Sharat - 11 books and stories free download online pdf in Gujarati

શરત - ૧૧

(પરીની ગૌરી માટેની લાગણી આદિ અને મમતાબેને જોઈ. આદિ માટે ચિંતિત મમતાબેનને કોઈ વિચાર આવતાં એમનાં ચેહરે હલકી મુસ્કાન પ્રસરી ગઇ.)

************************

આદિ એનાં રૂમમાં ગયો પછી મમતાબેને ગૌરીને બોલાવી વાત શરૂ કરી.

"ગૌરી આજે તેં જે રીતે સ્થિતિ સંભાળી એ માટે તારા વખાણ કરું કે પરીની કાળજી લેવા તારો આભાર માનું સમજાતું નથી."

"આભાર... એટલે તમે પણ મને પારકી જ ગણો છો મમ્મી!"

"ના... ના... ગેરસમજ ન કર ગૌરી. તું તો આ ઘરની લક્ષ્મી છે. તેં જે આજે કર્યું છે એ તો પોતીકાં જ કરી શકે. પરી માટે નિર્ણય લીધો છે તે. તેં તો સાચાં અર્થમાં પરિવારને અપનાવી લીધો છે."

"તમે બધાં મારાં જ તો છો ને પરીએ તો મારી મમતા લૂટાવવાનો મને મોકો આપ્યો છે બાકી હું તો..."

"અહં.. આ વાત બીજીવાર મોંઢા પર ન લાવતી. ગૌરી કહેવાય છે કે એક દિકરી જન્મેને ત્યારથી જ મા હોય છે, કોઈકવાર પિતાની તો કોઈકવાર નાનાં ભાઇ બહેનની. બસ, સમાજ એમ ઈચ્છે છે કે એ કોઈને જન્મ આપે. તું મા જ છે ગૌરી.. પરીની મમ્મા. અને એમપણ તું ૭૦ કે ૮૦% મા નહીં બની શકે એવું ડૉક્ટર નું કહેવું છે પણ ૩૦% ચાન્સ તો છે જ. એ ૩૦%ને ૧૦૦%માં ફેરવવાની તાકાત એ ઉપરવાળામા છે."

"હું ખરેખર નસીબદાર છું કે તમે મને મળ્યાં મમ્મી." ગૌરી ભાવુક થતાં બોલી.

"બસ બસ હવે, વધું ભાવુક ન થા. એકાદવાર વખાણ કર્યા એટલે માથે ન ચઢતી. થોડું સાસુપણુ પણ બતાવીશ. " એમ કહેતાં એ હસી પડ્યા.

"ગૌરી મારે તને એક વાત કરવી છે. આદિના જીવનમાં એક છોકરી હતી. નિયતી... આજે જે આવી હતી તે..." એમ કહી એમણે બધી વાત કહી ને સાથે ઉમેર્યું,
"આદિને હું ફરી એ દિશામાં જવા દેવા નથી માંગતી. હવે તું જ એનો વર્તમાન અને ભવિષ્ય છે. આજે એ કદાચ તારા પર ગુસ્સો પણ કરશે તો સહન કરી લેજે, એનો ભૂતકાળ સામે આવ્યો છે, એને સાચવી લેજે તૂટતાં પહેલાં. આમ તો મારો આદિ ખૂબ સમજદાર છે પણ મને ડર લાગે છે ગૌરી. હવે તાકાત નથી રહી કોઈ આઘાત સહન કરવાની." એમ કહેતાં મમતાબેનની આંખો ભીંજાઇ ગઇ.

"હું છું ને મમ્મી. બનતાં પ્રયત્ન કરીશ કે કોઈ આઘાત આવે જ નહીં અને આવે પણ તો આપણે એકમેકનાં વિશ્વાસે ચોક્કસ બહાર નીકળશુ." ગોરી એમનાં આંસુ લૂછતાં બોલી.

પણ એ એ પણ જાણતી હતી કે, આદિ અને એનાં સંબંધની શરત માત્ર પરી છે ના કોઈ લાગણી. બહાર બધાં માટે એ પતિ-પત્ની હતાં પણ અંદરખાને એકબીજાનાં કંઈ જ નહીં. એકદમ અજાણ્યા જે માત્ર એમનાં સિવાય એમનાં રૂમની દિવાલો જાણતી હતી. નદીનાં એવાં બે કિનારા જે ક્યારેય એક ન થઈ શકે.

"શું વિચારે છે? "

"કંઈ નહીં... બસ એ જ કે તમે કેટલાં નિખાલસ છો અને સારા પણ. પરીની આ હાલત મારા કારણે થઇ છતાં તમે મને માફ કરી." ગૌરી વાત બદલતા બોલી.

"અરે એ તો બાળક છે, એની જન્મદાત્રી હોત તો શું એને પડતાં રોકી શકી હોત! બાળકો તો પડતાં આખડતા જ મોટા થાય. પોતાને દોષી માનવાનું બંધ કર છોકરી. એક જ વસ્તુ યાદ રાખ કે એ તારી દિકરી છે. આપણાં પરિવારની દીકરી છે."

"જી મમ્મી. પરી મારી જ છે અને હું એની મા."

"અને તું મારી દીકરી." મમતાબેન ગૌરીને બાથમાં ભરી બોલ્યાં.

"તમે આરામ કરો. હું ને પરી પણ આરામ કરીએ, હેં ને પરી! પરીને નીની આવે છે ને!"

પરી આંખો ચોળતી હામી ભરે છે.

ગૌરી પરીને રૂમમાં લઇ આવે છે પણ પરીનું દૂધ લાવવાનું ભૂલી જાય છે એટલે તે બાલ્કનીમાં ગૂમસૂમ આદિને બોલાવે છે,

"અરે સાંભળો છો?"

પણ આદિ નથી સાંભળતો એટલે ફરી સાદ આપે છે,

"સાંભળો છો? પરીનું દૂધ લાવવાનું રહી ગયું તમે લઈ આવોને."

આદિ આશ્ચર્ય સાથે, "મને કહ્યું?"

ગૌરી હકારમાં માથું હલાવે છે.

"મારું નામ સાંભળો છો નથી, આદિ છે."

"પણ મમ્મી એ ના પાડી છે તમારું નામ લેવાની."

"કેમ?"

"આજુબાજુવાળા વાતો કરે છે."

"શું વાતો કરે છે?"

"એ જ કે હું તમને નામથી બોલાવું છું."

"તો?"

"કેટલાંક લોકો માને છે કે મારે તમારું નામ ન લેવાય."

બંને એક સાથે હસી પડ્યા. આદિ હસતો હસતો નીચે ગયો અને ગૌરીએ વિચાર્યું કે આખરે હસ્યાં તો ખરાં! ખબર નહીં કેમ આદિને ઉદાસ નથી જોઇ શકતી. કદાચ એમને ઉદાસ જોયાં જ નથી એટલે. એમનું મન જાણવું પડશે, જો ખરેખર એ પેલી છોકરીને હજું પણ ચાહતાં હોય અને એ છોકરી પણ એમને પ્રેમ કરતી હશે તો હું મદદ કરીશ.

આદિ રૂમમાં આવ્યો અને પરીને માથે હાથ ફેરવ્યો તો પરીએ એનો હાથ પકડી લીધો. ગૌરી જરા ખસી તો એનો પણ હાથ પકડી લીધો. પરી કદાચ ડરતી હતી એટલે બંનેમાંથી એકને પણ દૂર જવાં નહોતી દેતી. બંનેએ થોડી વારે પ્રયત્ન કર્યો પણ પરી જાગી જતી અને રડવા લાગતી. છેલ્લે બંનેએ ત્યાં જ લંબાવ્યું.

ગૌરીને સવારે વહેલા ઉઠવાની આદત તેથી ઊંઘ પાંચ વાગ્યે ઉડી ગઇ. એ ઊભી થવા ગઈ પણ આદિનો હાથ એની કમર પર. એણે શાંતિથી સૂતેલા આદિ પર નજર નાખી. કેટલો ભોળો અને સોહામણો લાગતો હતો આદિ. એ બસ એકીટશે એને જોઈ રહી. પાંચેક મિનિટમાં સૉરી એમ મનમાં બોલી એણે આદિનો હાથ ખસેડવા સ્પર્શ્યો ને આદિની ઊંઘ ઉડી ગઇ. આદિનો હાથ ગૌરીનાં હાથમાં હતો એટલે એ સફાળો બેઠો થઈ હાથ છોડાવતા બોલ્યો,
"આ શું કરો છો? દૂર રહેવાની શરત યાદ નથી!."

"મને તો યાદ છે પણ તમે ભૂલી ગયા લાગો છો! તમારો હાથ ક્યાં હતો એ તમને ધ્યાન છે?"

"ઉલ્ટો ચોર કોટવાળને દંડે. દૂર રહેજો મારાથી."

"સેમ ટુ યુ ટુ." એમ કહી ગૌરી ઊભી થઈ તૈયાર થવા જતી રહી અને આદિ ફરી સૂઇ ગયો પણ ફરી એનાં પપ્પાની વાત યાદ આવતાં ઉઠી જાય છે અને ગૌરીને સીધું જ પૂછવાનું નક્કી કરે છે.

(ક્રમશઃ)