vachet vahu books and stories free download online pdf in Gujarati

વચેટ વહુ

તારીખ : ૨૧-૦૨-૨૦૨૨

બાજુવાળાં મણિમાસીને ત્રણેય દીકરાઓ ઉપર ખૂબ જ ગર્વ. મોટો જીતેશ. સાવ અઢારમે વર્ષે તેને તેર વર્ષની જ્ઞાતિની, ખોરડે અને મોભે ગરીબ પણ તન અને મનથી અતિ રૂપાળી જયશ્રી જોડે પરણાવી દીધેલો. તેનાં સંસારની વાત ફરી કો'ક વાર કરીશ. સૌથી નાનો હિતેષ, જયશ્રી ભાભીથી એકવર્ષે મોટો પણ જવાબદારીમાં તેમનાં બે વર્ષ ના દીકરાનેય ડાહ્યો કહેવડાવે એવો. પણ, હમણાં આપણે હિતેષની વાત પણ નથી માંડવાની.

આજે વાત માંડીશું મણિમાસીના વચેટ દીકરા જયમલની. જયમલ મોટાભાઈ જીતેશથી હંમેશ ડરે. નાના જેવો બેફિકર નહીં. થોડો મૂંગોમંતર. તે મણિમાસી અને ભીખાકાકા, અરે, તમે પૂછો તે પહેલાં જ કહી દઉં. ભીખાકાકા એટલે મણિમાસીના કપાળના એયને રૂપિયા જેવા ગોળ લાલચટાક કંકુના ચાંદલાની જીવંત મૂર્તિ. જેમ ચાંદલાનું કંકુ મણિમાસીના હાથના ઘસરકા વગર ના હલે તેમ ભીખાકાકા યે માસીના હુકમ વિના ના હાલે, અરે, હાલી જ ના શકે.

ગામ વચાળે તેમની મોટી, મોભાદાર દુકાન. ગામનાં થોડું મોટું અને સુખી. દોઢસો'ક ઘરની વસ્તી. ખેતરના માલિકો ને ભાડુઆત નોકરિયાતોની મોટાભાગની વસ્તી. મણિમાસીનો કડપ ઘરમાં ખરો પણ, બહાર ખૂબ જ સાલસ. કોઈનેય ખપમાં આવે. દુકાને બેય મોટાં દીકરાઓ અને પતિ સાથે બેસે. વહુનું કામ ઘર, બાળકો ને રસોડાં પૂરતું.

હવે, મણિમાસી આ બાજુ જયમલ માટે સુકન્યા ખોળતાં હતાં, અદ્દલ જયશ્રી જેવી. સીધી-સાદી, ઓછું ભણેલી. પણ, તેમના ગોળમાં હવે ઝાઝી કન્યાઓ ભણતી હતી. ગામડાની ઓછી ભણેલ તેમને ગમાર લાગતી. આખરે દોઢ-બે વર્ષની દોડ-મજલ પછી તેમણે કળશ ઢોળ્યો એક દાળની મિલના માલિકની દીકરી અનિતા ઉપર. અનિતાને સગાઈ થતાં જ અઠવાડિયું ઘરે રોકાવા બોલાવાઇ. સાવ, દસમા ધોરણમાં ભણતી એ કન્યા. પણ, હાડે ભારે ઊંચી. આજુબાજુના લોકોમાં વાતો શરૂ થઈ ગઈ અને હોશિયાર પડોશણોએ તો ઊંચાઈનો દાવો કરી જ દીધો કે અનિતા જયમલભાઈથી એયને વેંત ઊંચી છે. વળી, ચાર છોકરાની માતા તોયે સહેજે રૂપાળી એવી જયશ્રીના તોલે આ અનિતા તો સાવ ઝાંખી. ન રંગ કે ન રૂપ. અને ચાલ તો જાણે પકડ દાવમાં દાવ આપતી હોય તેવી. પણ, મનથી દસમા ધોરણની કોઈ પણ બીજી કન્યા જેટલી જ ગભરૂ. આટલા મોટાં ઘર અને પાડોશ વચ્ચે સાવ અજાણી.

મણિમાસી તેને ઝાઝી એકલી ન પડવા દે. ચારેક દિવસના રોકાણમાં તેને દુકાન બતાવી, પાડોશની અને સગાંની સ્ત્રીઓ સાથે પોતાની હાજરીમાં ઓળખવિધિ કરાવી. ત્રીજા દિવસે સાડીઓ અને ચોથા દિવસે સગાઈના ઘરેણાંની ખરીદી કરાવી પોતે જ તેના માવતરને ઘરે મૂકી આવ્યાં.

મણિમાસીને જયમલના સગપણની જેટલી ઊતાવળ હતી તેટલી લગ્નમાં ન હતી. તેમનું વલણ અનિતાને બારમું ધોરણ પુરું કરાવવાનું હતું. અનિતાના પપ્પાએ જ વેવાણના કાને વાત નાખી હતી. આ બાજુ મણિમાસી એટલાં જમાનાનાં ખાધેલ હતાં કે અનિતા ગમે એટલું ભણી લે, પોતાનાથી વધારે ગણેલ તો નહીં જ નીવડે.

અનિતા વચ્ચે વચ્ચે સાસરે આવતી. પણ, તેનો વાસ તેની જેઠાણી, સાસુમા અને આજુબાજુની પાડોશણો વચાળે જ રહેતો. ભાવિ ભરથાર જયમલને તો દિવસે તેની આજુબાજુ ફટકવાનીયે માતૃઆજ્ઞા ન હતી અને રાત્રે ઘરનાં ભોંયતળિયે ચાર પુરુષો સૂઈ રહેતાં અને દાદર ચઢી ત્યાં દરવાજે તાળું મારી મણિમાસી પરિણિત અને વાક્દાન લીધેલી વહુઓ સાથે ઉપલા માળે સૂવાં જતાં રહેતાં. આમ, લગભગ દર દોઢ-બે મહિને થતું. શાંત જીતેશ પણ ધૂંધવાતો પત્ની ઉપર. પણ, માતાને પોતે નહોતો બોલી શકતો તો બિચારી જયશ્રીની તો શી વિસાત? સવાર પડે ને મા તાળાં ખોલે એટલે તે પોતાની પત્ની અને બાળકોનાં મોં જોવા તરસી નજરે દેખતો રહેતો દાદર બાજુ. એકવાર તો મણિમાસીએ તેની મુખમુદ્રા જોઈ સવારની ચ્હા પહેલાં જ નાસ્તો કરાવી દીધો, પોતાનાં ગરમ વચનોથી, 'તે જીતેશ, તારી એ જયશ્રી ને છોકરાં કાંઈ ચાર દિ' માં ગળી નહીં જાય. મારેય પારકી દીકરીને સાચવવાની કે નહીં? ' મા ને કશું કહેવાય એમ ન હતું એટલે, જીતેશ જયમલને ચા-નાસ્તો દુકાને લાવવાનું કહી, સવારમાં માલ આવવાનો છે કહી નીકળી ગયો. આ સંવાદથી જયશ્રી અને અનિતા બંન્નેની આંખો અલગ-અલગ કારણે ભીની થઈ ગઈ. પણ, બેય બાજી સંભાળવા કામે લાગી ગઈ.

વિવાહને વરસ વીત્યું. અનિતાની અગિયારમા ધોરણની પરીક્ષાઓ પતી ગઈ. હજી, લગ્નને એક વર્ષની વાર હતી. એક સાંજે મણિમાસીએ જયશ્રીને જીતેશ સાંભળે તેમ જ કહ્યું, 'આજે સોમવાર છે. કાલે જયમલ અને હિતેષ મોસાળ જાય છે, સાંજે. તેમને સામાન બાંધવામાં મદદ કરજે, અને હા, શુક્રવારે સવારે અનિતા આવવાની છે, આ વેળા દસ દિ' રહેશે.' જયશ્રી મનના ભાવ છુપાવી હસીને બોલી,' હા મા, બધું થઈ જશે.' જીતેશ સૌથી નાના દીકરાને તેડી ઊપર સૂવાના ઓરડે જતો રહ્યો. તેનાથી મોટી બે દીકરીઓ અને એક દીકરો ધીરે ધીરે પગથિયાં ચઢી પાછળ ગયાં. જયશ્રીને પરવારતાં બીજો એકાદ કલાક થયો.

આજે શુક્રવાર હતો. ચાર દિ' થી ઘરમાં કામ થોડું ઓછું હતું. બે દીકરા જેવા દિયર મોસાળમાં હતાં. પણ, આજે તો અનિતા આવવાની હતી. સવારથી જયશ્રી થોડી પરવારવાની ઉતાવળમાં હતી. તેનેય અનિતા જોડે હવે બેસવું ગમતું. ત્યાં તો તેણે જોયું કે પતિ અને સસરાજી દુકાને સિધાવ્યા પણ મણિમાસી હજી ઘરમાં કોઈ ને કોઈ કામ શોધી કરી રહ્યાં હતાં. દસ વાગતાં તેને પૂછવાની અદમ્ય ઈચ્છા થઈ પણ, એ બાબત તેના અધિકારની ન હતી તેથી તે ચૂપ જ રહી ગઈ. વળી, મણિમાસી બિમાર પણ નહોતાં લાગતાં જેથી ચિંતાનીયે વાત નહોતી. ઊલટાંના સાસુમા ગુજરાતી લગ્નગીત ગણગણતાં હતાં, 'જાનમાં તો આવ્યાં મોટાં'. જયશ્રી મલકતી દાળમાં વઘાર કરી રહી અને પોતે જયમલભાઈના લગ્નમાં મોટી વહુ તરીકે એયને બનારસનું ભારે સેલું અને બે પટોળાં લેશે એમ નકકી કર્યું. હજુ તો ઘરેણાંનું શું કરશે એ વિચારે ત્યાં મણિમાસીની પોક સંભળાઈ. જલદીમાં દાળની તપેલી ચઢાવેલો ગેસ બંધ કરી દોડી તો મણિમાસી ઉંબરાની અંદર, માથે હાથ દઈ અધડૂકાં બેઠેલાં અને પેલે પાર જયમલભાઈ અને અનિતા ગળામાં હાર, માથે કંકુનાં ચાંદલા સાથે સજોડે ઊભેલાં. આજુબાજુના લોકોને તો તેડાં કરવાં જ ન પડ્યાં કોઈ વણક્હયે જ જઈને દુકાનેથી જીતેશ અને ભીખાકાકાને બોલાવી લાવ્યું. થોડી કળ વળતાં મણિમાસી ઊભાં થયાં અને જયશ્રી જે પાછળ જ ઊભી હતી તેને લોટો ભરી પાણી લાવવા કહ્યું. જયશ્રીએ અત્યાર સુધીમાં અનિતાના ગળામાં લટકતું મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર પણ જોઈ લીધાં હતાં. તે થોડી ડરેલી ચાલે રસોડામાંથી પાણી લઈ આવી. મણિમાસીએ બંન્ને આગંતુક, દીકરા અને વહુની નજર ઊતારી ઘરમાં અંદર લીધાં. પાડોશીઓને હંકારવા, 'અમારો મામલો અમે ફોડી લઈશું, કહી દીધું. મણિમાસીનો પ્રકોપ જોવા ભેગા થયેલાં લોકો ગણગણાટ કરતાં છૂટાં પડી ગયાં. કોઇ ને કાંઈ સંભળાયું કે સમજાયું નહીં. મણિમાસીની દુકાન તે દિવસે બંધ રહી. ઘરમાંથી કોઈ નીકળ્યું નહીં કે અંદર કોઈને બોલાવાયું નહીં.

પછીના ત્રણ દિવસ, ઈતિહાસમાં પહેલી વાર મણિમાસીના ઘર અને દુકાન બંન્ને જગ્યાએ તાળાં લટકતાં હતાં. બધાં ચોથા દિવસે સવારે પાછાં ફર્યાં ત્યારે અનિતાવહુના માવતર પણ આવેલાં હતાં. મણિમાસીએ નવા વેવાણ સાથે ઘેર ઘેર જઈ લગ્નની મિઠાઈ રુપે ઘરદીઠ મોહનથાળનાં ચાર ચાર ચકતાં વહેંચ્યાં.

હજુયે અનિતા મણિમાસીના કડક જાપ્તામાં હતી. તે એકલી ક્યારેય બહાર ડોકાતી નહીં. લગ્નના સાતમા મહિને તેના સીમંત સંસ્કારના નોતરાં દેવાયાં. સગાંની અને ગામની સ્ત્રીઓને વિધિમાં તેડાવાઈ. બપોરે પ્રસંગ પૂરો થયો. બધાં જમીને પોતાનાં ઘેર સિધાવ્યાં.

ચોથે દિવસે તો સવારમાં સાત વાગ્યે મણિમાસી એકલાં જ રિક્ષામાં બેસી ઘરે આવ્યાં. આજુબાજુની આંગણું વાળી રહેલી સ્ત્રીઓને વધામણી આપતાં બોલ્યાં, 'મારે તો જયમલને લગ્નની ઉતાવળ પડી અને એના દીકરાને વહેલાં જનમવાની બોલો, હજી કેટલું દોડાવશે આ દીકરો? અનિતાની માતા આવી ગઈ એટલે હું હોસ્પિટલથી ઘરે આવી શકી.' લોકોને સમજ ન પડી કે મણિમાસીની વાતથી ખુશ થવું કે અફસોસ કરવો. એક કોઠાડાહી પાડોશણ બોલી, 'માસી જે થાય તે સારા માટે. આ તો તમે છો કે સંભાળી લીધું. હવે તમતમારે આરામ કરો વહુ દીકરો લઈ ઘરે આવે ત્યાં સુધી.' મણિમાસીએ વિજયસ્મિત છુપાવતાં ઘર તરફ જવા માંડ્યું. આશરે પાંચ દિવસે અનિતા તેના સાવ નબળા એવા દીકરાને લઈને આવી. અધૂરા માસે જન્મેલા દીકરાને સાચવવાનું ગજું ચાર દીકરીઓ જણેલ માનું નહીં એવી માન્યતા વાળા મણિમાસીએ પૌત્રની સારવાર જાતે જ કરવા માંડી. તેમની માલિશ અને ઓસડિયાંએ દોઢ મહિનામાં તો એ હાડકાંના માળાને હ્રુષ્ટપુષ્ટ બાળક બનાવી દીધો. આ બાજુ અનિતાને આવા સમયે મા ની સોડ અને આળપંપાળ તો ન મળી પણ તેથી અદકેરી સાસુની માવજત અને જેઠાણીનો બહેન જેવો પ્રેમ સાંપડ્યાં. આ પૂરો દોઢ મહિનો જયશ્રી અને મણિમાસી, અનિતા અને નવજાત બાળક જોડે જ રાત્રે સૂઈ રહેતાં. પણ હવે જીતેશને કોઈ ફરિયાદ નહોતી.

બાળક પાંચ મહિનાનું થયું અને અચાનક એક દિવસ પિયર જવા નીકળેલી અનિતા પાછી ન ફરી. થોડાં દિવસ પછી જયમલની પણ ઘરે આવ-જા બંધ થઈ ગઈ. કશું પૂછવાની કોઈની હિંમત તો હતી જ નહીં મણિમાસીને અને બાકીનાં તેમનાં ઘરનાંને કોઈ હક નહોતો ઘરતરફી કે વિરોધી કોઈયે પ્રકારનું અનુમોદન આપવાનો. આખરે બે મહિનાના અંતે દિવાળી આવી અને સાત મહિનાનો રૂપાળો કુંવર ગોદમાં ને વેંત નાનો વર બાજુમાં શોભાવતી અનિતા મણિમાસીને દરવાજે આવી. લોકોને થયું કે આવી બન્યું આ લોકોનું, બારણાંયે ખૂલશે કે કેમ? પણ સાનંદાશ્ચર્ય, મણિમાસી જાતે પાણીનો લોટો લઈ બારણે આવ્યાં, ત્રણેયની નજર ઊતારી, બારણા બહાર પાણી ઢોળી, મંદ હસતાં ઊભાં રહ્યાં. અનિતાએ દીકરો તેમના હાથમાં પકડાવી બેય હાથે મણિમાસીને ચરણસ્પર્શ કર્યા. મંદમતિ જયમલ તેની પાછળ દોરાયો. બધાં ઘરમાં ગયાં. બારણાં ખુલ્લાં હતાં. ઘરનાં બધાંયે દુકાનેથી આવી પહોંચ્યા હતાં. દીવા, રંગોળી અને લાપસીની તૈયારી થઈ ગઈ હતી. મઝાના તહેવારો પૂરાં થયા બાદ લાભપાંચમના શુભ મુહૂર્તે ઘર આગળ એક રીક્ષા આવી ઊભી રહી. જેમાં જયમલ અને અનિતા દીકરો લઈ ક્યાંક જતાં હતાં. મણિમાસી, જયશ્રી અને તેનાં બાળકો બારણાં સુધી તેમને વળાવી રીક્ષા દેખાતી બંધ થાય ત્યાં સુધી ઉંબરે ઊભાં રહ્યાં.

કોઈ ડાહી પાડોશણની પાકકી ખબર એ હતી કે મૂંગામંતર પણ રૂપાળા જયમલને ધંધામાં કે નોકરીમાં ઝાઝી સમજ નહોતી. તે આઠમી જ પાસ હતો. તેને જાળવે એવી પત્ની, સાસરું તો જોઈતાં હતાં પણ સાથે સાથે જયમલનો પરિવાર પણ હાથમાંથી જવો ન જ જોઈએ. તે દાવે ચાર-ચાર મિલના માલિકની રૂપે ઝાંખી, અંગે મોટી પણ થોડી હોશિયાર કન્યા પસંદ કરી. તેને રૂપાળો વર પરણે છે જણાવી, દાબમાં જ રાખી. તેના પિતાને લગ્ન નો ખર્ચ બચાવી બેયનું કલ્યાણ કરવાનો, કોર્ટ રાહે લગ્નનો માર્ગ સૂઝાડી લગ્નપ્રસંગે ખર્ચ કરવાની રકમના બદલે જયમલને રેશનની દુકાનનો કોન્ટ્રેક્ટ સસરાની વગે અને ધને અપાવી દીધો. અને તે દુકાન ચલાવવા બેયને ઘરથી દૂર પણ પોતાના દોરીસંચાર પૂરતાં નજીક રાખી દીધાં.

જીતેશ ઘડાયેલો અને ડાહ્યો હતો જ. જયશ્રીને દેરાણી આવ્યે થોડી જુદાં થવાની આશા, જે મણિમાસીએ કાયમ માટે બુઝાવી દીધી. હવે હિતેષનો વારો છે. કોઈ તેને સંભાળે અને મણિમાસીને છાજે તેવી કન્યા હોય તો કહેજો.

અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા