NARI-SHAKTI - 27 books and stories free download online pdf in Gujarati

નારી શક્તિ - પ્રકરણ 27 (ઉભા- હેમવતી)

નારી શક્તિ, પ્રકરણ- 27 , "ઉમા હેમવતી"

[ હેલ્લો ફ્રેન્ડ્સ, વાંચક મિત્રો ! નમસ્કાર ! નારી શક્તિ પ્રકરણ- 27,, "ઉમા હેમવતી"-આ પ્રકરણમાં આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું. ગયા પ્રકરણમાં આપણે ઋગ્વેદકાલીન યમ- પત્ની યમી કે જેણે ઋગ્વેદના સમયમાં પોતાની નારી શક્તિ નો પરિચય આપીને પતિવ્રતા નારી તરીકે ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરતાં વૈદિક યુગિન નારી નો આદર્શ રજૂ કર્યો હતો. મૃત્યુના દેવતા યમરાજા એટલે કે પોતાના પતિને ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરવા માટે પરામર્શ આપ્યો હતો અને નારીની મહત્તા નું પ્રસ્થાપન કર્યું હતું. એ વિશે જાણ્યું. હવે અહીં પ્રકરણ ૨૭ માં ઉમાહેમવતીની કથા લઈને હું ઉપસ્થિત છું. ઉમા -હેમવતી.......….............
એ વિશેની કથા અહીં પ્રસ્તુત કરવામાં આવે છે.
જેમાં ઉમા હેમવત્ ની પુત્રી પાર્વતીના રૂપમાં પ્રસિદ્ધ થઇ છે તે દેવોનો અહંકાર ઉતારે છે એ વાતની કથા અહીંયા રજૂ કરવામાં આવે છે.
આપ સર્વેને એ જરૂર વાંચવી ગમશે એવી અભિલાષા સાથે આપનો ખૂબ ખૂબ આભાર !!માતૃ ભારતી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર !! ]

પ્રસ્તાવના:-
જ્યારે જ્યારે પુરુષ ને પોતાના પૌરુષ અને શક્તિનો મદ યા અહંકાર થાય છે ત્યારે ત્યારે સ્ત્રી જ એના આ મિથ્યા અહંકારને મિથ્યાભિમાનને દૂર કરવા માટે યથાર્થ બોધ આપે છે અને એમાં માર્ગદર્શન આપે છે આ સંદર્ભમાં જ કેનોપનિષદમાં ઉમાહેમવતી ની કથા આવે છે. હકીકતે ઉમાહેમવતી એ પરબ્રહ્મની જ શક્તિનું સ્વરૂપ છે એવો બોધ કરાવવામાં આવ્યો છે.

રાવણને પણ જ્યારે અહંકાર આવી ગયો હતો અને તે કોઈને સાંભળવા તૈયાર નહોતો ત્યારે મંદોદરીએ એને ખૂબ સમજાવ્યું હતું કે માતા-સીતા છે ,એ પરબ્રહ્મ પરમેશ્વરની જ પત્ની છે અને આ યુદ્ધમાં તમારી જીત નહીં થાય આપણું શ્રેય એમાં છે કે સ્વમાનનભેર અને સન્માનભેર માતા સીતાને ભગવાન શ્રીરામને સોંપી આવો. પણ રાવણ એકનો બે ન થયો અને મંદોદરીની વાત સાંભળી નહીં પરિણામે રાવણ કુળ નો સંહાર થયો. તેવી જ રીતે અહીં ઉમા હેમવતી એટલે કે માતા પાર્વતી દેવોનો અહંકાર ઉતારવા માટે યક્ષનું સ્વરૂપ લઈને આવે છે.
તેની કથા પ્રમાણે છે-
પરબ્રહ્મ પરમેશ્વરે દેવતાઓ પર કૃપા કરી ને તેમને એવી શક્તિ આપી કે જેથી તેમણે અસુરો પર વિજય પ્રાપ્ત કર્યો .આ વિજય ખરી રીતે ભગવાનનો જ હતો. દેવતાઓ તો કેવળ નિમિત માત્ર જ હતા. પરંતુ દેવતાઓ આ વાત સમજી શક્યા નહીં. ભગવાને પોતાની ઉપર કૃપા કરી છે એ વાત ધ્યાનમાં ન લેતા તે ભગવાનના મહિમાને પોતાનો જ મહિમા સમજી બેઠા અને અભિમાન ને લીધે પોતાને ભારે શક્તિશાળી હોવાનું માનવા લાગ્યા અને અમે અમારા જ બળ અને શક્તિથી અસુરોનો પરાજય કર્યો છે એમ સમજવા લાગ્યા.( કેનોપનિષદ્- 4/મંત્ર-1)

