Ikarar - 10 books and stories free download online pdf in Gujarati

ઇકરાર - (ભાગ ૧૦)

હું અને સંદીપ અમારો બધો સમાન મને અને રીચાને જે રૂમ આપ્યો હતો તેમાં લઈ આવ્યા. ખરી કસોટી તો હવે શરૂ થવાની હતી. મારો અને રીચાનો રૂમ એક જ હતો. સંદીપ, દિવ્યા અને તેના બાળકો સાથે હું અને રીચા ડીનર ટેબલ પર જમવા બેઠા. રીચાએ તો અમારી સાથે ભોજન લેવાની ના પાડી, પણ સંદીપના આગ્રહવશ તે પણ અમારી સાથે ભોજન તરફ દોરાઈ.


દિવ્યાએ મસાલા ભીંડીનું શાક, રોટલી, દાળ-ભાત, અથાણું, છાશ ને કચુંબર દરેકની થાળીમાં પીરસ્યા પછી બધાએ જમવાનું શરૂ કર્યું. જમતી વખતે દિવ્યાએ મને પૂછ્યું, “મહર્ષિ, આ કોણ છે? ઓળખાણ તો કરાવ.”


મારા હાથમાંનો કોળીયો હાથમાં જ રહી ગયો. છતાં મેં સ્વસ્થતા જાળવતા કહ્યું, “એ..” મારી પહેલાં જ સંદીપ વચ્ચે જ બોલી પડ્યો, “એ રીચા છે. મહર્ષિની વાઈફ.” મેં રીચા સામે જોયું. તે નીચું માથું રાખીને જ જમી રહી હતી. મને થયું કે ખોટું લાંબુ ચલાવવું એના કરતાં ચોખવટ કરી દેવી સારી. મેં ખુલાસો કરતાં કહ્યું, “દિવ્યા, એ મારી વાઈફ નથી. એ મારી ફ્રેન્ડ છે. અમે એટલે કે મેં અહી ઓસ્ટ્રેલીયા આવવા માટે તેની સાથે કોન્ટ્રાક્ટ મેરેજ કર્યા છે.”


મેં અને રીચાએ કોન્ટ્રાક્ટ મેરેજ કર્યા છે એ જાણીને દિવ્યાના મગજમાં પહેલો જ વિચાર રૂમનો આવ્યો હોય એમ બોલી, “અરે સોરી, મને ખબર ન હતી. તમને એક જ રૂમ આપ્યો. પણ સમસ્યા એ છે કે અમારી પાસે બીજો રૂમ હાલ ખાલી નથી.”


મેં કહ્યું, “કંઈ વાંધો નહીં. અમે એડજસ્ટ કરી લઈશું.” એડજસ્ટ શબ્દ સાંભળીને રીચાના ચેહરાના ભાવો બદલાયા. મેં એના હાવભાવથી એ અનુમાન લગાવ્યું કે એને ટેન્શન થઈ રહ્યું છે કે આજે અમારે બંનેએ સાથે એક જ રૂમમાં રહેવું પડશે. એના એ ટેન્શનને લીધે એ બરાબર જમી પણ નહીં, પણ હું કંઈપણ કરવા અસમર્થ હતો.


જમીને રીચાએ દિવ્યાને વાસણ સાફ કરવામાં મદદ કરી અને બંનેએ અલકમલકની વાતો કરી. સ્ત્રીઓની એ વાત મને બહુ ગમે છે જે પુરુષોમાં નથી હોતી, એક સ્ત્રી બીજી અજાણી સ્ત્રી સાથે પણ એવી રીતે વાતો કરી શકે છે જાણે કે બંને એકબીજાને વર્ષોથી ઓળખાતા હોય છે. મને રજનીકાકાનો અવાજ સંભળાયો, “વ્હાલા સ્ત્રી પ્રેમથી ભરપુર છે, જયારે પુરુષ અહમથી ભરપુર છે.” દિવ્યા અને રીચાને નિખાલસતાથી વાતો કરતાં જોઇને મને એ યથાર્થ લાગી રહ્યું હતું.


હું અને સંદીપ વાતો કરતાં કરતાં બહાર લટાર મારવા નીકળ્યા. અમે આમ એકબીજા સાથે ઘણા વર્ષો પછી વાતે વળગ્યા હતા એટલે અમને સમયનું ભાન જ ન રહ્યું. રાતના બાર વાગવા આવી ગયા હતા ને સંદીપને કાલે ઓફિસે પણ જવાનું હશે એ વિચારી મેં કહ્યું, “હવે તો આપણે અહીં જ છીએ, રોજ વાતો કરવાની જ છે. ચાલ મોડું થઈ ગયું છે, સુઈ જઈએ.”


ઘરમાં આવીને મેં સંદીપને કહ્યું, “મને એક ઓશિકું અને ચાદર આપ. હું અહીં સોફા પર સુઈ જઈશ.”


સંદીપ જાણે સમજ્યો જ ન હોય તેમ બોલ્યો, “કેમ?”


મેં ટકોર સાથે સ્પસ્ટતા કરતાં જવાબ આપ્યો, “અલા તું પણ શું. તને કહ્યું તો ખરું કે અમારા કોન્ટ્રાક્ટ મેરેજ છે. અમે તો હજી એકબીજાને બરાબર ઓળખાતા પણ નથી. એક રૂમમાં કેવી રીતે રહીએ?”


સંદીપ પણ જાણે કે વાત છોડવા જ ન માંગતો હોય એમ દલીલ કરતાં બોલ્યો, “એમાં શું અહીં કોણ જોવાનું છે. તને સોફા પર આખી રાત ઊંઘ નહીં આવે. જો બરાબર ઊંઘ નહીં લે, તો બીમાર થઈ જઈશ.”


મેં મારી વાત પર અડગ રહેતા કહ્યું, “કંઈ નહીં થાય, તું ઓશીકું અને ચાદર આપ.”


સંદીપે કહ્યું, “તારા રૂમમાં જ છે, ત્યાંથી લઈ લે.” મેં ઠીક છે કહી તેને ગુડ નાઈટ કહ્યું એટલે સંદીપ એના રૂમ તરફ વળ્યો અને હું મારા રૂમ તરફ વળ્યો. એ મજાક કરતાં બોલ્યો, “છોકરી લાગે તો સારી. જો એને વાંધો ન હોય તો કોન્ટ્રાક્ટ ને કાયમ કરી નાંખો.” મેં એની સામે હળવા ગુસ્સાથી જોયું અને એ બોલ્યો, “મજાક કરું છું.”


મેં રૂમનું બારણું ધીમેથી ખોલ્યું તો રૂમમાં એકદમ આછો પ્રકાશ પથરાયેલો હતો, જેમાં રૂમની અંદરની લાઈટ અને બહારના રોડ લાઈટના પ્રકાશનું મિશ્રણ હતું. હું રૂમમાં પ્રવેશ્યો. રીચા પલંગ પર ઘોર નિદ્રામાં સુતી હોય એવું લાગ્યું. ધીમેથી કબાટ ખોલી તેમાંથી ઓશીકું અને ચાદર કાઢીને જેવો હું બહાર નીકળવા દરવાજા તરફ વળ્યો કે પલંગ પર સળવળાટ થયો.


રીચાએ કહ્યું, “સર, આપણે અહિયાં કેટલા દિવસ રહેવું પડશે.”


એનું સર કહેવું હવે મને અતડું લાગતું હતું. છતાં તેની અવગણના કરી કહ્યું, “હવે તો અહિયાં જ રહેવાનું છે. આપણી પાસે ત્રણ વર્ષના વિઝા છે, ત્યાં સુધી તો અહીં જ રહીશું ને. અને આપણે ઓસ્ટ્રેલીયા એટલા મારે જ તો આવ્યા છીએ કે અહીં સેટ થઈ શકીએ.”


એનો કહેવાનો અર્થ કંઇક જુદો હોય એમ એ બોલી, “એમ નહીં, તમારા ફ્રેન્ડના ઘરે.”


મેં કહ્યું, “અહીં જ રહેવાનું છે. જુઓ આપણે બીજે રહીએ તો પણ ભાડું તો આપવાનું છે એના કરતાં તો સંદીપને આપીશું. અને બીજું ખાસ તો એટલા માટે કે તમારી કોલેજ પણ અહીંથી નજીક છે.”


એણે કહ્યું, “પણ..”


મેં કહ્યું, “આ પણ તમારો ફેવરીટ તકિયાકલામ છે કે શું?”


એણે આશ્ચર્ય સહ પૂછ્યું, “કેમ?”


મેં હસીને કહ્યું, “બોલો, પણ શું?”


એણે મૂંઝવણમાં કહ્યું, “આ તમારા ફ્રેન્ડ અને તેમની વાઈફ આપણને...”


એણે અધૂરું મુકેલું વાક્ય હું સમજી ગયો હતો. મેં એની મૂંઝવણ દૂર કરવા દિલાસો આપતા કહ્યું, “એમને ખબર ન હતી એટલે ભૂલથી એ લોકો આપણને હસબંડ વાઈફ સમજતા હતા, પણ મેં ક્લીયર કરી દીધું છે. હવે વાંધો નહીં આવે.”


એણે હકારમાં માથું હલાવ્યું, પણ હજી એને કોઈ શંકા બાકી હોય એમ બોલી, “પણ...”


મેં એની સામે આશ્ચર્ય અને પ્રશ્નાર્થના મિશ્ર ભાવ સાથે જોયું અને બંને હસી પડ્યા. એણે કહ્યું, “એક રૂમમાં આપણે.. કેવી રીતે.. એડજસ્ટ?”


મેં એની શંકાનું નિવારણ કરતાં કહ્યું, “તમે ચિંતા ન કરો. હું બહાર સોફા પર સુઈ જઈશ.”


એણે સ્ત્રી સહજ સ્વભાવથી મારી ચિંતા કરતાં કહ્યું, “પણ કેટલા દિવસ સુધી આમ ચાલશે.”


મેં કહ્યું, “અરે યાર, બહુ ચિંતા કરો છો તમે. કંઈ રસ્તો કાઢીશું. સુઈ જાવ તમે. ગુડનાઈટ.” હું બહાર નીકળવા વળ્યો અને ફરી એનું ‘પણ’ સંભળાયું.


મેં એની સામે ફરીને જોયું અને એણે હસીને કહ્યું, “ગુડનાઈટ. થેંક યુ સર.”


મેં એને ટકોર બોલ્યો, “તમે સર.. સર ના કરો. મહર્ષિ કહેશો તો પણ ચાલશે.”


એણે હકારમાં સહેજ માથું હલાવી કહ્યું, “ઓકે સર.” મેં પ્રેમથી આંખો કાઢી અને એ સમજી ગઈ એ સમજીને હું રૂમની બહાર આવી સોફા પર સુઈ ગયો.