Gomti ghate books and stories free download online pdf in Gujarati

ગોમતી ઘાટે

આશરે સોળ સત્તર વર્ષ પહેલાંની વાત છે. હું ત્યારે દ્વારકામાં નોકરી કરતો હતો. ભગવાન કૃષ્ણનાં ચરણોમાં. શહેર ત્રીસ પાંત્રીસ વર્ષ અગાઉ સાવ નાનું હતું, માંડ પચીસેક હજારની વસ્તી વાળું. તાલુકો. પછી દેવભૂમિ દ્વારકા જિલ્લો થતાં એ શહેરનો અચંબામાં નાખી દે તેટલી ઝડપે વિકાસ થયો. ત્રીસેક વર્ષ પહેલાં તો બે જ રાષ્ટ્રીયકૃત બેંક આ ગામમાં હતી - બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર.

અહી એસીસી સિમેન્ટ ફેકટરી પણ હતી જે '90 ની આસપાસ બંધ થઈ ગઈ.

દ્વારકાના વિકાસ સાથે પ્રાઇવેટ બેંકો પણ આવી જેમાં હું નોકરી કરતો હતો.

દ્વારકા એટલે ભગવાન કૃષ્ણની કર્મભૂમિ. મથુરામાં કંસને મારી રાજ્ય મેળવ્યા પછી પણ તેમને શાંતિથી રાજ્ય કરવા મળતું નહીં. સતત કંસના વંશજો અને જરાસંઘ તથા તેના ખંડિયા રાજાઓનાં આક્રમણથી ત્રાસીને તેમણે છેક ઉત્તર પ્રદેશના પૂર્વથી આવી ભારતના પશ્ચિમ છેવાડે દ્વારકા રાજધાની બનાવી જે ખુબ સમૃદ્ધ હતી. સમુદ્રનું તળ કોઈ વખતે એટલું ઊંચું આવ્યું કે એ સોનાની દ્વારકા એટલે ભવ્ય શહેરે જળ સમાધિ લઈ લીધી જેના અવશેષો પ્રો. એસ. આર. રાવ દ્વારા શોધવામાં આવેલા છે.

દ્વારકાધીશનું મંદિર રેતીના પત્થરથી બનેલી બેનમૂન સાત માળની ઇમારત છે. આગળથી આજે હવે સિક્યોરિટી ચેકમાંથી પસાર થઈ આઠ દસ પગથિયાં ચડી મોટા ચોકમાં થઇ જવાય છે પણ પાછળ ગોમતીકાંઠેથી જવા 56 પગથિયાં વાળી સીડીનો ઉપયોગ કરી જવું પડે છે. ગોમતી ઘાટ પર સમુદ્રનારાયણનું મંદિર છે અને લાંબો ઘાટ છે. આગળ ગાયત્રી મંદિર, દીવાદાંડી, સોમરસ માર્ગ થઈ સનસેટ પોઇન્ટ પણ જવાય છે અને તે પણ જોવા લાયક જગ્યાઓ છે.

આ બધી જગ્યાઓનો ઉલ્લેખ તમને યાત્રા ઉપરાંત એ સુંદર શહેર મારી સાથે ફેરવવાનો છે. મારી ખાસ યાદ દ્વારકા સાથે જોડાયેલી છે.

તો એ સત્તર વર્ષ પહેલાંની ઘટના કહું.

એ દિવસે હું ઓફીસથી સહેજ વહેલો છૂટેલો. સાંજ અને રાત વચ્ચેનો સમય હતો. દ્વારકાધીશ મંદિરની સાંજની આરતીને હજુ વાર હતી. હું છપ્પન સીડી ઉતરી પાછળ ગોમતી ઘાટ પરથી ફરતો ફરતો ગાયત્રી મંદિર તરફ જઈ રહ્યો હતો. ત્યાં થોડીવાર સમુદ્રની લહેરો માણતા બેસી પછી પાછા આવવા વિચાર હતો. ગોમતી ઘાટ પર સૂર્યાસ્ત થઈ જતાં સહેલાણી લોકોની અવરજવર ઘટી ગઈ હતી. ઘાટ પર નાની છત્રીઓમાં બાવાઓ પોતાની જગ્યા રિઝર્વ કરતા બેસી ગયા હતા અને નાની ધુણીઓ પ્રગટતી હતી. એક નાનાં મંદિરમાં આરતી થતી હતી.

