Matrutvni Sarvani books and stories free download online pdf in Gujarati

માતૃત્વની સરવાણી

સ્નેહા દેખાવે આકર્ષક, શ્યામ, સામાન્ય યુવતીઓ કરતાં થોડી વધુ ઊંચાઈ ધરાવતી અને સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં આૅફિસરનો હોદ્દો ધરાવતી ખૂબ જ સાલસ યુવતી. સવાર સવારમાં ઘરમાં બેસી વિચારે છે, હજી તો પાંચ વર્ષ પહેલાં જ પોતાનાં જ સહપાઠી અને હાલ રોબોટિક એન્જિનીયર એવા નિઃશેષ જોડે રજિસ્ટર્ડ મેરેજ કરેલ. પછીના વર્ષે થોડી ધાર્મિક ભાવના જાગતાં બંન્નેએ પોતાનાં માતાપિતા અને થોડાં મિત્રોને બોલાવી શ્રી નારાયણ ભગવાનના મંદિરમાં અગ્નિની સાક્ષીએ મંગળફેરા લીધેલા. બંન્નેનો પોતપોતાની કારકિર્દી ને નવો ઓપ આપતાં આ સમય ક્યાં નીકળી ગયો તેનું ધ્યાન જ ન હતું. આજે સ્નેહા અને નિઃશેષ, બંન્ને હજી પાછલા મહિને જ પોતપોતાની ચોત્રીસમી વર્ષ ગાંઠ ઊજવી ચૂક્યાં હતાં. સ્નેહાનાં વિચારોમાં બ્લેક કોફી અને ગરમાગરમ ટોસ્ટ સેન્ડવીચ સાથે તેની માનીતી રોબો હેલ્પર, માનસીએ ખલેલ પહોંચાડી, 'મિસ, સાત વાગી ગયાં. નાસ્તો તૈયાર છે.' નિઃશેષે આવીને સ્નેહાની સામે જ ખુરશીમાં બેઠક લીધી. માનસી તેના કોટ, આૅફિસબેગ અને કારનું કાર્ડ લઈ આવી ગઈ, અને તેની ગ્રીન ટી અને ડાયેટ બિસ્કીટ્સ લઈને ફરી હાજર થઈ ગઈ. બંન્ને નાસ્તો પૂરો કરી ઘર બહાર નીકળ્યાં જેના દરવાજા આપમેળે ઘરનાં માલિકોના ચહેરાનાં સેન્સર્સથી સજ્જ હતાં, તે આપમેળે જ ખૂલી ગયાં. અને તેમનાં બહાર જતાં જ બંધ થઈ ગયાં. અહીં માનસી ઘર સ્વચ્છ કરવા માટે તૈયાર થઈ ગઈ.

સ્નેહાએ પોતાનો પંજો દરવાજા ઉપર મૂકતાં જ હાથના સેન્સરથી કારના દરવાજા ખૂલ્યા અને તે બંન્ને સીટ ઉપર બેસી ગયાં. સ્નેહાએ પ્રોગ્રામ રૂટિન ૦૧ પસંદ કર્યો અને કાર સ્ટાર્ટ થઈ ઉર્ધ્વ ગતિ કરવા લાગી. લગભગ ૬૦-૭૦ મીટર ઉપર જઈ તેટલું જ અંતર જમીનથી જાળવી તે આૅફિસની દિશામાં દોડવા લાગી. આજની આ દસ મિનિટની મુસાફરીમાં બંન્નેની ચર્ચા નો મુદ્દો એક જ હતો, તેમનું પોતાનું એક બાળક. પણ, આટલી કામકાજમાં ખૂંપેલી અને પોતાના ડિપાર્ટમેન્ટની એક બાહોશ આૅફિસર બાળજન્મ અને ઉછેર માટે પૂરતો સમય આપી શકે તેમ નહોતી. અને સરોગસી માટે તેમની પસંદ કોઈ પર ખરી ઊતરતી નહોતી. બાળ ઉછેર માટે પણ એક આયા તો જોઈએ જ અને તે પણ માયાળુ અને વિશ્વાસુ. તેમને થતું જો સ્નેહાની ખુદની કાળજી લેવા તેઓ પાસે સમય નહોતો તો એક સૅરોગેટનું ધ્યાન તેઓ કેવી રીતે રાખશે? ઘણાં દિવસથી ચાલતી આ ગડમથલ તેમને બંન્નેને અકળાવતી.

ટ્રાફિક સિગ્નલ પર કાર પ્રોગ્રામ મૂજબ ઊભી રહેતાં બંન્નેને એક હળવો ધક્કો અનુભવાયો અને સ્નેહાના મગજમાં એક વિચાર સ્ફૂર્યો. 'નિઃશેષ, શું આપણે માનસીના જ ના પ્રોગ્રામમાં થોડાં ચેઈન્જીસ કરી તેને આપણી સૅરોગેટ ન બનાવી શકે?', 'તેવા રોબોટ હજી પ્રયોગમાં છે, ડીયર. માનસીને રીપ્રોગ્રામ કરવાનું પરિણામ શું હોઈ શકે હજી કાંઈ ચોક્કસ નથી. એનાં કરતાં સૅરોગસી સેન્ટર જ જઈએ.' સ્નેહા વળતાં બોલી, 'નિશેષ, મારી ઈચ્છા છે કે બાળકનો વિકાસ ખૂબ જ ધ્યાનપૂર્વક અને સિસ્ટમેટિક થાય. આપણા જેટલી પરફેક્ટ કોઈ સૅરોગેટ તો નહીં જ મળે. મેં કુલ છ સેન્ટરની સૅરોગેટસનાં બાયોડેટા અને રીઝલ્ટઝ સ્ટડી કર્યાં છે છેલ્લા ત્રણ મહિનામાં.' થોડું વિચારી નિઃશેષે જવાબ વાળ્યો, 'ઓકે, હું માનસીના બેઝિક પ્રોગ્રામમાં થોડાં ચેઈન્જીસ કરી દઉં છું જેથી, તે માનવ ભાવિ માતા જેવા ઈમોશન્સ અનુભવી શકે. ત્યાં સુધી સરોગસી સેન્ટરનાં ડૉક્ટર્સ સાથે તું વાત કરી રાખ. તેમના માટે પણ પ્રથમ રોબો સૅરોગેટનો કેસ હશે. તેમના માટે ચેલેન્જ થોડી કપરી પણ રોમાંચક હશે.'

આ વાતચીતના બરાબર ત્રણ મહિના પછીની એક સાંજ સ્નેહા અને નિઃશેષને માટે ખુશીઓથી ઉભરાઈ ગઈ. નિઃશેષે રોબો માનસીના પ્રોગ્રામમાં અને સ્ટીલબૉડીમાં કરેલ ચેઈન્જીસ અને આઈ. વી. એફ. નો સફળ પ્રયોગ, એક રોબોના ગર્ભમાં એક માનવબાળનું સફળ આરોપણ થઈ ગયું હતું. સાથે સાથે નિઃશેષના પ્રયોગો પણ સફળ થઈ રહ્યાં હતાં. માનસીમાં સ્નેહા જેવાં માનવીય સંવેદના ધીરે ધીરે જાગી રહ્યાં હતાં. નેહા હવે માનસીની કાળજી રાખતી હતી, જે તેની આ સંવેદનાઓને પોષવા જરૂરી હતું. માનસીની સ્ટીલબૉડીમાં માનવબાળના ઉછેર માટે જરૂરી પોષણ, આૅક્સિજન પહોંચાડવા કેટલીક સિસ્ટમ જોડવામાં આવી હતી. તેનાં બાૅડીમાં એબ્ડોમિનલ કેવિટી બનાવી ઈલાસ્ટીસીટી ધરાવતું આબેહૂબ સ્ત્રીના શરીરની રચના જેવું ગર્ભાશય આરોપાયું હતું.

રેગ્યુલર ચેકઅપ્સ, વિટામિન-મિનરલના ડોઝ, જુદાંજુદાં પોષક દ્રવ્યો, એકકોષી એમ્બ્રિયોને બહુકોષી બાળ બનાવી રહ્યાં હતાં. અને તેના રચયિતા હતાં નિઃશેષ અને સ્નેહા. ગર્ભાવસ્થાના પ્રથમ પાંચ મહિનામાં માનસીમાં ઘણાં જ સકારાત્મક ફેરફારો નોંધાતા હતાં જે સ્નેહાને અને નિઃશેષને ખૂબ જ રોમાંચિત કરતાં હતાં. માનસીની સિસ્ટમ બાળકને જરૂરી પોષણ પહોંચાડતી, ગર્ભસ્થ બાળક માટે સંગીત વગાડતી, ભાગવત ગીતા અને રામાયણની ડીસ્ક વગાડતી. આસપાસનું વાતાવરણ એકદમ તરોતાજા રાખતી. છઠ્ઠા મહીનામાં સ્નેહાની આૅફિસર નજરમાં કાંઈક અજૂગતું નોંધાયું પણ નિઃશેષે માનસીની સિસ્ટમ ચેક કરીને 'ઓલ વેલ' નું સિગ્નલ આપ્યું.

તેઓએ બાળકના જીવનનો જરૂરી એવો સીમંત સંસ્કાર કરવાનું નક્કી કર્યું હતું. એટલે સાતમા મહિનાની મધ્યમાં માનસીનો સીમંત સંસ્કાર યોજાયો. એક સૌભાગ્યવતી સ્ત્રીની જેમ સ્નેહાએ તેને સજાવી હતી. આજે ફરી સ્નેહાને કાંઈક અલગ અનુભવાયું માનસીમાં. તેનાં સીલીકોનની કુમાશવાળાં ગાલ જાણે માનવનાં ગાલ જેવાં લચીલાં લાગતાં હતાં. સ્નેહાએ ઇશારાથી નિઃશેષને બોલાવી માનસીની હથેળીમાં તેનો હાથ મૂક્યો. તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેનાં હાથની કુમાશ બિલકુલ સ્નેહાના હાથ જેવી હતી. વળી, તેનાં કાંડામાં હથેળીથી થોડે જ નીચે બિલકુલ માનવશરીર જેવાં ધબકારા સંભળાતા હતાં. બંન્નેની આંખો સાનંદાશ્ચર્ય માનસીની આંખોમાં જોઈ રહી અને 'રોબો' ની બંન્ને આંખમાં એક એક મોટું આંસુ તગતગી ઊઠ્યું.

નિઃશેષે માનસીને બંન્ને હાથે ઊઠાવી તેના વર્કશોપમાં લઈ ગયો. સ્નેહા તેની સાથે જ દોડી. વીસ મિનિટના સ્કેનીંગ, મેપિંગ, બેસિક સ્ટ્રક્ચર પ્રોગ્રામ સાથેની કંપેરિઝન દરમિયાન મૉનિટર જોતાં જોતાં, રિપોર્ટસ વાંચતા નિઃશેષના મોં ના ભાવ સતત બદલાઈ રહ્યાં હતાં. સ્નેહા ખૂબ જ વિહ્વળતાથી ક્યારેક નિઃશેષને તો ક્યારેક મૉનિટર ઉપર તો વળી ક્યારેક શાંત રહેલી માનસીને તાકી રહી. નિઃશેષ છેલ્લો રિપોર્ટ વાંચી હવામાં ઉછળી જોરથી કીકીયારી પાડી ઊઠ્યો. માનસી ડરની મારી સ્નેહાને વળગી પડી, સ્નેહાએ તેને એક સામાન્ય સગર્ભાની જેમ પોતાના હાથ તેની ફરતે વીંટી તેને સાંત્વના આપી. થોડી ક્ષણો બાદ સ્નેહાને માનસીની વાસ્તવિકતા યાદ આવતાં તેણે પોતાની પકડ ઢીલી કરી. તેનું આ છોભીલાપણું નિઃશેષના ધ્યાન બહાર નહોતું. તેણે માનસી તરફ જોતાં સ્નેહાને ઉદ્દેશીને કહ્યું, 'મેં કમાલ કરી દીધો. માનસીને બેસ્ટ સરોગેટ બનાવવા જે પ્રોગ્રામ ચેઈન્જીસ કર્યાં અને સેલ ડેવલપમેન્ટ લીકવીડ અને સંવેદનાનાં હોર્મોન્સ બાળકને અપાતાં હતાં તેણે આ રોબોને સંપૂર્ણ માનવ જેવો બનાવી દીધો છે. તે બળ અને બુદ્ધિમાં એક રોબો છે પણ કોઠાસૂઝ અને સંવેદનો માનવીના.'

સ્નેહાને હજી મૂંઝવણ હતી કે નિઃશેષ ખરેખર તેને શું કહી રહ્યો છે. તેનાં વિસ્ફારિત નેત્રોને હવે નિઃશેષ સાચી સમજ આપવા જઈ રહ્યો હતો. માનસી અને સ્નેહા બંન્ને નિઃશેષની ડાબી તરફ ઊભાં હતાં. નિઃશેષને પોતાનાં ગળામાં પ્લેટિનમની ચેઈનમાં પહેરેલ અષ્ટકોણાકાર પેન્ડન્ટની બરાબર નીચેની તરફ રહેતાં એક નાનાં અર્ધગોળાકાર ભાગને દબાવ્યો જે સિક્સ્થ સેન્સ કોમ્પ્યુટરનું એક્ટિવેશન બટન હતું. પાંચ જ સેકન્ડમાં તેમની નજર સામે જમીનથી ત્રણ ફૂટ ઉપર અને તેમનાથી લગભડ સાડાચાર ફૂટ દૂર એવો એક આઠ બાય છ ફૂટનો અર્ધપારદર્શક સ્ક્રીન આવી ગયો અને નિઃશેષના વરબલ કમાન્ડઝના આધારે તેની ઉપર કેટલાંક સમીકરણો દેખાવા લાગ્યાં. જેનું અર્થઘટન કરતાં નિઃશેષે કહ્યું, 'જ્યારે માનસીના સ્ટીલ બોડીમાં બાળકના કૃત્રિમ વિકાસ માટે દર અઠવાડિયે સેલ અને હોર્મોન્સના ડોઝ અપાતાં હતાં જે બાળકનો બિલકુલ માનવમાતાના શરીરની અંદર વિકાસ કરવા કુદરતી રીતે જ બનતાં હોય છે તે ડોઝે ચમત્કાર સર્જ્યો હતો. બાળકનું શરીર તો વિકાસ પામતું જ હતું પણ તે ડોઝની આડઅસર રૂપે, માનસીના સ્ટીલ બોડીની આસપાસ સેલ્સનાં જાળાંઓએ આકાર રચવા શરૂ કરી દીધાં. અને આજે માનસી માત્ર યાંત્રિક રોબો નથી રહી, તે સાચા અર્થમાં હાડ-માંસ, રૂધિર અને સંવેદનો ધરાવતી સ્ત્રી બની ચૂકી છે.' આટલું એકીશ્ચાસે બોલીને નિઃશેષે પ્રથમ માનસી અને પછી સ્નેહા તરફ જોયું. માનસીની માનવીય નજરો સ્ક્રીન જોતાં જોતાં સતત ભાવનામય બની વહી રહી હતી. સ્નેહાએ નજરોને સ્ક્રીન ઉપરથી નિઃશેષ તરફ અને પછી માનસી તરફ ફેરવી. અને તેને બિલકુલ માનવ સખીની જેમ પ્રેમથી ભેટી પડી. પ્રત્યુત્તરમાં માનસીએ પણ પોતાના બંન્ને હાથ સ્નેહાની ફરતે વીંટાળી દીધાં. સ્નેહા માનસીનાં શરીરમાં આકાર લઈ ચૂકેલાં બે હ્દય નાં ધીમાં ધબકાર અનુભવી રહી.

સ્નેહાને સમજ નથી પડી રહી તે કઈ ખુશીને પહેલાં વ્યક્ત કરે, માનસીના આ અનોખા ફેરફારની, પોતાનાં જન્મનાર બાળકના પરફેક્ટ પોષણ અને ઉછેર ના સફળ પ્રયોગની કે પોતાના પતિની આ અણધારી સિદ્ધિની? માનસીનો આ બદલાવ માનવજાતિની અપ્રતિમ સિદ્ધિ હતી. તે પૃથ્વીની પ્રથમ 'મેન્ડરોબ' પુરવાર થવા જઈ રહી હતી.

બાંહેધરી: વાર્તા 'માતૃત્વની સરવાણી' મારી એટલે કે અલ્પા મ. પુરોહિત (વડોદરા) ની સ્વરચિત કૃતિ છે. જે મેગેઝિન જ્યોતિકળશ અંક ફેબ્રુઆરી 2022માં પ્રોત્સાહન ઈનામને પાત્ર બનેલ છે.

આભાર
અલ્પા મ. પુરોહિત
વડોદરા