Bhed bharam - part 31 - last part in Gujarati Detective stories by Om Guru books and stories PDF | ભેદ ભરમ - ભાગ 31 - છેલ્લો ભાગ

ભેદ ભરમ - ભાગ 31 - છેલ્લો ભાગ

ભેદભરમ

ભાગ-31

 

ધીરજભાઇ અને મયંકના ખૂનનું ભેદભરમ ઉકલ્યું

 

‍ઇન્સ્પેક્ટર પરમાર હરમનના ફોનની રાહ જોઇ રહ્યા હતાં. કેસ બાબતે શોધખોળ કરવાની છે એવું કહીને બે દિવસથી હરમન ગયો હતો એ વાતને આજે સોમવારે બીજો દિવસ પૂરો થઇ રહ્યો હતો. ઘડિયાળમાં સાંજના ચાર વાગ્યા હતાં. અત્યાર સુધીમાં ઇન્સ્પેક્ટર પરમાર દસ વાર ચા અને પંદર વાર સીગરેટ પી ચૂક્યા હતાં. પોલીસ સ્ટેશનના બીજા કેસોમાં એમનો જીવ લાગતો ન હતો અને મનોમન હરમન પર ગુસ્સો પણ ખૂબ આવતો હતો.

"સાલો હરમનીયો કેસ ઉકેલવાનું કહીને કોણીયે ગોળ લગાડીને જતો રહ્યો છે અને મારો ફોન પણ ઉપાડતો નથી." ઇન્સ્પેક્ટર પરમાર મનોમન ગુસ્સાથી બબડ્યા હતાં.

અકળાયેલા ઇન્સ્પેક્ટર પરમાર ખુરશીમાંથી ઊભા થયા હતાં અને પોતાની કેબીનમાંથી બહાર નીકળ્યા એ વખતે જ હરમનનો ફોન એમના ફોન ઉપર આવ્યો હતો.

"હલો ઇન્સ્પેક્ટર પરમાર, મારી બધી તપાસ પતી ગઇ છે. ધીરજભાઇના અને મયંકના ખૂનનું ભેદભરમ મેં ઉકેલી નાંખ્યુ છે." હરમને ખુશ થતાં ઇન્સ્પેક્ટર પરમારને કહ્યું હતું.

"બે દિવસથી તું ગાયબ થઇ ગયો છે અને હવે એવું કહે છે કે ખૂનનું ભેદભરમ ઉકેલાઇ ગયું છે. એ તો મને કહે કે ભેદભરમ તે શું ઉકેલ્યું?" ઇન્સ્પેક્ટર પરમારે હરમનને અકળાઇને કહ્યું હતું.

"પરમાર સાહેબ, તમે અકળાવો નહિ. તમે ફક્ત એક કામ કરો, સોસાયટીના બધાં સભ્યોને પરિવાર સાથે, સુરેશ પ્રજાપતિને, એમની પત્ની જ્યોતિને અને ધર્માનંદ સ્વામીને રાત્રિના નવ વાગે કોઇપણ રીતે એકસાથે સોસાયટીના ક્લબ હાઉસમાં ભેગા કરી દો અને ખાસ કરીને બંદુકધારી બે-ત્રણ હવાલદારો પણ હાજર રાખજો અને હા, ભુવન ભરવાડને પણ ખાસ બોલાવજો." આટલું બોલી હરમને ફોન મુકી દીધો હતો.

"સાલો મારો સાહેબ હોય એમ મને ઓર્ડર ફાડે છે. દરેક વાતમાં રહસ્ય રાખે છે. ખુલીને કોઇ વાત જ કરતો નથી." ઇન્સ્પેક્ટર પરમાર બબડ્યા હતાં અને હરમન જોડે વાત થયા મુજબ એક પછી એક બધાં જ લોકોને ફોન કરી ધીરજભાઇની સોસાયટીના ક્લબ હાઉસમાં હાજર રહેવાની સૂચના આપી દીધી હતી.

રાત્રિના નવ વાગે સોસાયટીના બધાં સભ્યો અને બાકીના બધાં લોકો ક્લબ હાઉસમાં આવી ગયા હતાં. ઇન્સ્પેક્ટર પરમાર પણ પોલીસ ટીમ સાથે સાડા આઠ વાગ્યાના પ્હોંચી ગયા હતાં.

નવ વાગવા આવ્યા પરંતુ હરમન હજુ આવ્યો ન હતો.

"ઇન્સ્પેક્ટર સાહેબ, અમને બધાંને અહીં ક્લબ હાઉસમાં શેના માટે ભેગાં કર્યા છે?" પ્રોફેસર રાકેશે ઇન્સ્પેક્ટર પરમારને પૂછ્યું હતું.

"રાકેશભાઇ, તમે થોડી ધીરજ રાખો. તમને બધાંને હમણાં જ બધી ખબર પડી જશે." આટલું બોલી ઇન્સ્પેક્ટર પરમાર હરમનને ફોન કરવા માટે ક્લબ હાઉસમાંથી બહાર નીકળ્યા હતાં.

હજી એ હરમનને ફોન કરે એ પહેલા જ હરમન સામેથી આવતો દેખાયો હતો. ઇન્સ્પેક્ટર પરમાર ઝડપથી ચાલીને હરમન પાસે પ્હોંચી ગયા હતાં.

"આ બધાં લોકોને તે ભેગાં કરવાનું નાટક કર્યું છે એ નાટકનું કોઇ પરિણામ નહીં આવે તો હું તને ગોળી મારી દઇશ, યાદ રાખજે હરમન." ઇન્સ્પેક્ટર પરમારે હરમનને ગુસ્સાથી કહ્યું હતું.

"પરમાર સાહેબ, બે દિવસમાં મને ધીરજભાઇના અને મયંકના ખૂનની બધી જ માહિતી મળી ગઇ છે. એટલે ધીરજભાઇના અને મયંકના ખૂનનો પડદો આજના આ નાટકના સહારે ચોક્કસ હું ઉકેલી નાંખીશ." આટલું બોલી હરમન ઝડપથી ચાલી ક્લબ હાઉસમાં પ્રવેશ્યો હતો.

ઇન્સ્પેક્ટર પરમાર અને જમાલ પણ હરમનની પાછળ ક્લબ હાઉસમાં પ્રવેશ્યા હતાં.

હરમને પોતાના ખિસ્સામાંથી એક મોતીના દાણા જેવી કોઇ વસ્તુ બહાર કાઢી અને ધર્માનંદ સ્વામી, જ્યોતિ પ્રજાપતિ અને સુરેશ પ્રજાપતિ સામે જોઇ એ વસ્તુ એ લોકોને બતાવી હતી.

"તમે જે નાગમણી શોધતા હતાં એ નાગમણી મને મળી ગયો છે." આટલું બોલી હરમન ચૂપ રહ્યો હતો.

જ્યોતિ તરત જ ઊભી થઇ અને હરમન પાસે આવી એના હાથમાંથી નાગમણી લઇ લીધો અને એ લઇને ધર્માનંદ સ્વામી પાસે ગઇ હતી.

નાગમણીને જોયા બાદ ધર્માનંદ સ્વામીએ હરમન સામે જોયું હતું.

"આ નાગમણી અસલી છે કે નકલી એ ખબર પડતી નથી. પરંતુ તમને ક્યાં મળ્યો?" ધર્માનંદ સ્વામીએ હરમનને પૂછ્યું હતું.

"મને આ ક્યાંથી મળ્યો એ વાત હું પછી કહીશ." આટલું બોલી હરમન પ્રોફેસર સુનિતા તરફ ફર્યો હતો.

"હા તો પ્રોફેસર સુનિતા, તમારા પિતાની હત્યા કરાવવા માટે અકસ્માત કરાવવામાં આવ્યો છે એ વાત તમારી સાચી છે. તમને આ અકસ્માત માટે કોના ઉપર શંકા છે?" હરમને અચાનક સુનિતા તરફ ફરીને પૂછ્યું હતું.

"મેં પહેલા જ કહ્યું હતું કે મને સુરેશ પ્રજાપતિ ઉપર શક છે અને મને લાગે છે કે મારા પિતાના પૈસા પણ એમણે પાછા આપ્યા નથી." સુનિતાએ સુરેશ પ્રજાપતિ સામે જોઇ ગુસ્સાથી કહ્યું હતું.

"મારે આપવાની સંપૂર્ણ રકમ તમારા પિતાના મૃત્યુ બાદ મેં ધીરજભાઇને આપી દીધી હતી. સાથે-સાથે ડો. બ્રિજેશે આપેલા રૂપિયા જે મને તમારા પિતા મારફતે મળ્યા હતાં એ રૂપિયા પણ મેં તમારા પિતાના મૃત્યુ બાદ ધીરજભાઇને આપી દીધા હતાં અને કહ્યું હતું કે આ રૂપિયા તમે ડો. બ્રિજેશભાઇને આપી દેજો, કારણકે સૌરભ ખત્રીને ડો. બ્રિજેશના રૂપિયા ધીરજભાઇ મારફતે મળ્યા હતાં. માટે આ રૂપિયા મારે સૌરભ ખત્રીના મૃત્યુ બાદ ધંધાની દૃષ્ટિએ ધીરજભાઇને આપવાના થાય અને ધીરજભાઇએ ડો. બ્રિજેશને પહોંચાડવાનું કામ કરવાનું હોય. શરાફી ધંધાનો આ જ નિયમ છે." સુરેશ પ્રજાપતિએ પ્રોફેસર સુનિતા ખત્રીને એના પિતાના રૂપિયા પરત ધીરજભાઇને આપી દીધા છે એવી સ્પષ્ટતા કરી હતી.

"સુનિતાબેન, તમારા પિતા સૌરભ ખત્રીનો અંતિમસંસ્કાર ક્યાં કરવામાં આવ્યો હતો?" હરમનનો સવાલ સાંભળી સુનિતા ખત્રીની આંખોમાં આંસુ આવી ગયા હતાં.

"હરમનભાઇ, તમને પૂરી વાત ખબર નથી. સુનિતાના પિતા સૌરભ ખત્રીની કારનો અકસ્માત થયો હતો ત્યારે કારમાં આગ લાગી ગઇ હતી અને એમાં સૌરભ ખત્રીનું સંપૂર્ણ શરીર બળી ગયું હતું અને આ કારણે એમનું મૃત્યુ થયું હતું. મૃતદેહને સીધો પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ હોસ્પિટલમાં એમના પાર્થિવદેહનું દેહદાન કરી દેવામાં આવ્યું હતું. મૃત્યુ બાદ પોતાના શરીરનું દેહદાન કરવામાં આવે એવી સૌરભ ખત્રીની ઇચ્છા હોવાના કારણે આ પ્રમાણે કરવામાં આવ્યું હતું. પરંતુ આખું શરીર સળગી જવાના કારણે પોસ્ટમોર્ટમ કરવું શક્ય થઇ શક્યું ન હતું." ડો. બ્રિજેશે હરમનને સુનિતા ખત્રીના બદલે કહ્યું હતું.

હરમને ડો. બ્રિજેશની વાત સાંભળી ઇન્સ્પેક્ટર પરમાર સામે જોયું હતું અને ક્લબ હાઉસમાં બેઠેલા જમાલને ઇશારો કર્યો હતો.

જમાલ એક હવાલદાર સાથે ગયો અને મોંઢા પર કાળું કપડું વીંટાળેલું હોય એવા એક વ્યક્તિને બંન્ને જણ બાવડેથી પકડીને લેતા આવ્યા હતાં અને ખુરશીમાં બેસાડી દીધો હતો.

હરમને એ વ્યક્તિના મોઢા ઉપરથી કાળું કપડું હટાવી દીધું હતું.

"ઓહ માય ગોડ... આ તો સૌરભ ખત્રી છે. એ હજી જીવે છે?" પ્રોફેસર રાકેશથી બોલાઇ ગયું હતું.

"હા... હજી જીવે છે અને બહુ સરસ રીતે જીવે છે. હવે આપ સૌને ધીરજભાઇનું ખૂન કેમ થયું અને કેવી રીતે થયું એ સમજાવું. ધીરજભાઇ જ્યારે રાત્રે સવા અગિયારથી સાડા અગિયારના સમયગાળા દરમ્યાન પાર્ટીમાંથી ઘરે પાછા આવ્યા ત્યારે સૌરભ ખત્રી અને એમના બે સાગરિતો ધીરજભાઇની રાહ જોઇને એમના રૂમના બાથરૂમમાં છુપાઇ ગયા હતાં. સૌરભ ખત્રી અને એમના સાગરિતોએ એવું વિચાર્યું હતું કે ધીરજભાઇ દારૂના નશામાં ચકચૂર થઇને આવશે જેથી એમને મારવા આસાન થઇ જશે. સૌરભ ખત્રી એ પણ જાણતા હતાં કે ધીરજભાઇ અને સુધાબેન અલગ-અલગ રૂમમાં સુવે છે. પરંતુ ધીરજભાઇ જ્યારે એમના રૂમમાં દાખલ થયા ત્યારે એ જરાય નશામાં ન હતાં. પરંતુ સૌરભ ખત્રીએ અથવા એમના સાગરિતોમાંથી કોઇ એક જણે ધીરજભાઇની ડોકના એવા ભાગ ઉપર પ્રહાર કર્યો કે જેથી એ તરત બેભાન થઇ ગયા. બેભાન થઇ ગયેલા ધીરજભાઇને સૌરભ ખત્રીએ અને એમના સાગરિતોએ દોરડાથી પગ બાંધ્યા બાદ ત્રણે જણે ભેગાં મળીને એમને પંખાના હુક ઉપર ઊંધા લટકાવી દીધા હતાં. ધીરજભાઇને પંદર મિનિટ સુધી ઊંધા લટકાવી રાખવાથી એમના શરીરનું બધું જ લોહી માથામાં જતું રહ્યું હતું અને બ્લડ પ્રેશરના કારણે માથાની નસો ફાટી જવાથી એમનું મૃત્યુ થયું હતું. ધીરજભાઇ મૃત્યુ પામ્યા છે એની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ એ લોકોએ ધીરજભાઇના પગ ઉપર પડેલા દોરડાના નિશાનોને છુપાવવા પગમાં મોજા પહેરાવ્યા હતાં, કારણકે પગમાં બંગડી જેવા ગોળ ચકામા બની ગયા હતાં એટલે સૌરભ ખત્રી અને એમની ટીમે ધીરજભાઇના પગમાં મોજા પહેરાવીને ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયા હતાં. સૌરભભાઇ મારી વાત બરાબર છેને?" હરમને સૌરભ ખત્રી સામે જોઇ પૂછ્યું હતું.

સૌરભ ખત્રીએ ચૂપચાપ હકારમાં માથું હલાવ્યું હતું.

ક્લબ હાઉસમાં બેઠેલા દરેક વ્યક્તિઓ હરમનની આ વાત સાંભળી સ્તબ્ધ થઇ ગયા હતાં. સુધાબેન અને પ્રેયસ તો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતાં.

"ધીરજભાઇનું ખૂન કેમ કરવામાં આવ્યું હતું અને સૌરભ ખત્રી જોડે એમના બે સાગરિતો કોણ હતાં?" ઇન્સ્પેક્ટર પરમારે હરમન સામે જોઇ પૂછ્યું હતું.

"સૌરભ ખત્રી પાસે ધીરજભાઇના પચ્ચીસ કરોડ રૂપિયા હતાં. જે રકમ તેઓ ધીરજભાઇના કહેવાથી વ્યાજે ફેરવતા હતાં અને એમાંથી એમને કમિશન મળતું હતું. પરંતુ આ વાત ધીરજભાઇ અને સૌરભ ખત્રી બંન્ને જ જાણતા હતાં. સૌરભ ખત્રીનો અકસ્માત થયો એના મહિના પહેલા ધીરજભાઇએ પોતાની પચ્ચીસ કરોડની રકમ પાછી માંગી હતી. ત્યારે સૌરભભાઇએ રકમ ફસાઇ ગઇ છે એવું ધીરજભાઇને જણાવ્યું હતું અને એ રકમ સુરેશ પ્રજાપતિને વ્યાજે આપેલી છે એવું પણ ધીરજભાઇને જણાવ્યું હતું. પરંતુ ધીરજભાઇએ કહ્યું હતું કે મારે આ રકમ તારી પાસેથી લેવાની થાય. તું કોને આપે છે એની સાથે મારે કોઇ લેવાદેવા નથી એવું કહી પોતાની ઉઘરાણી ચાલુ રાખી હતી અને એટલે રૂપિયા પાછા ના આપવા પડે માટે સૌરભભાઇએ પોતાનો જ અકસ્માત કરાવી મરી જવાનું નાટક કર્યું હતું. એમના જેવી જ હાઇટ બોડી ધરાવતા માણસને પૈસા આપીને પોતાની ગાડીમાં એમણે મોકલ્યો અને ટ્રક દ્વારા ગાડીનો અકસ્માત કરાવ્યો અને ત્યારબાદ એ ગાડી સળગાવી દેવડાવી હતી. એ રસ્તે ખાસ અવરજવર ન હોવાના કારણે પોલીસ અને ફાયરબ્રિગેડ વાળા આવે એ પહેલા લાશ સંપૂર્ણપણે સળગી ગઇ હતી. આ રીતે સૌરભ ખત્રીએ પોતાના મોતનું નાટક કર્યું હતું. મોતનું નાટક કર્યા બાદ એ તરત જ પહેલેથી જ નક્કી કરેલી ગુપ્ત જગ્યાએ જઇને સંતાઇ ગયા હતાં અને એ ગુપ્ત જગ્યા ડો. બ્રિજેશના દવાખાનાની પાછળ આવેલા બે રૂમ હતાં. સૌરભ ખત્રીને ધીરજભાઇનું ખૂન કરવામાં મદદ કરનાર સાગરિતોમાં એક ડો. બ્રિજેશ અને બીજો ડો. બ્રિજેશનો કમ્પાઉન્ડર દલપત હતાં." હરમને ફરીવાર કરેલો ચોંકાવનારો ખુલાસો સાંભળી બધાં લોકોની આંખો ફાટી રહી ગઇ હતી.

"મી. હરમન, તમે મારા ઉપર આવો આરોપ ના લગાડી શકો." ડો. બ્રિજેશે લગભગ બૂમ પાડતા કહ્યું હતું.

"ડો. બ્રિજેશ, તમે તમારી પત્ની જીયાને ગાંડી ગણીને કોર્ટમાં છૂટાછેડા માટેની દરખાસ્ત કરી છે. જેની કોપી મારી પાસે છે. તમે જીયાને છૂટાછેડા આપીને પ્રોફેસર સુનિતા ખત્રી જોડે લગ્ન કરવા માંગતા હતાં અને સોસાયટીની જમીનમાં તમે તમારો ચોથો હિસ્સો એટલેકે પાંચ હજાર વાર જગ્યા મેળવવા ઇચ્છતા હતાં. સૌરભ ખત્રીને તમારા અને સુનિતાના પ્રેમ પ્રકરણની ખબર પડી ગઇ હતી. એટલે તમને પણ એમણે ધીરજભાઇના ખૂનના પ્લાનમાં સામેલ કર્યા હતાં અને તમે તમારા પૈસા, સુનિતાના પ્રેમના કારણે અને સોસાયટીમાં પાંચ હજાર વાર જગ્યા મેળવવાની લાલચમાં આવીને સૌરભ ખત્રીના પ્લાનમાં જોડાઇ ગયા હતાં. મારી પાસે આ વાતના સાક્ષી તરીકે સૌરભ ખત્રી પોતે જ છે." હરમને ડો. બ્રિજેશ સામે જોઇ કહ્યું હતું.

હરમનની વાત સાંભળી ડો. બ્રિજેશ જમીન ઉપર ફસડાઇ પડ્યા હતાં.

"હરમનભાઇ, એ દિવસે તો ડો. બ્રિજેશ સિતાર વગાડી રહ્યા હતાં અને રાત્રિના પોણો વાગ્યા સુધી તો અમે એમનું સિતાર સાંભળ્યું છે, તો પછી એ ખૂન કઇ રીતે કરી શકે?" પ્રોફેસર રાકેશે એમના મનમાં ઊભો થયેલો પ્રશ્ન હરમનને પૂછ્યો હતો.

"એ દિવસે સિતાર ડો. બ્રિજેશ નહિ પરંતુ સુનિતા ખત્રી વગાડી રહ્યા હતાં. જેથી તમને બધાંને એમ લાગે કે ધીરજભાઇનું ખૂન થયું એ વખતે ડો. બ્રિજેશ સિતાર વગાડી રહ્યા હતાં. પ્રોફેસર સુનિતા ખત્રી ડો. બ્રિજેશના ઘરમાં જ એમની જગ્યાએ બેસીને સિતાર વગાડી રહી હતી. ડો. બ્રિજેશનો દીકરો રિદ્ધેશ એ દિવસે ઘરમાં ઉપસ્થિત ન હતો અને પત્ની જીયાને તો રાત્રે સુતી વખતે એ ઊંઘમાં ચાલતા હોવાના કારણે એમના પગ બાંધી દેતા હોય છે. માટે સિતાર એ નહિ પણ પ્રોફેસર સુનિતા વગાડી રહી છે એ વાતનો કોઇ સાક્ષી રહે નહિ. મારી વાત બરાબર છેને, પ્રોફેસર સુનિતાજી?" હરમને પ્રોફેસર સુનિતા તરફ જોઇ કહ્યું હતું.

પ્રોફેસર સુનિતાની આંખો ગુસ્સાથી લાલ થઇ ગઇ હતી.

"મારા દીકરા મયંકનું ખૂન કોણે કર્યું?" ભુવન ભરવાડે હરમન સામે જોઇ પૂછ્યું હતું.

"મયંક સૌરભ ખત્રીને અને ડો. બ્રિજેશને એક સાથે જોઇ ગયો હતો. એટલે એ ગમેત્યારે બોલી ના જાય એ માટે એને મારવા જરૂરી થઇ ગયો હતો. ઝાંપાની બહાર મયંક ગયો ત્યારે ડો. બ્રિજેશ સોસાયટીની બહાર નીકળ્યા અને મયંકને ક્લોરોફોમ સુંઘાડી બેભાન કરી નાંખ્યો હતો અને પોતાની ગાડીમાં નાંખી અને પોતાના ક્લીનીક પર એમના કમ્પાઉન્ડર દલપતની મદદથી લઇ ગયા હતાં. સવારના પાંચ વાગે જ્યારે એ ભાનમાં આવ્યો ત્યારે એને બુંદીનો લાડવો ખવડાવ્યો હતો જેમાં ઝેર નાંખેલું હતું. એ ખવડાવ્યા બાદ સોસાયટીના ક્લબહાઉસમાં એની લાશ મુકી દીધી, જેથી ધીરજભાઇના ખૂની ઉપર જ મયંકના ખૂનનો પણ આરોપ આવે. સૌરભ ખત્રી અને એમની ટીમ આ આરોપ સુધાબેન અને પ્રેયસના માથે નાંખવા માંગતા હતાં એવું સૌરભભાઇએ ખુદ કબુલ્યુ છે. ધીરજભાઇ અને મયંકનું ખૂન કર્યા બાદ સૌરભ ખત્રી અને એની ટીમે ધર્માનંદ સ્વામી, સુરેશ પ્રજાપતિ અને જ્યોતિ પ્રજાપતિને ઠગવા માટે આ ડુપ્લીકેટ નાગમણી શોધી લાવ્યા હતાં અને આ નાગમણી ડો. બ્રિજેશના માધ્યમથી સો કરોડમાં ધર્માનંદ સ્વામીને વેચવાના હતાં. મારી વાત બરાબર છેને, સૌરભ ખત્રી?" હરમને સૌરભ ખત્રી સામે જોઇ પૂછ્યું હતું.

સૌરભ ખત્રીએ ફરીવાર સંમતિમાં માથું હલાવ્યું હતું.

ભુવન ભરવાડ ઊભા થઇને ડો. બ્રિજેશને મારવા લાગ્યા હતાં. ઇન્સ્પેક્ટર પરમારે તરત એમને પકડી લીધા હતાં અને ધીરજભાઇ અને મયંકના ખૂનના આરોપ બદલ સૌરભ ખત્રી, પ્રોફેસર સુનિતા ખત્રી, ડો. બ્રિજેશ અને એમના કમ્પાઉન્ડર દલપતને ગીરફ્તાર કરી લીધા હતાં અને હવાલદાર જોરાવર જોડે પોલીસ સ્ટેશન પોલીસ ટીમ સાથે મોકલી આપ્યા હતાં.

"હરમન, સૌરભ ખત્રી અને એમની આ ટીમે ધીરજભાઇ અને મયંકનું ખૂન કર્યું છે એ તને કઇ રીતે ખબર પડી?" ઇન્સ્પેક્ટર પરમારે પોતાના મનમાં ચાલતો સવાલ હરમનને પૂછ્યો હતો.

ક્લબ હાઉસમાં ઉપસ્થિત રહેલા લોકો પણ આ સવાલનો જવાબ સાંભળવા માટે ખૂબ આતુર હતાં.

"વાત એમ બની હતી કે રવિવારે સવારે હું બોપલમાં જ આ ખૂન કેસની તપાસ કરવા માટે આવ્યો હતો. એ વખતે મને ઠંડી અને તાવ જેવું લાગતું હતું. ડો. બ્રિજેશ એક સારા તબીબ છે એવું મેં ધીરજભાઇ પાસેથી સાંભળ્યું હતું. એટલે હું એમના ક્લીનીક ઉપર પ્હોંચી ગયો હતો અને પેશન્ટોની જોડે લાઇનમાં બેસી ગયો હતો. ડો. બ્રિજેશ એમની કેબીનમાં હતાં અને એમનો કમ્પાઉન્ડર દલપત મને ઓળખતો ન હતો. એ જ વખતે મેં વેઇટીંગ રૂમની બારીમાંથી સફેદ ઝભ્ભો-લેંઘો પહેરેલી એક વ્યક્તિને ક્લીનીકને અડીને આવેલા ગ્રાઉન્ડમાં આંટો મારતા જોઇ હતી. ખૂબ ગરમી હોવા છતાં એણે માથા ઉપર ગરમ ટોપી પહેરી હતી. એ વ્યક્તિનો ચહેરો મને જાણીતો લાગ્યો અને એ વ્યક્તિને મેં ક્યાં જોયા છે એ વિચારવા લાગ્યો હતો અને તરત જ હું ક્લીનીકમાંથી બહાર આવી અને ગાડીમાં બેસી ગયો હતો. ગાડીમાં બેસીને અડધો કલાક વિચાર્યા બાદ મને યાદ આવ્યું કે આ વ્યક્તિ પ્રોફેસર સુનિતા ખત્રીના પિતા સૌરભ ખત્રી જેવા દેખાય છે. સૌરભ ખત્રીનો ફોટો મેં પ્રોફેસર સુનિતા ખત્રીના ઘરે જોયો હતો. પહેલા તો મને થયું કે તાવના કારણે મારું માથું ભમી રહ્યું છે પરંતુ નસીબ જોગે સુનિતા ખત્રીની ગાડી પણ ક્લીનીકની બાજુમાં આવેલા કમ્પાઉન્ડમાં દાખલ થઇ હતી અને સુનિતા ખત્રી એમાંથી નીચે ઉતરી હતી અને એના હાથમાં ટીફીન હતું. બસ આ દૃશ્ય જોતાં જ મારા મગજમાં ધીરજભાઇના ખૂનના બધાં જ તાર જોડાઇ ગયા હતાં. આગલી રાત્રે મેં સુનિતા ખત્રીને ડો. બ્રિજેશની જેમ જ સિતાર વગાડતા સાંભળ્યા હતાં. એટલે ડો. બ્રિજેશને, સૌરભ ખત્રીને અને સુનિતા ખત્રી આ ત્રણેની કડીને જોડતા મને વાર લાગી નહિ. એ જ દિવસે રાત્રે બાર વાગે મેં સૌરભ ખત્રી જે રૂમમાં રહેતા હતાં એ રૂમનો દરવાજો ખખડાવી અને સૌરભ ખત્રીએ દરવાજો ખોલ્યો ત્યારે હું અને જમાલ જબરદસ્તીથી અંદર ઘુસી ગયા હતાં અને સૌરભ ખત્રી પાસેથી બધી જ કબુલાત કરાવી લીધી હતી અને એમને એ રૂમમાંથી લઇ જઇ અને મારી ઓફિસમાં કાલે રાતના બાર વાગ્યાથી અત્યાર સુધી પકડી રાખ્યા હતાં અને બધાં જ ખુલાસા અને કબુલાત એમની પાસે કરાવી લીધી હતી. એમણે કરેલી બધી જ કબુલાતનું ઓડિયો રેકોર્ડીંગ મેં કરેલું છે. આમ જોવા જાઓ તો એ દિવસે સવારે મને તાવ અને ઠંડી જેવું ના લાગ્યું હોત તો હું ડો. બ્રિજેશના ક્લીનીક પર ગયો ના હોત અને આ કેસ આટલો જલ્દી ઉકેલાયો ના હોત." હરમને પોતાની વાત પૂરી કરતા કહ્યું હતું.

"હરમનભાઇ, મારા કાકા અને મયંકના ખૂનનો કેસ ઉકેલીને તમે અમારા ઉપર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે. તમારા કેસની ફી હું કાલે તમારી ઓફિસે આવીને આપી જઇશ." પ્રેયસે હરમનનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું.

હરમન, જમાલ અને ઇન્સ્પેક્ટર પરમાર ત્રણેય ક્લબ હાઉસમાંથી બહાર નીકળ્યા હતાં.

"તને પહેલેથી જ ખબર હતી કે ડો. બ્રિજેશ અને સુનિતા ખત્રી વચ્ચે પ્રેમ સંબંધ છે?" ઇન્સ્પેક્ટર પરમારે હરમનને પૂછ્યું હતું.

"શનિવારે રાત્રે જ્યારે મેં બારી ખોલીને પ્રોફેસર સુનિતા ખત્રીને સિતાર વગાડતી જોઇ એ વખતે એ બંન્ને થોડાં દૂર બેઠાં હતાં પરંતુ જે રીતે એકબીજાને જોઇ રહ્યા હતાં એના પરથી મને લાગ્યું કે એ બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ છે. સૌરભ ખત્રી જો હાથમાં ના આવ્યો હોત તો આ ખૂનના રહસ્યને ઉકેલવું અને આ ભેદભરમમાંથી બહાર નીકળવું આપણા માટે અશક્ય બની જાત. પરંતુ અંત સારો તો બધું સારું એ કહેવત અહીંયા આપણને બધાંને ફળી છે." હરમનની વાત સાંભળી ઇન્સ્પેક્ટર પરમાર હસી પડ્યા હતાં.

સંપૂર્ણ

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો.)

-  ૐ ગુરુ

 

 

Rate & Review

Ranjan Patel

Ranjan Patel 4 months ago

MIHIR THAKER

MIHIR THAKER 4 months ago

Vaishu

Vaishu 4 months ago

Viral

Viral 5 months ago

Jasu Patel

Jasu Patel 6 months ago