Scam - 12 books and stories free download online pdf in Gujarati

સ્કેમ....12

સ્કેમ….12

(ચિરાગ અને સ્મિતાનો ઝઘડો જોઈ સાહિલ ડઘાઈ જાય છે અને તેનો ગુસ્સો જોઈ ચિરાગ અને સ્મિતા. હવે આગળ...)

સાહિલના હિબકાંનો અવાજ બહાર સુધી આવતો હોવા છતાં શું કરવું તે ના તો ચિરાગ કે સ્મિતા સમજી શકયા ના તો તેના પાછળ જવાની હિંમત કરી શકયા.

ડૉ.રામ પણ સીમા બેડરૂમમાં આવે તે પહેલાં જ સૂઈ ગયા હોય એવો દેખાવ કરતાં પડી રહ્યા અને સીમા અકળાઈને બોલી કે,

"ખરા છે આ પણ, મને વાત કરવાનો સમય જ નથી આપતા."

તેની અકળામણ જોઈને ડૉ.રામને મજા આવી રહી હતી, એના કરતાં વધારે તો દુઃખ થઈ રહ્યું હતું. પણ તે દુઃખી ના થાય કે ટેન્શન ના લે એ માટે તેની અકળામણ ચલાવવી પડે એમ હતી.

સવારની પહોરમાં સૂરજની સવારી આવી રહી છે તેનો સંદેશો કિરણો આપી દીધો. ફૂલોની સુંગધ ચારેકોર ફેલાઈને વાતાવરણને આહ્લાદક બનાવી રહ્યું હતું. હિંચકા પર બેસીને આકાશ ન્યૂઝ પેપર વાંચી રહ્યો હતો અને સેજલ કીચનમાં બધા માટે ચા નાસ્તાની તૈયારી કરી રહી હતી.

આકાશ બોલ્યો કે,

"સેજલ... સેજલ, જલ્દી ચા નાસ્તો આપ, મારે ઓફિસમાં મીટીંગ છે તો મોડું થશે. અને મારા નહાવા માટે ગરમ પાણી પણ તૈયાર રાખજે."

"એ હા લાવી... તમારે તો હંમેશા ખીસ્સામાં થી જ મુહૂર્ત નીકળે છે. કાલે નહોતું કહેવાતું થોડી વધારે વહેલી ઊઠત."

"ભૂલી ગયો, પણ એ માટે મને ધમકાવવાનો?"

"ખોટું ના બોલો, અને મારી ઉડાવવાની તો નહીં જ."

સેજલે હસતાં હસતાં કહ્યું અને તે,

"આશ્વી... આશ્વી..."

આશ્વીએ કહ્યું કે,

"હા, મોમ..."

આશ્વી તેમની 16 વર્ષની દીકરી અને ઘરની પરી હતી. એકદમ કયુટ, દેખાવમાં લાંબી, ગોરી અને ભણવામાં એકદમ અવ્વલ. આજ સુધી ફર્સ્ટ રેન્ક સિવાય બીજો કંઈ રેન્ક નહોતી લાવી, આ વખતે ટેવલ્થ બોર્ડમાં. તેને એક મોટોભાઈ ડૉકટર સાવન, એ પણ ઓર્થોપેડિક હતો. હાલ તે ફેલોશીપ પૂરી કરવા માટે પૂના ગયો હતો.

"જલ્દી નીચે આવ, તારું ચોકલેટ દૂધ તૈયાર છે, બેટા."

સેજલે ફરીથી કહ્યું અને આશ્વી નીચે આવીને દૂધ પીવા લાગી. તેની આંખો સૂઝેલી હતી એ જોઈ સેજલ આકાશને ઈશારો કરે છે. આકાશે આશ્વીને,

"કેવી તૈયારી ચાલી રહી છે, બેટા?"

"સારી, પાપા..."

"બરાબર તૈયારી કરજે, પંદર દિવસ પછી તો એકઝામ ચાલુ થઈ જશે. કંઈપણ ડાઉટ હોય તો ટયુશન ટીચરને પૂછી લેજે."

"હા પાપા, મોમ હું વાંચવા જઉં."

આશ્વી સેજલ અને આકાશથી નજર છૂપાવી રહી હોય તેમ ઉપર જતી રહી. સેજલે આકાશ સામે જોયું અને કહ્યું કે,

"જોયુંને તમે, કેટલા દિવસથી હું તેની આંખો સૂઝેલી જાઉં છું અને તે બરાબર ખોરાક પણ નથી લેતી, પણ સમજી નથી શકતી કે વાત શું છે?"

"શું તું પણ, તે તો એકઝામની તૈયારીમાં લાગી છે, એટલે ઊંઘ પૂરી નહીં કરતી હોય?"

"ના એવું નથી, તે તો ઊંઘ પણ પૂરી કરી રહી છે. પણ મને એવું લાગે છે કે વાત કંઈક અલગ છે..."

"તું નવું નવું વિચારવાનું બંધ કર."

"સારું, તમને તો મારા માટે એવું જ લાગે છે."

એટલામાં આશ્વીનો વધારે પડતો જોર જોરથી રોવાનો અવાજ આવવા લાગ્યો એ સાંભળીને સેજલ અને આકાશ ઉપર દોડયા. તે બેડ પર સૂઈને રોઈ રહી હતી, સેજલે આશ્વીના આંખમાં થી આસું લૂછીને અને પ્રેમથી માથે હાથ ફેરવતા કહ્યું કે,

"કેમ બેટા રડે છે?"

"મોમ, પાપા..."

"શું થયું એ તો કહે બેટા?"

"મોમ... મારે એકઝામમાં થી ડ્રોપ લેવો છે."

આ સાંભળીને બંને ગભરાઈ ગયા.

"પણ કેમ બેટા..."

"મોમ મને કંઈ નથી આવડતું... હું ફેઈલ થઈ જઈશ. મોમ પ્લીઝ મને ડ્રોપ લેવો છે."

"બેટા, આ રીતે ભાગવાથી શું થાય?"

આકાશે સમજાવતાં કહ્યું.

"ના પપ્પા, હું ડ્રોપ જ લઈશ."

"પણ શું કામ બેટા?"

આકાશ ચિડાઈને કહ્યું તો,

"મોમ, પ્લીઝ આ વખતે મને ડ્રોપ લેવા દે ને..."

એમ બોલીને તે વધારે જોશથી રોવા લાગી.

"સારું... સારું બેટા, તને ગમે એ જ કરીશું. પણ હાલ તું ચૂપ થઈ જા."

સેજલે તેને સમજાવીને સૂવાડી દીધી પછી તે નીચે આવીને તે પણ રડી પડી. આકાશે તેને સમજાવતાં કહ્યું કે,

"તું આવું કેમ કરે છે, સેજલ. સમજ કે કદાચ તે કોઈ સબ્જેકટમાં લઈને સ્ટ્રેસમાં આવી ગઈ હોય એટલે તે આવું કહેતી હોય."

"હું તમને નહોતી કહેતી કે આશ્વીની આંખો સૂઝેલી રહે છે. ઉપર તે કાં તો સૂઈ રહે છે અને હું કહું તો તે બુક પકડીને બેસી રહે છે. એને કંઈક થઈ ગયું છે કાં તો તેને નજર લાગી ગઈ છે."

"હા, મને પણ એવું જ લાગી રહ્યું છે કે કંઈક વાત છે, પણ તું ગભરાઈ ના જા અને રડવાનું બંધ કર. આપણે આગળનો વિચાર કરીએ. તારા રડવાથી તે ચૂપ નહીં થઈ જાય કે ના તો તેનો ડર ભાગી જશે. માટે પ્લીઝ તું સ્ટ્રોંગ બન."

આકાશે પોતાના દીકરા સાવનને બધી વાત કરી. સાવને કહ્યું કે,

"પપ્પા કદાચ અત્યારે તેનો સ્ટ્રેસ વધી ગયો હોય તો આવું બોલતી પણ હોય. એકઝામના પંદર દિવસ જ બાકી છે એટલે તેને લાઈટલી પણ ના લેવાય. હું તેની સાથે વાત કરું છું."

"ઓકે, તું વાત કરી જો... પછી નક્કી કર."

"ઓકે, પપ્પા."

સાવને આશ્વીને ફોન લગાવ્યો તો આશ્વીએ ફોન ઉપાડયો, પણ તેની હંમેશા ચહેકતી અવાજની સામે આજે ઉદાસ અવાજમાં બોલી,

"ભાઈ.."

"એ માય એન્જલ, તું મજામાં? અને એકઝામની પિપેરશન કેવી?"

આ સાંભળીને જ આશ્વીના હોશકોશ ઊડી ગયા અને તે રોવા લાગી.

"ભાઈ મને કંઈ આવડતું નથી, કંઈ યાદ રહેતું પણ નથી. મારે ડ્રોપ લેવો છે."

"પણ તું તો હોંશિયાર છે, તો પછી આવું કેમ?"

"ભાઈ મને ખબર નથી."

કહીને તેને રડતાં રડતાં ફોન મૂકી દીધો. સાવને પોતાના કલીંગને વાત કરી તો તેને કહ્યું કે,

"સાવન આવું બને, ઘણીવાર એકઝામનો ડર લાગી જાય એટલે સ્ટુડન્ટ આવું વિચિત્ર વર્તન કરે છે."

"હમમમ..."

"એ સાયક્રાટીસની મદદથી સોલ્વ કરી શકાય, એટલે સાયક્રાટીસ જોડે જાવ."

(શું આશ્વીનો પ્રોબ્લેમ સોલ્વ થશે? શું આશ્વી સારી રીતે એકઝામ આપી શકશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....13)

Share

NEW REALESED