દેવતાઓ એમ સમજવા લાગ્યા કે આ વિજય છે તે અમારો જ છે અને અમારો જ મહિમા છે કહે છે કે તે બ્રહ્મ, દેવતાઓના અભિપ્રાય ને કળી ગયા અને તેમનું અભિમાન ઉતારવા માટે તેમની આગળ સાકાર રૂપે પ્રગટ થયા .એટલે દેવતાઓ યક્ષના રૂપમાં પ્રગટ થયેલા તે બ્રહ્મને આ યક્ષ કોણ છે ?તે સમજી શક્યા નહીં.
( મંત્ર 2)

તેથી તેમણે ઇન્દ્ર વગેરે દેવોએ અગ્નિને કહ્યું હે જાતવેદા ! તમે આ વાતની ખબર કાઢો કે આ યક્ષ તે કોણ છે? અગ્નિએ કહ્યું ઘણું સારું.
( મંત્ર -3)

અગ્નિ તે યક્ષની પાસે ગયો. તેણે અગ્નિને પૂછ્યું કે તું કોણ છે ? તેણે કહ્યું કે હું અગ્નિ છું, હું ખરેખર જાતવેદા જ છું .અગ્નિ ની ગર્વોક્તિ સાંભળીને બ્રહ્મે અજાણ્યાની પેઠે કહ્યું એમ ત્યારે અગ્નિ અને જાતવેદા (સર્વનું જ્ઞાન ધરાવનારા) એવા બે નામ ધરાવનારા તમે જ છો ભલા તમારામાં શું સામર્થ્ય છે ? તે તો કહો એટલે અગ્નિએ સગર્વ ઉત્તર આપ્યો કે હું શું કરી શકું છું તે તમે જાણવા ચાહો છો ? અરે હું ઈચ્છું તો આ ભૂમંડળમાં જે કંઈ પણ જોવામાં આવી રહ્યું છે તે બધું બાળીને હમણાં જ ભસ્મ કરી દઉં.
(મંત્ર -4/5)

અગ્નિની ગર્વોક્તિ સાંભળીને સર્વને સત્તા -શક્તિ આપનારા યક્ષરરૂપે પરબ્રહ્મ પરમેશ્વરે તેની આગળ એક સૂકું તણખલું નાખીને કહ્યું ,તમે તો સર્વ કંઈ બાળવા શક્તિમાન છો ! સહેજ સાજ બળ વાપરીને સૂકાં તણખલાને બાળી નાખો .અગ્નિદેવને તો આ પોતાનું અપમાન થવા જેવું લાગ્યું તેથી તેઓ સેજે તણખલા પાસે પહોંચી ગયા ને તેને બાળવાની કોશિશ કરવા લાગ્યા .તે બળ્યું નહીં એટલે તેમણે પોતાની સઘળી શક્તિ કામે લગાડી પરંતુ તે તણખલાને સેજ પણ આંચ ન આવી, ન જ આવેને ! એ વાત પણ ખરી છે એ તણખલાને આંચ લાગે પણ કઈ રીતે કારણ કે અગ્નિમાં રહેલું અગ્નિત્વ ને તેની દાહશક્તિ તો પરમાત્મા પાસેથી મળી છે એ પરમેશ્વર જો પોતાના એ શક્તિના પ્રવાહને અટકાવી દે તો પછી અગ્નિની સ્વતંત્રત શક્તિ કઈ ? ને ક્યાંથી આવે ? અગ્નિ દેવ આ વાતને સમજ્યા વગર જ પોતાની શક્તિની ડંફાસ મારી રહ્યા હતા પણ જ્યારે બ્રહ્મે પોતાની શક્તિ અટકાવી દીધી ત્યારે સૂકું તણખલું પણ બળી શક્યું નહીં એટલે તો અગ્નિનું માથું શરમથી ઝૂકી પડ્યું ને નિસ્તેજ થઈ દેવતાઓ પાસે પાછા ફર્યા અને તેમને કહેવા લાગ્યા કે હું તો કંઈ સમજી શક્યો નથી કે તે યક્ષ કોણ છે ? (મંત્ર -6)
( સીતા જ્યારે લંકામાં રાવણની કેદમાં હતા ત્યારે દેવી-સિતા એ પણ રાવણની આડે એક તણખલું મૂક્યું હતું અને એ તણખલાને રાવણ ઓળંગી શક્યો નહોતો એ વાત અહીંયા પ્રતીત થાય છે. )

