nach gan books and stories free download online pdf in Gujarati

નાચ ગાન


તે અત્યંત થાકેલો, લથડીયાં ખાતો હતાશ, થઈ ચાલ્યે રાખતો હતો. એક કુશળ નૃત્યકાર, કોરિયોગ્રાફર, કલાકાર આજે ચારે તરફથી નિરાશાઓથી ઘેરાયેલો, વિચારશુન્ય થઈ બધું જ છોડી આપઘાત કરવા જતો હતો.


તેનાં મગજમાં પડઘાઓ પડ્યે રાખતા હતા.


"બહુ રાહ જોઈ. તેં મને નચાવી એમ નાચી. તારાં નાચગાન મારૂં પેટ ભરી શકે એમ નથી. હવે તું તારા રસ્તે અને હું મારે." તેની પ્રેમિકાના શબ્દો.


"આમ વાંદરાઓની જેમ નાચકુદથી ટિકિટબારી નહીં છલકાય. તારા શોમાં કોઈ આવતું નથી. પેકઅપ મેન! અમે તને વધુ શો આપી શકીએ એમ નથી." શો ના આયોજક.


"અમે તો કહેતા હતા કે ભણવામાં ધ્યાન આપો. નોકરી-ધંધો કરો. નાચગાન આપણું કામ નહીં. બહુ રખડી ખાધું." બાપના શબ્દો.


તેણે કાન બંધ કરી દીધા પણ આ તો મનમાં ઉઠતા પડઘાઓ હતા. તેણે જોરથી માથું ફૂટ્યું.


તેણે સંઘર્ષ ખૂબ કરેલો પણ નસીબે યારી આપી ન હતી.

એ જ નાચગાને તેને તેની પ્રેમિકા આપેલી. તેની પ્રેમિકા અદભુત કંઠ અને અપ્રતિમ રૂપની સ્વામીની હતી તો પોતે કુશળ નૃત્યકાર અને કોરિયોગ્રાફર હતો. સાચે જ તેમની જોડી દેવોને પણ ઈર્ષ્યા થાય એવી હતી. તેણી લગ્ન કરવા આતુર હતી પણ તે સંઘર્ષ જ કરતો રહ્યો. આખરે પ્રેમિકા રાહ જોઈજોઈને તેને છોડીને ચાલી ગયેલી.


તેણે આપઘાતનું વિચારેલું પણ થયું કે એ કોઈ રસ્તો નથી. તે થાકીને કોઈ અંધારી જગ્યાએ જઈ સુઈ ગયો.


તેની આંખ ઉઘડી. તે એક પર્વતની તળેટીમાં ગુફા પાસે હતો. તેણે ગુફામાં જવાનું ચાલુ રાખ્યું. ધીમેધીમે ચોતરફ અંધારું છવાઈ ગયું. ક્યાંકથી તેને ધોધનો અવાજ આવ્યો. તેણે અવાજ તરફ ગયે જ રાખ્યું. ક્યાંથી અવાજ આવતો હતો તે ખબર પડતી ન હતી ઉપર નાનાં બાકોરાંમાંથી પ્રકાશ આવતો હતો તેને આધારે તે આડીઅવળી કેડીઓમાં થઈ અવાજ તરફ ગયો. ખડકની બીજી બાજુથી અવાજ આવતો હતો. આખરે તેને એક લપસણી જગ્યાએથી નીચે ધીધ પડતો દેખાયો. તે હળવેથી એક અણીદાર પથ્થરની ધાર પકડી આગળ વધ્યો. ધોધ અને તેના વચ્ચે વેગથી વહેતી નદી હતી. તેણે આજુબાજુ જોયું. ઊંચે કૂદકો મારી એક ઝાડની ડાળી પકડી ભૂસકો મારવા તૈયારી કરી પણ ડાળી તૂટી. તે પટકાયો અને સડસડાટ લપસ્યો. અંધારામાં તેના પગ એક ધનુષ્ય જેવી ચીજમાં ભરાયા. તેણે હાથ ફેરવી જોયું. એ ચીજ વિશાળ પતંગની કમાન લાગી. તેણે એ ચીજ આમથી તેમ ફેરવી. કમાન સાથે કોઈ કાપડ જેવું જોડાયેલું લાગ્યું. તે પાંખની જેમ ખુલી શકે તેવું હતું. તેની વચ્ચે ગોળ કાણું હતું. તેણે એ કાણામાં માથું નાખ્યું. લપસણી જમીન પર તેના પગ સરકવાથી અનાયાસે પેલા ધનુષ્ય જેવા આકારને ધક્કો લાગ્યો અને તે કપડું બે પાંખની જેમ પહોળું થયું. તે હાથ હલાવી તરફડીયાં મારવા લાગ્યો. ઓચિંતો, હાથના જોરે અને પગના ધક્કે તે ઉડયો અને જોતજોતામાં ધોધની વચ્ચેથી પસાર થઈ ખુલ્લી જગ્યામાં આવ્યો.


નીચે એક ઊંડી ખીણ હતી. તે ખૂબ ઊંચે આકાશમાં પક્ષીની જેમ ઉડતો હતો. તેણે હવે હાથપગ હલાવવા બંધ જ કરી દીધા. આમેય તેનામાં ક્યાં શક્તિ બચી હતી?


કોઈ અદ્રશ્ય જાળ જેવી વસ્તુએ તેનું ઉડયન રોકયું. તે ખીણમાં ઉતર્યો. થોડું દોડ્યો ત્યાં તેની તરફ સાવ ટચુકડા, તેના ગોઠણથી પણ નીચા લોકો ધસી આવ્યા. તેમને રંગબેરંગી પાંખો પણ હતી. તેઓ હોઠ પહોળા કરતા હતા પણ કશું સંભળાતું ન હતું. તે ચુપચાપ ઉભો રહ્યો.

તેઓ કૂતરાની જેમ પગ ઘસતા હતા અને આક્રમણ કરતા હોય તેવી મુદ્રાઓ કરતા હતા.


તેણે થોડું વિચાર્યું. તે મોંએથી તીણી વ્હીસલ વગાડી ગોળ ઘૂમ્યો. નૃત્ય મુદ્રાઓ કરી અદબ વાળી, નમ્યો, બે હાથ ફેલાવી પોતે મિત્ર છે અને તેમનો સ્વીકાર કરે છે એમ દર્શાવ્યું.


ઓચિંતી કોઈએ તેની પાસે હતી તેવી લાકડી ઊંચી કરી પાંખ ફફડાવી. એ સાથે બીજા દસબાર લોકોએ પાંખ ફફડાવી. તેઓ ભમરાની જેમ હવામાં તેની ફરતે ઉડવા લાગ્યા. હવે તેમાંના કોઈનો ભમરો ગુંજતો હોય તેવો અવાજ કાને પડ્યો. આ જોઈ તેણે પોતે પણ સ્ટેજ પર નૃત્ય કરતો હોય તેમ ગુંજનનો અવાજ કરતાં ગોળ કૂદકો માર્યો પણ આમ કરવા જતાં તે ફસડાઈ પડ્યો. પેલા મુખ્ય ભમરાનો ઉપહાસ કરતો હોય તેવો અવાજ આવ્યો. તેઓ તેને ઘેરી વળ્યા.


આ શું? પેલી લાકડી તો તેમનાં શરીરનું હાડકું હતી જે તેમની કરોડરજ્જુ સાથે જોડાયેલી હતી અને કપડાં જેવી પાંખો તેમની ચામડીની જ બની હતી પણ દરેકની ચામડી અલગ અલગ રંગની, ઉપર અલગ અલગ ભાત ઉપસેલી હતી. પોતે પતંગિયા મનુષ્યો વચ્ચે આવી પડ્યો હતો. પણ તો.. પોતાનો પગ ફસાયેલો એ હાડકું કોનું હતું?


તેણે ગોળ ફરતાં, હવામાં કુદકા મારતાં તાલ સાથે તાળીઓ વગાડી નૃત્ય કર્યે રાખ્યું. તેના પડઘા દૂર પર્વતોમાં પડ્યા. જાણે પર્વતોએ તાળી વગાડી. એ સાથે નજીકનાં વૃક્ષો ઝૂમતાં ખંજરી જેવો અવાજ આવ્યો. પતંગમાનવો ખુશ થયા.


