Prem - Nafrat - 32 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૩૨

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૨

'રચના?' લખમલભાઇએ નવાઇથી પૂછ્યું.

'હા, પપ્પા...' આરવે ઋજુ સ્વરે કહ્યું.

'એ જ રચના જેણે 'સુપરફાસ્ટ મોબાઇલ' કંપનીમાંથી માહિતી મેળવી હતી અને આપણા મોબાઇલના લોન્ચિંગને સફળ બનાવ્યું હતું...?'

'હા એ જ રચના...' આરવે ઉત્સાહથી કહ્યું.

લખમલભાઇ હિરેન અને કિરણ સામે જોઇ રહ્યા. આછા અજવાસમાં બંનેએ પિતાના ચહેરા પરથી એમના મનોભાવ કળવાનો પ્રયત્ન કર્યો પણ અંદાજ આવી શક્યો નહીં. એમને રચનાનું નામ સાંભળીને પહેલાં નવાઇ લાગી હતી. બંનેના મનમાં એકસરખા જ વિચાર ચાલી રહ્યા હતા કે હવે તે આરવ પર ખીજવાશે.

લખમલભાઇએ બંને તરફ જોઇને કહ્યું:'તમે કહેતા હતા કે આપણી કંપનીની એક સામાન્ય કર્મચારી છોકરી છે. પણ એ કંપનીના માલિકનો છોકરો અને એક ભાગીદાર જો એને પસંદ કરતો હોય તો સામાન્ય કેવી રીતે કહી શકાય?!'

લખમલભાઇ હસવા લાગ્યા. એમના હાસ્યમાં ખુશી હતી. એમણે આરવના ખભા પર ધબ્બો મારીને કહ્યું:'વિદેશમાં પણ તને કોઇ છોકરી મળી ન હતી. તારી મા કેટલાય સમયથી તારા માટે છોકરીઓ જોવાનું અભિયાન ચલાવે છે. તેં ચપટી વગાડતામાં જ પ્રેમ કરી લીધો અને પસંદ કરી લીધી! જો ભાઇ! મને તો કોઇ વાંધો નથી. તું સુખી અને આનંદિત રહેતો હોય તો એનાથી બીજું સારું શું હોય શકે? પણ તારી મમ્મી સાથે તારે પહેલાં વાત કરવી પડશે. એમની મંજુરી લેવી પડશે. અમે બધાંએ છોકરીને જોઇ જ છે અને એ સુંદર- સુશીલ જ નહીં હોંશિયાર લાગી છે. એણે પોતાની પ્રતિભાનો પરિચય આપી દીધો છે...'

'આભાર! હું હમણાં જ મમ્મીને વાત કરું છું...' કહેતો આરવ ખુશીથી ઝૂમતો ઘર તરફ દોડ્યો. એ હિરેન અને કિરણના લટકેલાં મોં જોવામાંથી બચી ગયો હતો. બંનેને લખમલભાઇના નિર્ણયથી આંચકો લાગ્યો હતો. બલ્કે એવું લાગતું હતું કે વહુ તરીકે રચનાના નામ પર મોહર મારીને લખમલભાઇએ એમને જ અદ્રશ્ય તમાચો માર્યો હતો.

હિરેને પોતાનો પ્રયત્ન ચાલુ રાખ્યો:'પપ્પા, રચના હોશિયાર છે પણ એક સામાન્ય ઘરની છોકરીને આ ઘરની વહુ બનાવવાનું યોગ્ય રહેશે ખરું?'

કિરણ એની વાતનું સમર્થન કરતો હોય એમ બોલ્યો:'...એના વિશે હજુ આપણે પૂરતી તપાસ પણ કરી નથી...'

લખમલભાઇ શાંત સ્વરે બોલ્યા:'બેટા, આપણે તપાસ કરી નથી પણ આરવે જરૂર જાણકારી મેળવી હશે. આરવને હવે જ્યારે કોઇ છોકરી પસંદ આવી જ ગઇ છે ત્યારે અટકાવતાં મન માનતું નથી. એની ઉંમર નીકળી રહી છે. રહી વાત સામાન્ય ઘરની છોકરી હોવાની તો હું તમને એમ પૂછું છું કે તમારી મમ્મી કયા મોટા ઘરની હતી? તમને ખબર છે કે આપણો આ બિઝનેસ વર્ષોથી છે. જ્યારે મારા લગ્ન માટે છોકરીઓને જોવાનું શરૂ થયું ત્યારે મારા મનમાં આરવ જેવા જ વિચાર હતા કે કોઇ સાદી અને સરળ સ્વભાવની છોકરીને પસંદ કરવી છે. જે ઘર સંભાળીને બેસી રહે. જ્યારે તારી માની વાત મારા માટે આવી ત્યારે મારા પિતાએ પણ તમે પૂછ્યો એવો સવાલ કર્યો હતો. હું એ પરિસ્થિતિમાંથી પસાર થઇ ચૂક્યો છું...'

'હું એ જ કહું છું પપ્પા, એ છોકરી ઘરરખ્ખુ નથી. એ નોકરી કરે છે અને તેની મહાત્વાકાંક્ષાઓ મોટી લાગે છે. જે રીતે તેણે 'સુપરફાસ્ટ મોબાઇલ' કંપનીમાંથી માહિતીની ચોરી કરાવી એ પરથી તો મને લાગે છે કે આપણે આંધળો વિશ્વાસ કરવો ના જોઇએ...' હિરેને રચનાને અટકાવવા છેલ્લો દાવ ખેલી લીધો.

'બેટા, સમય બદલાયો છે. હું યુવાન હતો ત્યારે મહિલાઓ આટલી સક્રિય ન હતી. કેમકે એટલી ખાસ ભણેલી-ગણેલી ન હતી. આજની છોકરીઓ ભણીગણીને અવકાશયાત્રાઓ કરી રહી છે. અને લગ્ન પછી રચનાએ નોકરી કરવાની જરૂર જ નથી....' લખમલભાઇ બંને ભાઇઓને પ્રેમથી સમજાવી રહ્યા હતા.

'હા, તમારી વાત સાચી છે.' હિરેન એમ સમજીને બોલ્યો કે પપ્પા રચનાને નોકરી કરવા દેવાના પક્ષમાં નથી.

'રચના લગ્ન પછી આપણા ઘરની સભ્ય બની જશે અને એ કંપનીની એક ડિરેકટર ગણાશે. એણે નોકરી કરવાનો પ્રશ્ન જ આવતો નથી. એની પ્રતિભાનો લાભ આપણે કંપનીના સંચાલનમાં લઇશું...' લખમલભાઇ બોલવાનું પૂરું કરી રહ્યા ત્યારે બંનેના મોં પર કાળી શાહી છંટાઇ હોય એવા ચહેરા લાગતા હતા.

'પપ્પા.... મમ્મી તમને બોલાવે છે...' આરવનો દૂરથી સ્વર આવ્યો.

'હા, આવું છું...' કહી લખમલભાઇ ઘર તરફ ગયા. બંને ભાઇઓ મોં વકાસતા બેસી રહ્યા.

'હિરેન, આરવના લગ્નને હવે એક જ વ્યક્તિ રોકી શકે છે...'

'કોણ?' કિરણે ખુશ થઇને પૂછ્યું:'જલદીથી બતાવ...'

ક્રમશ: