Grief of the soul books and stories free download online pdf in Gujarati

આત્મા ની વ્યથા



વહેલી સવારથી જ ઘરમાં લોકોની દોડાદોડી તેમજ રડવાના અવાજો આવી રહ્યા હતા.સુરજ જ્યારે પૃથ્વી પર પોતાના કિરણોની સોનેરી ચાદર પાથરવા ધીમે ધીમે પ્રયાણ કરી રહ્યો હતો ત્યારે મારુ નિર્જીવ શરીર જમીન પર વ્યવસ્થિત રીતે મૂકેલું હતું. હું આ બધું જ મારા ઘરના મોભ પર બેસીને જોઈ રહ્યો હતો.આજે મને મારુ મૂલ્ય સમજાતું હતું.હું એ શરીરમાં હતો ત્યાં સુધી એ શરીર બધા વચ્ચે જીવંત હતું અને આજે જ્યારે મેં એના શરીર માંથી વિદાય લઈ લીધી છે ત્યારે એનું કોઈ મહત્વ નથી રહ્યું.

મારી આજુબાજુનું સમગ્ર વાતાવરણ કોઈ પણ વ્યક્તિને રડવા મજબુર કરી દે એવું હતું.કોઈ વ્યક્તિ મારા દેહને નીરખી રહ્યું હતું તો કોઈ વ્યક્તિ મારા અંતિમ સંસ્કારની તૈયારીઓમાં વ્યસ્ત હતું.કોઈ વ્યક્તિ મારા ઘરના સભ્યોને શાંત રાખવામાં મથામણ કરતું હતું તો કોઈ વ્યક્તિ ફોનમાં મારા મરણના સમાચાર આપવામાં મશગુલ હતું. ધીરે ધીરે જેમ જેમ સગા - વ્હાલાઓ આવતા ગયા તેમ તેમ વાતાવરણ વધુ કરુણ બનતું ગયું. અમુક લોકો મારા દેહ પર ચંદન નો લેપ કરી રહ્યા હતા તો કોઈ ઘર બહાર મારા શરીરને ઉચકવા માટેનો બેડ (નનામી) બાંધી રહ્યા હતા.જે લોકો આજ સુધી પાણીનું પણ ન્હોતા પૂછતાં એ જ આજે મારા મોંમાં ગંગાજળ અને તુલસી જેવા પવિત્ર વસ્તુઓ મૂકી મારા મોક્ષ પ્રાપ્તિની કામનાઓ કરી રહ્યા હતા.હું ખૂબ જ ઉદાસ બેઠો હતો કેમ કે હું મારા સભ્યોને આ સમયમાં જોઈ શકું તેમ જ નથી છતાં હું કઈ કરી શકવા અસમર્થ પણ છું.મારે બસ આ જે કઈ થઈ રહ્યું હતું એ જોવાનું હતું.

ઘર જનમેદનીથી કીડીયારાની જેમ ઉભરાઈ રહ્યું હતું. લોકો અંદરોઅંદર મારી વાતો કરી રહ્યા હતા.કોઈ એમ કહેતું હતું કે વ્યક્તિ ખૂબ જ સારા હૃદયના હતા.લાગણીશીલ હતા.કોઈ દિવસ કોઈની લાગણીને ઠેસ પહોંચે તેવી વાણીનો પ્રયોગ સુદ્ધાં ન કરતા હતા. અને સાથે કોઈ એમ પણ કહેતું હતું કે આજના સમયમાં આવો સારો સ્વભાવ રાખીને શુ મળ્યું..લાગણીથી કઈ જ નથી થતું હોતું.મર્યા પણ પ્રેક્ટિકલ ન થયા જેવા શબ્દો મારા કાને અથડાયા અને હું વિસ્મય પામી ગયો.હા આ મારા જ સંબંધીઓ હતા જે મારુ સારું તેમજ ખરાબ બોલી રહ્યા હતા.હજી તો આટલું સાંભળ્યા પછી કળ વળે એ પહેલાં જ મારું કોઈ અંગત બોલી ઉઠ્યું ,"ક્યારે કાઢી જવાનું છે બધાને મોડું થાય છે" અને આ સાંભળીને હું અવાક થઈ ગયો.બધા મારા પ્રસંગમાં હાજર હતા ત્યારે મારી જ ગેરહાજરી હતી.

મારા પાર્થિવ દેહને સરસ મજાના ફુલથી શણગારેલી શૈયા પર ગોઠવવામાં આવ્યું. બધા જ મારી આજુબાજુ ગોઠવાયેલા હતાં.કોઈ મારી પ્રદક્ષિણા કરી રહ્યું હતું તો કોઈ દૂર રહીને પણ મારા જવા માત્રથી આંતરમનથી ખુશ હોવા છતાં ચહેરા પર વિષાદનું મ્હોરું પહેરી ત્યાં હાજર હતું.હવે મને ચાર લોકોએ પોતાના ખભે ઊંચકી લીધો.આગળ મારી શૈયા સાથે પુરુષો રામ નામ સત્ય હે ના ધીમા અવાજો સાથે જઇ રહ્યા હતા અને પાછળ બધી સ્ત્રીઓ રડતા રડતા ભજન ગાતા આવી રહી હતી.હું હજી મૂક બની આ વાતાવરણને જોઈ રહ્યો હતો.એક દિવસ આ ઘર મારા અવાજોથી મારી હાજરીથી જે ભરેલું લાગતું હતું એ જ ઘર આજે મારા જવાથી આ ખાલીપાને ઝૂરી રહ્યું હતું.ઘરનો એ તમામ ખૂણો કે જ્યાં મારી યાદો હતી તે બધા જ ખૂણાઓ અત્યારે મને ખાલી થઈ ગયેલા ભાસતા હતા.ઘર જાણે કોઈ વ્હાલાની વિદાઈમાં દુઃખનો અંચળો ઓઢી સુમસામ બની ગયું હતું.હું ચુપચાપ બધા સાથે સ્મશાન તરફના માર્ગે આગળ વધી રહ્યો હતો.

મારા દેહને ચિતા પર ગોઠવવામાં આવ્યો અને મારા જ સગા વ્યક્તિના હાથે મારો અગ્નિ સંસ્કાર થયો.મારા શરીર સાથેનો તમામ સબંધ આ સાથે પૂરો થઈ ગયો.હવે હું ફક્ત આ બધાના મનના કોઈ ખૂણામાં જીવતો રહીશ એવી આશા સાથે હું ફરી મોભ પર આવી બેસી ગયો.મારા સગાએ આપેલા અગ્નિની આગ સંપૂર્ણ મારામાં ફેલાયેલી હતી.જેને મેં આટલો પ્રેમ કર્યો એણે મને એક જ ઝાટકે આગમાં બળવા છોડી દીધો હતો.અને ધીરે ધીરે રડવાનો અવાજ બંધ થવા લાગ્યો.લોકો પોતાના નિત્ય કર્મમાં વ્યસ્ત થવા લાગ્યા.12 દિવસની મારી બધી વિધિમાં હું અહી હાજર જ હતો અને મુક આંખોએ બધું જ જોઈ રહ્યો હતો.મેં મારા જ લોકોને રડતાં જોયા હતા અને મારા જ લોકોને મારા પ્રસંગમાં હસતા જોયા હતા.વાતાવરણ ફરી પહેલાની જેમ બની રહ્યું હતું.હવે હું જીવંત હતો તો માત્ર એ ફોટાફ્રેમમાં. મારા પર સુખડ ચંદનનો હાર લગાવેલો હતો કે જે મહેંકી રહ્યો હતો પણ મને અફસોસ એ હતો કે મારી મહેક આ ઘરમાંથી દૂર થતી જતી હતી.સૌ પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા.

મારા જ પ્રસંગમાં મારી જ ગેરહાજરીમાં સૌ કોઈ દુઃખી હતા એમ તો ન કહી શકાય પણ એમાં ઘણા અંગત અંગત નામો પણ હતા.માણસાઈથી મરી ગયેલા આ સમયમાં લાગણીઓને જાણે સ્નેહ , હૂંફ , પ્રેમ જેવા બચ્ચાની કસુવાવડ થઈ રહી હતી. લોકોની અંદર હવે એ સ્નેહ સમર્પણ કે સલામતી જેવું કશું જ ન હતું.બસ તેઓ એક ખાલી ખોળિયા સાથે જીવી રહ્યા હતા.આ બધું જોતા જ મેં મારો માર્ગ પ્રશસ્ત કર્યો અને હું વીલા મોઢે મારા માર્ગ પર ચાલવા લાગ્યો.હું સમજી ગયો હતો કે જેટલા સગા છે તે બધા વ્હાલા નથી અને જે વ્હાલા હોય છે એ બધા સગા નથી હોતા.જીવન એવું જીવી લો કે તમારા મર્યા પછી પણ લોકો પોતાની યાદમાં તમને જીવંત રાખે.બાકી મૃત્યુ તો નિશ્ચિત જ છે એ પછી શરીરનું હોય કે હૃદયમાં રહેલી લાગણીઓનું.

- એક આત્મા (જીલ ત્રિવેદી)