Bhed Bharam part 20 books and stories free download online pdf in Gujarati

ભેદ ભરમ - ભાગ 20

ભેદભરમ


ભાગ-20

પ્યાસી આત્મા

 

ઇન્સ્પેક્ટર પરમાર અને હરમન બિલ્ડર સુરેશ પ્રજાપતિના આલીશાન બંગલાના મુખ્ય ગેટમાં દાખલ થયા હતાં. ધીરજ મહેતાની સોસાયટીને અડીને જ વીસ હજાર વાર જગ્યામાં ફેલાયેલો આલીશાન બંગલો મહેલ જેવો હતો.

હરમન અને ઇન્સ્પેક્ટર પરમાર ગાર્ડનમાંથી પસાર થઇ બંગલાના વિશાળ વરંડામાં આવીને ઊભા રહ્યા હતાં. કાચના વિશાળ દરવાજા પાસે આવીને ઇન્સ્પેક્ટર પરમારે ડોર બેલ વગાડ્યો હતો.

દરવાજો નોકરે આવીને ખોલ્યો હતો અને બંન્નેને ડ્રોઇંગરૂમ તરફ લઇ ગયો હતો.

ડ્રોઇંગરૂમમાં બિલ્ડર સુરેશ પ્રજાપતિ સોફા પર બેઠો હતો અને એમના ધર્મપત્ની લીલા કલરના ડ્રેસમાં જમીન ઉપર આસન પર બેઠા હતાં. બિલ્ડર સુરેશ પ્રજાપતિએ બંન્નેને સોફા પર બેસવા માટે કહ્યું હતું.

"મેં આપને કહ્યું હતુંને કે મારી પત્નીની આધ્યાત્મિક સાધના ચાલી રહી છે. એટલે એ આસન ઉપરથી રાત સિવાય ઊભી નહિ થઇ શકે. પરંતુ તમારે જે કંઇપણ પ્રશ્ન પૂછવા હોય એ તમે નિરાંતે પૂછી શકો છો." બિલ્ડર સુરેશ પ્રજાપતિએ ઇન્સ્પેક્ટર પરમાર સામે જોઇ કહ્યું હતું.

હરમને એની આદત પ્રમાણે ડ્રોઇંગરૂમમાં પોતાની નજર દોડાવી હતી. એક દિવાલ ઉપર ગુરૂ ધર્માનંદ સ્વામીનો ફોટો હતો, સાથે સુરેશ પ્રજાપતિના માતા-પિતાનો પણ ફોટો લગાડેલો હતો. એ સિવાય આખો રૂમ ખૂબ જ કિંમતી અને વૈભવી સામાનથી સજ્જ હતો. સુરેશ પ્રજાપતિના પત્ની જ્યોતિબેન પણ 32 વર્ષથી વધારે ઉંમરના લાગતા ન હતાં. સુરેશભાઇ અને અમની વચ્ચે દસ-બાર વર્ષની ઉંમરનો તફાવત આંખે ઉડીને નજરે ચડી જાય એવો હતો.

ઇન્સ્પેક્ટર પરમારે હરમન સામે જોયું હતું. હરમન એમનો ઇશારો સમજી ગયો હતો. એણે જ્યોતિબેન તરફ જોયું હતું.

"જ્યોતિબેન, તમારી બાજુમાં આવેલી મહેતા સોસાયટીના મુખ્ય ગેટ ઉપર કોઇ વાસણો મુકી જાય છે એ વિશે આપ કશું જાણો છો? આપનો બંગલો અને સોસાયટી વચ્ચે કોમન દિવાલ હોવાના કારણે આપ પડોશી કહેવાઓ એટલે આપને આ સવાલ પૂછી રહ્યો છું." હરમને સ્પષ્ટતા કરી સવાલ પૂછ્યો હતો.

હરમનનો સવાલ સાંભળી જ્યોતિબેને આંખ બંધ કરી હતી અને એમનું શરીર ધ્રુજવા લાગ્યું હતું. હરમને કશું બોલે એ પહેલા બિલ્ડર સુરેશ પ્રજાપતિએ એને ચૂપ રહેવાનો ઇશારો કર્યો હતો.

થોડીવારમાં જ્યોતિબેને એમની બંધ આંખ ખોલી હતી. આંખો ખૂબ લાલ હતી. આંખોનો બદલાયેલો રંગ જોઇ હરમન અને ઇન્સ્પેક્ટર પરમાર એક સેકંડ માટે અચંબિત થઇ ગયા હતાં.

"મારી વાત બરાબર સાંભળી લો. બાજુની સોસાયટીમાં વર્ષોથી એક પ્યાસી આત્મા ભટકી રહી છે અને એ પ્યાસી આત્મા એક પછી એક બધાંનો જીવ લેશે. વાસણોનું કારસ્તાન પણ એ આત્મા કરી રહી છે. આ સોસાયટીના દરેક સભ્યની જાન જોખમમાં છે." આટલું બોલી જ્યોતિએ ફરીવાર આંખ બંધ કરી દીધી હતી.

"હવે જ્યોતિને આંખ ખોલતા એક કલાક થશે. આપને કોઇ પ્રશ્ન પૂછવો હોય તો એક કલાક રાહ જોઇ શકો છો." બિલ્ડર સુરેશ પ્રજાપતિએ હરમન અને ઇન્સ્પેક્ટર પરમાર સામે જોઇ કહ્યું હતું.

"ના, હવે અમારે કોઇ સવાલ પૂછવા નથી." આટલું બોલી હરમન ઇન્સ્પેક્ટર પરમાર સામે જોયા વગર ઊભો થઇ ગયો હતો.

બંન્ને જણ બિલ્ડર સુરેશ પ્રજાપતિ સાથે હાથ મીલાવી જીપમાં આવીને બેઠાં હતાં. ઇન્સ્પેક્ટર પરમારે જીપ ચાલુ કરીને પોલીસ સ્ટેશન તરફ લઇ લીધી હતી.

"હરમન, તું અચાનક કેમ ઊભો થઇ ગયો?" ઇન્સ્પેક્ટર પરમારે હરમનને જીપ ચલાવતા-ચલાવતા પૂછ્યું હતું.

"સુરેશ પ્રજાપતિની પત્ની જ્યોતિ આખો કેસ ખોટી દિશામાં લઇ જઇ રહી છે. એનું વર્તન જોતાં મને એવું લાગે છે કે ક્યાં તો એને સાઇકોલોજીકલ પ્રોબ્લેમ છે અથવા તો એ હાથે કરીને આવો ઢોંગ કરી રહી છે. આવું મને લાગે છે એના મારી પાસે સબુત પણ છે. તમે જો જોયું હોય તો એણે પલાઠી વાળી હતી અને એ માંડ માંડ પલાઠી વાળી જમીન પર બેઠી હોય એવું સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું. માટે એક કલાક તો શું અડધો કલાક પણ જમીન પર બેસવું એના માટે શક્ય લાગતું ન હતું. બીજું, એણે લીલા કલરનો પાયજામો પહેર્યો હતો પરંતુ પાયજામો થોડો ટૂંકો હોવાના કારણે એના પગના એન્કલ પાસે લેગીંસ દેખાતી હતી. જે એણે પાયજામાની અંદર પહેરી છે એવું સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું. એનો મતલબ એવો થાય કે એ કોઇ આધ્યાત્મિક સાધના નથી કરી રહી, પણ આપણે એને મળવા આવ્યા એટલે એણે પહેરેલા કપડાં ઉપર લાલી કલરનો પંજાબી ડ્રેસ પહેરી લીધો હશે. આ રીતે સુરેશ પ્રજાપતિએ આપણને આ કેસની યોગ્ય દિશામાં તપાસ કરવા દેવાના બદલે ભૂત-પ્રેતની દિશામાં એમની પત્નીના માધ્યમથી લઇ જઇ રહ્યા છે. ત્રીજું, એના પગના પંજા ચાલવાના કારણે ગંદા થયા હતાં અને એ જ્યાં બેઠી હતી એ સોફાને અડીને જ એક લેડીઝ ચંપલ પડેલા હતાં જે કિંમતી દેખાતા હતાં. એટલે એ ચંપલ પણ એના જ હશે એ પણ ચોક્કસ વાત છે. માટે એ કલાકોથી સાધના કરવા બેઠી નથી પરંતુ તમે બિલ્ડર સુરેશ પ્રજાપતિને ફોન કર્યો કે આપણે આવીએ છીએ બસ એ જ વખતે આસન લઇ જમીન ઉપર બેઠી છે. બાકી આપણને જે આખો ખેલ દેખાડ્યો એ ખેલ આપણને ઊંધી દિશામાં લઇ જવાનો હતો. ટૂંકમાં કહું તો, સુરેશ પ્રજાપતિની ઓફિસમાં આપણે જ્યોતિ જોડે પૂછપરછ કરવાની વાત કરી ત્યારબાદ સુરેશ પ્રજાપતિએ આપણને કહેલી વાતને સાચી પુરવાર કરવા જ્યોતિ પાસે આ નાટક કરાવ્યું હોય એવું મને લાગે છે." હરમને ઇન્સ્પેક્ટર પરમારને પોતાની જાસૂસી બુદ્ધિથી કરેલા નિરીક્ષણથી જણાવ્યું હતું.

"હા પણ સુરેશ પ્રજાપતિ આપણને એમની ઓફિસમાં જે રીતે એમની પત્ની વિશે વાત કહેતા હતાં એ એમની આંખોની ચમક જોતાં મને સાચી લાગતી હતી." ઇન્સ્પેક્ટર પરમારે હરમન સામે દલીલ કરતા કહ્યું હતું.

"હા બની શકે કે એમની પત્નીએ કહેલી વાત એમના માટે સાચી પડતી હોય પરંતુ અત્યારે આપણને બંન્નેને જે ચિત્ર બતાવવામાં આવ્યું એ ચિત્ર સંપૂર્ણપણે ઢોંગ સિવાય કશું નથી. સાદી ભાષામાં કહું તો આપણને બંન્નેને બિલ્ડર સુરેશ પ્રજાપતિ અને એમની પત્નીએ મૂર્ખા બનાવ્યા છે." હરમને જોરથી હાથ પછાડતા કહ્યું હતું.

હરમનની વાત સાંભળી ઇન્સ્પેક્ટર પરમારને સુરેશ પ્રજાપતિ પર ગુસ્સો આવવા લાગ્યો હતો.

હરમન અને ઇન્સ્પેક્ટર પરમાર જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે જમાલ પોલીસ સ્ટેશનમાં એમની રાહ જોઇને બેઠો હતો.

હરમને પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ જમાલને ઇન્સ્પેક્ટર પરમારની કેબીનમાં આવવા ઇશારો કર્યો હતો અને ત્રણે જણ કેબીનમાં દાખલ થયા હતાં.

કેબીનમાં બેઠક લેતા જ હવાલદાર સામેથી આવી ત્રણ જણ માટે ચા આપી ગયો હતો.

"બોસ, આ બિસ્કીટવાળા ફેરિયાનું સ્કેચ છે. મનોરમાબેનના કહેવા પ્રમાણે એમણે આ વ્યક્તિને જોયો હતો અને જ્યારે એમની દીકરી વંશિકાને આ સ્કેચ બતાવવામાં આવ્યું ત્યારે એણે પણ કહ્યું હતું કે એણે પણ આ જ માણસને સોસાયટીમાં જોયો હતો. માટે બંન્ને જણે જોયેલો વ્યક્તિ એક જ છે એ વાત સાબિત થાય છે." જમાલે સ્કેચ હરમનને આપતા કહ્યું હતું.

"ઇન્સ્પેક્ટર પરમાર, આ વ્યક્તિનો પોલીસ રેકોર્ડ છે કે નહિ એ તપાસ કરાવવી પડશે. એના ફોટા ઉપરથી પોલીસ રેકોર્ડમાં આપણને કોઇ માહિતી મળે તો કદાચ આ કેસમાં આગળ લીડ મળી શકે છે. હવે આપણે પ્રેયસની શંકાના ઘેરામાં આવતા ભુવન ભરવાડની પૂછપરછ ધીરજભાઇની હત્યા બાબતે કરવી જોઇએ." હરમને ઇન્સ્પેક્ટર પરમાર સામે જોઇ કહ્યું હતું.

"હા, ભુવન ભરવાડને હું એક-બે વાર મળ્યો છું. પરંતુ તું એમની જોડે ખૂબ કળથી વાત કરજે. તું એ ના ભૂલતો કે એમના દીકરાની પણ આ જ સોસાયટીમાં ઝેર આપીને હત્યા કરવામાં આવી છે. માટે આપણે એમની જોડે ધીરજભાઇના ખૂની હોવાની શંકાની દૃષ્ટિએ પૂછપરછ કરીએ છીએ એવું જરાય લાગવું ના જોઇએ." ઇન્સ્પેક્ટર પરમારે હરમન સામે જોઇ કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર પરમારની વાત સાંભળતી વખતે હરમનના મનમાં એકાએક કશો ચમકારો થયો એટલે એ તરત ઇન્સ્પેક્ટર પરમારની રજા લઇ કાલે ભુવન ભરવાડની પૂછપરછ કરવા અહીં પોલીસ સ્ટેશનેથી જઇશું એવું કહી જમાલને લઇ ધીરજભાઇના બંગલે જવા નીકળી ગયો હતો.

હરમનની આ હરકત જોઇ ઇન્સ્પેક્ટર પરમારને થોડી અકળામણ થઇ હતી.

ક્રમશઃ

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

 -  ૐ ગુરુ