Sharat - 4 books and stories free download online pdf in Gujarati

શરત - 4

(આદિ અને ગૌરી લગ્ન માટે સામેથી ના કહેવાય એ માટે શું થઇ શકે એ વિચારી રહ્યા હતાં.)
***********************

'કેટલીય ઈચ્છાઓ સાકાર રુપ જોઈ ઉભરાય ને હકીકતની જમીન પર આવતાં જ દૂધનાં ઉભરાની જેમ શમી જાય.'

ગૌરી વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ એણે માથે એક હેતાળ સ્પર્શ અનુભવ્યો. એને યાદ આવ્યું કે, બાળપણમાં જ્યારે એ ક્યારેય અસમંજસ અનુભવતી ત્યારે પપ્પા એમજ એનાં માથે હાથ મૂકતાં અને સમાધાન મળી જતું.

એણે પૂછ્યું, "પપ્પા મને કંઈ નથી સમજાતું. હું શું કરું?"

"જ્યારે કંઈ ન સમજાય ત્યારે બધું ઇશ્વર પર છોડી દેવાનું. એ જ રસ્તો બનાવતો જશે ને સાચી દિશા દેખાડતો જશે."

"પપ્પા... તમે શું ઈચ્છો છો?"

" હું! હું તને માત્ર ખુશ જોવાં ઈચ્છું છું."

"એમ નહીં. શું મારે લગ્ન કરી લેવાં જોઈએ?"

"મારા મતે હા. પણ એ નિર્ણય તારે લેવાનો છે. જિંદગી તારી છે."

"આજે રસ્તો નહીં દેખાડો!"

"મેં તો દેખાડી દીધો, એનાં પર ડગ માંડવા કે ન માંડવા એ તારો નિર્ણય."

"પપ્પા તમે મને કંન્ફ્યુઝ કરો છો."

"કાલે મળી લે પછી વાત કરીએ."
________________________________

આ તરફ આદિ પોતાના રૂમમાં બેઠો બેઠો વિચારે છે કે, મળી લઉં કાલે પછી જોયું જશે. શિક્ષિકા છે તો કદાચ વિચારો સારા પણ હોય. કંઈક મનમાં ગાંઠ વાળી એ ખોળામાં સૂતેલી પરીને પ્રેમથી જોઇ રહે છે.
______________________________

બીજી તરફ થોડો ધૂંધવાયેલો આનંદ મમ્મીએ આપેલો કાગળ ખોલી કંઈક સર્ચ મારે છે. કંપની તો ફેક નથી છતાં માણસ કંઇ પણ કહે એ માની તો ન જ લેવાય. એ હજુ વધુ માહિતી મેળવવા પ્રયત્ન કરે છે ત્યાં જ નેહા એને ટોકે છે, "આમ ગુગલ પર માણસ ના સમજાય. કાલે સામસામે જે પૂછવું હોય એ પૂછી લેજો. હમણાં નિરાંતે સૂઈ જાવ.

"ના... મને ઊંઘ નથી આવતી."

"આમ ન સૂવાથી કંઈ નહીં વળે. ભગવાન બધું સારું કરશે. માતાજીના ચરણોમાં રહી ચિંતા કરવી એટલે એમનાં પર અવિશ્વાસ."

"તો શું ગૌરીને માતાજીના ભરોસે છોડી દઉં?"

"મેં એવું ક્યાં કહ્યું! હું તો કહું છું મગજને શાંતિ મળશે તો મન અને બુદ્ધિ સાચી દિશામાં વિચારવા સક્ષમ બનશે એટલે સૂઇ જાવ."
__________________________________

કંઈક તો છે ખોવાયું ભીતરથી
એક ખાલીપો ખખડે
એક નિરવતા બબડે
શાંતિ નિર્વાણ પામી
ત્યાં વિરોધાભાસનું દ્વંદ્વ
શા સારું થયું!
ધુમ્મસ ઉઘડે તો ચિત્ર સ્પષ્ટ થાય
થીજી ગયેલો ભાગ ઓગળે તો સમજાય
વીણાના તારમાં સપ્તક અકળાય ને
અફળાતો તાલ સંગીતથી દૂર જાય
આ ખેંચતાણમાં ટાંકેલા બખિયા ખેંચાય
તોય રક્ત અને અશ્રુની અનુપસ્થિતિ વર્તાય'

રાત તો સૌની જાણે આમ જ વિતી.
________________________

બીજાં દિવસની સવાર ઊગી, કંઈ ઉતાવળે જ ઊગી. અકળ શાંતિ સાથે ઊગી, કોઈ ભાર સાથે ઊગી.
મંદિરમાં આરતીનો ઘંટારવ શરું થયોને ગૌરીનાં મનમાં બીજો. એણે મંદિર તરફ પગરણ માંડયા. આરતી પૂરી થઈ. ગૌરી એ આંખો બંધ કરી પણ અંધકાર સિવાય કંઈ ન દેખાયું. ક્યાંથી દેખાય જ્યારે મન અશાંત અને દ્વિધાથી પરિપૂર્ણ હોય. પ્રકાશનું કિરણ પણ ત્યારે જ દેખાય જ્યારે એને જોવાની ઈચ્છા હોય બાકી એ પણ અંધકારમાં ગરકાવ થઈ જાય.

પ્રસાદ લઇ ગૌરી રુમ પર આવી. મમ્મી - પપ્પાને પ્રસાદ આપ્યો.

"તૈયાર થઈ જા ગૌરી, એ લોકો આવતાં જ હશે." સુમનબેને કહ્યું.

"તૈયાર જ છું."

"હા... પણ પેલો ગુલાબી ડ્રેસ વધુ સારો છે."

"હવે, હું નથી બદલવાની."

"ના બદલતી...આ પીળાં રંગમાં પણ મારી ઢીંગલી સરસ જ લાગે છે." ગૌરીના પપ્પા દિલિપભાઈ બોલ્યા.
_____________________________

"તું આમ જ આવીશ?" મમતાબેને અસ્તવ્યસ્ત વાળ વાળા આદિને આશ્ચર્યથી પૂછ્યું.

"હા...કેમ શું થયું મમ્મી?"

"અરે સાંભળો છો? આ છોકરાને જરા સમજાવો. જૂઓ કેવાં દીદાર છે એનાં." મમતાબેને દાઢી પર ધક્કો મારતાં કહ્યું.

"મમ્મી. આ ફૅશન છે."

"શું ધૂળ ફૅશન! બાવળનાં કાંટા રોપ્યા હોય એવું લાગે છે. આ વાળ પણ કોરાં કોરાં. લાવ તેલ નાખી દઉં."

"એ ના... હમણાં આપણે પેરેન્ટસ્ મિટિંગ માટે સ્કૂલે નથી જતાં એટલે રહેવા દો. હું જૅલ લગાવી દઈશ. તમે પરીને તૈયાર કરો ને પાછાં એને તેલમાં ઝબોળી ચિપકુ ન બનાવતાં."

"જા ને હવે, મારી પરીને તો એકદમ પરી જેવી તૈયાર કરીશ. તારા જેવી જંગલી નથી મારી પરી." મમતાબેન પરીને સોડમાં લેતાં બોલ્યાં.

"હા..હા...હા.. શૅર જંગલ મેં હી રહેતે હે...ઓર કભી તેલ નહીં લગાતે મમ્મી શૅરની."

"શૅરની મમ્મી લાફા લગાવતી તબ તો લગાવતે હૈ કિ નહીં!" મમતાબેન હાથ હવામાં અધ્ધર કરી હસતાં હસતાં બોલ્યાં.

"ફિર તો ઉસકે બાપા ભી લગાવતે હૈ." આદિ બોલ્યો ને બધાં ખડખડાટ હસી પડ્યા.

નાનકડી પરીને કંઈ ન સમજાયું પણ બધાને હસતાં જોઇ એ પણ ખડખડાટ હસી પડી.

"તમારાં લોકોની ગમ્મત પતી હોય તો ચાલો હવે." કેતુલભાઈ થોડાં ગંભીર અવાજે બોલ્યાં ને દોઢેક કલાક પછી એ લોકો મંદિરમાં હતાં.

(ક્રમશઃ)

- મૃગતૃષ્ણા