Angat Diary books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - વસવસામાંથી મુક્તિ મેળવો.



શીર્ષક : વસવસામાંથી મુક્તિ મેળવો.
©લેખક : કમલેશ જોષી

ભવિષ્ય વિશેની આપણી કલ્પનાઓ કે ધારણાઓ મહદ અંશે નેગેટિવ હોય છે. એક મિત્ર હંમેશા ચિંતાતુર જ રહેતો. નવમું ભણતો ત્યારથી દસમા ધોરણમાં ફેલ થવાની કલ્પના એને ઘેરી વળી હતી. ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયો તો બારમા ધોરણનું દુઃખ એને ઘેરી વળ્યું. કોલેજ પણ એણે ડિસ્ટીંક્શન સાથે પાસ કરી તો નોકરી મળશે કે નહિ એ બાબતે એ રડતો હતો. આટઆટલા પોઝિટીવ અનુભવો થયા પછી પણ એ કરમાયેલો, મુરઝાયેલો, રોદણાં રોતો, બીજાની સહાનુભૂતિ અને દયાને પાત્ર બનતો રહેતો. એક મિત્રે કહ્યું: એ રોતલુંને સહાનુભૂતિ મેળવવાનું વ્યસન થઈ ગયું છે.
વ્યસન? બીડી, તમાકુ, સિગારેટ, દારૂ, જુગાર કે ચરસ, ગાંજાના વ્યસન વિશે તો આપણે સાંભળ્યું હતું, પણ સહાનુભૂતિ કે દયાને પાત્ર બનવાનું વ્યસન? આદત જયારે લિમીટ બહાર જતી રહે ત્યારે વ્યસન બની જાય છે. વ્યસનની શરૂઆત મોટેભાગે રૂપાળી રીતે કે મજબૂરીને કારણે થતી હોય છે. હોસ્પિટલમાં પંદર દિવસ સતત રાત ઉજાગરા કરવાના આવ્યા એટલે ચાની આદત પડી ગઈ. જીવનમાં સંઘર્ષ એટલો બધો આવ્યો કે ગમને, પીડાને (એમ સમજોને કે ખુદને, ભૂતકાળને) ભૂલાવવા માટે એકાદ બે પૅગ મારવાની આદત પડી ગઈ. આદતો જયારે કાબુ બહાર જતી રહે ત્યારે વ્યસન બની જતી હોય છે. વિચિત્રતા એ છે કે સારી આદતોનું ક્યારેય વ્યસન થતું નથી, ખરાબ આદતોનું જ વ્યસન થાય છે. સવારે વહેલા ઉઠવાનું કે સારા પુસ્તકો વાંચવાનું કે રોજ કસરત-યોગ-ધ્યાન કરવાનું વ્યસન થતું નથી, પણ તમાકુ ખાવાનું કે દારુ પીવાનું વ્યસન થઈ જાય છે.
પણ સહાનુભૂતિ પ્રાપ્ત કરવાનું વ્યસન? એ વળી નવી વાત હતી. પેલા મિત્રે પોતાની પર્સનલ ફિલોસોફી કહી: વ્યસનના પણ બે પ્રકાર હોય છે, સ્થૂળ વ્યસનો અને સૂક્ષ્મ વ્યસનો. આપણને સ્થૂળ (જેમ કે દારૂ, તમાકુનું) વ્યસન કદાચ ન હોય પણ સૂક્ષ્મ વ્યસનથી તો લગભગ નેવું ટકા લોકો સંક્રમિત છે. પેલા મિત્રે હવે ફાઈનલ ખુલાસો કર્યો: સૂક્ષ્મ વ્યસન પકડવું થોડું મુશ્કેલ છે. તમે માનશો? માણસને બિનજરૂરી શોપિંગ કરવાનું, સ્ટાફ કે ફૅમિલી મેમ્બર્સને તતડાવતા રહેવાનું ઇવન કટકી કરવાનું, કામચોરી કરવાનું કે સમયચોરી કરવાનું પણ વ્યસન હોય છે. અમુક લોકો પોતાની ઓફિસે જો સમયસર કે સમયથી બે પાંચ મિનિટ વહેલા પહોંચી જાય તો એમના મનમાં ખિન્નતા કે પીડાનો અહેસાસ થતો હોય છે. અમુક લોકો ટેબલ નીચેથી વીસ-પચાસની નોટ લીધા વિના કામ કરે તે દિવસે એમને તાવ આવી જતો હોય છે. પેલી જોક છે ને કે હોટેલના વેઈટરને ગ્રાહક કહે છે કે ‘હવે તું થોડી કચકચ કર તો જ મને જમવાનું ભાવશે અને પચશે.’ કેમ કે ગ્રાહકને ઘરે ઘરવાળીની કચકચનું વ્યસન થઈ ગયું હતું. સૂક્ષ્મ વ્યસનથી બચવું કે મુક્ત થવું વધુ કઠિન છે, કેમ કે ગ્રસિત માણસને ખબર જ નથી હોતી કે એને વ્યસન છે.
એક મિત્રે વ્યસનનું વિજ્ઞાન સમજાવ્યું. જયારે તમે એકની એક પ્રક્રિયા વારંવાર કરો એટલે એક સમયે તમને એનું વ્યસન લાગી જાય. ભલે આપણને બીડી, સિગારેટ કે દારુનું વ્યસન નહીં હોય, પણ શું આપણે પૂરેપૂરા વિશ્વાસથી કહી શકીશું કે આપણને નિંદા, કુથલી, ઘમંડ, ગુસ્સો, લોભ, મોહ કે મત્સરનું પણ વ્યસન નથી? આપણે ગમે તેટલી રૂપાળી રીતે કોઈ વિશે નબળું બોલીએ, ગમે એટલી ચાલાકી કરીએ, શબ્દ રમત કરીએ પણ એ નિંદા જ છે. મોં પર ગમે તેટલો આનંદ દેખાડીએ પણ સહકર્મચારી કે મિત્રના પ્રમોશનની વાત સાંભળી ભીતરે જે જરીક અમથો ચચરાટ થાય છે એ મત્સર જ છે. જરીક ગરજવાન કસ્ટમર આવી જાય તો બે પૈસા વધુ લઈ લેવાની જે ખંજવાળ આપણને ઉપડે છે એ લોભ અને દીકરા માટે લાગવગ લગાડી નોકરી કે માર્ક વધારાની જે ગોઠવણ આપણે કરીએ છીએ એ મોહ જ છે. દારુડીયો ગમે એના સમ ખાઈને કહે કે હું દારુ નથી પીતો પણ ભીતરે ગયેલો દારુ એના શરીરને કોરી ખાતો હોય છે એમ જ આપણે ગમે એટલી ના પાડીએ પણ આપણા સૂક્ષ્મ વ્યસનો આપણને ભીતરેથી ચૂંથતા જ હોય છે. એટલે જ જિંદગીના આખરી પડાવો વખતે કોઈક અજાણ્યો વસવસો આપણને ઘેરી વળતો હોય છે.
ટ્રેજેડી એ છે કે દારૂડિયાને એ તો ખબર છે કે હું કૈંક ખોટું કરું છું. ઈર્ષાળુ કે ઘમંડીને તો એ પણ ખબર નથી હોતી કે એને કોઈ ખરાબ આદત પડી છે કે રોગ થયો છે. દારુડીયો કદાચ વ્યસન મુક્તિ કેન્દ્રમાં જાય અને એનો દારુ છૂટી જાય એવું પણ બને પણ ઘમંડી માણસ ક્યાં કોઈના પિતાશ્રીનું સાંભળવા તૈયાર થતો હોય છે? એવું નથી કે ઘમંડમુક્તિ કે નિંદા મુક્તિ કેન્દ્ર નથી ચાલતા. સંતો, મહંતો, સજ્જનો આવા વ્યસનો છોડાવતા ડોક્ટર્સ જ છે. પણ જેમ અમુક લોકો દવા ખાવાના ચોર હોય એમ સત્સંગો કે કથામૃતોમાં જે પ્રિસ્ક્રીપ્શન સંતો સૂચવે છે એ મુજબની દવા પીવામાં આપણને ક્યાં રસ છે! અખા ભગતે અમથું કહ્યું છે?
‘કથા સુણી સુણી ફૂટ્યા કાન
તોયે ન આવ્યું બ્રહ્મ જ્ઞાન...’
બ્રહ્મ જ્ઞાન તો જવા દો ભીતરે આપણને કોઈ સૂક્ષ્મ વ્યસને ઘેરી તો નથી લીધા ને, માત્ર એ જ્ઞાન આવી જાય તો પણ લાઇફ વેસ્ટ થતી અટકી જાય.
તમે માર્ક કર્યું? મૃત્યુની નજીક પહોંચેલા મોટાભાગના લોકોનો એક જ સૂર હોય છે. ‘મેં જિંદગી વેડફી નાખી.’ અજાણ્યાઓને તો એ ભલે એમ જ કહેતા હોય કે ‘બહુ બધું માણી લીધું, હવે તો ભગવાન બોલાવી લે એટલે છૂટીએ...’ પણ જયારે સાવ અંગત મિત્ર કે સ્વજન નજીક બેઠું હોય ત્યારે અમુક ક્ષણો કે મિનિટો માટે પેલો અફસોસ કે વસવસો વ્યક્ત થયા વિના રહેતો નથી. જિંદગીના અનેક વળાંકો પર જે કોમ્પ્રોમાઇઝ કે સાચા-ખોટા કરેલા હોય એ છેક છેલ્લા શ્વાસ સુધી ડંખ્યે જતા હોય છે.

એક મિત્રે કહ્યું: વ્યસન મુક્તિનો એક રામબાણ ઈલાજ છે માઈન્ડ ડાયવર્ઝન. જયારે પણ કોઈની નિંદા કરવાનું મન થાય કે તરત જ આપણી ખુદની ખામી પર અથવા જેની નિંદા કરવી હોય તેની કોઈ સારી બાબત પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને એના વખાણ કરીએ એટલે નિંદાનો ઍટેક ટળી જાય. જેમ કે ઓફિસમાં કોઈ કર્મચારીની તોછડી વાણી વિશે નિંદા કરવાનું મન થાય ત્યારે એની ઇંગ્લિશમાં કે કમ્પ્યૂટરમાં કેવી માસ્ટરી છે એ યાદ કરી લઈએ તો એનું જે થવાનું હોય એ થાય પણ આપણે તો નિંદાખોરીમાંથી બચી શકીએ.

આવા અનેક આઇડિયા તમારી પાસે પણ હશે જ. આજના દિવસે એ આઇડિયા અપનાવીએ અને શૅર કરીએ તો ‘સૂક્ષ્મ વ્યસન મુક્તિ’ની નાનકડી ઝુંબેશ શરુ થઈ જાય એવું નથી લાગતું? આ ઝુંબેશ ખરેખર તો અનેક લોકોનો આખરી સમય ‘વસવસા કે ડંખ’ મુક્ત કરી શકે એમ છે હોં! ઓલ ધી બેસ્ટ.

- kamlesh_joshi_sir@yahoo.co.in