Aa Janamni pele paar - 42 books and stories free download online pdf in Gujarati

આ જનમની પેલે પાર - ૪૨

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૨

એક તરફ હેવાલી અને બીજી તરફ દિયાનના ગળાને દબાવી દેવામાં આવ્યું હતું. બંનેએ જાણે આ મૃત્યુને સ્વીકારી લીધું હતું. મેવાન અને શિનામીએ નિર્દયતાથી ગળા દબાવી દીધા હતા. હેવાલી અને દિયાનની આંખો બંધ હતી. હવે એ બંને ભૂત-પ્રેત સ્વરૂપમાં આવવાના હતા. મેવાન અને શિનામી સાથે એક નવું ભૂત જીવન શરૂ કરવાના હતા. ચારેય હવે એક જ સ્વરૂપમાં આવી જવાના હતા. છેલ્લા થોડા દિવસોથી બે સાથીઓ અલગ રૂપમાં મળતા હતા. દિયાન અને હેવાલીનું એકસાથે એકક્ષણે જ ગળું દબાવવામાં આવ્યું હતું. બંનેને ખબર ન હતી કે તેમનો સમય સરખો રાખવામાં આવ્યો હતો. મેવાન અને શિનામીએ એક જ ઘડીએ બંનેના ગળા પર ભીંસ આપી હતી. બંનેની આંખો એક સાથે જ મીંચાઇ ગઇ હતી. અને બંનેએ એકસાથે જ આંખો ખોલી. દિયાને આંખો ખોલીને જોયું કે તેની સામે શિનામી ઊભી હતી અને મંદ મંદ મુસ્કુરાતી હતી. હેવાલીએ પણ જોયું કે તેની સામે મેવાન ખુશી જાહેર કરતો હોય એમ ઊભો હતો. કંઇક આભાસ થયો હોય એમ દિયાન અને હેવાલીએ ચમકીને પોતાની બાજુમાં જોયું અને બંને આશ્ચર્ય પામી ગયા. બંને દિયાનના ઘરના બેડરૂમમાં આડા પડ્યા હતા. બંને ચમકીને એકસાથે બેઠા થઇ ગયા. એક જ બેડ પર બંને સાથે હશે એવી એમને કલ્પના ન હતી.

'દિયાન અને હેવાલી! તમને તમારો માનવ જન્મ મુબારક!' મેવાન અતિ હર્ષથી બોલ્યો.

દિયાન અને હેવાલી એકબીજાની તરફ હતપ્રભ થઇને જોવા લાગ્યા.

શિનામી હાસ્ય રેલાવતી બોલી:'બહુ ખુશ થવા જેવી વાત છે કે તમે બંને ભૂત બન્યા નથી. અને તમારે ભૂત સ્વરૂપમાં આવવાનું પણ નથી. અમે તમારા ગળા દબાવતા હતા પરંતુ છેલ્લી ક્ષણે એ કામ અટકાવી દીધું હતું. તમે બંને મોત પામ્યાના આઘાતથી બેભાન થઇ ગયા હતા. હું હેવાલીને લઇને અહીં આવી ગઇ છું. તમને આ જનમની પેલે પાર લઇ જવાનું અમે એક નાટક જ રચ્યું હતું....'

હેવાલી અને દિયાનના ચહેરા પરથી લાગતું હતું કે બંને ડઘાઇ ગયા છે. બંને જાણે કલ્પના કરી શકતા ન હોય એમ વારેઘડીએ એકબીજાને જ નહીં પોતાના શરીરોને જોઇ રહ્યા હતા. એમના હાથ પોતાના જ શરીર પર ફરી રહ્યા હતા. જાણે ખાતરી કરતા હોય કે પોતે ભૂત સ્વરૂપમાં નથી ને? બંને સાથે એકસરખી ઘટના બની ગઇ હતી.

'અમે ખરેખર મરી ગયા નથી? અમે માનવ તરીકે જ હજુ જીવીએ છીએ? અમારો આ જન્મ ભૂત સ્વરૂપમાં નથી? માનવજીવન ખરેખર પાછું મળ્યું છે?' હેવાલી ખુશીથી જાણે ઊછળી પડી હતી.

'અમને વિશ્વાસ આવતો નથી કે અમે માનવ રૂપમાં જ છીએ. મને તો મેવાને ગળામાં એવી ભીંસ આપી હતી કે હું છેલ્લી ચીસ પાડી ચૂક્યો હતો. મોતને હાથતાળી આપીશ એવી કલ્પના ન હતી. મોતને મેં જાણે સ્વીકારી લીધું હતું. અને હેવાલી મારી પાસે મારી બાજુમાં છે એટલે થયું કે એ પણ ભૂત સ્વરૂપમાં અહીં આવી ગઇ છે...' દિયાન કોઇ અજીબ ચમત્કાર જોઇ રહ્યો હોય એમ બોલી રહ્યો હતો.

'હા, મેં તને ગળામાં એવી જ ભીંસ આપી હતી કે તારો જીવ જતો રહે. તું આ દુનિયામાં ના રહે. પણ જીવન અને મૃત્યુ વચ્ચે એક ક્ષણ હોય છે અને એ ક્ષણને મેં સાચવી લીધી હતી. મેં એ ક્ષણે તારું ગળું છોડી દીધું હતું. પરંતુ તને એવું જ લાગે કે મારા શ્વાસ રુંધાઇ ગયા છે. હકીકતમાં અમે અમારી શક્તિઓનો ઉપયોગ કરીને એક એવો ભ્રમ ઊભો કર્યો હતો કે તમે મરી રહ્યા છો...' મેવાને ખુલાસો કરતાં કહ્યું.

'ઓહ! મને તો શિનામીના હાથનું દબાણ આવ્યું પછી શું થયું એનો ખ્યાલ જ ના રહ્યો. ગજબનું આ થોડા દિવસોનું જીવન રહ્યું? પણ અમને આ રીતે માનવ રૂપમાં જ રાખવાનો તમારો હેતુ શું છે? તમે કહેતા હતા કે અમે ભૂત સ્વરૂપમાં આવી જઇએ તો એકબીજાના પૂર્વ જન્મના સાથી બનીને રહી શકીએ છીએ. હવે આપણું સહજીવન કેવું હશે? તમે અગાઉ પણ પ્રેમની પરીક્ષા લીધી હતી. આ બીજી પરીક્ષા હતી કે શું?' હેવાલીએ પોતાના મનની શંકા થોડા ડર સાથે રજૂ કરી દીધી.

હેવાલીની વાત સાંભળી શિનામી અને મેવાન એકબીજા સામે જોઇને મુસ્કુરાયા. જાણે કોઇ મોટું રહસ્ય ખોલવાના હોય એનો હેવાલી અને દિયાનને અંદાજ ના હોય એવા ભાવ એમના ચહેરા પર હતા.

ક્રમશ: