haiya melapak books and stories free download online pdf in Gujarati

હૈયાં મેળાપક

તારીખ : ૩૦-૦૫-૨૦૨૨

રમલી મ્લાન વદને જાનની, દેવાની જાનની બસને તેની થનાર વહુના ગામ ભરતરી તરફ જતી જોઈ રહી. તેની આંખો બસથી ઊડેલા ધૂળના ગોટાથી ભીની થઈ કે તેનાં હ્રદયનાં દબાઈ ગયેલ ચિત્કારથી, એ તો તેનેય ન સમજાણું. પાછળથી તેના બાપુએ નહીં નહીં તે આઠ-દસ વખત સાદ દીધો, 'રમલી, એ રમલી, બસમાં ન ગઈ તો ઘરે તો પાછી વળ.' પણ જાણે રમલીના પગ દેવાના માંડવે રોપેલ થાંભલી બની ગયાં હતાં. બાપુએ પાછળ આવી તેનો ખભો લગભગ હલબલાવી દીધો. તેણે માત્ર ડોક ફેરવી શૂન્યમનસ્કપણે બાપુની તરફ જોયું. બાપુ તેનો હાથ ઝાલી ઘર તરફ લઈ ગયાં. લગભગ ઢસડાતી ચાલે રમલી ઘરનાં આંગણામાં પાથરેલ ખાટલે જ ધબ કરતીક બેસી ગઈ.

આ બાજુ બસમાં રમલી ન ચઢી તેથી દેવાનો ખાસ ભાઈબંધ અને રમલીના કાકાનો દીકરો એવો અજમલ દુઃખી થઈ ગયો. તેણે રમલીના યુવાનીમાં પ્રવેશ પછી તેનું દેવા તરફનું ખેંચાણ તેની ચાલમાં ભાળ્યું હતું. જ્યારેય રમલી કાકાને ઘેર આવે ત્યારે તેની આંખો પાડોશના ઘરમાં દેવાને જ શોધતી હોય. બાપુને ભાતું આપવા ખેતરે જાય તોયે બાજુના શેઢે ભાઈ અજમલના બહાને દેવાને મળ્યા વિના ન આવે. ચાર વર્ષ આમ જ વીતી ગયાં અને એક દિ' દેવાના મામાએ દેવા માટે સુંદર કન્યા પોતાના જ ગામમાં શોધી કાઢી. સુશીલા, નામ પ્રમાણે નમણી, સુશીલ. ઘર-ખેતરનું બધુંય કામ ચપળતાથી કરે તેવી. સામે તેના ભાઈનું કરસનનુંયે સગપણ દેવાની નાની બહેન અંબા જોડે પાકું થયેલું. આજે દેવો સુશીલાને પરણીને લાવવાનો હતો અને બે દિ' પછી નવું પરણેલું જોડું નાનકી બહેન અંબાનું કન્યાદાન કરવાનું હતું.

અંબાનેય આ સગપણ થયું એ પહેલાં હતું કે, રમલી ક્યારેક તો પોતાને દેવા માટેના કૂણા ખૂણાની જાણ કરશે જ ને? ત્યારે તે મા બાપુનેને વાત કરી વહાલુડી બે'નપણીને પોતાની ભાભલડી બનાવી લેશે. આમ પણ રમલી તો આ ગામની હતી જ નહીં. આઠ-દસ વર્ષ પહેલાં તેનાં ગામમાં ઉપરાઉપરી ચોથો દુકાળ પડ્યો ત્યારે, પોતાનાં બાપુ અને બીજાં ગામવાળાંઓ જોડે અહીં આશરો લીધો હતો. મોટેરાંને ખેડવા ખેતર અને રહેવા ઘર મળી ગયેલું અને રમલી અને તાનાં મિત્રોને આ ગમનાં બાળકોનો સાથ. સાથે રમનારાં જોતજોતામાં યુવાનીનાં ઉંબરે ઊભાં અને તેમનાં જીવનસાથીની શોધ ચાલી. તેમાં દેવો અને તેની બહેન, બંનેને સુયોગ્ય પાત્રો મળી ગયાં. પણ, આટલાં દિવસથી રમલીના હ્રદયની વાત જાણવા મથતી અંબાને કાંઈ જ જાણવા ન મળ્યું. આખાં ગામનાં કોઈપણ ખોરડે લગ્ન હોય, રમલી મન મૂકીને ગીતો ગાતી. પણ, કાલે તો મહેંદી મૂકાતી વેળા તેણે એક ગીત ન છેડ્યું. ગરબા ટાણેય તે બધાંને પાણી પાવામાં અને વહુની પહેરામણીનો સામાન ટ્રંકમાં મૂકાવવા રહી ગઈ. અને આજે તો જાન ઊઘલતી વેળા એવાં કપડાંમાં આવી કે બધાંયને જાણ થઈ ગઈ કે તે જાનમાં તો નહીં જ આવે. અંબા અને તેની મા કહેતાં રહ્યાં તેને કપડાં બદલી આવવાનું પણ તે ત્યાંથી ન જ ખસી. પૈંડું સીકાતા બસને ઊપાડવી પડી નહીં તો મુહુર્તે નીકળી ન શકાત.

હવે, રમલી બસની પાછળ રહી જતાં રહી રહીને દેવાના મનમાં કાંઈક સ્ફૂર્યું. તેની ખુશીની આસપાસ એક ઝીણી વેદનાનું આવરણ રચાઈ ગયું. તેની એક તરફ બેન અંબા અને બીજી તરફ ભાઈબંધ અજમલ, બેય એકસાથે બોલી ઊઠ્યાં, 'કાંઈ સમજાણું, આ રમલી કેમ ન આવી તારી જાનમાં?' દેવાએ નિઃશ્વાસ સાથે કહ્યું, 'થોડું વહેલું સમજાયું હોત તો યે શું? આપણાં ગામ તો એક ને?' ત્યાં અંબા ટહુકી ઊઠી, 'શાનાં એક, એ તો દસ વરસ પહેલાં પોતાનાં મલકમાંથી ઊતરી આવી અહીં વસેલાં.' દેવાની નિરાશા ખુશીને થપ્પો દઈ પાછી ફરી.' પણ, હવે શું થાય? એમ કાંઈ સુશીલાને રઝળાવાય? ને વળી તારુંયે લગ્ન જોખમાય. ના, ના. હવે તો એણેય બધું ધરબી દેવું પડશે.' ત્યાં અજમલ બોલ્યો, 'શું રમલીને જોઈ તારો જીવ નહીં કોચવાય? રમલી આપણાં ખેતરમાં અને તારાં ઘરમાં કેમનીક આવ જાવ કરશે? તેનાં દુઃખનોય તે વિચાર કર.' વધુ નિરાશા ઓઢી દેવો બોલ્યો,' ના ભાઈ, મારામાં એવી હિંમત નથી. આ મોટેરાંઓની સામે હું નહીં પડી શકું.'

ક્યારનાંયે આ ત્રણેયની ગૂસપુસ સાંભળતા અજમલના મા ઊભાં થયાં અને એક જ હાકોટો મારી બસ ઊભી રખાવી અને બોલ્યાં,' હેંડ અંબા, વરરાજા અને અજમલિયા, ચાલો મારી સંગાથે.' ત્રણેય અચાનક થયેલા આ હુકમને વળોટી ન શક્યાં અને અજમલના મા પાછળ દોરાયાં. અજમલના મા એ તો બસમાંથી હેઠાં ઉતરી તાજાં જ વઢાતાં ખેતર તરફ હડી કાઢી અને પેલાં ત્રણેય બીકનાં માર્યાં ચૂપચાપ તેમની પાછળ ચાલવા લાગ્યાં. વરની મા ને પાછાં એમની જોડે પાક્કાં બે'નપણાં તે એમનાં પર પૂરો વિશ્વાસ. અજમલના મા થોડે દૂર ગયા પછી બસ તરફ ફરી જોઈ લીધું કે અહીંથી બોલાયેલ કશુંયે ત્યાં બસ સુધી નહીં સંભળાય. પછી, અજમલને લગભગ ખખડાવતાં બોલ્યાં, 'આ શું? આમ છેલ્લી ઘડી સુધી ચૂપ રહેવાય? સગાઈ થતાં પહેલાં જ કહી દીધું હોત તો?' અજમલ બોલવા ગયો, 'પણ મા, અમે કેવી રીતે મોટામાં...' ત્યાં જ તે તાડૂકી ઊઠ્યાં, 'તો હવે આ વાતો કરો છો શું કામ? હમણાં બીજું કોઈ સાંભળી જાત તો?' અંબાએ જવાબ વાળ્યો, 'પણ, કાકી, રમલીયે તે કોઈ દિ મોંમાંથી બોલી જ નહીં. મેં જ્યારે જ્યારે પૂછ્યું ત્યારે વાતને બીજીકોર વાળી લેતી.' કાકી બોલ્યાં,' તે કઈ દીકરી એમ ઊઘાડું જ બોલી જાય, બેટા?' હવે અજમલના મા એ સીધું જ દેવાને પૂછ્યું,' આજનાં જ મુહુર્તે, એ જ માંડવે રમલી જોડે પરણીશ?' દેવો ગભરાયો. કાકીએ આગળ ઊમેર્યું,' સુશીલાની ચિંતા ન કરતો. તેનેય નહીં રખડાવું.' પછી, દેવાના મોંની ચિંતા અને ગભરાટની રેખાઓને થોડી મલકતી જોઈને અજમલ તરફ જોઈ કહ્યું,' તને કોઈ બીજી છોડી ગમે છે?' અજમલે માથું 'ના' માં ધૂણાવ્યું. તેની મા નો સીધો બીજો સવાલ તકાયો,' આજ ને આજ સુશીલા જોડે પરણીશ?' અજમલ, દેવો અને અંબા ત્રણેય બાઘાની માફક કાકીને તાકવા લાગ્યાં. તેમણે ફરી પૂછ્યું, 'શું દેવા, અજમલ તૈયાર છો, બેય?'

બેય મોંએ ન બોલી શક્યાં પણ, તેમની આંખોમાં આનંદ ઊતરી આવ્યો. અજમલના મા એ તેમને ચૂપ રહીને બસમાં બેસવા કહ્યું અને પોતે દેવા અને અંબાનાં માતા - પિતા, પોતાનાં પતિ અને ગામનાં મુખી અને તેમનાં પત્નીને નીચે ઉતરવા કહ્યું. આશ્ચર્યસહિત નીચે ઊતરેલાં એ પાંચેય જણની આંખોમાં તેમની વાત સાંભળતા વિસ્મય, ગુસ્સો, હાસ્ય એમ વિવિધ રંગો છવાઈ ગયાં. આખી વાત પૂરી થયા પછીની સંતલસનું પરિણામ એ આવ્યું કે, બે જણ લગ્નના ગામમાં પહોંચે, મુખી અને મુખીના પત્ની. ત્યાં સુશીલાના માતા-પિતાને, સગાંને અને ખાસ તો સુશીલાને આ નવી ગોઠવણથી વાંધો નથી ને એ પૂછી લે. અને બાકી આખી બસ ગામ પાછી વળે. રમલી અને તેનાં પિતાને મનાવી સમજાવી લેતાં આવે. અજમલની મા ને ખાતરી હતી કે રમલીનો પિતા, પોતાનો દિયર તેની વાત નહીં ઉથાપે.

બસ આટલી વહેલી પાછી વળતાં ગામમાં રહેલાં લોકોને કુતૂહલ તો થયું પણ, વાત જાણી આનંદ પણ થયો. થોડી આનાકાની પછી રમલીના પિતા માની ગયા. પણ રમલી જેનું નામ, માનવા જ તૈયાર નહોતી. પછી તો અંબા અને અજમલે સારી પેઠના હકથી સમજાવી અને અંબા તો તેને પોતાનાં જ પાનેતરમાં સજાવીને લાવી. બસનું પૈંડું ફરી સીકાયું અને ઉમંગે બસ વહેતી થઈ જાન લઈ વેવાઈને ગામ. અજમલે તો જે વાઘા ભાઈબંધના લગ્ન માટે સિવડાવ્યાં હતાં તે પહેર્યાં જ હતાં. તેનાં પિતાએ બીજી પાઘડી તૈયાર કરી તેના માથે સજાવી દીધી. બસના ડ્રાઈવરે પણ ઝડપ કરી બસને લગ્નના ગામે પહોંચાડી દીધી. બધાંયને અંદર બેસી રહેવાની સૂચના આપી અજમલ અને દેવાનાં માતા-પિતા નીચે ઊતર્યા.

