Celebrating the anniversary books and stories free download online pdf in Gujarati

એનીવર્સરી ની ઉજવણી

જતીન ભટ્ટ (નિજ ) રચિત એક અલગ પ્રકારની, સડસડાટ વહેતી , અને રસાળ શૈલીમાં કહેતી એક અલગ પ્રકારનું આલેખન:

એનીવર્સરી ની ઉજવણી
ગોટ્યા ના દાદા દાદી ની ૫૦મી મેરેજ એનીવર્સરી આવી , એટલે ગોટયા એ દાદા દાદી ને એનીવર્સરી ઉજવવા માટે મનાવ્યા,
એમણે હા પાડી એટલે ગોટયાએ અને ગોટલીએ ( ગોટયા ની વહુ) પપ્પા મમ્મી ને વાત કરી ને બધો પ્લાન બનાવી દીધો..,
ને લો ઉજવણી ચાલુ થઈ ગઈ.,.
પહેલા તો દાદીએ જુની પેટી માંથી ઘરચોળું કાઢ્યું, સારી સ્થિતિ માં હતું, ને દાદા એ જૂનો સફારી શોધી કાઢ્યો, બહુ ઢીલું પડતું હતું, પણ ના આ પહેરીનેજ એનીવર્સરી મનાવવી છે, એટલે ગોટ્યા એ સફારી ના શર્ટ માં સિલાઈ મારી અને પેન્ટ પર નાડું બાંધ્યું, ને પછી પહેરાવ્યું, દાદા જોરદાર લાગતા હતા ને દાદી પણ ઘરચોળા માં મસ્ત લાગતા હતા,...
આંગણામાં મંડપ બાંધ્યો, આસોપાલવ ના તોરણ બંધાયાં, ફુલ થી માંહ્યરું સજાવ્યું, રસોઈયા ને બોલાવી લીધો, શરણાઈ વાળા ને પણ બોલાવી દીધા, ઢોલ વાળો આવી ગયો, માહયરાં માં બે સામસામે ખુરશી ઓ મુકી દીધી, બ્રાહ્મણ પણ આવી ગયા,..
આ બાજુ દાદી ને બાજુ ના ઘર મા રાખ્યા, ને ફળિયા ના છેવાડે ના ઘરે દાદા ને...
પપ્પા મમ્મી અને સગાવહાલા અડધા અડધા વહેચાઈ ગયા,
ડી જે વાળો જે ગોટયાનો મિત્ર થતો હતો તે પણ ઉત્સાહ થી આવી ગયો,
ને દાદા નો વરઘોડો શહેર ના રસ્તા પર નીકળ્યો,
ડી જે જોરશોર થી વાગવા માંડ્યું, નવા જૂના ગાયનો ની રમઝટ થવા માંડી,
પહેલું જ ગાયન: મે હું ડોન, મેં હું ડોન, મેં હું,મેં હું મે હું ડોન, ડોન, ડોન, ડોન ડોન,,,.
બસ ગાયનો ની રમઝટ ચાલી ને , દાદા ના હમઉમ્ર મિત્રો પણ ધીમે ધીમે ઠુમકા મારવા લાગ્યા,દાદા પણ ફોર્મ માં આવી ગયા ને ઘોડા પરથી ઠેકડો મારી (ધીમેથી માર્યો હતો) નાચવા લાગ્યા, થોડું નાચ્યા ને ગોટ્યા એ પાછા ઘોડા પર સાચવીને બેસાડી દીધા, વરઘોડો આગળ ચાલ્યો, બધા રાહદારીઓ પણ જોવા લાગ્યા એ લોકો પણ એન્જોય કરવા લાગ્યા, એકાદ બે જણાએ તો વરઘોડા માં સામીલ થઈને નાચી પણ લીધું,
આ બાજુ દાદી ને પણ જબરી મજા પડી, ને પિયરિયાઓ પણ જબરા તાનમાં આવી ગયા હતા, ને ફટાણા ગાતા હતા: 'છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,અમારી ભાગોળે આવી ભમતી’તી,અમારી શેરીઓમાં અટવાતી’તી,તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે',
ને આવા બધા ફટાણા ની રમઝટ ચાલતી હતી, પાપડ વડી ઓ મુકાઈ ગઈ, બ્યુટી પાર્લર વાળી, મહેંદી વાળી પણ આવી ગઈ હતી ને દાદી ને મહેંદી અને મેકઅપ થી મસ્ત કરી દીધી, ઘરચોળું પહેરાવી દીધું, આગળ ઘૂમટો કાઢ્યો ને બધા હવે વરઘોડા ની રાહ જોવા માંડ્યા,
આ બાજુ વરઘોડો નાચતો નાચતો મંડપ ભણી આવવા માંડ્યો ને ડીજે વાળા એ ગરબા ચાલુ કર્યા: :ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય....'
ને દાદા એ પાછો કૂદકો માર્યો ને જોરશોર થી ગરબા રમવા માંડ્યા, બે તાલી, ત્રણ તાલી, ને દોઢિયું ,.... જબરી રમઝટ જામી, એ તો ગોટ્યાએ ગરબા અટકાવ્યા નઈ તો દાદો કલાક કાઢતે ગરબા પાછળ,...
જાન માંડવે પહોંચી,
હવે ગોટ્યાના પ્લાન પ્રમાણે દાદાએ પહેલા દાદી ને પ્રોપોઝ કરવાનું હતું,
ઓકે, દાદી ને ખુરશી બેસાડ્યા, દાદા ને એક ઘૂંટણ જમીન પર રાખી ને પ્રોપોઝ કરવાનું હતું, પણ એવું ફાવ્યું નઈ એટલે દાદા પલાંઠી વાળીને બરાબર દાદી ની સન્મુખ બેસી ગયા ને દાદી ને પુછ્યુ:' વિલ યુ મેરી મી?' દાદી શરમાઈ ગઈ ને હા પાડી,દાદા એ વીંટી પહેરાવી દીધી ને મંડપ માં જબરો ઉત્સાહ જામી ગયો,.,.
ને હવે આવી લગ્ન ની વિધિ,
દાદા બાજઠ પર ઊભા રહી ગયા, બ્રાહ્મણ આવી ગયા, વિધી ચાલુ કરી ,સાસુમા એટલે ગોટ્યા ની વહુ ગોટલી વરરાજા ને પોંકવા આવી ગઇ ,ગોટ્યાએ દાદાના નાક ની આગળ રૂમાલ રાખી લીધો તાકી ગોટલી વરરાજા નું નાક ના ખેંચી શકે,
પણ ગોટલી એ ગોટ્યાએ તરફ એવા ડોળા કાઢ્યા કે ગોટ્યા એ હાથ ખસેડી લીધો, ને લો દાદા નું નાક ગોટલી એ પ્રેમ થી ખેચી કાઢ્યું, ચારેબાજુ જબરો માહોલ જામેલો હતો,
આ બાજુ દાદી દાદા ને હાર પહેરાવવા આવ્યા, દાદી ની એન્ટ્રી પણ મસ્ત રાખી હતી, બંને બાજુ છ છ છોકરી ઓ હાથ માં દીવા લઈને ચાલતી હતી અને વચ્ચે દાદી લાકડી નો ટેકો લઈને ઠુમકા મારતી દાદા ને હાર પહેરાવવા આગળ આવી,
આ બાજુ ગોટ્યા અને એના મિત્રો એ દાદા ને ઊંચકી લીધા,
પણ દાદી એ પણ દાદા ભણી ડોળા કાઢ્યા તો દાદા પણ નીચે ઉતરી ગયા ને દાદી એ હાર પહેરાવી દીધો,
દાદા માંહ્યરે પહોંચી ગયા, ગોરમહારાજે વિધી ચાલુ કરી દીધી,
' કન્યા પધરાવો સાવધાન' ની બુમ પડી ને આ બાજુ દાદી ડોલી માં સવાર, કન્યા વાળા નાચતા નાચતા માંહ્યરે આવ્યા,
ને હસ્ત મેળાપ નો વખત આવ્યો, દાદા એ જમણી હથેળી આગળ કરી ને દાદીએ પણ ધ્રુજતી હથેળી દાદા ના હાથ પર મુકી દીધી,​​
ને હસ્ત મેળાપ થઈ ગયો, હવે મંગળ ફેરા નો વારો આવ્યો, દાદા તો હજુ કડેધડે હતા, પણ દાદી થી લાકડી વગર ચલાય ના ,એટલે મંગળ ફેરા ને થોડી વાર લાગી, તો અહી ઉતાવળ પણ કોને હતી?!
હવે પ્રસંગ આવ્યો, એકબીજા ને કંસાર ખવડાવવાનો,
બે વચ્ચે એક જ ચોકઠું હતું એટલે બંને એ વારાફરતી ચોકઠું પહેરી ને પેંડો ખાધો, મંડપ માં જબરી હસાહસી ચાલી, દાદી શરમાઈ ગઈ,...
લગ્ન પતી ગયા, ને જમણવાર પણ પતી ગયો ને,સૌ કોઈએ ધરાઈ ધરાઈને ખાધું,
દાદી એ ઘર ની ભીંત પર કંકુ ના થાપા પાડ્યા,
ગોટયો , ગોટલી , પપ્પા અને મમ્મી દાદા દાદી ને લઈને ઘર ની અંદર લઈ આવ્યા, ને દાદા દાદીની આંખ માં હરખ ના આંસુડા આવ્યા, ગોટલી એ છાના રાખ્યા તો દાદા કહે આવતા વર્ષે પાછો મારો વરઘોડો કાઢજો,
હસાહસી વચ્ચે બધાએ ખાધું પીધું ને મોજ કરી...
.
.
.
.
.
.
.
.
...
..
.
.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995