Prem - Nafrat - 36 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૩૬

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૬

પુરાવાની વાત સાંભળીને આરવને ચક્કર આવી ગયા હોય એમ સ્થિર થઇને ઊભો રહી ગયો. અજાણી યુવતીનું મોં હજુ સુધી જોયું ન હતું. તે શિવાની હોવાની શક્યતાઓ વધી ગઇ હતી. કોલેજમાં ભણતો હતો ત્યારે શિવાની કેટલાક મિત્રોની સાથે ગૃપમાં હતી. એની સાથે બહુ પરિચય ન હતો પણ 'હાય અને હેલો' નો સંબંધ જરૂર હતો. જો એ જ આ નટખટ યુવતી હશે તો ભારે કરશે. આરવને એ દિવસ યાદ આવી ગયો જ્યારે શિવાનીએ એની સાથે....

'જોયું બહેન? બોલતી બંધ થઇ ગઇ ને?' યુવતીએ પોતાનો મોબાઇલ પાછો પર્સમાં મૂકી દીધા પછી અભિમાનથી કહ્યું.

આરવ એની વાત સાંભળીને શિવાનીના વિચારમાંથી બહાર આવી ગયો. તે હિંમત ભેગી કરીને સહેજ સ્વસ્થ થતાં બોલ્યો:'પણ...તું છે કોણ એ પહેલાં કહે...આમ ધમકી શેની આપે છે?'

'આરવ, તું આ યુવતીને ખરેખર ઓળખતો નથી?' રચનાએ ખુલાસો માગ્યો.

'ના, એ ચહેરો બતાવે તો હું ચોક્કસ કહી શકું...' આરવના દિમાગમાં હજુ પણ શિવાનીનો ચહેરો તરવરતો હતો.

'બહેન, તું તારો ચહેરો બતાવી દે. જો તારી વાત ખોટી નીકળશે તો પોલીસમાં ફરિયાદ કરીશું એનું ધ્યાન રાખજે...' રચનાએ એને ચીમકી આપી.

આરવે આસપાસમાં નજર ઘૂમાવી. ખાસ અવરજવર ન હતી. કોઇને ખ્યાલ આવી રહ્યો ન હતો. બધાં પોતપોતાના રસ્તે આવતા-જતા હતા.

અજાણી યુવતીએ બોલીને કોઇ જવાબ આપ્યા વગર બંનેને જવાબ આપતી હોય એમ પોતાના ચહેરા પરથી દુપટ્ટો હટાવવાનું શરૂ કર્યું. આરવ એની એક-એક હિલચાલ જોઇ રહ્યો હતો. તે આંખનું મટકું માર્યા વગર યુવતીના ચહેરા પરથી પડદો હટતો જોઇ જ રહ્યો. તેના મનમાં કિશોરકુમારનું ગીત 'તેરે ચેહરે સે પરદા હટાના ભી હૈ...' ગુંજવા લાગ્યું હતું.

યુવતીએ દુપટ્ટો હટાવ્યો. એનો ચહેરો જોઇ આરવ ચોંકીને બોલ્યો:'તું?'

'હા, હું સંજના!' યુવતીએ હસીને પોતાની ઓળખ છતી કરી.

'તારે ઓળખ આપવાની જરૂર હવે નથી! દુપટ્ટો બાંધ્યો હતો ત્યારે આપવાની હતી ને?!' આરવ હસીને બોલ્યો. તેને રાહત એ વાતની થઇ હતી કે એ શિવાની ન હતી. એ સાથે સંજનાએ આવું નાટક કેમ કર્યું અને એમાં રચનાનો કેમ સાથ હતો એ જાણવાની ચટપટી જાગી હતી.

'સોરી જીજાજી!' કહીને સંજનાએ પોતાની બંને કાનની બૂટ પકડી.

આરવે કોઇ સવાલ કર્યા વગર પ્રશ્નાર્થ નજરે રચના સામે જોયું.

'ચાલો આપણે અહીં રસ્તામાં ઊભા રહ્યા વગર જીપમાં બેસીને વાત કરીએ!' કહી રચનાએ રિક્ષાવાળાને ઇશારો કરી જવા કહ્યું.

રચના આરવની બાજુમાં અને સંજના પાછળ બેસી ગઇ. આરવે જીપ ચાલુ કરી તરત જ પૂછ્યું:'રચના, આ તો સારું છે કે તેં એક વખત મને સંજનાનો ફોટો બતાવ્યો હતો એટલે એણે મોં ખોલ્યું કે તરત જ ઓળખી શક્યો. નહીંતર તમે બંનેએ આ નાટક કદાચ વધારે ચલાવ્યું હોત. પણ આવું નાટક કરવાની કેમ જરૂર પડી...?'

'એનો જવાબ હું આપું છું. પછી તારે એ જવાબ આપવો પડશે કે સંજનાએ મોબાઇલમાં પુરાવા બતાવવાની વાત કરી ત્યારે તું સહેજ ગભરાયો કેમ હતો?!' રચનાએ એની સામે જોઇને કહ્યું ત્યારે સ્પીકર પર કિશોરકુમારનું 'ખ્વાબ હો તુમ યા કોઇ હકીકત, કૌન હો તુમ બતલાઓ...' ગીત શરૂ થઇ ગયું હતું.

'હા, રચના... તારાથી હવે શું છુપાવવાનું?' આરવે સામે રસ્તા પર જોતાં વચ્ચે એક નજર રચના તરફ નાખીને કહ્યું.

'ઓકે! જુઓ... આ પ્લાન સંજનાનો જ હતો! એમાં મારે સામેલ થવું પડ્યું!' રચનાએ પાછળની બાજુ અંગૂઠાથી ઇશારો કરતાં કહ્યું.

'લુચ્ચી! તું સામેલ થઇ મતલબ કે તારે પણ કંઇક જાણવું હતું!' હસીને સંજનાએ રચનાની પીઠ પર ટપલી મારી.

'અસલમાં સંજના એ જાણવા માગતી હતી કે તમે મને જ ચાહો છોને! બીજી કોઇ છોકરી તમારા જીવનમાં હતી કે છે નહીં ને?! અને તમે બીજી છોકરીઓ સાથે હવે કેવું વર્તન કરશો એ પણ જોવું હતું...' રચનાએ હાથથી ઇશારો કરી સંજનાને આગળ બોલવા કહ્યું.

'જીજાજી! માફ કરજો! હું થોડી મજાકમાં અને થોડી ગંભીર થઇને તમારો સ્વભાવ જાણવા માગતી હતી. પહેલી જ મુલાકાતમાં તમે આગળની સીટ રચના માટે રીઝર્વ કરી દીધી એમ કહ્યું ત્યારે મને સમજાઇ ગયું કે તમારા દિલમાં પણ રચના માટે બહુ ઊંચું સ્થાન છે. અસલમાં મારી બહેનપણી માટે તમે યોગ્ય છો કે નહીં એની પરીક્ષા લેતી હતી! આજકાલના યુવાનો બહુ છેલબટાઉ હોય છે! રચનાએ તો મને ના જ પાડી હતી કે આવા કોઇ નાટક કરવાની જરૂર નથી. હું પહેલી જ મુલાકાતમાં એમને ઓળખી ગઇ હતી. પછી વધુ સારી રીતે ઓળખી ગઇ છું. મેં તમારી ફીરકી લેવા આમ કર્યું હતું. ફરીથી સોરી કહું છું!' સંજનાએ ફરી કાન પકડ્યા.

'આમ વારંવાર સોરી ના કહીશ. સાળીનો તો હક હોય છે જીજાજીની મજાક કરવાનો...!' કહી આરવે એને અંગૂઠો બતાવ્યો.

'આરવ, હવે તારો વારો છે...' કહી રચનાએ એની સામે જોયું.

આરવે તરત કોઇ જવાબ ના આપ્યો. તે જીપ ચલાવવા પર ધ્યાન આપવાનો ઢોંગ કરી વિચારવા લાગ્યો. શિવાની વિશેની સાચી વાત રચનાને કરવી જોઇએ કે નહીં? વાત સાંભળીને ક્યાંક એ નારાજ થઇ જશે તો? એનો લગ્ન માટેનો વિચાર બદલાઇ જશે તો? સાચી વાત કરવાને બદલે કોઇ બહાનું બનાવી દઉં...?

ક્રમશ: