Bhed bharam - part 15 books and stories free download online pdf in Gujarati

ભેદ ભરમ - ભાગ 15

ભેદભરમ

ભાગ-૧૫

ખૂનનું ભેદભરમ

પ્રેયસની વાત સાંભળી ત્યારબાદ હરમનના મગજમાં અનેક તર્ક-વિતકો એકસાથે ઊભા થઇ ગયા હતા.

“પ્રેયસ, તું જે વાત કહી રહ્યો છે એ પ્રમાણે જો આ કેસને વિચારીએ તો ધીરજભાઈનું ખૂન કરવા પાછળ ઘણા બધા લોકો પાસે હેતુ હતો અને ખાસ કરીને સોસાયટીની બહાર મુકવામાં આવતા વાસણો સાથે ધીરજભાઈના મૃત્યુ સાથે કોઈ સંબધ છે કે નહિ એ જાણવું પડશે. માટે મારી દ્રષ્ટિએ કાલે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ આગળની રણનીતિ નક્કી થશે. અત્યારે હું રજા લઉં છું. કાલે રિપોર્ટ આવ્યા પછી મળીશ. આટલું બોલી હરમન અને જમાલ ત્યાંથી નીકળી ગયા હતા અને સીધા ઓફિસે પહોંચ્યા હતા.

ઓફિસે પહોંચ્યા બાદ હરમન આખા કેસની ગુથ્થી ઉકેલવાની કોશિશ કરી રહ્યો હતો. એક ફુલસ્કેપ કાગળ ઉપર એ આખી ઘટનાના મુદ્દાઓ લખી રહ્યો હતો.

“બોસ, ધીરજભાઈ આપણી પાસે એમની સોસાયટીની બહાર મુકવામાં આવતા વાસણોનું રહસ્ય ઉકેલવા આવ્યા હતા અને એમનું જ મૃત્યુ થઇ ગયું. મને સવાલ એ થાય છે કે ધીરજભાઈ આ વાત જાણતા હતા કે એમનું ખૂન થઇ શકે એમ છે. તો પછી કાલે આખા દિવસ દરમ્યાન આ વાત એમણે આપણને કહી કેમ નહિ?” જમાલે હરમનને પૂછ્યું હતું.

“કાલે આપણે સોસાયટીના બધાજ સભ્યો સાથે પૂછપરછ કરી અને દરેક પાસે કહેવા માટે એક નવી જ વાત હતી. જે વાતો ધીરજભાઈ પોતે પણ સોસાયટીના માલિક હોવા છતાં જાણતા ન હતા. દરેક સભ્યની વાત સાંભળી એ પોતે જ આશ્ચર્યચકિત થઇ જતા હતા. અને એટલે જ કદાચ કાલે આપણને જાણી જોઈને એમનું ખૂન થઇ શકે છે એવી વાત આપણને કરી નહિ. જો એ જીવતા હોત તો આ વાત આજે આપણને ચોક્કસ કરત.” હરમન આ વાત જમાલને કહી રહ્યો હતો, ત્યારેજ હરમનનો ફોન વાગ્યો.

ધીરજભાઈના નંબર ઉપરથી ફરીવાર પ્રેયસનો જ ફોન હતો.

“હેલો હરમનભાઈ, તમારે અહીં પાછા આવવું પડશે. તમને યાદ હોય તો કાલે મયંક ભરવાડ નામનો છોકરો ધીરજકાકાને ગાળો બોલી રહ્યો હતો. એની લાશ હમણાં ક્લબ હાઉસ માંથી મળી છે. એના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું છે. તમે જલદી આવી જાવ.” પ્રેયસે ફોન મુકતા કહ્યું હતું.

હરમનને જમાલ ઝડપથી ઓફિસની બહાર નીકળી અને ગાડી ઝડપથી બોપલ તરફ લઈ લીધી. અડધો કલાકમાં જ તેઓ સોસાયટીમાં દાખલ થયા હતા.

ગાડીમાંથી ઉતરી હરમન અને જમાલ સોસાયટીના ક્લબ હાઉસ તરફ ચાલવા લાગ્યા હતા. દુરથી હરમને ઇન્સ્પેકટર પરમાર અને ફોરેન્સિક લેબના નિષ્ણાતોને જોયા હતા.

ક્લબ હાઉસની અંદર દાખલ થતાં જ મયંકની લાશ જમીન ઉપર પડેલી હરમને દેખી હતી. પોલીસે ચારેબાજુ પીળા કલરની પટ્ટી લગાવી લાશની આસપાસની જગ્યા કવર કરી લીધી હતી. જેથી ક્રાઈમ સ્થળ ઉપર કોઈ આવી શકે નહિ.

ઇન્સ્પેકટર પરમાર લાશ પાસે ઊભા રહી એનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને ફોટોગ્રાફર જુદા-જુદા એન્ગલથી લાશના ફોટા પાડી રહ્યો હતો.

ઇન્સ્પેકટર પરમારની નજર હરમન પર પડી હતી. એણે હવાલદાર તરફ નજર કરી અને એને હરમનને લાશ પાસે આવવા દેવા માટે ઈશારો કર્યો હતો.

પ્રેયસ અને સોસાયટીના બાકીનાં સભ્યો પીળી પટ્ટીની બહાર ઊભા રહી મયંકની લાશને જોઈ રહ્યા હતા. મયંકના માતા-પિતા અને કુટુંબીજનો ત્યાં આવી ગયા હતા અને મયંકના મૃત શરીરને જોઈને રોકકળ કરી રહ્યા હતા. ઇન્સ્પેકટર પરમારે હરમન સામે જોયું હતું.

“આ મયંક ભરવાડ છે. કોઈએ ઝેર આપી એને મારી નાખ્યો છે. સોસાયટીવાળા અને એના પરિવાજનોનું એવું કહેવું છે કે એ માનસિક રીતે અસ્વસ્થ હતો. તો એને મારીને કોઈને શું ફાયદો થાય? એ મને સમજાતું નથી.” ઇન્સ્પેકટર પરમારે હરમન સામે જોઈને કહ્યું હતું.

“પરમાર સાહેબ, કાલે હું વાસણોના રહસ્યની તપાસ માટે આવ્યો હતો ત્યારે આ છોકરો ધીરજભાઈને આવીને ગાળો બોલી રહ્યો હતો. ધીરજભાઈના કહેવા પ્રમાણે વર્ષોથી આ આવું કરે છે અને ધીરજભાઈ દર વખતે સમજાવીને એને પાછો મોકલી દેતા હતા. મયંકના પિતા સાથે સારા સંબધ હોવાના કારણે ધીરજભાઈએ એના આવાં અભદ્ર વ્યવહારની સામે એમણે ક્યારેય પોલીસ કમ્પલેન કરી નથી એવું એમણે મને જણાવ્યું હતું. માનસિક રીતે અસ્વસ્થ માણસને મારવાથી શું ફાયદો થાય એ મને પણ સમજાતું નથી. પરંતુ મને એવું લાગે છે કે ધીરજભાઈના મૃત્યુ વિશે એ ચોક્કસ કશુંક જાણતો હશે અને એ આ વાત કોઈને કહી ના દે માટે ખુનીએ એનું ખૂન કરી નાખ્યું. આ મારી ધારણા છે.” હરમને ઇન્સ્પેકટર પરમાર સામે જોઈને કહ્યું હતું.

 “હરમન, તારી વાત કદાચ સાચી પણ હોઈ શકે કારણકે મયંકના થયેલા ખૂન ઉપરથી મને એવું લાગી રહ્યું છે કે આ સોસાયટીમાં કોઈ ભેદભરમ ચાલી રહ્યો છે. કારણકે સવારે ધીરજભાઈનું મૃત્યુ પણ શંકાસ્પદ રીતે થયું અને આ મયંકને ઝેર આપી કોઈએ મારી નાખ્યો. એક જ દિવસમાં સોસાયટીમાં બે મૃત્યુ થયા છે. અને એમાં એક પૂર્વ પોલીસ અધિકારીનું અને બીજું માનસિક અસ્વસ્થ માણસનું છે. કાલે મીડિયાવાળા પોલીસની પથારી ફેરવવામાં કશું બાકી નહિ રાખે.” ઇન્સ્પેકટર પરમાર પણ હરમનની વાત સાથે પહેલીવાર સમંત થયા હતા અને આગળ બોલ્યા હતા.

“ધીરજભાઈના થયેલા મૃત્યુ બાબતે પોલીસ કમિશનરે મને એમના મૃત્યુની પૂરી તપાસ માટે ખાસ સુચના આપી છે. અને એ વાતના એક કલાક પછી આ જ સોસાયટીમાં મયંકનું ખૂન થયું. મારી બોપલ બદલી થઇ પછી સાલા ગ્રહો વાંકા ચાલે છે. રોજ કોઈને કોઈ લફરું આવ્યા જ કરે છે.” ઇન્સ્પેકટર પરમાર અકળામણ સાથે બોલી રહ્યા હતા.

મયંકના મૃતદેહની પૂરી તપાસ કરી એની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.

“ઇન્સ્પેકટર સાહેબ, મારા દીકરાના ખૂનીને તમે શોધી કાઢજો. નહિતર મને જેનાં પર શંકા આવશે, હું એનું ખૂન કરી નાખીશ. મારો દીકરો ભલે માનસિક રીતે અસ્વસ્થ હતો પણ મારું લોહી હતો. એનું ખૂન કરનારને હું છોડીશ નહિ.” ભુવન ભરવાડે રડતાં-રડતાં કહ્યું હતું.

“જુઓ આપ આ પ્રકારની વાત ના કરો. કાયદો હાથમાં લેવાની વાત કરવામાં તમારું જ નુકસાન છે અને પોલીસ તમારા દીકરાના ખૂનીને ચોક્કસ પકડીને જેલ ભેગો કરી દેશે એવો હું તમને વિશ્વાસ આપું છું.” આટલું બોલી ઇન્સ્પેકટર પરમાર પ્રેયસ પાસે આવ્યો હતો.

“મિ.પ્રેયસ, તમે હવે સોસાયટીમાં CCTV કેમેરા લગાડી દો અને એ કામ આજે જ થઇ જાય એ અત્યંત જરૂરી છે. તમારી સોસાયટીમાં CCTV કેમેરા ન હોવાના કારણે કાલે ધીરજભાઈનું મૃત્યુ અને આજે મયંકનું ખૂન થયું છે. બંને મૃત્યુ માટે આપણને CCTV કેમેરા હોત તો ઘણી બધી મદદ મળી હોત અને કદાચ આવી ઘટના થઇ પણ ના હોત. માટે આ કાર્ય હવે થઇ જવું જોઈએ.” ઇન્સ્પેકટર પરમારે પ્રેયસને સમજાવતાં કહ્યું હતું.

 

ક્રમશ:

 

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)