આ બાજુ મુખીએ પણ સુશીલાનાં માતા-પિતા, તેમનાં કુટુંબીઓ જોડે વાત કરી લીધી હતી. પહેલાં તો સૌ ગુસ્સે ભરાયાં પછી, મુખીના પત્નીએ કહ્યું કે, જો લગ્ન પછી આ વાતની ખબર પડત તો બે નહીં, ત્રણ જીંદગીઓ નંદવાઈ જાત. અને કો'ક ન ભરવાનું પગલું ભરી બેસતે તોય સંતાનથી હાથ ધોવા પડત. ધીમે ધીમે બધાંને ગળે વાત ઊતરવા લાગી. ત્યાં જ સુશીલાનો ભાઈ કરસન બોલ્યો,' કાંઈ જવાબ આપતાં પહેલાં મારી બે'નને પૂછી જોજોને મા.' અને આ બધાં રકાસમાં મા ને પોતાની મીંઢળબંધી, ચૂડી પાનેતરમાં સજાવાયેલી દીકરી યાદ આવી. થોડી સ્ત્રીઓ અને સુશીલાની બે'નપણી અને કરસન સાથે સુશીલા બેઠી હતી તે ઓરડામાં ગયાં. બહુ જ જાળવીને મુખીના પત્નીએ વાત માંડી,' બેટા, અમને બધાંને હમણાં જ જાણ થઈ કે દેવો તો રમલી જોડે લગ્ન કરવા માગતો હતો. તે કાંઈ કહી ન શક્યો. તો તને એના ભાઈબંધ અજમલ જોડે પરણવામાં કાંઈ વાંધો ખરો.' સુશીલા પહેલાં મૌન રહી, તે શબ્દો ગોઠવી રહી હતી. તે જોઈ તેની બે'નપણી બોલી ઊઠી,'અલી, બોલને અજમલ અમારાં બનેવી તરીકે ચાલશે કે નહીં?' બિચારી સુશીલા માંડ હકારમાં માથું ધૂણાવી શકી. કરસન અને બે'નપણી સિવાયનાં બધાંય ઓરડાની બહાર નીકળી ગયાં. કરસન ફરી પોતાની બે'નને તેની મરજી પૂછવા જતો'તો ત્યાં તેણે બેનને ઓઢણીનો ઘૂમટો ખેંચતાં મલકતી જોઈ અને તેની બે'નપણીથી સુશીલાને તાળીયે અપાઈ ગઈ. કરસને કડક ખોંખારો ખાધો ત્યાં જ ઘૂમટો ઊંચે ખેંચી લઈ પોતાનાં બે કાન પકડી સુશીલા બોલી, 'ભાઈ, મનેય તે ધોળોધબ્બ દેવો પસંદ નહોતો પણ, હું શી રીતે બોલું? મને પહેલી જ વારમાં તેનો કાનુડા જોવો ભાઈબંધ અજમલ ગમી ગ્યો તો. કેવો તો સોહામણો છે એ.' કરસને ખોટો રોષ બતાવી કહ્યું, 'હા હા વળી, પસંદ છે અને પસંદ નથી કરે છે.' ત્યાં જ સુશીલા વળી ટહૂકી, 'ભાઈ, તને તો અંબાભાભી પસંદ છે ને કે પછી કોઈ બીજું?' ભાઈએ ખોટો ખોટો બહેન ઉપર હાથ ઉગામવાની કોશિશ કરી પછી, ત્યાંથી ચાલ્યો ગયો.

જાન આવી, અજમલ પોંકાયો સુશીલાની મા ને હાથે અને દેવો પોંકાયો અજમલની મા ના હાથે. રમલીની મા ને તો પાછાં થયે કેટલાંય વર્ષો વીત્યાં હતાં. પહેલાં સુશીલા અને અજમલે મંગળફેરા લીધાં અને પછી રમલી અને દેવાએ. બેય જોડાંને અઢળક આશિર્વાદ અને થોડી કૂથલીઓ મળી. સાંજે જમીને જાન વળાવાઈ ત્યારે દેવાનાં માતાપિતાએ સુશીલાનાં માતાપિતાની ક્ષમા માગી બે દિ' પછી જાન લઈને પધારવાની વિનંતી કરી. પોતાનાંથી થોડાં મોટાં અને ભાઈબંધ એવાં અજમલનાં પગમાં દેવો અને રમલી પડી ગયાં. સુશીલા અને અજમલે માંડ ઊભાં કર્યાં અને બધાં બસમાં ગોઠવાયાં. કોઈ ન જાણે તેમ સુશીલાના ભાઈએ ભીડમાં અંબાની નજીક આવી ધીમેથી કહ્યું,' ચિંતા ન કરતી, તૈયાર રહેજે. આવી પહોંચીશ જાન લઈ પરમદિ'એ.'

શરમાતી અંબા બસમાં ચઢી ગઈ અને રમલીના ખોળામાં મોં છૂપાવી દીધું.

બસના ડ્રાઈવરે ચાવી ફેરવી. એન્જિન અને જાનડીઓએ સૂર પૂરાવ્યાં, 'પરણ્યાં એટલે પ્યારાં લાડી, ચાલો આપણે ઘેર રે... '

અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા