સત્યેન ને પકડવા માટે થઈને તેની પાછળ ભાગી નીકળ્યા હતા. પાટલીપુત્રની સીમા પર બધું તહસનહસ થઈ રહ્યું હતું.લોકો આમ તેમ પોતાનો જીવ બચાવા થઈને દોડી રહ્યા હતા.
"મિત્રા..... આપણે આટલા બધા સૈનિકોનો સામનો નહીં કરી શકીએ.....એક પછી એક બધા આવતા જ રહેશે.એક કામ કર તું અને સત્યેન સીમાની પેલી બાજુથી નીકળી જાવ અને હું આ બાજુ થી નીકળી જાવ છું.આ રીતે જ તેમને અલગ કરી શકાશે."ભીનોરદાદાએ મિત્રા સામે જોતા કહ્યું.
"પણ...દાદા...."મિત્રા કંઇક બોલવા જાય એ પહેલા જ વચ્ચે તેની વાત કાપીને ભીનોરદાદાએ કહ્યું, "અત્યારે આપણી પાસે સમય નથી મિત્રા....હું તને અને સત્યેનને જંગલની પેલી બાજુ આપણી જગ્યા પર મળું છું...." આટલું કહેતાંની સાથે ભીનોર દાદા જંગલની અંદર ભાગી નીકળ્યા.સૈનિકોનું એક દલ ભીનોર દાદાની પાછળ વળી ગયું તો બીજીબાજુ મિત્રાએ સત્યેનને ઈશારો કરતા એ સમજી ગયો કે એને જંગલની બીજીબાજુ થઈને ભાગવાનું હતું.મિત્રાએ એક સાથે બે તીર ધનુષમાં લગાવીને સત્યેનના ડાબી બાજુથી આવતા સૈનિકોના સામે મારી દીધા હતા અને પોતે દોડીને સત્યેન પાછળ આવી ગઈ.સૈનિકો કંઈ સમજે એ પહેલા જ બંને જણ જંગલની અંદર ભાગી નીકળ્યા હતા.તેમને ભાગતા જોઈને પેલો સૈનિક ઔર વધારે ગુસ્સે ભરાઈ ગયો હતો.બીજીવાર પણ તેની સામેથી આ રીતે મોકો જતા તે વધારે બોખલાઈ ગયો હતો.
દોડતા - દોડતા થાકી ગયેલા મિત્રા અને સત્યેન સૈનિકોને કેમ કરીને છેતરીને ભાગી શકાય તેની સંરચના પોતાના મગજમાં ધડી રહ્યા હતા.એક પછી એક કુદતા જતા પગ આજે જંગલની અંદર ખળભળાટ કરી રહ્યા હતા.ચારે બાજુ વૃક્ષોથી ગાઢ લાગતું જંગલ માનવીઓનાં પગ પેસરાથી વિચલિત હતું.પાછળથી અચાનક મિત્રાંની બાહોમાં કોઈનો હાથ પડતા તે થોડીવાર માટે અચકાઈ ગઈ હતી પણ તરત સત્યેનએ પોતાના કટાર વડે તેના કાંડા પર પ્રહાર કરતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો.મિત્રાએ બાજુમાં રહેલા ઝાડ પર ડાબો પગ મારીને એક બાજુ કુદતા ધનુષમાંથી બે તીર છોડીને પાછળ રહેલા સૈનિકો પર મારી દીધા હતા.રાત પડવા લાગી હતી અને આગળ કશું પણ દેખાય એવી સ્થિતિ થઈ ગઈ હતી અને આ જ સ્થિતિનો ફાયદો ઉઠાવીને મિત્રા અને સત્યેન સૈનિકોના સામેથી ગુમ થઈ ગયા હતા.બધા સૈનિકો તેમને શોધતા દરેક દરેક બાજુ ફરી વળ્યા હતા પણ તે ક્યાં પણ તેમને મળ્યા નહોતા.નીચે રહેલી દરેક ઝાડીઓમાં તલવાર વડે અંધારામાં ઘા કરીને જોયા પણ હવે કંઈ નહિ મળતા તેમને ખાતરી થઈ ગઈ હતી કે તે બંને ભાગી નીકળવામાં સફળ રહ્યા હતા.પોતાના થયેલા નિષ્ફળ પ્રયાસથી બધા પાટલીપુત્રની સીમા બાજુ જવા માટે નીકળી ગયા હતા.
******
"હવે નીચે ઊતરીશ...."મિત્રાએ સત્યેન સામે જોતા કહ્યું.મિત્રા અને સત્યેન ડાબી બાજુ રહેલા ઝાડની ડાળીઓની વચ્ચે લટકીને બેઠા હતા અને સૈનિકો જાય તેની રાહ જોઈ રહ્યા હતા.સત્યેન ધીરે રહીને ઝાડની ડાળીઓ પકડીને નીચે ઉતરી ગયો.તેની પાછળ મિત્રા પણ ઊતરીને પોતાના ધનુષમાંથી છૂટેલા તીરની ગણતરી કરવા લાગી.
"સત્યેન હવે ગણીને એક તીર છે....."તીર પોતાની પીઠ પાછળ લાગવતા બોલી.સત્યેન તેના સામે જોઈ રહયો અને હસવા લાગ્યો.
" તને હસવું આવે છે,તારા લીધે જ આજે આપણે આ મુસીબતમાં છીએ...." તેણે સત્યેનને મારતા કહ્યું.સત્યેન હજુપણ હસી રહયો હતો.તેને જોઈને હવે મિત્રાના ચહેરા પર હસી આવવા લાગી હતી,પણ એ બંને વધારે ખુશ થાય એ પહેલા જ તેમની પાછળથી આવેલા મુક્કાથી સત્યેનના હોશ ત્યાં જ ઉડી ગયા હતા અને તે ધબ દઈને નીચે ફસડાઈ પડ્યો હતો.....
ક્રમશ :