Sharat - 9 books and stories free download online pdf in Gujarati

શરત - ૯

(ગૌરી અને આદિનું રિસેપ્શન અઠવાડિયા પછી રાખવાનું નક્કી થાય છે અને બીજી બાજુ મમતાબેન કંઈક વિચારી રહ્યાં છે ગૌરીને રિસેપ્શન પછી કહેવાનું...)

******************************

રિસેપ્શન બે જગ્યાએ રાખવાનું નક્કી થાય છે જેથી બંને પક્ષનાં સંબંધીઓને અગવડ ન પડે. પહેલું રિસેપ્શન ગૌરીના વતનમાં રખાય છે અને બીજું આદિના શહેરમાં....

આમ તો બંને કંટાળ્યા હોય છે પણ સંબંધ સાચવવા પણ જરૂરી છે સાથે સાથે સંબંધીઓની ટકોર અને કટાક્ષ પણ એમાં ઉમેરાતાં. દસેક દિવસમાં બધું રંગેચંગે પતે છે એમ માની શકાય.

આ બધામાં કેટલીક ટિપ્પણીઓ ન તો ગૌરી વધું કંઈ સમજી શકી, ન આદિ કંઈ સમજાવી શક્યો. કેટલાંય પ્રશ્નો મનમાં ઘુમરાતા રહ્યાં પણ બહાર ન આવ્યા ને ધીરે ધીરે પરીનો જાદૂઈ સંગ ભૂલાવી પણ ગયો.

સમજણભર્યા ઘરમાં ગૌરી ગોઠવાતી ગઇ. હવે, આદિની ટિખળની આદત પડી ગઈ. મમતાબેનની વાતો પણ સમજાતી. ઘર હવે થોડું પોતીકું બન્યું.

સમય આમ જ વહી ગયો અને એક દિવસ... મમતાબેન અને કેતુલભાઈ બહાર ગયા હોય છે ત્યારે બપોરે પરી સૂતી હોય ગૌરી ઘરકામમાં વ્યસ્ત થઇ જાય છે. થોડીવારમાં પરીની ચીસ સંભળાતાં ગૌરી દોડીને જૂએ છે તો પરી પગથિયાં નીચે લોહીલુહાણ પડી હોય છે. ગૌરી ડરી જાય છે પણ સ્વસ્થ થઇ પરીને શાંત કરી હોસ્પિટલ લઈ જાય છે.

આદિને ક્યારની ફોન કરતી હતી પણ આદિ ફોન જ ઉઠાવતો નહોતો. ડૉક્ટર પરીનું ડ્રેસિંગ કરી રહ્યા હતા અને પરી કણસી રહી હતી. ગૌરી એને શાંત કરી રહી હતી. ટ્રીટમેન્ટ પૂરી થતાં જ પરી ગૌરીને મા..મા..મા...મા... કરતી વળગી પડે છે. ગૌરી એને ઊંચકીને દવાઓ લઈ ડૉક્ટર સાથે વાત કરી ઘરે આવે છે. ઘરે આવતાં આવતાં પણ એ ઘણીવાર આદિને ફોન કરે છે પરંતુ આદિ ફોન નથી ઉપાડતો એટલે ના છૂટકે મમતાબેનને ફોન કરે છે અને આખી ઘટના જણાવે છે.

મમતાબેન પહેલાં તો ગભરાઇ જાય છે પણ પછી પરી ઠીક છે એ જાણી રાહત અનુભવે છે. ઘરે આવી પરીને રમતી જોઇ એમનાં હ્રદયને શાતા વળે છે.

"આદિનો ફોન નં લાગે તો અમને ફોન કરાય કે નહીં?" મમતાબેને જરા નારાજગી વ્યક્ત કરી.

"ત્યારે હું પોતે પણ થોડી ગભરાયેલી હતી અને તમે બીજાં શહેરોમાં હોય ચિંતા થાય એટલે ફોન ન મમ્મી. મને એમ કે..." ગૌરી હજું આગળ બોલવા જાય ત્યાં કેતુલભાઈ વાત પતાવવા બોલ્યાં,

"વાંધો નહીં. જે કર્યું એ યોગ્ય. પરીને તમે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા અને પરી હેમખેમ છે એટલું જ બસ. પણ ગૌરી બેટા આવી પરિસ્થિતિમાં અમને જણાવી દેવું. "

"જી પપ્પાજી. મારી પણ ભૂલ છે કે મેં પરીને એકલી મૂકી અને..." ગૌરી રડમસ અવાજે બોલી.

"હા... ભૂલ તો છે જ પણ બીજી વાર ધ્યાન રાખજે અને એમપણ બાળકો ચંચળ હોય એટલે થોડુંઘણું પડે-આખડે એમાં આટલું ઉદાસ ન થવાય બેટા. તારા પપ્પાજીએ કહ્યું એ સાંભળ્યું ને! પરી હેમખેમ છે કારણકે તું તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઇ. એટલે આ બધું છોડ અને પાણી તો પા. આ પરીએ તો બહું દોડાવ્યા." મમતાબેન મૃદુ સ્વરે હેતાળ ચહેરે બોલ્યાં.

ગૌરી હજી પાણી લઇને આવી ત્યાં જ આદિ દોડતો આવ્યો અને પરીને માથે પાટો જોઇ ગૌરી પર ખૂબ ગુસ્સે થયો.

"તમને કહ્યું હતું ને કે, પરી મારી માટે સર્વસ્વ છે? ક્યાં હતાં તમે? એક નાનકડી છોકરીનું ધ્યાન ન રાખી શક્યાં? પાછાં શિક્ષક છો. એક ફોન ન કરાય? મારી પરી ને કંઈ થઈ ગયું હોત તો...." આદિ આક્રોશ ઠાલવી રહ્યો હતો.

"શાંત થા આદિ. પરી ઠીક છે. એણે તને કેટલાં કૉલ કર્યા! તારા પપ્પા એ પણ કર્યા. તારો ફોન ક્યાં છે?"

આદિ ખિસ્સાં ફંફોસ્યા ને ભાન થયું કે એનો ફોન તો....

(ક્રમશઃ)