Bhed bharam - part 27 books and stories free download online pdf in Gujarati

ભેદ ભરમ - ભાગ 27

ભેદભરમ

ભાગ-૨૭

 

પંદર ફૂટના ભૂતના રહસ્યનો ઘટસ્ફોટ

 

 “ધીરજભાઈના ખૂન કેસમાં આ ભૂતની એન્ટ્રી ક્યાંથી આવી? રોજ એક નવી ઉલઝન ઉભી થઇ રહી છે. કેસમાં જરા આશાનું કિરણ દેખાય કે હવે કેસ ઉકેલાઈ જશે ત્યારે એક નવું લફરું આવીને ઉભું રહે અને મળેલી દિશા બંધ થઈ જાય. હવે આ ભૂતની વાત છે શું?” ઇન્સ્પેકટર પરમારે અકળાઈને હરમનને પૂછ્યું હતું.

હરમને ડોક્ટર બ્રિજેશની પત્ની જીયાબેનને દેખાયેલા ભૂતની વાત સવિસ્તાર કરી હતી અને સાથે-સાથે એ બાબત વિશે ડોક્ટર બ્રિજેશ અને એમનો પુત્ર રિધ્ધેશ શું માને છે એ પણ કહ્યું હતું.

હરમન જયારે ઇન્સ્પેકટર પરમારને જીયાબેને દેખેલા ભૂતની વાત કરતો હતો ત્યારે જ એના મગજમાં અચાનક ચમકારો થયો હતો.

“પરમાર સાહેબ, આપણે ધર્માનંદ સ્વામીના આશ્રમમાં ગયા ત્યારે એક માણસ લાકડાનાં સ્ટેન્ડની મદદથી ચાલી રહ્યો હતો. ત્યારે તમે મને કહ્યું હતું કે આ ખુબ નોર્મલ બાબત છે. સર્કસમાં આવાં ખેલ કરનાર કલાકાર બહુ જોવા મળે છે. પરંતુ મારા માટે મેં જોયેલી આ પ્રથમ ઘટના હતી. જે રીતે મને ખબર ન હતી, એ રીતે જીયાબેનને પણ ખબર ના હોય અને એટલે જ એ લાકડાની આ બનાવેલી ઘોડી પર ઉભેલા માણસને ભૂત માની ગયા હોય અને એ ભૂત બનેલા માણસનું કામ સોસાયટીના સભ્યોને ડરાવી સોસાયટી ખાલી કરવાનું હોય એવું લાગે છે.” હરમને પોતાના મનમાં થયેલો ચમકારો ઇન્સ્પેકટર પરમારને કહ્યો હતો.

ઇન્સ્પેકટર પરમાર અને જમાલ પણ હરમનની વાત સાંભળી વિચારમાં પડી ગયા હતા. હરમનનો મુદ્દો બંનેને સાચો લાગી રહ્યો હતો.

“હરમન તારી વાતમાં કંઇક તો દમ લાગે છે અને સર્કસ બંધ થવાના કારણે આવાં કલાકારો બહુ ઓછા રહ્યા છે, માટે મને લાગે છે કે ધર્માનંદ સ્વામીના આશ્રમમાં જે માણસને આપણે ચાલતો જોયો હતો એને બોલાવી એના જેવા બીજા કલાકારોને એ ઓળખતો હોય અને એમાંથી જ કોઈ એક કલાકાર જીયાબેનને ભૂત બનાવી ડરાવી રહ્યો હોય માટે એની પૂછપરછ કરવી જોઈએ. એના થકી આપણને કદાચ પ્રેયસ અને જીયાબેન જેને ભૂત સમજ્યા, એ આવી લાકડીના સ્ટેન્ડ ઉપર ચાલતો કલાકાર જ હોય એવું બની શકે છે. આ રીતે તપાસ કરવામાં કોઈ વાંધો નથી.” આટલું બોલી એમણે હવાલદાર જોરાવરસિંહને કેબીનમાં બોલાવ્યો હતો અને ધર્માનંદ સ્વામીના આશ્રમમાં જે સ્ટેન્ડ ઉપર ચાલતો હતો એ માણસને પોલીસ સ્ટેશન બોલવા કહ્યું હતું. 

“હરમન, આ કેસ ઉકેલવા માટે આગળની રણનીતિ તે શું વિચારી છે? આજે સવારે પણ કમિશ્નર સાહેબનો મારા ઉપર ફોન હતો. આ કેસ જલ્દી ઉકેલવા મારા ઉપર દબાણ લાવી રહ્યા છે.” ઇન્સ્પેકટર પરમારે હરમનને આગળની રણનીતિ વિશે પૂછતાં કહ્યું હતું.

“ઇન્સ્પેકટર પરમાર, ચારેય બાજુના દરવાજા બંધ થઇ ગયા હોય એવું મને લાગે છે. હવે તપાસ ક્યાંથી શરૂ કરવી એ એક મોટો પ્રશ્ન છે. આ કેસને બારીકાઇથી જોઈએ તો આ ખૂન પાછળ સોસાયટીની જમીન મહ્દઅંશે કારણભૂત છે. અને જેના ઉપર આપણને આરોપી તરીકેની શંકા હતી એ બધા લોકો આપણને અત્યારે આરોપી લાગતા નથી અને એમાંથી કોઈએ ભોળા હોવાનો ચહેરો પહેર્યો હોય એવું પણ લાગે, જેથી આપણને એ ભોળા બનીને ભ્રમિત કરી શકે. હવે આપણે ધીરજભાઈના મિત્ર મહેશભાઈની પૂછપરછ કરવી જોઈએ. એ ધીરજભાઈના ખૂન પાછળનું કોઈ કારણ કદાચ જાણતા હોય માટે મહેશભાઈનો નંબર પ્રેયસ પાસેથી લઈ એમને અને એમની બીજી પત્ની સીમાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલવા જોઈએ.” હરમને ઇન્સ્પેકટર પરમારને કહ્યું હતું.

ઇન્સ્પેકટર પરમારને પણ હરમનની વાત યોગ્ય લાગતા એમણે પ્રેયસને ફોન કરી મહેશભાઈનો નંબર લઈ લીધો હતો અને મહેશભાઈને ફોન કરી એમને અને એમની પત્ની સીમાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.

“સાહેબ, ધર્માનંદ સ્વામીનાં આશ્રમમાં નોકરી કરતો એ માણસ આપણે જે દિવસે એમના આશ્રમમાં ગયા હતા એ જ દિવસે નોકરી છોડી જતો રહ્યો હતો. મેં એનો ફોટોગ્રાફ્સ મારા મોબાઈલમાં મંગાવી લીધો છે અને આપને આપના વોટ્સઅપમાં મોકલી પણ દીધો છે.” હવાલદાર જોરાવર માહિતી આપી કેબીનમાંથી બહાર નીકળી ગયો હતો.

ઇન્સ્પેકટર પરમારે વોટ્સઅપ ખોલી એ માણસનો ફોટો જોયો હતો અને ફોટો હરમનનાં વોટ્સઅપ પર પણ મોકલ્યો હતો.

હરમને ફોટો જોયો અને એ ફોટો પ્રેયસને મોકલ્યો હતો અને ત્યારબાદ પ્રેયસને એણે ફોન કર્યો હતો.

“હેલો પ્રેયસ, મેં તને જે ફોટો મોકલ્યો એ ફોટાવાળા વ્યક્તિને તું ઓળખે છે?” હરમને ફોન સ્પીકર પર રાખી પ્રેયસને પૂછ્યું હતું, જેથી ઇન્સ્પેકટર પરમાર પણ સાંભળી શકે.

“હા, આ અમારો જુનો નોકર માવજી છે. એ નોકરી છોડીને જતો રહ્યો હતો, કારણકે એને સોસાયટીમાં ભૂત દેખાતું હતું એવું એનું કહેવું હતું એટલે એ કીધા વગર જતો રહ્યો હતો.” પ્રેયસે ફોટાવાળા વ્યક્તિની ઓળખાણ આપતાં કહ્યું હતું.

પ્રેયસનો ફોન મૂકી હરમનનાં મનમાં એક પછી એક પ્રશ્નોનાં જવાબો મળી રહ્યા હોય એવું ઇન્સ્પેકટર પરમારને એના મોંઢા ઉપરથી લાગ્યું હતું.

“હરમન, તું એકલો જ મનમાં સવાલ-જવાબ કરે છે એના કરતાં મોટેથી બોલ તો મને પણ કશુંક સમજાય.” હરમનની ચુપકીદી જોઈ ઇન્સ્પેકટર પરમારની ધીરજ ના રહી એટલે એમણે હરમનને કહ્યું હતું.

“પરમાર સાહેબ, માવજી જ પંદર ફૂટ ઉંચુ ભૂત છે. માવજીને ભૂત બનાવી સોસાયટીમાં ફેરવવાનો મતલબ થાય છે કે સોસાયટીના લોકો ડરીને પોતાનો બંગલો વેચીને નીકળી જાય. ડોક્ટર બ્રિજેશ દલાલ પણ પોતાનો બંગલો વેચી નીકળી જવાની તૈયારી કરી ચૂક્યાં છે. એવું હું એમની પૂછપરછ માટે ગયો ત્યારે એમણે મને કહ્યું હતું. ભલે મારી સામે તેઓ ભૂતપ્રેતમાં માનતા નથી એવું બોલ્યા હતા. પરંતુ જીયાબેને જોયેલા ભૂતના કારણે તેઓ અંદરથી હલબલી ગયા હોય એવું મને લાગ્યું હતું. પરંતુ સવાલ એ છે કે આ સોસાયટીની જગ્યા માટે જો આ તોફાન થઇ રહ્યું હોય, તો એની પાછળ માત્ર સોસાયટીની જગ્યા જ કારણભૂત નહિ હોય પણ બીજું પણ કંઇક રહસ્ય હશે. સુરેશ પ્રજાપતિ વિશે મેં તપાસ કરી તો મને ખબર પડી કે બોપલ એરિયામાં એના પાંચ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. એ બધા જ પ્રોજેક્ટ ખુબ જ મોટા છે અને દરેક પ્રોજેક્ટની જમીન 60 કરોડથી વધારે રૂપિયાની છે. એ જમીનો એને ખૂબ સરળતાથી ધંધાકીય રીતે અને કોઈને ધાકધમકી વગર ખરીદી છે. જયારે ધીરજભાઈની આ સોસાયટી ખરીદવા માટે તે ખુબ ઉધામા કરી રહ્યો છે એ નવાઈ ઉપજાવે એવું છે અને આવુ સોસાયટીના દરેક સભ્યને અને મને પણ દેખાઈ રહ્યું છે.” હરમને ઇન્સ્પેકટર પરમારની સામે જોઈને કહ્યું હતું.

“હરમન, તું શું કહેવા માંગે છે એ હું સમજ્યો નહિ.” ઇન્સ્પેકટર પરમારે માથું ખંજવાળતાં-ખંજવાળતાં હરમનને કહ્યું હતું.

 “પરમાર સાહેબ, બહુ સીધી વાત છે. ધીરજભાઈની સોસાયટી જેવી જગ્યા બોપલ અને એના આસપાસના વિસ્તારમાં ઘણી છે. અને એ બધી જમીનોના જમીન માલિકો સુરેશ પ્રજાપતિ પર વિશ્વાસ પણ ધરાવે છે. એટલે આવી જમીનો ખરીદવી સુરેશ પ્રજાપતિ માટે ખુબ સરળ છે. તો પછી ધીરજભાઈની સોસાયટીની પાછળ હાથ ધોઈને એ કેમ પડ્યા છે?” હરમને ફરીવાર શંકાની સોય સુરેશ પ્રજાપતિ બાજુ કરી હતી.

“હરમન, તારી ભૂલ થઇ રહી છે. સુરેશ પ્રજાપતિ જ માવજી પાસે આ નાટક કરાવતો હશે એ વાતનો તારી પાસે કોઈ સબુત છે ખરો? કે પછી ખાલી તું તુક્કો જ લગાવે છે?” ઇન્સ્પેકટર પરમારે હરમનને કહ્યું હતું.

“પરમાર સાહેબ, માવજી એ ધર્માનંદ સ્વામીના આશ્રમમાં કામ કરતો હતો. સુરેશ પ્રજાપતિ ધર્માનંદ સ્વામીને ગુરુ માને છે. માટે ધર્માનંદ સ્વામી પણ આ જમીનમાં રસ ધરાવતા હોય અને માવજીને એમણે સુરેશ પ્રજાપતિ આ જમીન ખરીદી શકે એ માટે ભૂતપ્રેતનું નાટક કરવા આ સોસાયટીમાં નોકરીએ લગાડ્યો હોય એવું મારું માનવું છે. અને પકડાઈ જવાના ડરથી એ ભૂત દેખાય છે એવું બહાનું કાઢી ભાગીને ધર્માનંદ સ્વામીના આશ્રમમાં પાછો જતો રહ્યો હતો. માવજી ધર્માનંદ સ્વામીનો માણસ છે અને સુરેશ પ્રજાપતિ ધર્માનંદ સ્વામીના ભક્ત છે. એટલે ત્રણેય જણ એકબીજાને ઓળખે છે.” હરમને મનમાં વિચારેલી થીયરી ઇન્સ્પેકટર પરમારને કહી હતી.

“આ ત્રણેય જણના કનેક્શન વિશે તારી થીયરી તો બરાબર છે. પરંતુ જ્યાં સુધી માવજી ના પકડાય અને આપણને કોઈ સબુત ના મળે ત્યાં સુધી આ થીયરીને ગંભીરતાથી લઈ શકાય નહિ.” ઇન્સ્પેકટર પરમારે હરમનને કહ્યું હતું.

હરમન અને ઇન્સ્પેકટર પરમાર વાત કરી રહ્યા હતા ત્યારે હવાલદાર જોરાવરે આવીને માવજી પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થયો છે એવી માહિતી આપી હતી.

 

ક્રમશઃ

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

-  ૐ ગુરુ