Savior books and stories free download online pdf in Gujarati

ઉદ્ધારક

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત
તારીખ : 14-06-2022

રેખલી બરાબરની હાંફતી હતી. માથે તપતો વૈશાખનો સૂરજ ને નીચે ધગધગતી રેતી, ઉઘાડાં તળિયાં રેતીએ ચંપાતાં હતાં, બાવડાં હવે માથે ઈંટોનું આ તગારૂં ઊંચકી બરાબરનાં ભરાઈ આવ્યાં હતાં, હોઠ પાણીની તરસે સૂકાયાં હતાં અને ભૂખની તો વાતેય માંડવા જેવી નહોતી. પણ, હજીયે સો જેટલી ઈંટો ઢગલામાં બાકી હતી. તેને પહેલે માળે, હજી ગયા અઠવાડિયે જ ચણાયેલા કઠેડા વગરનાં દાદર ઉપર ચઢીને ગોઠવવાની હતી. એક વાગવા આવ્યો હતો અને રેખલીની સંગાથનાં બધાંય મજૂરો ખૂણેખાંચરે થોડો છાંયો શોધી પોતપોતાનું ભાતું છોડીને બેઠાં હતાં. કોઈ જમીને થોડાં આડા પડખે થયાં હતાં. ટૂંકમાં, આ વિશાળ ઈમારતોના ચાલી રહેલ કામ થોડી વાર માટે થંભી ગયાં હતાં. એક નહોતી થોભી તો રેખલી.

એય તે કારણ બળુકૂં હતું એટલે જ સ્તો. રેખલીની માનો કાલે ઈંટો ચઢાવતાં પગ લપસ્યો ને તેને માથામાં ખાસ્સી ઈજા થઈ. મુકાદમને તો આવાં અકસ્માત રોજનાં હતાં. તે કોઈનેય માટે દાક્તર તેડે એવો નહોતો. બીજી બે મજૂરણો ભીખી અને મંછી તેને ઊંચકીને બાજુ પર લઈ ગયાં અને ભીખીએ પોતાનાં ધૂળ-માટી અને મેલથી તરબતર પાલવને પાણીમાં ભીંજવી રેખલીની મા છેલકીના લોહી નીંગળતા માથે મૂકી દીધો. લીરા બની ગયેલા પાલવનું શેં ગજું, તે લોહી રેલાતું ગયું. ભીખીએ આમતેમ નજર દોડાવી, ત્યાં જ તેનો ઘરવાળો રામજી આવી ચડ્યો અને પોતાનાં માથે બાંધેલ લાંબો પટકો છોડી તેને પાસેની કુંડીનાં પાણીમાં ભીંજવી તેને આપી દીધો. ભીખીને તે પટકાથી છેલકીનાં ઘાનું લોહી વહેતું બંધ કરવામાં સફળતા સાંપડી. એટલી વારમાં રામજી મુકાદમને વીનવી હાથલારી અને પોતે બેય જણ માટે બાકીના દિ'ની રજા લેતો આવ્યો. ભોજનનો અંબાર ખડકી બેઠેલા મુકાદમે પોતાનાં જમવામાં પડેલ અંતરાય બદલ કરડાકીથી હોંકારો જ ભણ્યો ત્યારે છેલકીની ખબર પૂછવાની તો વાત જ ક્યાં આવી?