ઓચિંતી એક સુંદર, નાજુક પતંગી સ્ત્રી ટોળાંમાંથી બહાર આવી અને તેનો હાથ પકડી નૃત્ય કરવા લાગી. હજુ તેમના અવાજ સંભળાતા ન હતા. એ સ્ત્રીની નાનકડી કાયા ગુલાબી ગોરી હતી અને તેને કુદરતી રંગીન પાંખો હતી.


તેણે નજીક પડેલ કોઈ પથ્થરને એક બોન્સાઇ વૃક્ષ જેવાં દેખાતાં નાનાં વૃક્ષ સાથે અફાળ્યો. એનાં થડમાંથી સંગીતમય અવાજ આવ્યો. તેણે મોટેથી સીટી વગાડી. હવે પેલા ભ્રમર મનુષ્યે સામેથી કાન ફાડી નાખે તેવી સીટી વગાડી. હવે તે સમજ્યો. આ લોકો અલ્ટ્રાસાઉન્ડથી વાત કરતા હતા જે મનુષ્યનો કાન સાંભળી ન શકે. તેમની અમુક ક્રિયાઓ પતંગિયા કરતાં કૂતરા જેવી વધુ લાગતી હતી.


નૃત્ય કરતી સ્ત્રીએ તે ક્યાંથી આવ્યો તે ઇશારાથી પૂછ્યું. પોતે અભિનય કરી ધોધ ઓળંગીને પર્વત પરથી આવ્યો તે જણાવ્યું. પોતે થાકેલો, ભૂખ્યો છે તેમ પણ જણાવ્યું.


પતંગી નજીકના વૃક્ષ પાસે ગઈ અને તેણીએ માથું નાખવાનાં ગોળ કાણાંમાંથી સૂંઢ જેવું કાઢી રસ ચુસ્યો. તેણે પોતાની પાસેની એ ચીજમાંથી મોં કાઢી પોતાની સૂંઢ ગોતી. મળી નહીં. પતંગીએ તેની પીઠ પાછળનાં વસ્ત્રમાં હાથ નાખી સૂંઢ કાઢી આપી અને તેને બીજાં વૃક્ષમાંથી કોઈ ફળ જેવી ચીજમાંથી રસ ચૂસવા જણાવ્યું. તેને ફાવ્યું નહીં. પતંગીએ પોતાની સૂંઢ તેના મોંમાં નાખી ચુંબન કરતી હોય તેમ રસ આપ્યો. આટલામાં તેનું પેટ કેમ ભરાય? તે શક્તિ વાપરી દોડ્યો અને એક પોતાની ઊંચાઈ જેટલાં ઊંચાં વૃક્ષ પર ચડી ગયો. તેણે થોડાં ફળો ખાધાં અને થોડાં નીચે ફેંકયાં. પતંગમનુષ્યો દોડીને તે ફળોમાં સૂંઢ ભરાવી રસ ચૂસવા લાગ્યા. તે નીચે ઉતર્યો.


હવે તેણે મોંએથી અવાજ કરતાં પોતે મિત્ર છે તેમ બતાવ્યે રાખ્યું. એકાએક પતંગીના મુખમાંથી તીણો અવાજ નીકળ્યો. એ જોઈ એક પછી એક પતંગમનુષ્યો અવાજ કરવા લાગ્યા. એ મિત્રતાનો અવાજ હતો.


દૂરથી ભીની લહેર આવી. નજીકમાં સમુદ્ર કે મોટી નદી હોય તેમ લાગ્યું. તેણે એક ભ્રમર મનુષ્યને પોતાની પાસે આવવા ઈશારો કર્યો. પેલાએ આજુબાજુ જોયું. પતંગીએ તેને ઇશારાથી હા પાડી. એ સંમતિ મળતાં પોતે પીઠ પર એક ભ્રમર મનુષ્યને બેસાડ્યો અને એને ખોરાક મળે તે તરફ લઈ ગયો. પોતે ખોબેથી પાણી પીધું અને એક બોન્સાઇ આંબા જેવાં વૃક્ષ પરનાં ફળ પથ્થરથી પાડી, એ લઈ તે પરત આવ્યો.

પતંગીએ પોતાને તેડેલી બતાવી પોતાનો પિતા આ લાકડી અને પાંખ ધરાવતો હતો તે કહ્યું.


પેલાં ફળ આપતાં વૃક્ષ સમક્ષ પતંગમનુષ્યો હાથ જોડી અલ્ટ્રાસાઉન્ડમાં કઈંક બોલતા. એમાં તેમની ઈચ્છાપૂર્તિ માટે પ્રાર્થના દ્વારા કહેવાતું લાગ્યું. પતંગીએ તેની પાસેથી ડાળ લઈ, પાંખ ફેલાવી પુરુષ આકૃતિ દોરી હાથ જોડ્યા.


તે એટલું સમજ્યો કે આ બોન્સાઇ વૃક્ષ તેમનું કલ્પવૃક્ષ હતું અને તેની સમક્ષ પુરી કરવાની ઇચ્છાનું ચિત્ર દોરી પ્રાર્થના કરવાની હતી. તે લોકોની જેમ રેતીમાં નાટકના સ્ટેજનું ચિત્ર દોર્યું. પછી પોતાની પ્રેમિકા પણ દોરી. એ બન્ને મળે એ પ્રાર્થ્યુ. પતંગીએ ઇશારાથી તેને સમજાવ્યું કે એક વખતે એક જ ઈચ્છા પૂરી થાય. આ વૃક્ષ ઔષધિય ગુણો પણ ધરાવતું હશે તેમ લાગ્યું.


આમને આમ તે હવે એ પતંગ માનવો વચ્ચે રહી ગયો. પોતે તેમને ખોરાક પુરો પાડવામાં મદદ કરતો, તેમનું નિરીક્ષણ કરી તેમનાં નૃત્યનાં સ્ટેપ શીખતો અને પોતાનાં કેટલાંક સ્ટેપ તેમની સામે કરતો. તેઓ હવે તેના મિત્ર બની ગયેલા. પતંગી તેને ચાહવા લાગેલી. તેની પીઠ પર બેસી ઊડતી અને વ્હાલ ઉભરાય તો તેને શરીરનો જે ભાગ નજીક હોય ત્યાં ચૂમી લેતી.


પતંગિયા મનુષ્યો તેની સાથે દૂર સુધી ઉડી ટચુકડા મધપૂડા જેવી ચીજો લઈ આવતા. પોતે તોડેલાં ફળો તેઓ રસ ચૂસી ફેંકી દેતા જેમાંથી તે માવો ખાઈ લેતો. આમ દિવસો જવા લાગ્યા.


નાનકડી લાગતી પતંગી પૂર્ણ વિકસેલી સુંદર યુવતી હતી. તેને આ પુરુષની પીઠ પર વળગીને ઉડવું અને ફરવું ગમતું હતું.


તેણે એક ચાંદની રાતમાં દૂર એક ખડક પર સફેદ પરત લટકતી જોઈ. નારિયેળની મલાઈ જેવી, આરસપહાણ લાગતી એ વસ્તુ એક વિશાળ પડદાની ગરજ સારતી હતી. તેણે આ પડદા પર કોઈ આગીયાનું વિશાળ પ્રતિબિંબ જોયું. આગીયાની પાછળથી પ્રકાશ આવે તો જ આ મોટું થતું પ્રતિબિંબ શક્ય બને. આ પ્રકાશનો સ્ત્રોત ક્યાં હતો?


તેણે આસપાસ નજર દોડાવી. એક સ્થિર સરોવર પરથી પડતા, લગભગ થીજી ગયેલા ધોધની સપાટી એટલે આ ખડક પરનો પડદો. તેણે સામે સહેજ દૂર આવેલાં મેદાનમાંથી પ્રકાશ પડતો જોયો. એ કોઈ સ્થિર જળાશય અને આસપાસ સફેદ રેતી પરથી ચંદ્રબિંબના પ્રતિબિંબને મોટું કરી આવતો હતો. તે પ્રકાશ પાછળથી આગિયા પર પડતાં ખડકના પડદા પર વિશાળ આકૃતિ રચાતી હતી.


જો ચાંદનીમાંથી આટલું પ્રતિબિંબ મળી શકે તો અહીં ઘણું પ્રકાશિત તત્વ હોય જ. હા, અંધારું હોય તો જ એ સફેદ પડદા પર પ્રતિબિંબ દેખાય.

એ આગળ વધ્યો. સફેદ રેતી આટલું સ્પષ્ટ પ્રતિબિંબ આપી શકે નહીં. ચોક્કસ અહીં અરીસાને ઢોળ ચડાવવામાં વપરાતી નિકલ કે ચાંદી જેવી ધાતુ હોય. તો જ અરીસાની જેમ પ્રતિબિંબ પડે.


એણે એ ચળકતા ખડકો નજીક જવા પ્રયત્ન કર્યો. ત્યાંથી નીચે પોતે આવેલો એ ધોધ દેખાતો હતો. તેણે બે ચકમક પથ્થરો ઘસી જ્યોત પ્રગટાવી. પ્રકાશ રેલાયો. એ સાથે જ પતંગી નીચેથી કૂદતી, ઊડતી આવી અને તેને વળગીને રડવા લાગી. એની વાત પરથી એટલું સમજ્યો કે એના પિતાને એ રસ્તે એ ચળકતી ધાતુ મેળવવા માટે ઉઠાવી જઈ તેમને ધોધ પાસે ફેંકી દીધેલા જેની કરોડરજ્જુ સાથે જોડાયેલ પાંખો પોતાને મળેલી. તેણે પોતાની પાંખો ચાલુ કરવા ફફડાવી. હવા ભરાતાં તે દોડ્યો. પણ તે પહેલાં પતંગી પોતાના પગ કૂતરાની જેમ ધૂળમાં ઘસી જલ્દીથી દોડતી હવામાં ઉડી ચુકેલી. હવે તે સમજ્યો, પેલા ભ્રમર માનવો કેમ પગ ઘસતા હતા. એમ કરી તેઓ ઝડપથી દોડીને ઉડવા માટે પાંખોમાં હવા ભરતા હતા. તેણે એમ કર્યું અને પતંગીને પીઠ પર લઈ ઉડવા લાગ્યો.

સવારના મૃદુ કિરણો ધોધ પર પડતાં વિશાળ સપ્તરંગી મેઘધનુષ્ય રચતાં હતાં. તેઓ ધોધ પસાર કરી અણીદાર ખડક પાસે આવ્યાં. ત્યાં પતંગીના પિતાનો દેહ હજુ જીવિત પડેલો. તેઓ બળપૂર્વક ચત્તા થવા પ્રયત્ન કરતા હતા. પતંગીએ તેના પિતાને અલ્ટ્રા સાઉન્ડમાં કઈંક સમજાવ્યું. પછી તે પતંગીના પિતાને પોતાની પાંખ પર બાંધી ફરી ઉડયો. પતંગી આગળ ઉડી. ખીણમાં ઉતરી તેમણે એ ખાસ અવાજોથી એ પતંગમાનવોને એકઠા કર્યા. સહુએ પિતાને વધાવ્યા. એ તેમના રાજા લાગ્યા.


હવે રાત પડે એટલે અગ્નિ પ્રગટાવી તે મનુષ્યોને પોતે પતંગિયાં કે ફુદાં કરે તેવું નૃત્ય કરાવતો. તેમની પાસેથી નૃત્ય શીખતો અને વ્યવસ્થિત તાલબદ્ધ નાચતાં શીખવતો.


થોડા વખત પછી તે સહુ પતંગમાનવોને સમજાવી ધોધને પેલે પાર પર્વત પાસે લઈ આવ્યો.

તેમને અહીં જ રાખી પોતે શો આયોજક પાસે ગયો. કોઈએ ન જોએલ ઉડતા માનવોનાં નૃત્ય માટે ખાસ શો ગોઠવવા આગ્રહ કર્યો. આયોજકે પહેલાં તો તેને ભેજાગેપ ગણી હસી કાઢ્યો પણ તેણે સોગંદથી કહ્યું કે પોતે કદમાં નાનકડા અને ઉડતા માણસો સાથે સ્ટેજ પર નૃત્ય કરશે જે ખૂબ કમાણી કરાવી આપશે. મહા મહેનતે આયોજક તૈયાર થયો.


આખરે એ દિવસ આવી પહોંચ્યો. પોતે હવે સાચવીને, છુપાવીને પતંગમનુષ્યોને શહેરમાં માનવ વસ્તી વચ્ચે લાવ્યો.


નિર્ધારિત સમયે શો શરૂ થયો. મોટો ધમાકો અને કોઈએ ક્યારેય ન જોયું હોય તેવા નૃત્યની જાહેરાત. પતંગ માનવોની અલ્ટ્રાસાઉન્ડમાં ચિચિયારીઓ થઈ જેને વિજાણુ માધ્યમથી સંગીતની જેમ ઝીલી પ્રસારિત કરવામાં આવી.


સ્ટેજ પર મોટો સફેદ પડદો, સ્ટેજના ખૂણાઓમાં અરીસાઓ અને એનું પ્રતિબિંબ ઝીલી મોટું કરતો પ્રકાશ. વચ્ચે પતંગિયાંની જેમ નૃત્ય કરતા એ અજાણ્યા નાનકડા મિત્રો. લેસર લાઇટની ઇફેક્ટથી તેઓ મોટા દેખાય અને પોતે નાનો દેખાય. પ્રતિબિંબ નજીકથી પોતે પતંગીને હાથ પકડી ફૂદરડી ફેરવે તો પતંગી એક દોરડીને છેડે જાણે તેને બાંધી ગોળ ફેરવે. બંને વચ્ચે આવી નૃત્ય કરે.


એ માનવો સાથેનાં આ નૃત્ય દ્વારા અને લેસરથી રચાતાં ચિત્રો દ્વારા તેણે સમજાવ્યું કે સમસ્ત પ્રકૃતિ નાચગાન કરે છે. સૂર્ય ફરતે પૃથ્વી, પૃથ્વી ફરતે ચંદ્ર, સરિતાનું કલકલ ગાન, પક્ષીઓનો કલરવ, પવનના સુસવાટા કે દરિયાનો ઘૂઘવાટ એ બધું પ્રકૃતિનું નાચ સાથેનું ગાન છે.


શોને અકલ્પનિય પ્રતિસાદ મળ્યો. બીજા શો થયા.

અખબારમાં શોની જાહેરખબરમાં તેનું નામ વાંચી તેની પ્રેમિકા દોડતી સ્ટેજ પાછળ તેને મળવા આવી.


અલ્ટ્રાસાઉન્ડ સાથે હવે ચીસો અને સીટીઓથી વાત કરતી પતંગીએ કહ્યું કે તેને કાયમ પોતાનો કરી શકે એમ ન હતી કેમ કે તેણીનું અને તેના સહુ સાથીઓનું આયુષ્ય માનવોની એક ઋતુ જેટલું જ હોય છે. એટલા સમયમાં જ તેઓમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા પણ આવતી. આથી પતંગી તેને ચાહતી હોવા છતાં હવે તેને છોડીને જવા મજબૂર હતી.

આખરે ખૂબ ભારે હૃદયે એક રાત્રે તેઓને કોઈ જુએ નહીં તેમ છુપાઈને ઉડતાં ઉડતાં ખીણના રસ્તે ધોધ ઓળંગાવી રવાના કર્યા.

સાચા મનુષ્યોએ ઉડીને નહીં તો કૂદીને અગાઉ રજુ થયેલાં એવાં નાચગાન કરતાં તેની પાસેથી શીખ્યું અને તેમની સાથે નવા શો કરી તે ખૂબ કમાયો.


ક્યારેક તે ધોધ ઓળંગી તે પતંગમાનવો પાસે જઈ પોતે શીખેલ અલ્ટ્રાસાઉન્ડથી પતંગમાનવોને બોલાવતો જેની કોઈને ખબર પડવા દીધેલી નહીં.


તેની પ્રેમીકા, હવે પત્ની મઝાકમાં કહેતી કે 'તમે હવામાં ઊંડો છો.' તેને ક્યાં ખબર હતી કે તે સાચે જ હવામાં ઉડી શકે છે અને ઉડયો પણ છે! એ પતંગમાનવોની શ્રુષ્ટિ વિશે એ કહે તો પણ કોઈ માનતું નહીં. તેની પત્ની પણ નહીં.


કુદરતની ઘટનાઓને તે પ્રકૃતિનું નાચગાન ગણતો. ખુદ શિવજીએ પણ તાંડવ કરી શ્રુષ્ટિ રચી હતી ને!