અગ્નિદેવ જ્યારે નિષ્ફળ થઈ પાછા ફર્યા ત્યારે દેવતાઓએ આ કાર્ય માટે અપ્રતિમ શક્તિવાળા વાયુદેવને પસંદ કર્યા અને તેમને કહ્યું કે વાયુદેવ! તમે જઈને આ યક્ષ વિશે પૂરેપૂરી તપાસ કરો કે તે કોણ છે? વાયુને પણ પોતાની બુદ્ધિ અને શક્તિનો ગર્વ હતો એટલે તેણે પણ કહ્યું ભલે બહુ સારું, હમણાં જ એ વિશે તપાસ કરું છું. ( મંત્ર 7 )

વાયુએ ધાર્યું કે અગ્નિ એ ક્યાંક ભૂલ કરી હશે નહીં તો વળી યક્ષને ઓળખવો એ તે કઈ મોટી વાત છે? ભલે ને આ સફળતાનો શ્રેય મને મળે.
આમ વિચારી વાયુદેવ તરત યક્ષની પાસે પહોંચ્યા તેને પોતાની પાસે ઊભેલો જોઈને એ યક્ષે પૂછ્યું તમે કોણ છો? વાયુ એ પણ પોતે કંઈક છે એવા ગર્વ થી અકળાઈને ઉત્તર આપ્યો કે હું પ્રસિદ્ધ એવો વાયુ છું .મારું જ ગૌરવમય અને રહસ્યપૂર્ણ નામ માતરિશ્વા છે.( મંત્ર 8)

વાયુની પણ તેવી જ ગર્વોક્તિ સાંભળીને બ્રહ્મે તેને પણ તેવી જ રીતે અજાણ્યાની પેઠે કહ્યું વાહ! આપ વાયુ દેવ છો અને માતરિશ્વા છો અંતરિક્ષમાં કંઈ પણ આધાર વિના વિચરણ કરનારા પણ આપ જ છો .ઘણી સારી વાત છે પણ એ તો કહો કે આપનામાં શી શક્તિ છે ?આપ શું કરી શકો એમ છો ? એટલે વાયુ એ પણ અગ્નિની પેઠે સગર્વ ઉત્તર આપ્યો કે જો હું ચાહું તો સમસ્ત ભૂ -મંડળમાં જે કાંઈ પણ દેખાય છે તે બધાને વગર આધારે ઉપાડી લઉં અને ઉડાવી નાખું. (મંત્ર 9)

વાયુના પણ આવા ગર્વિષ્ઠ વચનો સાંભળીને સર્વને સત્તાશક્તિ આપનારા પરબ્રહ્મ પરમેશ્વરે તેની આગળ પણ એક સૂકું તણખલું ધરીને કહ્યું આપ તો સર્વ કોઈને ઉડાવી જઈ શકો છો, તેથી જરાક જેટલું બળ લગાડી આ સૂકા તણખલાને ઉડાવી દો. વાયુ દેવતાને જાણે આમાં પોતાનું અપમાન લાગ્યું ને તેઓ સહજ જ એ તણખલા પાસે પહોંચ્યા અને તેને ઉડાવી દેવા ઈચ્છ્યું તે ન ઉડ્યું ત્યારે તેમણે પોતાની સઘળી શકતી કામે લગાડી દીધી. પરંતુ શક્તિમાન પરમાત્માએ તેની શક્તિ અટકાવી દીધેલી હોવાથી વાયુ દેવ તણોખલાને સેજ પણ હલાવી ન શક્યા ને અગ્નિની પેઠે પ્રતિજ્ઞા ભંગ અને નિષ્પ્રભ થઈ અને શરમથી માથું નમાવી ત્યાંથી પાછા ફર્યા અને બધા દેવતાઓને કહેવા લાગ્યા કે હું તો કંઈ જ જાણી શક્યો નહીં, કે તે યક્ષ કોણ છે? ( મંત્ર 10.)

ત્યાર પછી દેવતાઓએ ઈન્દ્રને કહ્યું ,હે મઘવન !એ યક્ષ કોણ છે ? એની તપાસ તમે કરો ને એને સારી પેઠે જાણો ,એટલે બહુ સારું, કહી ઈન્દ્રદેવ યક્ષની પાસે ગયા પણ તે યક્ષ ઈન્દ્રની સામેથી અંતર ધ્યાન થઈ ગયો લુપ્ત થઈ ગયો (મંત્ર 11)

તે ઇન્દ્ર તેજ આકાશમાં એટલે કે જે ઠેકાણે યક્ષ અંતરધ્યાન થયો હતો ત્યાં એક અત્યંત લાવણ્યમય સ્ત્રી પ્રગટ થઈ હતી, તેની પાસે આવ્યો ને તે સુવર્ણના અલંકારો થી શોભતી હતી અથવા તે હિમાલયની પુત્રી હતી ઉમા.પાર્વતી રુપે ,મહાવિદ્યા- બ્રહ્મવિદ્યા, હતી તેને ઇન્દ્ર પૂછવા લાગ્યો કે આ યક્ષ કોણ છે (મંત્ર 12)
ત્યારે ઉમા હેમવતીએ એમને યથાર્થ નું જ્ઞાન કરાવતા કહ્યું કે આ યક્ષ બ્રહ્મ છે આ વિજય અને મહિમા બ્રહ્મની છે દેવોનીનહીં ત્યારે ઇન્દ્રને યથાર્થ જ્ઞાન થયું અને એનો અહંકાર નાશ પામ્યો.
ઉમા હેમવતી ની આ કથા નારી શક્તિનુ પ્રતીક છે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે નારીએ પોતાનાં પતિને યોગ્ય રાહ દેખાડ્યો છે યોગ્ય માર્ગદર્શન આપ્યું છે અને અહંકારમાંથી મુક્ત કર્યા છે. ઉપનિષદની આ "ઉમા હેમવતી" જ પૌરાણિક યુગમાં હિમવત્ ની પુત્રી એટલે કે હિમાલયની પુત્રી પાર્વતીના રૂપમાં પ્રસિદ્ધ થઈ હતી. જે શિવની શક્તિના રૂપમાં પ્રતિષ્ઠિત થઈ છે.

ઉમા હેમવતીની આ પ્રતિકાત્મક કથા સ્ત્રીઓની પ્રજ્ઞા અને આધ્યાત્મિક ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડવા માટે સક્ષમ છે. બ્રહ્મની શક્તિ અને મહિમાને સ્વયં જાણીને દેવોને આ પરાશક્તિના રૂપમાં બોધ કરાવનાર એક આધ્યાત્મિક ગુરુ તરીકે આધ્યાત્મિક ગુરુના રૂપમાં ઉમાની ભૂમિકા વિશ્વને માટે નિશ્ચય ઉલ્લેખનીય છે.

[ © & Written by Dr.Damyanti Bhatt ]