ગયા વર્ષે આવાં જ એક અકસ્માતમાં પતિ ગુમાવી ચૂકેલી છેલકીને ઘેર એક બાર વર્ષની દીકરી રેખલી અને સાત વર્ષનો દીકરો અમરો હતાં. ઘર બહારની જગ્યામાં બે-ચાર ગરીબડાં વાસણને ઘસી રહેલી માને આમ ભીખીકાકી અને રામજીકાકા વડે ઢસેડાતી હાથલારીમાં આવતી જોઈ રેખલી તો સ્તબ્ધ થઈ ગઈ હતી. પણ, બેય મનની અમીરી રેલાવતાં પતિ-પત્નીએ બાળકોને પાંખમાં લીધાં. છેલકીને હાથલારીમાંથી રામજી અને ભીખીએ ઉંચકી અને રેખલીએ ઝાટકેલી મરણતોલ ખાટલીમાં સૂવાડી. રામજી દોડીને પાસે રહેતી નર્સબાઈને તેડી લાવ્યો. તેણે છેલકીને તપાસીને સાથે લાવેલી પેટીમાંથી જલદ વાસવાળું પ્રવાહી રૂ ઉપર લઈ તેનો ઘા સાફ કર્યો. દવાઓ મૂકી પાટો બાંધ્યો. બે દવાઓ લખી આપી જે ભીખીએ પોતાની ગરીબડી બચત પાલવને ખૂણેથી કાઢીને રેખલીને દવાની દુકાને દોડાવી મગાવી લીધી. રેખલીની મદદથી ભીખીએ ચારેયની પાતળી ખીચડી બનાવી પેટ ઠાર્યાં. છેલકીને મહાપરાણે થોડી ખીચડી પીવડાવી અને દવાઓ ખવડાવી. રામજી દહાડાનો થાકેલો પોતાની ઓરડીમાં આરામ કરવા ગયો. ભીખી, અમરા અને રેખલીને સાચવતી બેભાન છેલકીની ઓરડીમાં જ રહી ગઈ.

રેખલી ગરીબની દીકરી એટલે કિશોરવયને ઉંબરે આવતાં પહેલાં તો પેટ ભરવા કમાવું પડે ને ચૂલો ફૂંકતાં ફેફસાં બહાર નીકળી જાય એની બરોબર ખબર એને. રાત્રે ભીખીકાકી જોડે નક્કી કરીને જ સૂતી કે સવારમાં અમરાને રોટલા ને છાશ કરી દેવા, માની દવાઓ સમજાવી દેવી અને સાઈટની દા'ડીએ માની જગ્યા ઉપર મજૂરીએ જતાં રહેવું. માની આજની અડધી દા'ડી અને પોતાની કાલની આખી દા'ડી મળે તો રાત્રે રોટલા ભેગું થવાય. ભીખીનેય હતું કે છેલકીને હવે દવા નહીં જોઈએ. આરામ મળ્યો એ જ મોટું સુખ હતું. જેમ તેમ વિચારતી બેય સ્ત્રીઓ માંડ જંપી. અમરો તો રોજની જેમ જ ક્યારનોય સૂતો તે હલ્યોય નહોતો.

બાજુવાળી છાપરીનાં કૂકડાં- બતકાં બોલે એ પહેલાં તો અંધારે જ ભીખી રેખલીને લઈ પાળા વગરના કૂવે નાહી આવી. આવતામાં રામજીએ ચાર અડધી ચા તૈયાર રખાવેલી જે બે - બે પાઉં બોળી જઠરદેવતાને બપોર સુધી ઠારી દીધાં. મા ને દવાના ઘેનમાંથી મહાપરાણે ઊઠાડી રેખલીએ જાતે બે રકાબી ચા તેને પીવડાવી અને એક રકાબી ચા માં પાઉં બોળી ખવડાવવા લાગી. અધકચરી ખૂલેલી આંખે છેલકીને રેખલીમાં પોતાની મરેલી મા દેખાઈ. નાનકડી રેખલીએ ફટાફટ ચાર રોટલા ઘડી ક્ઢ્યાં. નાનકડો અમરો બેનને કામમાં ખૂંપેલી જોઈ તેને ચૂલો ફૂંકવામાં મદદ કરવા લાગ્યો. તેનું મોં લાલચોળ થઈ ગયું અને પાછાં ઊડેલાં ધૂમાડાએ કાળી મેશ તેના ગાલ અને માથે લગાવી દીધી. ભીખી એક થેલી છાશમાંથી થોડીક છાશ અમરાને આપતી ગઈ એટલે બપોર પડ્યે તે અને તેની મા ને સૂકો રોટલો ન ખાવો પડે. રેખલીએ માની દવાઓ અમરાને આપી જે તેને જમાડીને આપવાની હતી. ત્યાં જ પેલી ભલી નર્સબાઈ આવી ચઢી જે રાત્રે તો મફતમાં ઈલાજ કરી ગઈ હતી. હમણાં તે એક ઢાંકેલ કાચના ગ્લાસમાં સંતરાનો તાજો રસ કાઢીને લાવી હતી. અમરા સામું જોઈ તેણે રેખલીને કહ્યું, 'તમારી મા ને આ રસ પીવડાવજો. તેનામાં જલદી શક્તિ આવશે. અને, થોડો આ ઢીંગલાનેય ચખાડજો.' થોડું થોભી વળી બોલી, 'મારો નયન પેલા અકસ્માતમાં ન મર્યો હોત તો બિલકુલ તારા આ ભાઈ જેવડો જ હોત.' થોડું દયામણુ, રડમસ મલકી અને રેખલીના માથે હાથ મૂકી પાછાં ફરતાં છેલકીને કહ્યું, 'ચિંતા ના કરીશ. કાલે તો સાજી થઈ જઈશ. અને હા, બપોરે અમરાને મોકલજે. ભાજી બનાવીશ, બેય ખાજો.' તે સમજી ગઈ હતી કે આજે રેખલી મજૂરીએ જશે. આ લોકોમાં તો આવું જ. દા' ડી ન આવે તો ખાવાયે ન પામે. એટલે કો'કે તો કમાવું જ પડે. તેણે ધીમે રહીને રેખલીની હથેળી દબાવતાં પાંચ રૂપિયા તેનાં હાથમાં સરકાવી કહ્યું, 'કેળાં લેતી જજે. રોટલો મીઠ્ઠો બની જશે.' બધાંય મલકી ઊઠ્યાં.

હવે રેખલીને મા અને ભાઈની ચિંતા ન હતી. પણ, મુકાદમ નાની છોકરીને કામ નહીં આપે એ વિચારે તેણે માની અડધી સાડી તેનાં જ મેલાં ચણિયા અને કબજા ઉપર લપેટી લીધી. બાર વર્ષની કિશોરી અચાનક એકવીસની લાગવા માંડી. વધુ ઉંમર દેખાય એટલે તેણે વાળની અંબોડી બાંધી માથે ઓઢી લીધું. અને હોઠને ચપસીને બંધ કર્યાં કે તેનું સહજ સ્મિત છુપાઈને થોડી ઠાવકાઈ વહે. મા ની આંખો ચૂઈ પડી. રામજી અને ભીખીએ રેખલીને સાથે લીધી અને સાઈટ ઉપર પહોંચ્યાં. થોડાં વહેલાં જ નીકળ્યાં હતાં એટલે હજી ઝાઝાં કામ કરનારાં આવ્યાં નહોતાં. હજી મુકાદમ આવીને બેઠો જ હતો તેને વીનવતાં રામજીને નાકે દમ આવી ગયો. આખરે રેખલીની ઉંમરની ચાડી તેની તેનાં ચહેરાની કુમાશે ખાઈ જ લીધી. પોતે બાળમજૂર પાસે કામ કરાવવાનાં કાયદાનાં ટંટામાં ન ફસાય એટલે રેખલીની ઉંમર પંદર વર્ષ લખી તેનો અને રામજીનો અંગૂઠો પડાવી લીધો.

રેખલી કોઈની નજરમાં ઝટ ન ચઢે એટલે તેને ખૂણાની સીડી પાસે મેદાનમાંથી ઈંટો ઊઠાવી પહેલા માળે ચઢાવવાનું કામ સોંપ્યું અને એ પાંચસો ઈંટ એકલા હાથે ચઢાવવા ઉચક રૂપિયા પંચોતેર નક્કી કર્યાં જેથી કામ પૂરું થતાં રેખલી એના ઘેર અને મુકાદમ છૂટો. વળી, મુકાદમની બેઠક ત્યાં જ રહેતી એટલે બીજાં મજૂરો કામ વગર ત્યાં ફરકતાંયે બીતાં. કામ મોટું હતું અને દાડી અડધી પણ, શું થાય? નવ વાગતામાં નાનકડાં પણ ઘરકામથી કસાયેલ હાથે ઈંટો ઉંચકી ચોંટેલા સિમેન્ટથી ભારે થયેલા તગારામાં પાંચ-છ ઈંટો મૂકવાનું શરૂ કર્યું હતું. એકાદ કલાક પછી નજીકના બોરવેલ ઉપર પાણી પીને થોડી તૃપ્તિ અનુભવી અને પાછી મંડી પડી. પણ, એટલામાં બે-ત્રણ સિમેન્ટની ગૂણો ઊઠાવતાં થોડાં નઠોર એવાં મજૂરોની નજરે ચઢી ગઈ હતી. આમ તો ભીખીનું કામ તેની બાજુના જ ભાગે હતું પણ, થોડે દૂરની વીંગમાં સ્લેબ ભરાવાનો હોઈ તેને આજે ત્યાં ખસેડી હતી, તેથી ભીખી તેનું ધ્યાન નહોતી રાખી શકતી. ફરી તરસ લાગી ત્યાં સુધીમાં ઢગલો અડધો થઈ ગયો હતો. તે પાણી પીને બે મિનિટ પોરો ખાવા દાદરની બાજુએ બેઠી તો પેલા ત્રણેય નઠોરની આંખો આવતાં જતાં તેને આરપાર વીંધવાની કોશિશ કરી રહી.

દીકરીઓ આમેય જલદી મોટી થઈ જતી હોય છે. તેણે માથાનું ઓઢણું થોડું ખેંચી કપાળ સુધી લઈ લીધું અને ઈંટના ભૂકાથી રંગાયા પછી વધુ રૂપાળા દેખાતાં હાથ પણ ઓઢણામાં સંતાડી દીધાં. એટલામાં મુકાદમનો પગરવ આવતો જાણી ત્રણેય નઠોર ગંદી નજરે હસતાં હસતાં કામમાં ડૂબ્યાં જાણે કહેતાં હોય, 'પછી જોઈ લઈશું.' રેખલીએ ઝડપભેર ઈંટોનાં ફેરા કરવા માંડ્યાં. એટલામાં બપોર પડી. ભીખી તેને બોલાવવા આવી રોટલો ખાવા. પણ, 'મા ની ચિંતા થાય છે, ઝટ ઘેર જવું છે કહી.' તેણે ભીખીને ટાળી. પેલા ત્રણેયને મુકાદમથી થોડે દૂર જમવા બેઠેલાંં જોઈ રેખલીને હાશ થઈ. તો યે તેણે પગમાં મગજનું બધુંયે જોમ ભરી દીધું અને જાણે હડી જ કાઢી. જોતજોતામાં સોએક ઈંટો જ બાકી રહી.

રેખલી બરાબર હાંફી રહી હતી. પણ પોરો ખાવાનો સમય હવે નહોતો. પેલાં ત્રણેય તેમની જગ્યા ઉપરથી ઊઠી ગયાં હતાં. એક વાર તો રેખલીને થયું કે તગારું નાખી ભીખી પાસે જતી રહે પણ, અધૂરા કામનું તેને કાંઈ વળતર મળવાનું નહોતું, મુકાદમે કહ્યું જ હતું. તેણે પગની ઝડપ વધારી, દાદર ચઢતી ગઈ. તગારું ઉતારવા હાથ લંબાવે ત્યાંતો કોઈકે તેનું ઓઢણું ખેંચ્યું અને બીજાએ તેનો હાથ પકડ્યો. ત્રીજાએ તગારું ઊંચકી સ્લેબના ખરબચડા સિમેન્ટની સપાટી ઉપર મૂક્યું. નાનકડી એ બાળાએ પોતાનાં ગળાનું જોર અજમાવી ચીસ પાડી પણ તેની ચીસ મજબૂત હાથે તેનાં મોંમાં જ ધરબાઈ ગઈ. પકડમાંથી છૂટી દોડવા પોતાનાં પગને કડકાઈથી કહ્યું પણ, નીચે નમી તગારું મૂકનારે તેનાં પગ પકડી લીધાં. રેખલીની આંખોમાં બિમાર ઘાયલ મા, નાનો વહાલુડો અમરો, ભીખીકાકી, રામજીકાકા, નર્સબાઈ અને ધૂંધળી યાદોવાળો પિતા બધાંયનાં ચહેરા આંસુ બની વહેવા લાગ્યાં. અને આ આંસુ કેટલાંય નીકળે પેલા ત્રણને કોઈ ફરક પડે એમ નહોતો. રેખલીની આંખે અંધારા આવી ગયાં, કાન સુન્ન મારી ગયાં, ગળું સૂકાઈ રહ્યું અને માથું ચક્કર ચક્કર ફરવા લાગ્યું. રેખલીએ મનોમન મા ની માફી માગી કે હવે તે કદાચ ક્યારેય તેને મળી નહીં શકે. તેને યાદ આવી ગઈ મા ની શિખામણ - ન ઓરડીમાં કોઈ પુરુષને આવવા દેવો કે ન કોઈ પુરુષ બોલાવે તો બહાર જવું, ભલેને ગમે તે પ્રલોભન હોય. પણ આજે તે પારેવડી મા ના ઈલાજ અને રોટલા માટે થોડાં રૂપિયા રળી લેવાના લોભમાં ફસાઈ ગઈ. ત્રણેયે લગભગ રેખલીને જમીન ઉપર પટકી અને તેની તંદ્રા તૂટી. સાથે બીજુંયે કાંઈક તૂટવાનો અવાજ આવ્યો અને પોતાની બહુ જ નજીક એક ચીસ સંભળાઈ. તેની આંખો અનાયાસ ખૂલી.

ઉપર જુએ ત્યાં તો મુકાદમના હાથમાં જાડી લાકડી, બાજુમાં ઢળેલો એક નઠોર અને બીજાં બે નઠોર મુકાદમ સામે ઊભડક બેસી પોતપોતાનાં કાન પકડતાં હતાં. તેમની પકડમાંથી છૂટેલી રેખલી ભયની મારી ઊભીયે થઈ શકતી નહોતી. કરડા દેખાવવાળા મુકાદમે પોતાનો હાથ આપી તેને ઊભી કરી. ઓઢણું બરાબર માથે ખેંચતાં તેણે મુકાદમને બે હાથ જોડ્યાં. મુકાદમે તેના માથે હાથ મૂકી, 'આગળ થા હેમી.' કહ્યું અને તેની આંખનાં ખૂણા ભૂતકાળનું કાંઈ યાદ આવી જતાં ચૂઈ પડ્યાં. સ્તબ્ધતા પછી આભી બનેલ રેખલીને તેણે નીચે આવી ભીખીને સોંપી અને રેખલીની અને તેની મા ની આખી દાડી ગણીને હાથમાં આપી દીધી. રેખલી આ કરડા ઉદ્ધારકને ટીકી ટીકીને જોઈ રહી.

આ વાર્તા મારી એટલે કે અલ્પા ભટ્ટ પુરોહિતની સ્વરચિત અને મૌલિક કૃતિ છે એવી બાંહેધરી આપું છું.

અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા