Nehdo - 54 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 54

પછી કનો બોલ્યો, "તે બીજા હગાવાલાને તન બતાડીને હૂ કામ સે?"
કનાના આ પ્રશ્નથી તે દિવસે રાધી શરમાઈ ગઈ હતી. તેના નાજુક નમણાં ગોરા ગાલ પર શરમની લાલી આવી ગઈ હતી. પછી રાધીએ થોડું શરમાઈ અને થોડૉ છણકો કરી કહ્યું, "મારી માડી કેતીથી કે હવે તું વેહવાળ જેવડી થય જય સો. તારે આખી જિંદગી ઢોરા જ સારવા સે? હવે તને મારી હંગાથે વરે પરસંગે કાયમ લય જાવાની સે. તો તું કોકને ધેનમાં આવ્ય અને હારું ઠેકાણું મળે એટલે હવે તારો સંબંધ કરી નાખવો સે."
તે દિવસે આખો દાડો કનો ઉદાસ રહ્યો હતો. બંને વચ્ચે હેત પ્રીત ઘણી હતી. જેમ ઝાડવાને છાયા સાથે,ધરતીને મેહુલા સાથે, હિરણ નદીને કાંઠા સંગાથે, ઉડતી ફુદડીને ફૂલ સાથે, ભેંસોને પાણી સાથે, ઉદાસીને આંસુ સાથે હોય તેવી હેતપ્રીત બંને વચ્ચે હતી.
આજે મા બતક તેના બચ્ચાની સંભાળ લેતી જોઈ રહેલા કનાની મનની ઉદાસી રાધી તરત પારખી ગઈ. એટલે ત્યાંથી કનાનું ધ્યાન હટાવવા માટે રાધીએ કહ્યું, "પોતે નિરાંતે બેઠો સે. આયાં અમને ઊભા ઊભા પગુમાં પાણી ઉતરે સે!"
કનાએ પાણીમાં તરી રહેલી બતક પરથી ધ્યાન હટાવી રાધીને કહ્યું, " બેહી જાની."
ડાળ થોડી ઊંચી હોવાથી રાધીથી ઠેકડો મારીને ચડાયું નહીં. કનાએ રાધીનો હાથ પકડી ઉપર ખેંચી રાધીને વડલાની ડાળ પર બેસાડી દીધી. બન્ને યુવાન ગોવાળિયા વડલાની ડાળ પર બેઠા હતા. બંનેની ડાંગ વડલાની ડાળને ટેકે ઉભી મૂકેલી હતી. પંખીઓના ગાનમાં વચ્ચે વચ્ચે મોરનો ટેહુંક.. ટેહુંક...ગહેકાટ પણ વાતાવરણને ભરી રહ્યો હતો.
મોરના ટહુકા સંભળાતા હતા, પરંતુ મોરલો દેખાતો નહોતો. કનો એ બાજુ જાળા સામે તાકીને બેઠો હતો. એટલામાં જાળા પાછળથી ચણતી ચણતી બે-ત્રણ ઢેલ બહાર નીકળી, તેની પાછળ લાંબા પીછાનો ભારો ઉપાડી મોર પણ નીકળ્યો. બધી ઢેલો પોતાના ધ્યાનમાં ચણવા લાગી. મોરે ફરી પોતાના પીછાનો ભારો ધ્રુજાવી, ઊંચા કરી કળા કરી. ચણતી ઢેલો ફરતે મોર નાચવા લાગ્યો. કનો મોરલાને જોવામાં મશગૂલ થઈ ગયો હતો. મોરને જોઈ રહેલા કનાને રાધીએ પ્રશ્ન કર્યો,
"હે કના, તને ક્યું પંખીડું હવથી વધુ ગોઠે?"
કનાએ નાચતા મોર સામે જ નજર રાખીને કહ્યું,
"મને તો મોરલો બહુ ગોઠે!"
રાધીએ કહ્યું, "કીમ મોરલો ગોઠે?"
હવે કનાએ રાધી તરફ જોયું અને કહ્યું, "તું જ જોને મોરલો કેવો રૂડો લાગે સે! ઈના પિસાનો કલર કેવો રૂડો સે!!"
રાધીએ વિરોધ નોંધાવતા કહ્યું," તે રૂડું હોય એ બધું કાય હારું જ હોય એવું નથી હો કાઠીયાવાડી!!"
કનાએ કહ્યું, " મોરલામાં તને હૂ વાંધો લાગે સે?"
રાધીએ કહ્યું, "તું ઈની હામે જોય રાખ્ય એટલે તને હંધિય ખબર પડી જાહે!"
કનો મોર અને ઢેલ ચણી રહ્યા હતા એ તરફ તાકી રહ્યો. મોર પોતાની બાજુમાં ચણતી ઢેલને રિઝવવા તેની ફરતો ફરતો ફરવા લાગ્યો. તે ઘડીકમાં કળા કરેલા પીંછા ધ્રુજાવી ઢેલનું ધ્યાન ખેંચવા લાગ્યો. અને એકદમ આવેશમાં આવીને ટેહુક..ટહુક.. બોલવા લાગ્યો. પરંતુ ઢેલે તેના પર ધ્યાન ન આપ્યું ને મોર વધારે નજીક આવતા ઢેલ ત્યાંથી ઊડીને દૂર જતી રહી. એટલે મોરે પોતાના ફેલાવેલા પીંછાની દિશા ફેરવી નાખી, અને બીજી બાજુ ચણી રહેલી ઢેલની સામે કળા કરી નાચવા લાગ્યો. નાચતા નાચતા તે ઢેલની નજીક જવા લાગ્યો. મોરનું આ વર્તન આ બીજી ઢેલને ગમતું હોય તેવું લાગતું હતું.
હવે રાધીએ કહ્યું, "કાય હમજાણું કાઠીયાવાડી? મોરલો રૂપાળો ભલે રીયો પણ એણે એક ઢેલડી ઉડી જય તો બીજી ને પકડી લીધી."
કનાએ વળતો પ્રશ્ન રાંધીને કર્યો, "તો તન ક્યુ પંખીડું ગોઠે?"
રાધીએ કહ્યું, "મને તો સારસ બેલડી ગોઠે. જો હામે ડેમને કાંઠે કુંજડાં જેવા લાલ માથાવાળા બે પંખીડા બેઠા ઈ સારસ બેલડી સે. ઈ આખી જિંદગી એકની હારે જોડી બનાવીને રે. એમાં જો કેદિયે એકાદુ મરી જાય તો બીજુ સારસ માથું ભટકાડી ભટકાડીને પોતાનો જીવ આપી દે. ઈ એકલું કે બીજા હારે જોડી બનાવી જીવતું નથી. આને હાચો પરેમ કે'વાય. ઈ હારું મને આ સરસ જોડલું બહુ ગોઠે."
વાત કરતા કરતા રાધીની આંખોમાં આંસુ આવી ગયા. રાધીની આ ભાવના કનો પણ સમજી રહ્યો હતો. એવામાં સામે નાચી રહેલ મોરલો ખૂબ આવેગમાં આવી ગયો. કળા કરેલા પીછા જોરજોરથી ધ્રૂજાવા લાગ્યો. ને ટેહૂક....ટેહુક્.. ગહેકાટ કરવા લાગ્યો. મોરની આ વ્યાકુળતા ઢેલને પણ પસંદ આવતી હોય તેવું લાગ્યું. તે મોરની નજીક જ ચાંચથી ધૂળને ઊથલપાથલ કરી તેમાં રહેલા બી ચણવામાં મશગુલ હતી. કનોને રાધી મોરની આ હરકત વડલાની ડાળે બેસીને જોઈ રહ્યા હતા. કના માટે તો કદાચ આ નવીન હશે,પરંતુ રાધીએ તો ગીરમાં મોરલાના આવા પ્રેમના ઘણા દ્રશ્યો જોઈ લીધેલા હતા. રાધી હવે આગળ શું થવાનું છે, તે જાણતી હોવા છતાં તે કશું કરી શકે તેમ ન હતી. ગીરનો એક વણલખ્યો નિયમ સદીઓથી ચાલ્યો આવે છે. કે "પ્રાણી, પંખી કે જીવજંતુને શિકાર અને શિકારી પ્રક્રિયામાં અને પ્રેમમાં મગ્ન જોડાને ક્યારે ખલેલ પહોંચાડવી નહીં. આ બધું તેમના માટે કુદરતે નિર્મિત કરેલું છે."
તેથી તે હાંકલો કરી કળાયેલ મોરને ઉડાડી શકે તેમ નહોતી.તે શરમાઈને કના સામે જોઈ રહી હતી. કનો પ્રેમમાં મદમસ્ત બની નાચી રહેલા મોરલા સામે જોઇ રહ્યો હતો. એવામાં પ્રેમના નશામાં મસ્ત બનેલા અને ખૂબ થનગનાટ સાથે નાચી રહેલા મોરલાના નિવેદનને ઢેલે સ્વીકારતા, મોરલાએ ઝૂકેલી ઢેલને પોતાના પીંછાથી ઢાંકી દીધી. અને ઢેલની કલગીને પોતાની ચાંચમાં લઈને મોરલો ઢેલને પ્રેમમાં નવડાવવા લાગ્યો. પહેલી વખત મોર અને ઢેલનું આ પ્રેમ કરતું યુગલ જોઈને કનો તો આભો જ બની ગયો. રાધીએ મોર ઢેલના યુગલ તરફ આડી નજરે જોઈ લીધું. તેના મોઢા પર સ્ત્રીસહજ શરમના શેરડા ફૂટી ગયા. રાધી નીચે જોઈ ગઈ,તે બાજુમાં પડેલી ડાંગ લઈ તેના વડે જમીન ખોતરવા લાગી. કનાનું ધ્યાન હજી પેલા મોર ઢેલના જોડા પર હતું. રાધીને આજે કનો નશરમો લાગી રહ્યો હતો. અને તેનાથી વધુ પેલો મોરલો કે જેણે હજુ પણ ઢેલને ઝાલી રાખી હતી.
પ્રેમની પળો પસાર થઇ ગયા પછી, મોર ચાંચ વડે પોતાના પીંછા ગોઠવી રહ્યો હતો. ઢેલ જાણે કશું ન બન્યું હોય તેમ, પોતાના પગે પગે જમીન ખોતરી ખડધાન ગોતીને ચણવા લાગી ગઈ હતી. પ્રેમની પરાકાષ્ઠાવાળુ દ્રશ્ય નિહાળ્યા પછી, કનાના મનમાં કંઇક પ્રશ્ન રમી રહ્યો હોય એવું લાગતું હતું. તેણે રાધી સામે જોયું તો રાધીના મોઢા પર હજી શરમની લાલી દેખાઈ રહી હતી. તે પોતાની નજર નીચે ખોડીને બેઠી હતી. કનાએ રાધી સામે જોઈ પ્રશ્ન કર્યો,
"હે... રાધી, અમારા કાઠીયાવાડમાં તો માણા એવું કે સે કે ઢેલ મોરના આહું (આંસુ) પીયને ઈંડા દે!!?"
રાધી ક્નાનો પ્રશ્ન સાંભળી કના સામે જોઈ રહી. પછી રાધી જોર જોરથી હસવા લાગી. તેણે કનાના વાહામાં એક ધબ્બો માર્યો. તે ડાળ પરથી ઠેકડો મારી નીચે ઉતરી ગઈ. તે હજી પણ કના પર હસી રહી હતી. હસી હસીને તેની આંખમાં આંસુ આવી ગયા. રાધી હસતી હસતી ફરી બોલી, " આહુ પીયને ઈંડા દે...."
ક્રમશ: ....
(ગીરના જંગલમાં પાંગરી રહેલો સારસ બેલડીનો પ્રેમ નિહાળવા વાંચતા રહો, "નેહડો (The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts up no. 9428810621