ત્યાં ઓચિંતો મને બાજુમાંથી કરુણ રીતે ભરાતાં ડૂસકાં નો અવાજ આવ્યો. કોઈનું હ્રદય હચમચાવી નાખે તેવું રુદન સંભળાયું. હું એ બાજુ ગયો. એક છત્રીની ઓથે એક સોળ સત્તર વર્ષની યુવતી પોતાના દુપટ્ટા માં મોં રાખી જોરથી રડી રહી હતી. પાસે એક એમ તો યુવાન પણ પિસ્તાલીસેક વર્ષની સુંદર, ઘાટીલી સ્ત્રી ચત્તી પાટ પડી હતી. તેનાં માથાંમાંથી લોહી વહેતું હતું અને મોંમાંથી ફીણ નીકળી હોઠ પર થઈ ખભા પર પ્રસરાએલાં હતાં. એ સ્ત્રીની છાતી ધમણની જેમ ઝડપથી ઊંચી નીચી થતી હતી. તેની આંખો ફાટી પડી હોય તેમ ડોળા પહોળા થઈ ગયા હતા. કોઈ પણ ડરી જાય એવું દ્રશ્ય હતું. યુવતી રુદન સાથે તે સ્ત્રીને પોતે મોં આડો દુપટ્ટો રાખી રડતી હતી એ જ દુપટ્ટાથી તે બેભાન સ્ત્રીને પંખો નાખવા વ્યર્થ પ્રયત્ન કરતી હતી.

હું ત્યાં ઊભો રહ્યો અને તે યુવતીને કહ્યું "રડો નહીં. હું અહીંનો રહેવાસી છું. મને તમારો જ માનો. શું થયું છે એમને? "

તે યુવતીએ મારી સામું જોયું. એ દૃષ્ટિમાં શંકા, અવિશ્વાસ, મદદ માંગુ કે નહીં એ અનિશ્ચિતતા - એ બધા ભાવ ડોકાતા હતા.

"તમે ઓચિંતી કોઈ મુશ્કેલીમાં આવી પડ્યાં છો તે હું જોઈ શકું છું. તમારી સાથે કોઈ છે? આ બહેનને આટલું બધું શું થઈ ગયું છે? મને કહો. હું તમારી મદદ કરીશ." મે ફરી કહ્યું.

તેણે એ બેભાન સ્ત્રીના માથે હાથ ફેરવતાં ફરી ડૂસકું મૂક્યું અને મારી સામે અસહાય પણ નિર્લેપ ભાવે જોયું. તે છોકરીની આંખો મોટી, અણીદાર હતી. મોટું કપાળ હતું અને એક સાઈડે કથ્થાઈ વાળ કપાળથી કાન તરફ ઢળી પડ્યા હતા. દૂરની કોઈ લાઇટમાં સાવ આછા અજવાળે ચમકતી તેની આંખો અને તેનું નકશીદાર મુખ જે હવે રડીને લાલચોળ થઈ ચૂકેલું તે જોતાં મારા હૃદયમાં એનાં દર્શને એક થડકારો કર્યો. છોકરી કમ યુવતી કોઈનું પણ ધ્યાન ખેંચે તેવી સુંદર હતી. પણ આ સમય તેને મદદ કરવાનો હતો.

" ભરોસો રાખો. રાત ઢળી રહી છે. અંધારું થાય તે પહેલાં કાઈંક કરવું પડશે. હું તમારી સાથે રહીશ. આ બહેન કોણ છે? તેમને ઓચિંતું શું થયું?" મેં ફરીથી એ નિ:સહાય ચમકીલી આંખોમાં આંખ પરોવતાં પૂછ્યું.


"આ મારી મમ્મી છે. અમે ગોમતી ઘાટમાં પગ બોળ્યા, માછલીઓને ચણ નાખ્યું પછી તે ઉપર આવવા ગઈ ત્યાં પગથિયે લપસી અને માથું પગથિયાંની ધાર સાથે અથડાયું. હું તેનો હાથ પકડી તેની તણાવા લાગેલી પર્સ પકડું ત્યાં તેની સાડીમાં ફરી પાણી ભરાતાં તે ફરી પાણીમાં ખેંચાઈ. હું પણ લપસી પણ મેં સાઈડના ઓટલાનો સહારો લઈ લીધો. મમ્મીને જેમ તેમ બહાર કાઢી ત્યાં આઘાતને લીધે કે ગમે એમ, તેનાં મોંમાંથી ફીણ નીકળ્યાં અને તે બેભાન થઈ ગઈ."

આટલું કહેતાં તે યુવતીને શ્વાસ ચડી ગયો. તે જોરથી ઠુઠવો મૂકી રડવા લાગી. તેની મમ્મીનું મોં પહોળું થઈ ચૂકેલું અને તેમાંથી ફીણ નીકળી રહેલાં.

તમાશાને તેડું હોય?

બે ચાર નવરા છોકરાઓ અને એક બાવો ત્યાં દોડી આવ્યા. બાવો તો કહે "માતાજીનાં કપડાં ભીનાં છે. લાવો બદલવામાં મદદ કરું."

એક તો માતાજી કહેવું ને ઉપરથી લોલુપતા, એ પણ આવા સંજોગોમાં પડેલી સ્ત્રી પ્રત્યે! આવા સાધુઓ કે નવરા અયોગ્ય માણસોથી પણ આ બે ને તાત્કાલિક બચાવવાં પડશે.

"આભાર બાબા. હું એમની સાથે છું. આપ પધારો." મેં કહ્યું.

છોકરી કમ યુવતી હજી મા તરફ અપલક જોતી હવે ધીમાં ડૂસકાં ભરતી હતી.

સાવ અજાણી છોકરીને સ્પર્શ પણ કેમ કરવો? છતાં મેં તેના વાંસે હળવો હાથ ફેરવ્યો અને સાંત્વન આપ્યું.

"તમે બે એકલાં જ છો તેમ લાગે છે. બીજી બધી વાત પછી. આમને થોડે દૂર સિવિલ હોસ્પિટલ છે ત્યાં લઈ જઈએ. ઘાટ ચડી આગળ એક પ્રાઇવેટ ક્લિનિક છે પણ એ એમબીબીએસ ડો. નું છે. કેસ સિરિયસ લાગે છે. ચાલો સિવિલ લઈ જઈએ."

મેં કહ્યું. ઘોડાગાડી કે રિક્ષા પણ એક શેરી વટાવ્યા પછી, લગભગ પોણો કિલોમીટર ગયા પછી જ મળે એમ હતું. શરૂની રાતનું ઘોર અંધારું, નજીક સમુદ્રના ઘૂઘવાટ સિવાય કોઈ અવાજ નહીં અને નજીકમાં બાવાઓની ધૂણીઓ. સ્મશાનવત ડરાવણી શાંતિ.

એ સ્ત્રીની ભીની છાતી જોરથી હાંફતી ઊંચી નીચી થતી હતી તે બંધ થઈ ગયું. કદાચ શ્વાસ પણ.

મેં એ ભીની, બેભાન સ્ત્રીને ઉઠાવવા પ્રયત્ન કર્યો. સામાન્ય સ્થિતિમાં આપણે કોઈને તેના ઘૂંટણ વચ્ચેથી હાથ કાઢી બીજો આપણા ખભે લઈ ઊંચકી લઈએ. આ સ્ત્રી બેભાન, કદાચ મૃત્યુ પામી હશે? તેનું શરીર એકદમ ભારે લાગી રહેલું.

એ યુવતી કે કિશોરી કાઈં પણ બોલ્યા વગર ચૂપચાપ મારે વશ થઈ. તેણે એની મમ્મીની સાડી સરખી કરી, પર્સ ખભે નાખ્યું અને મમ્મીના પગ પકડ્યા. મેં તેની મમ્મીને ખભેથી ઊંચી કરી. હજી ઊંચકી ન શકાઈ. આખરે મેં તેની મમ્મીના નિતંબો મારા એક હાથમાં ઊંચક્યા અને બીજે હાથે તેની બગલમાંથી ઊંચકી. સ્પર્શ થતાં જ ઝબકીને એ સ્ત્રીએ આંખો ખોલી મારી સામે જોયું. કદાચ એ દૃષ્ટિમાં અણગમો હતો. પછી ભય. ફરી તેના શ્વાસ ધીમા પડી ગયા. સાવ ધીમા.

હું તેને ઊંચકી થાય તેટલી ઝડપથી બહાર શેરી તરફ જવા લાગ્યો. યુવતી પણ જોડાઈ.

શેરીમાંથી બાંગડ ધર્મશાળા પાસે બહાર આવીએ ત્યાં રિક્ષાવાળો ઊભો હતો તે મને જોયે ઓળખતો હતો. મેં એ સ્ત્રીને રિક્ષામાં સુવાડી અને "મહેમાન છે. ઓચિંતું કંઇક થઈ ગયું છે. જલ્દી સિવિલ લઈ લો" કહ્યું અને રિક્ષાવાળાની બાજુમાં આગળ બેસી ગયો. સ્ત્રી લસરી પડે તેમ લાગ્યું. યુવતી તેની આગળ માથા તરફ બેઠી અને પગ પાસે મારે બેસવા ઈશારો કરતો હાથ મૂક્યો. હું પાછળ તેની સાથે જ બેઠો.

"અમે બે જ દર્શન કરવા આવેલાં. મમ્મીને કદાચ હાર્ટ વીક હશે એમ વચ્ચે ફેમિલી ડોક્ટરે કહેલું પણ બીજા કોઈ ટેસ્ટ કરાવેલા નહીં. આજ સુધી તે સ્વસ્થ હતી. કોને ખબર.." વળી તેણે ડૂસકું મૂક્યું. મેં તેનો વાંસો પસવાર્યો. તેના હાથ પર હાથ મૂકી સાંત્વન આપ્યું. એના હાથની કુમાશના સ્પર્શે ફરી મને ઝણઝણાટી થઈ ગઈ.

મેં રિક્ષાવાળો ન સાંભળે તેમ તેની નજીક મોં લઈ જઈ પૂછ્યું "તમારા પપ્પાને ફોન કરું ને?"

તેણે ફરી બે હાથમાં મોં સંતાડી કહ્યું "પપ્પા નથી. પાંચ વર્ષ પહેલાં.."

બીજું ડૂસકું મૂકે તે પહેલાં મેં તેને મારી તરફ ખેંચી. તેણે મારે ખભે માથું મૂકી દીધું. તરત સ્વસ્થ થઈ આંખો લુછી.

સિવિલ હોસ્પિટલ આવી ગઈ. હું સ્ટ્રેચર લઈ આવ્યો. અમે બે એ મળી એની મમ્મીને સુવાડી અને તેની સાથે જઈ મેં કેસ કઢાવ્યો.

"કોઈ સગાના નંબર છે ને? હું ફોન કરું કે જાઉં?" મેં પૂછ્યું.

"તમને અજાણ્યાને ખુબ તકલીફ આપી. હું ફોન કરી દઈશ અને હવે સંભાળી લઈશ. એક છેલ્લી તકલીફ આપું. મને નજીકનાં એટીએમ પર લઈ જાઓ." તેણે કહ્યું. જે પણ સ્થિતિ થાય તેનો સામનો કરવા હવે તે હિંમતમાં આવી ગઈ હતી.

ડોકટરો તેના કામે લાગ્યા અને અમે બે એ જ ઘોર અંધારા રસ્તે ગામ તરફ જવા નીકળ્યાં. સિવિલ હોસ્પિટલ સનસેટ પોઇન્ટના રસ્તાને સમાંતર એકાંત રસ્તે છે અને ગામ ત્યાંથી દોઢેક કિલોમીટર દૂર છે. એકાદ વખત તે અંધારામાં ડરીને કે ઠેસ ખાઈને મને કમરેથી પકડી વળગી પણ પડેલી, પછી કાઈં બોલ્યા વગર શરમાઈ નીચું જોઈ ગયેલી. પછી મેં તેનો હાથ પકડી રાખ્યો જે તેણે છોડાવ્યો નહીં. રસ્તામાં નામોની આપ લે થઈ. તે 11 સાયન્સ માં ઉત્તીર્ણ થએલી અને 12મુ શરૂ થાય તે પહેલાં દર્શને આવેલી. મેં હું પ્રાઇવેટ બેંકમાં છું અને એન્જીનીયરીંગ ગ્રેજ્યુએટ છું તે કહ્યું.

પૈસા જોઈએ કે કોઈ પણ કામ પડે તો મને ફોન કરે કહી મારો નંબર પણ આપ્યો. જમવા મારી સાથે આવવા કહી જોયું. એ તો ક્યાંથી જમવાના મૂડમાં હોય? આખરે સવાર સુધી ખેંચવા મેં તેને પેટમાં કાઈંક નાખવા આગ્રહ કર્યો અને તીનબત્તી ચોક પાસે રાત્રે જ મળતાં ગરમ ભજિયાં ખવરાવી હું મારી રૂમ પર ગયો.

રાત્રે તેનો કોઈ ફોન ન આવ્યો.

બીજે દિવસે કોઈ જરૂર હોય તો પૂછવા ઓફિસ જતા પહેલાં હું સિવિલ હોસ્પિટલ ગયો.

એની મમ્મીને જનરલ વોર્ડમાં એક ખાટલે રાખેલી. તેની આંખો બંધ હતી. તેના શરીરે એક સફેદ ચાદર ઓઢાડેલી પણ મોં ખુલ્લું હતું. યુવતી દેખાઈ નહીં. એક વડીલ યુવતીની મમ્મીની પાસે સ્ટૂલ પર બેઠેલા. હું એની મમ્મીની નજીક ગયો તો એ વડીલે પૂછ્યું "what do you want?"

મેં તે યુવતી ક્યાં ગઈ છે તેમ પૂછ્યું. વડીલ જરા curtly કહે "તમારે શું કામ છે?"

એમને શું લાગ્યું હશે?

હું પૂરાં 24 વર્ષનો પ્રાઇવેટ બેંકમાં અધિકારી હતો. હા. ઉંમરથી હજુ પણ થોડો નાનો ત્યારે પણ લાગતો ને આજે પણ લાગું છું.

મને ન ગમ્યું. મેં ગઈકાલ રાતની વાત કહી. તેમનાં મોં ના ભાવોમાં કોઈ ફેર ન પડ્યો.

છતાં મેં જતાં જતાં કહ્યું કે હું …, અહીંની બેંકમાં છું અને કોઈ પણ જરૂર પડે આવી જઈશ. તેમણે એવા જ રુક્ષ ભાવે 'thank you' પણ ઉમેર્યા વગર કહ્યું "it is ok. I will manage."

તે પછી સિવિલનું કોઈ બેંકમાં આવેલું તેણે કહ્યું કે એ સ્ત્રી તો મૃત્યુ પામેલી અને દેહ લઈ ગયેલા. એમને ટેક્સી નહોતી મળી અને મેટાડોર કરવામાં પણ મહેનત પડેલી. મારો કોન્ટેક્ટ કેમ ન કર્યો? એ જાણે.


બીજાં સાત વર્ષ. હું હવે એમ.બી.એ. કરી મુંબઇ એક ફાઇનાન્સ કંપનીમાં દ્વારકા કરતાં તો ઘણી ઊંચી પોસ્ટ પર હતો. અતિ વ્યસ્ત. ઘેરથી કન્યાઓ જોવાતી હતી જે મારે લાયક હોય. કાં તો મંગળ શનિ કે ગ્રહ આડા આવે ક્યાં તો છોકરી મારે લાયક ન હોય કે તેઓ મને લાયક ન ગણે.


એક વખત ગૂગલ ફોટોમાં મેમરી 5 years ago, 7 years ago.. આવ્યું તેમાં દ્વારકા ગોમતીઘાટનો મારો ફોટો જોઈ મને એ યાદ આવી. સર્ચ કર્યું. અરે, આ નામ તો people you may know માં હતું જ. અમુક mutual friends પણ હતા. આમ તો તે જોતાં જ ધબકારા થંભાવી દે એવી હતી પણ ફેસબુક પ્રોફાઈલ નો ચહેરો તો એથી પણ સુંદર. મોટી થઈ ગઈ. હું ઓળખી શક્યો નહીં. મેં just friend request મોકલી. તેણે સ્વીકારી. મેં ખાલી 'hi' લખ્યું. દ્વારકામાં મળેલાં એ જ? તેમ પૂછ્યું. તરત હા કહેવાઈ. મેં તેની મમ્મીનો શોક વ્યક્ત કર્યો. તે તેના કાકાને ઘેર રહેતી હતી. એક સારી લેબમાં સાયન્ટીસ્ટ હતી.

તરત ચેટ થવા લાગી. તેની મમ્મીને એટેક આવેલો અને ઇજા પણ સારી એવી થએલી. બ્લડની પણ જરૂર હતી. તેના કાકાઈ મામા જામનગર હતા જે દોડી આવેલા. ચોરીછૂપીથી તેણે મારો કોન્ટેક્ટ બ્લડ માટે સવારે 4 વાગે કરેલો જે ફોન કોઈ કારણે મારા ધ્યાનમાં નહોતો આવ્યો. મમ્મીએ આસપાસ જોતાં, કદાચ મને પણ ગોતતાં છેલ્લા શ્વાસ લીધેલા.

એ તો મારાથી ખાસ્સી આઠ વર્ષ નાની હતી. તે વખતે તો બાલિકામાંથી પ્રગટું પ્રગટું થતી કિશોરી. એણે જ કહ્યું કે તે 23 વર્ષની થઈ અને છોકરા જોવાય તો છે. લે, એ પણ મુંબઈ જ નોકરી કરતી હતી.

એના સગા મામા અને કાકા તો એણે કરેલી વાત પરથી મારી પર ખુબ માન ધરાવતા થયેલા. તે પોતે મને બીજા કોઈ કરતાં વધુ પસંદ કરતી હતી. પેલા જામનગર વાળાં કાકા સ્વભાવે હતા જ શંકાશીલ. મેં કરેલું એમને સમજાએલું નહીં કે મને જોતાં જ હું એની ભાણીની પાછળ પડ્યો હોઈશ એવું લાગેલું. હશે. એના કુટુંબે તો ઉંમરનો ફેર હોવા છતાં રંગેચંગે અમારાં લગ્ન કરાવી આપ્યાં. અમે બે એની મમ્મીના ફોટાને પગે લાગ્યાં ત્યારે જાણે એની મમ્મી મારો આભાર માનતી હોય એવું લાગતું હતું.


અને બીજાં આઠ વર્ષે આજે. હવે હું 40 વર્ષનો. હજી 32 કે 35 નો દેખાઉં એવો. એ તો - કહે છે ને, 'તરિયાં જોબન ત્રીસ'. ત્રીસ વર્ષે ભરજોબના. ફૂલ ગુલાબી ચહેરો, અંધારામાં ચમકે તેવી આંખો અને નજર ચોંટી રહે તેવી દેહ્યષ્ટી. હવે આજે મારી કંપનીમાં હું જનરલ મેનેજર થયો તે પ્રમોશન બાદ આભાર માનવા બે બાળકો સાથે હું દ્વારકાધીશનાં દર્શને આવેલો છું. અહીંથી નાગેશ્વર, આગળ સોમનાથ, સાસણ જવું છે.

આજે તો ગોમતીઘાટ પાસે સામે જવા પુલ છે. ઘાટમાં પગથિયાં નવાં બનાવ્યાં હોઈ લપસાય એમ નથી. તો પણ મારો હાથ ખેંચાયો. હું દોરાતો કેડ સમાં પાણીમાં પહોંચ્યો ત્યાં એ હાથ મારી ફરતે ભરડો લેતો વિંટાયો. સૂર્ય પ્રકાશમાં એનાં કંકણો સાત રંગોમાં ચમકી રહ્યાં અને મારી કમરે વીંટળાઈ વળ્યાં. મારે ગાલે એ ચૂમી રહી હતી. બરાબર સત્તર વર્ષ પહેલાં એ અંધારે બેઠી રડતી હતી તે છત્રી સામે જ. આજે મધ્યાહ્નના પૂર્ણ પ્રકાશમાં ચમકતી દમકતી એ ખડખડાટ હસતી હતી- મારાં આલિંગનમાં.

ગોમતીઘાટનાં જળ અમને વીંટળાઈ રહી ગેલ કરતાં હતાં.

***